એક પ્રેમી પોતાની પ્રિયતમાને મળવા ગયો .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
મ નમાં એણે નક્કી કર્યું હતું કે બસ, હવે જીવનભર પ્રિયતમા સાથે જ રહેવું છે.
જઈને એણે પ્રિયતમાનાં ઘરનાં બારણે ટકોરા માર્યા.
અંદરથી અવાજ આવ્યો, 'અરે કોણ છે ?'
પ્રિયતમે લાગણીભીના અવાજે કહ્યું, 'એ તો હું તમારો પ્રિયતમ.'
કમાડ બંધ જ રહ્યા. ખૂલ્યા નહીં. ફરી પ્રિયતમે બારણું ખખડાવતા કહ્યું, 'અરે ખોલ, ખોલ. હું તમારો પ્રિયતમ. તારે બારણે આવીને ઊભો છું. પ્રેમમાં હવે તારો વિરહ જીરવાતો નથી. તારી સાથે રહેવા આવ્યો છું.'
અંદરથી કોઈ અવાજ ન આવ્યો. માત્ર શાંતિ.
પ્રિયતમે ફરી બારણું ખખડાવ્યું ત્યારે એની પ્રિયતમાએ બારણું ખોલીને કહ્યું, 'માફ કરજો મારા પ્રેમી ! અહીં બે માણસો રહી શકે એટલી જગ્યા નથી. ફરી આવજો, પણ આવો ત્યારે પ્રેમનો રંગ પાકો લગાડીને આવજો.'
પ્રિયતમ પાછો ફર્યો. ઠેર ઠેર ભમવા લાગ્યો. રાત-દિવસ વિચારવા લાગ્યો. મનમાં મંથન ચાલે કે શા માટે પ્રિયતમાએ એમ કહ્યું કે, 'પ્રેમનો રંગ પાકો કરીને આવજો.'
આખરે ઘણા દિવસો વીતી ગયા. કેટલીય વાર સૂર્ય ઉગીને આથમી ગયો. ચાંદ શીતળતા આપીને લુપ્ત થયો. એક દિવસ પ્રિયતમ ફરી પ્રેયસીના ઘેર પહોંચ્યો. જઈને બારણે ટકોરા દીધા.
પ્રેયસીએે પૂછયું, 'અરે, કોણ છે?'
પ્રેમીએ જવાબ આપ્યો, 'પૂછીશ નહીં હું કોણ છું. બસ, હવે તો તું ને તું જ છે.' જવાબ સાંભળતા જ દ્વાર ખૂલી ગયા.
પ્રિયતમાએ પ્રેમીને આવકાર આપ્યો.
આમ, સાચો પ્રેમ એ 'હું' અને 'તું'ની દિવાલોમાં વસતો નથી. જ્યારે 'હું' અને 'તું'નો ભેદ નાશ પામે છે, ત્યારે જ એક હૃદય બીજા હૃદય સાથે તાલ મેળવી શકે છે. જ્યાં અહંકાર છે, ત્યાં 'હું' વસે છે. જ્યાં પ્રેમ છે ત્યાં 'તું' વસે છે. જ્યાં જુદાઈ છે, ત્યાં 'હું'ની બોલબાલા છે. જ્યાં એકરૂપતા છે ત્યાં 'તું'નો પ્રભાવ હોય છે.
જ્યાં 'હું'નો નાશ થાય છે, ત્યાં જ 'તું' પ્રગટ થાય છે. જે પોતાના અહમને ઓળંગી જાય છે. જે પોતાના અંગત આગ્રહોને બાળીને ભસ્મીભૂત કરે છે, તે જ 'તું'ની ધૂન લગાવી શકે છે.
'હું'માંથી જગતના અનિષ્ટો સર્જાયા છે. 'તું'માંથી જગતનું કલ્યાણ પેદા થયું છે. માનવી એના ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં 'હું'ના અહમ અને આસક્તિથી જેટલો દૂર જાય છે, તેટલો જ 'તું'ના સંતોષ અને સદ્ભાવને મેળવી શકે છે.