Get The App

ધર્મગુરુએ અભણ ભરવાડની માફી માગી

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ધર્મગુરુએ અભણ ભરવાડની માફી માગી 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

આ કાશનો સૂરજ અસ્તાચળ તરફ ગતિ કરતો હતો, ત્યારે ખેતરમાંથી પસાર થતા ધર્મગુરુએ પ્રાર્થનાના શબ્દો સાંભળ્યા. એમના આશ્ચર્યની કોઈ સીમા રહી નહીં. કારણ એ કે પ્રાર્થના ઈશ્વરને થતી હતી પણ સાવ અણઘડ રીતે !

ખેતરની વચ્ચે ચરતાં ઘેટાં-બકરાં અને તેમની પાસે ઊભેલો નિરક્ષર એવો ભરવાડ ભગવાનને પ્રાર્થના કરતો હતો. આ ભરવાડે ધર્મગ્રંથો વાંચ્યા નહોતા, પ્રભુસ્તુતિઓ મુખપાઠ કરી નહોતી એને માત્ર ઈશ્વરની જાણ હતી અને તેને એ કહેતો હતો,

'હે પ્રભુ ! તું પણ એકલો અને હું પણ એકલો. તને એકલા ઉપર નહીં ગમતું હોય અને મને અહીં નીચે એકલા ગમતું નથી. તો એક કામ કર કાં તું મને ઉપર બોલાવી લે અથવા તો તું ઉપરથી આવીને નીચે મારી સાથે રહે.'

આવી વિચિત્ર પ્રાર્થના સાંભળીને ખેતરમાંથી પસાર થતા ધર્મગુરુના પગ થંભી ગયા. ભરવાડની પ્રાર્થના તો ચાલુ જ રહી. એણે ફરી પ્રભુને કહ્યું,

'હે પ્રભુ ! ઉપર તું એકલો છે. મને ચિંતા એ થાય છે કે તારા માથામાં જૂ પડતી હશે તો કોણ કાઢતું હશે ? એટલે તું જ જો નીચે આવે તો વધુ સારું. હું તારા માથાની જૂ જરૂર કાઢી આપીશ.'

ધર્મગુરુ આવી પ્રાર્થના સાંભળીને અકળાઈ ઊઠયા. ભગવાન સામે આવી બેઅદબી! ઈશ્વરને આવું કહેવાય કેમ? એમણે તરત જ ભરવાડને કહ્યું,

'અલ્યા ! તું શું બોલે છે એનું તને ભાન છે ખરું?

 ભગવાનના માથામાંથી જૂ કાઢવાની વાત કરે છે ? આવું બોલવાથી તને કેટલું બધું પાપ લાગે છે.'

ભરવાડે કહ્યું, 'રોજ ઘેટાં ચરાવતી વખતે ભગવાન સાથે ઘણી ઘણી વાતો કરું છું.'

ધર્મગુરુએ કહ્યું, 'અલ્યા, ભગવાન સાથે વાત ન થાય. એને તો પ્રાર્થના કરવાની હોય.'

ભરવાડે નિખાલસતાથી કહ્યું, 'અમને વળી પ્રાર્થના શીખવે કોણ ? અમને તો જે આવડે તે બોલીએ. ખેર ! તમે જ અમને શીખવો ને.' ધર્મગુરૂએ ભરવાડને પ્રાર્થના કરતાં શીખવી અને માન્યું કે એક અજ્ઞાાનીને સાચા જ્ઞાાનમાર્ગે વાળ્યો, પરંતુ એવામાં આકાશવાણી થઈ. ભગવાને ધર્મગુરુને ઠપકો આપ્યો.

'અરે ધર્મગુરુ, તમે ભારે કરી. એક જીવ મારી પાસે આવવાની તૈયારીમાં હતો તેને પ્રાર્થના શીખવાડીને મારાથી દૂર કર્યો.'

ધર્મગુરુને પોતાની ભૂલ સમજાઈ. એમણે ભરવાડની માફી માંગીને કહ્યું,

'ભાઈ ! મને ક્ષમા કરો. તારી પ્રાર્થના તારે બદલવાની સહેજે જરૂર નથી.'

પ્રાર્થનાને સંબંધ હ્ય્દયના ભાવ સાથે છે. ભાષા સાથે નહીં. સાચી પ્રાર્થના તદ્દન સરળ હોય છે. એને ઉપમા ઉત્પ્રેક્ષા જેવા અલંકારોની કે અઘરા અર્થોની જરૂર હોતી નથી.

જગતની ઉત્તમ પ્રાર્થનાઓમાં ભાષાનો આડંબર નથી, શૈલીની છટા નથી. શબ્દોની ઝાકઝમાળ નથી. એ પ્રાર્થનાઓમાં તો માનવીના હ્ય્દયના ભીતરનો અવાજ અને મનની નિખાલસ વાત રહેલી હોય છે.


Google NewsGoogle News