ધૈર્ય ધારણ કરીએ તો પ્રભુકૃપાનો અનુભવ થાય .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ધૈર્ય ધારણ કરીએ તો પ્રભુકૃપાનો અનુભવ થાય                       . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

જં ગલમાં કલકલ નાદે વહેતા ઝરણાના કિનારે સાધુઓની બે કુટિર હતી. એકમાં યુવાન સાધુ સાધના કરતો હતો, પણ એ નાની વાતમાં ઘણો ગુસ્સો કરી બેસતો. કશુંક અણગમતું થાય એટલે અકળાઈ ઊઠતો અને ક્યારેક તો ગુસ્સામાં અન્યનું અપમાન કરી બેસતો. બીજી કુટિરમાં વસતો વૃદ્ધ સાધુ સદા શાંત અને પ્રસન્ન રહેતો હતો. પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવી નાખવાની એની આદત હતી.

આ બંને સાધુ ચાર ધામની યાત્રાએ નીકળ્યા. લાંબી યાત્રા પરથી પાછા ફર્યા, ત્યારે એમણે જોયું તો એમની કુટિરનું અડધું છાપરું આંધીને કારણે તૂટીને નીચે પડયું હતું. પોતાની ઝૂંપડીની આવી દુર્દશા જોઈને અકળાયેલા યુવાન સાધુએ ઈશ્વરને કઠોર શબ્દોમાં ઉપાલંભ આપતાં કહ્યું,

'હે ઈશ્વર, તારી તે કેવી યોજના છે અને કેવો ન્યાય છે ? અહર્નિશ અમે તારા નામનો જાપ કરીએ છીએ અને તું અમારા જેવા સાધુઓનાં છાપરાંને તોડી નાખે છે. જો તું જ ભક્તોની રક્ષા નહીં કરે, તો બીજું કોણ કરશે ?'

ક્રોધથી હવામાં હાથ વીંઝતો યુવાન સાધુ આમ બોલતો હતો, ત્યારે બાજુમાં વૃદ્ધ સાધુ મૌન ધારણ કરીને ઊભો હતો. એની ઉપકારવશ આંખો આકાશ ભણી તાકી રહી હતી અને એમાંથી કૃતજ્ઞાતાનાં આંસુ વહેતાં હતાં. પરમાત્માનો એ પરમ ઉપકાર માનતો હતો અને એનું રોમે રોમ પુલકિત થઈ ગયું હતું. વૃદ્ધ સાધુએ કહ્યું,

'વાહ રે ઈશ્વર ! તારી લીલા સાચે જ અપાર છે. તું રાતદિવસ અમારું કેવું રક્ષણ કરે છે.

 માતાના ગર્ભમાં હતા, ત્યારે ત્યાં પણ તેં અમારી રક્ષા કરી. યુવાનીમાં એવા સાધક-સાથીઓ આપ્યા કે જેને કારણે મારી સાધના પુષ્ટ થઈ, સંત-મહાત્માઓના સત્સંગનો એવો તો માહોલ રચી આપ્યો કે જેથી અમે સત્ય માર્ગ પામ્યા. સાચે જ, તું પ્રત્યેક પરિસ્થિતિમાં અમારું રક્ષણ કરે છે.'

'રક્ષણ ? શું ઈશ્વર આપણું રક્ષણ કરે છે અને એટલે એણે આપણી કુટિરની આવી દશા કરી ?' યુવાન સાધુએ અધીરાઈથી કહ્યું.

'હા, એણે જ આપણી રક્ષા કરી. પવનની સુસવાટાભરી આંધીના માર્ગને એણે બદલ્યો નહોત, તો અડધું છાપરું શું, આપણી આખી કુટિર નષ્ટ થઈ ગઈ હોત. એણે આંધીને બીજે રસ્તે વાળી દઈને આપણી કુટિરની કેવી રક્ષા કરી ! વાહ, તારી કૃપા છે અપાર.'

યુવાન સાધુ આ વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયો. વૃદ્ધ સાધુએ કહ્યું, 'જીવન છે, માટે સંઘર્ષ છે. વિઘ્નો અને અવરોધ છે, પરંતુ એમાં પણ જે ધૈર્ય ગુમાવ્યા વિના પ્રભુકૃપાનો અનુભવ કરે છે, એ જ સાચો સાધુ છે.'


Google NewsGoogle News