દાન કરીએ, પણ શાબાશી કદી ન ઇચ્છીએ!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ઉ ર્દૂના મશહૂર શાયક 'જિગર' મુરાદાબાદી પાસે એક વૃદ્ધ સ્ત્રી આવી. એની આંખમાંથી ચોધાર આંસુ પડે.
એ વૃદ્ધ સ્ત્રીએ જિગર મુરાદાબાદીને કાકલૂદીભરી વિનંતી કરતાં કહ્યું કે, 'મારા દીકરાને કશાય ગુના વગર પોલીસ ગિરફતાર કરીને લઇ ગઇ છે. તે સાવ નિર્દોષ છે અને અમે અત્યંત ગરીબ છીએ. એના વિના અમને રળીને ખવડાવે તેવું બીજું કોઇ નથી.'
જિગર મુરાદાબાદીને એ વૃદ્ધ સ્ત્રીની વાત સાચી લાગી. એમણે એને આશ્વાસન આપ્યું કે, પોતે એને છોડાવવા માટેની તમામ કોશિશ કરશે.
એ પછી જિગર મુરાદાબાદીએ ડેપ્યુટી કમિશનર અને બીજા જાણીતા અમલદારોને ટેલિફોન કર્યો. એમણે એમ પણ કહ્યું કે, માણસ તદ્દન બેકસૂર છે. ખૂબ ગરીબ છે. એને છોડી નહિ દો તો એના આખા કુટુંબને ભૂખે મરવાનો વારો આવશે.
આમ જિગર મુરાદાબાદીએ પોલીસ અમલદારોને વિનંતી કરી. બપોરનો સમય થયો. આ શાયરને મળવા એમનો એક મિત્ર આવ્યો. એણે જોયું કે જિગર મુરાદાબાદી ભારે બેચેન હતો.
પેલા મિત્રએ એનું કારણ પૂછ્યું, ત્યારે જિગર મુરાદાબાદીએ આખી વાત કરી અને કહ્યું કે ચાલને દોસ્ત, આપણે એને ત્યાં તપાસ કરી આવીએ. એ છૂટીને પાછો આવ્યો છે કે નહીં તે જોઇએ.
પેલા મિત્રએ પૂછ્યું, 'પણ તમને એમના ઘરની ખબર છે ખરી ? એ ક્યાં રહે છે ?'
શાયર કહે, 'મેં એનું ઘર જોયું નથી, પણ એ તો પૂછતાં પૂછતાં મળી આવશે.' બંનેએ ગરીબનું ઘર શોધતા શોધતા નીકળ્યા.
એનું ઘર પૂછતાં ખબર પડી કે પેલા નિર્દોષ માનવીને પોલીસે છોડી મુક્યો છે.
આ સાંભળી જિગર મુરાદાબાદી પાછા ફરી ગયા, ત્યારે એમના મિત્રએ કહ્યું, 'અરે ! અહીં સુધી આપણે આવ્યા એની ખબર તો એના ઘરનાઓને કરવી જોઇએ !'
આ સાંભળી જિગર મુરાદાબાદી બોલ્યા, 'હવે જવાની શી જરૂર છે ? કોઇને મદદ કર્યા પછી એને શરમાવો ન જોઇએ.'
શાયર જિગર મુરાદાબાદીની વાત સાવ સાચી હતી. પોતાની મદદની વાત કરીને બીજાને શરમાવનારાઓનો જગતમાં પાર નથી.
પોતાનો અહેસાન બતાવીને સામાની શાબાશી મેળવવા જનારનો કોઇ તોટો નથી. આજે તો દાન કે મદદની પાછળ આપવાને બદલે લેવાનો ભાવ છુપાયેલો છે. જે દાન કરીને પ્રશંસા ઇચ્છતો હોય છે, જ્યાં કશોય સ્વાર્થ કે કામના છુપાયેલાં હોય ત્યાંથી ભાવના વિદાય લઇ લે છે.
દાન જો અહમનું પોષક હોય તો તે દાન બનતું નથી. દાનની પાછળ કીર્તિની લાલસા હોય તો તો માણસ એક તજીને બીજું મેળવે છે. સ્વાર્થપ્રેરિત દાન એ દેનાર કે લેનાર કોઇનો જયવારો કરતું નથી.