નિંદા જેવું અમૃતવચન બીજું એકે નથી .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સ માજનો સાચો સેવક. સદાય બીજાની સેવામાં રત રહે. સાચી સેવા કરનારને સહન કરવાનું પણ આવે. એને વિશે લોકોમાં તરેહ તરેહની વાતો ચાલતી. કોઈ એક શંકા લાવે, તો કોઈ શંકાને સત્યના રૂપમાં રજૂ કરે.
તીખી ટીકાઓ અને તમતમતા આક્ષેપો થાય, તેમ છતાં સમાજસેવક અવિચલિત રહે.
એના એક સાથીને તો અપાર આશ્ચર્ય થાય. મનમાં વિચારે કે આટઆટલી ટીકાઓ થાય છે, છતાં આના તો પેટનું પાણી ય હાલતું નથી. એક વાર આનો ખુલાસો મેળવવા પેલા મિત્રએ સમાજસેવકને પૂછ્યું, તમે તો કેવા માણસ છો ? તમારી આટલી બધી ટીકા થાય છે અને તમારું તો રૃંવાડુંય ફરકતું નથી. તમારા વિશેના આવા આક્ષેપો સાંભળીને અમે ઉભા ઉભા સળગી જઇએ છીએ. છતાં તમે કેમ આક્ષેપોથી અકળાતા નથી ?
સમાજસેવકે આનો ઉત્તર આપતાં એમ કહ્યું,
'તમે જરા નજીક આવો, જરા મને તમારી એક આંગળી બતાવો !'
પ્રશ્ન પૂછનાર તો પારાવાર આશ્ચર્યમાં ડૂબી ગયો. એણે એક આંગળી ધરી.
સેવકે કહ્યું, 'હવે જુઓ, તમારી એક આંગળી મારી સામે છે. પણ બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ છે. હકીકતમાં તો તમે જેવી એક આંગળી સામે કરો છો, ત્યારે તમને ખબર ન હોય તેમ ત્રણ આંગળીઓ પોતાની બાજુ રાખો છો. આનો અર્થ એ કે તમે બીજા પર પ્રહાર કરો છો, એની સાથોસાથ પોતાના તરફ ત્રણ ગણો પ્રહાર કરો છો.'
સાચે જ, નિંદા કરનાર માનવી સૌથી મોટું નુકસાન પોતાની જાતને કરતો હોય છે. કોઈની બદબોઇ કરવા જતાં એ પોતાની અંતરની દુર્ગંધ બહાર કાઢે છે.
જે તીરે ઉભા રહીને તમાશો જોવામાં કુશળ છે. એ જ મધદરિયે ઝંપલાવનારની ટીકા કરતા હોય છે. જેઓ પોતે કંઈ કરી શકતા નથી, તેઓ બીજાની ટીકા કરીને આપવડાઈ દાખવે છે.
નિંદા એ મનનો મહારોગ છે. કોઈનીય નિંદા કરવાનું મન થાય એટલે જાણવું કે મન રોગિષ્ટ બન્યું છે.
બીજાની નિંદા કરનાર ખરેખર પોતાની જાતને હલકી પાડે છે. જેઓ કશું કરતા નથી કે કરી શકતા નથી તેઓ જ નિંદાનો સહારો લે છે. પરંતુ શાણો માનવી નિંદાથી અકળાતો નથી બલકે નિંદામાંથી નવનીત તારવે છે.
નિંદા એ અમૃતવચન છે. જેનાથી આક્ષેપો સહન કરનાર ઊંડું જ્ઞાાન મેળવે છે. માનવીને એની નબળી બાજુનો ખ્યાલ આવે છે અને નિંદામાંથી સબળા થવાનો પોકાર સંભળાય છે.