કોઈ કાલ્પનિક ભય તમારો પીછો કરે છે? .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
પ તિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. પત્નીનો આગ્રહ હતો કે ગમે તેટલો ખર્ચ કરવો પડે, પણ દીકરાને ડૉક્ટર બનાવવો છે.
પતિનો આગ્રહ હતો કે કોઈ પણ સંજોગોમાં દીકરાને વકીલ બનાવવો છે. ભલે એને વધુ ભણવું પડે, પણ બનવાનું તો વકીલ છે.
આગ્રહ મમત પર ચડી ગયો. વાત વકરતી અને વણસતી ગઈ. બંને પોતાની વાતને સાચી ઠેરવવા માટે દલીલો કરવા લાગ્યાં.
પત્નીએ કહ્યું, 'જરા, દૂરનું વિચારો. આ મારી તબિયત રોજ નરમ-ગરમ રહે છે. વારંવાર ડૉક્ટરની જરૂર પડે છે. અડધી રાતે બમણી ફી આપીને ડૉક્ટરને બોલાવવા પડે છે. જો દીકરો ડૉક્ટર થાય તો આ બધી ઝંઝટમાંથી મુક્ત થઈ જઈએ. વળી સારવાર પણ બરાબર મળે.'
પતિએ કહ્યું, 'ઓહોહો ! બહું લાંબું જોનાર! જરા નજીકની વાતનો તો વિચાર કર! આ રોજ નવા નવા કર કેટલા બધા આવે છે ! ક્યારેક તો એમ લાગે છે કે કમાણી કર ભરવા માટે ન કરતા હોઈએ ! આથી દીકરો જો વકીલ બને તો ટૅક્સનુ યોગ્ય આયોજન કરી આપી, રકમ પણ બચે. જો પૈસા હાથમાં રહેશે તો બધી મુશ્કેલી દૂર થઈ જશે.'
પત્ની અકળાઈ. એણે કહ્યું, 'પૈસા, પૈસા શું કરો છો ? દીકરો ડૉક્ટર બનશે એટલે નાણાંની ટંકશાળ પડશે.'
પતિએ કહ્યું, 'તું તો એવી ને એવી જ રહી. નાણાંની ટંકશાળ ભલે પડે, પરંતુ ટેક્સમાં બધુ આપી દેવું પડે તેનું શું!' આમ વિવાદ વધતો ગયો. એકબીજા સામે ઘાંટા પાડવા લાગ્યાં. પાડોશીઓ ભેગા થયા. એક અનુભવીએ બંનેને શાંત પાડતાં કહ્યું, 'જુઓ, તમે બંને ઝઘડો છો,
પણ જેને માટે ઝઘડો છો તે દીકરાનો વિચાર તો જાણો.'
પતિ-પત્ની શાંત પડયાં અને બોલ્યાં, 'ક્યાં છે દીકરો ? એનો તો હજી જન્મ થવાનો બાકી છે.'
માણસ કલ્પનામાં જીવતો હોય છે. 'કલ્પનાથી સુખી અને દુ:ખી થતો હોય છે. ધીરે ધીરે કાલ્પનિક સમસ્યાઓમાં ગૂંચવાતો હોય છે.
આપણા જીવનમાં ભય અને સમસ્યા માત્ર કલ્પના પર આધારિત છે. વિના કારણે માનવી દુ:ખી થતો હોય છે. ક્યારેક જીવનમાં વ્યસ્ત અને કાલ્પનિકનો ભેદ કરવો જોઈએ.
કાલ્પનિક ભય, કાલ્પનિક ચિંતા કે કાલ્પનિક સમસ્યા જીવંત માનવીનું વાસ્તવિક જીવન દુ:ખી કરી મૂકે છે. તમારા વાસ્તવિક જીવનને વળગેલી ભવિષ્યની કલ્પનાઓને ઓળખવા માટે જરા મનની ભીતરમાં ઝાંખી લો.
માણસ જેમ વધુ આશા અને તૃષ્ણાની પાછળ દોડે છે એમ એની ગરીબાઈ અને ગુલામી વધતી જાય છે. જેમ જેમ એની આવશ્યકતાઓ વધતી જાય છે તેમ તેમ એનુ જીવન પરાવલંબી બને છે.
આવી વ્યક્તિ પોતાને શ્રીમંત બતાવવા કોશિશ કરતી હોય છે. શ્રીમંતાઈનો દંભ, ડોળ અને દેખાવ કરતી હોય છે. હકીકતમાં તો બહારની સંપત્તિ વડે પોતાના હૃદયની ગરીબી ઢાંકવાની કોશિશ કરતી હોય છે.