નિર્ધન એ કે જે અવસર ગુમાવે .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
નિ ર્ધન વ્યક્તિની સેવાથી પ્રસન્ન થયેલા સંત ગામમાંથી વિદાય લેતા હતા, ત્યારે એ નિર્ધને બે હાથ જોડીને ગળગળા અવાજે સંતને યાચના કરી, 'કોઈ એવો રસ્તો બતાવો કે જેથી મારી ગરીબી દૂર થાય.'
મહાત્માએ એને પારસ-પથ્થર આપતાં કહ્યું, 'આ પારસમણિ છે. લોખંડને અડાડીશ, તો સોનું બની જશે. જેટલી ઇચ્છા હોય, એટલું લોહનું સુવર્ણ બનાવજે. ત્રણ મહિના પછી યાત્રા કરીને અહીં પાછો ફરીશ, ત્યારે મને આ પારસમણિ પાછો આપજે.'
નિર્ધનના આનંદની અવધિ રહી નહીં. વિચારવા લાગ્યો કે બસ, હવે સસ્તે ભાવે વધુમાં વધુ લોખંડ ખરીદીને ઘરમાં સોનાનો ઢગલો ખડકી દઉં. માત્ર મારી જ નિર્ધનતા નહીં, પણ આવનારી સાત પેઢીની નિર્ધનતા દૂર કરી દઉં. નિર્ધન લોખંડબજારમાં ગયો. એણે એનો ભાવ પૂછયો. લોખંડના દુકાનદારે કહ્યું, 'એક કિલો લોખંડના પચાસ રૂપિયા થશે. કહો, જોઈએ તેટલું આપું.'
નિર્ધન વ્યક્તિએ દુકાનદારને વળતો સવાલ કર્યો કે હમણાં તો મંદીનો માહોલ ચાલે છે. નજીકના ભવિષ્યમાં લોખંડના ભાવ ઊતરશે ખરા ? દુકાનદારે કહ્યું, 'હા, હમણાં બજારનું વલણ મંદી તરફ છે એટલે આવું બને પણ ખરું, કિંતુ કશું નક્કી ન કહી શકાય.'
નિર્ધનને થયું કે થોડી રાહ જોઈ લઉં. લોખંડના ભાવ ઊતરે પછી ખરીદીશ. ક્યાં એવી ઉતાવળ છે ?
થોડા દિવસ બાદ એ નિર્ધન વ્યક્તિ પુન: બજારમાં ગયો, તો જાણ થઈ કે લોખંડના ભાવ ઓછા થયા
નહોતા, પરંતુ ઘટે એવી પૂરી શક્યતા હતી. એણે થોડા વધુ દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. કેટલાક દિવસ પછી ફરી બજારમાં ગયો તો એને આનંદ થયો કે લોખંડનો ભાવ ઊતર્યો હતો. પચાસના પિસ્તાળીસ થયા હતા, પરંતુ એની ઇચ્છા મુજબ પાંત્રીસ થયા નહોતા.
એ પાછો ફર્યો, મનમાં વિચાર્યું કે પચાસના પિસ્તાળીસ રૂપિયા થયા, તો જરૂર પાંત્રીસ રૂપિયા થશે. થોડી રાહ જોઈ લઉં. આમ ને આમ ત્રણ મહિના વીતી ગયા. સંતની ગામમાં પુન: પધરામણી થઈ. એમણે જોયું તો નિર્ધનની હાલત એવી ને એવી જ હતી. આનું કારણ પૂછતાં નિર્ધને કહ્યું,
'હું ઘણી વાર બજારમાં ગયો, પણ લોખંડનો ભાવ વધુ હતો. ભાવ ઓછા થવાની રાહ જોતો હોવાથી લોખંડ ખરીદી શક્યો નહીં.'
સંતે હસતાં હસતાં કહ્યું, 'અરે, લોખંડનો ભાવ ગમે તેટલો ઊંચો હોય, પણ એ સોનાથી તો ઓછો જ હોય ને ! સોનું તો લોખંડ કરતાં ઘણું મોંઘું છે. લોખંડ ખરીદીને તું સોનાના ઢગલા કરી શક્યો હોત, પરંતુ તેં હાથમાં આવેલો અવસર ગુમાવી દીધો.'
'તો શું હું ગરીબ જ રહીશ ?'
સંતે કહ્યું, 'ગરીબીમાંથી મુક્ત થવાની ઇચ્છા સહુ કોઇ રાખે છે, પરંતુ એને માટે પ્રયત્ન કરવો જરૂરી છે. વળી જિંદગીમાં એકાદ વાર અનુકૂળ અવસર આવે છે, પરંતુ જે લોકોએ તક કે અવસરનો યોગ્ય ઉપયોગ કરે છે. તેઓ સફળ થાય છે. તારી પાસે નિર્ધનતાથી મુક્તિ મેળવવાનો એક અવસર આવ્યો હતો, પરંતુ વિવેકના અભાવે યોગ્ય પ્રયત્નો કર્યા નહીં અને તે એ અવસર ગુમાવી દીધો.'