પગ પડે અને કામ થઇ જાય .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
પગ પડે અને કામ થઇ જાય                      . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક યુવક બીમાર પડયો, બીમારી ઘણી ગંભીર હતી. એવો ભય પણ હતો કે કદાચ આ બીમારી એનો પ્રાણ પણ લઇ લે.

પડોશમાં રહેતા વૃદ્ધ સજ્જન એમને મળવા ગયા. ઉંમરને કારણે ઘણી બહેરાશ આવી ગઈ હતી, પણ શિષ્ટાચાર કેમ ચુકાય ? વૃદ્ધે વિચાર્યું કે પોતે ભલે સાંભળી શકતા ન હોય, પરંતુ માનવીને સમજી શકે છે. પોતે જે પૂછશે તેની સામેથી કેવો પ્રત્યુત્તર એ યુવક આપશે એની એમને ખ્યાલ હતો.

વૃદ્ધે વિચાર્યું કે તેઓ યુવકને પૂછશે કે કેમ છે ? તો યુવક જવાબ આપશે કે સારું છે. માણસ મોતની ગોદમાં બેઠો હોય છતાં એનો ક્યારેય સ્વીકાર કરે છે ખરો ? એ તો એમ જ કહેવાનો કે સારું છે.

વૃદ્ધે વિચાર્યું કે યુવાન એમ કહેશે કે બહુ સારું છે, બધું બરાબર છે, ત્યારે પોતે કહેશે કે પરમાત્માની મોટી કૃપા કહેવાય.

પછી પોતે પૂછશે કે કયા ડોક્ટર સારવાર આપે છે ? લાંબા સમયનો દર્દી છે એટલે કોઇ જાણીતા ડોક્ટરની સારવાર લેતો હશે. તે ડોક્ટરનું નામ આપશે એટલે પોતે કહેશે કે તે ખરેખર હોશિયાર ડોક્ટર છે. જ્યાં એના પગ પડે ત્યાં બધું જ સારું થાય. તમે બિલકુલ સુરક્ષિત છો. સહેજે ગભરાશો નહીં.

આમ આ વૃદ્ધ માનવી પ્રશ્નો અને ઉત્તરો વિચારીને ગયો. એને સાંભળવાનું તો ક્યાં કંઇ હતું જ !

ગંભીર બીમારીમાં ઘેરાયેલા આ યુવકને વૃદ્ધ માનવીએ પૂછ્યું કે, 'તમારી તબિયત કેમ છે ?'

યુવાને ઉત્તર આપ્યો, 'મોતની નજીક બેઠો છું. જીવનનાં આખરી શ્વાસ લઉં છું. ક્યારે યમરાજ આવશે અને ઉપાડી જશે એની મને ખબર નથી.'

વૃદ્ધે તો અગાઉ વિચારી રાખેલો સંવાદ જ આગળ ધપાવ્યો, 'બહુ સારું થયું, બહુ સારું થયું.'

યુવાન ગભરાયો, એણે કહ્યું,

 'એમાં સારું શું થયું ? જીવ જવાની વેળા આવી છે અને તમે કહો છો સારું થયું.'

વૃદ્ધે કહ્યું, 'ઓહ, પરમાત્માની કેવી અસીમ કૃપા ગણાય તમારા ઉપર ! કોઇ ભાગ્યશાળીને જ આવું બને.'

અકળાયેલો યુવાન આ ઉત્તર સાંભળીને ખૂબ ચિડાયો. પેલા વૃદ્ધે પછીનો પ્રશ્ન કર્યો, 'કયા ડોક્ટરની દવા લો છો ?'

ખિજાયેલા યુવાને કહ્યું, 'મોતની ! બીજા કોની ?'

વૃદ્ધે તરત જ કહ્યું, 'વાહ, એ તો અદ્ભુત ડોક્ટર છે. એનો ઇલાજ એટલે એનો જ ઇલાજ. એના પગ પડે અને તમારું કામ થઇ જાય.'

યુવક વૃદ્ધના જવાબો સાંભળી આશ્ચર્ય પામ્યો.

પેલા બહેરા વૃદ્ધની માફક ઘણા લોકો પોતાનું જીવન ગુજારતા હોય છે. એમની પાસે દરેક પ્રશ્નનો ઉત્તર તૈયાર હોય છે. કોઇ પણ ઘટનાનો ઉકેલ હાજરાહજૂર હોય છે. કોઇપણ પરિસ્થિતિનો પ્રતિભાવ તૈયાર જ હોય છે.

આનું કારણ એ છે કે પહેલાં એ લોકો વ્યાખ્યાને સમજ્યા છે અને પછી જીવનને સમજ્યા છે. પહેલા ઉપદેશને ધારણ કર્યો છે. પહેલા સિદ્ધાંતો નક્કી કર્યા છે અને પછી અનુભવો સાથે એનો તાળો બેસાડયો છે. આને કારણે પરિસ્થિતિ થાય છે પેલા વૃદ્ધ માનવી જેવી જે માત્ર તૈયાર જવાબોથી જીવે છે.


Google NewsGoogle News