ભીતરી સૌંદર્યથી જ પરમ સત્ય પ્રાપ્ત થાય! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
મ હારાજ જનક મહેલમાં રહેતા હતા, પરંતુ એમનું મન તો સદાય વૈરાગ્યમાં વસતું હતું. આવા વૈરાગી રાજવીને જગતનાં પરમ રહસ્યો પામવાની આધ્યાત્મિક જિજ્ઞાસા હતી. એમને જાણવું હતું કે આટલા બધા વાદો, મતો, વિચારો અને ભેદોમાં પરમ સત્ય ક્યાં વસેલું છે ?
એમણે પોતાના સમયના ઋષિ-મુનિઓ અને મહાપંડિતોને રાજસભામાં આદરપૂર્વક નિમંત્રણ આપ્યું અને સહુને વિનંતી કરી કે આપ શાસ્ત્રાર્થ કરો છો, ઉચ્ચ જ્ઞાનની ચર્ચા કરો છો, અઘરામાં અઘરા ગ્રંથોના મર્મને ઉકેલી આપો છો, તો આપ સહુ ચર્ચા કરીને મને પરમ સત્ય શું છે તે દર્શાવો. સત્યની ખોજની વાત થાય છે, પરંતુ મારે તો આપના જેવા મહાજ્ઞાનીઓ પાસેથી પરમ સત્યને પામવું છે. મહારાજાએ સ્વયં ઘોષણા પણ કરી કે જે આ પરમ સત્યનું સાંગોપાંગ નિરૂપણ કરશે, એને માગ્યાં ધન-ધાન્ય અપાશે.
જનકની રાજસભામાં દૂર દૂરથી ઋષિ,મુનિઓ અને પંડિતો આવ્યા હતા. માત્ર અષ્ટાવક્રને નિમંત્રણ આપ્યું નહોતું. જો કે મહારાજા જનકે અષ્ટાવક્રના વિદ્વાન પિતાને નિમંત્રણ આપ્યું હતું અને તેઓ રાજસભામાં પધાર્યા હતા.
એવામાં બન્યું એવું કે અષ્ટાવક્રને જરૂરી કાર્ય અર્થે દોડતા દોડતા પિતાની પાસે આવવું પડયું. સભા ઋષિમુનિઓ અને પંડિતોથી ખીચોખીચ ભરેલી હતી. આ સભામાં આઠે અંગે વાંકા અષ્ટાવક્રને જોઈને કેટલાક એના દેખાવની ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા. એની કુરૂપતા જોઈને એના તરફ વ્યંગબાણો
છોડવા લાગ્યા. અષ્ટાવક્રએ જોયું કે બધા એના વિચિત્ર અને કદરૂપા દેહની મજાક ઉડાવતા હસી રહ્યા છે, તેથી એણે પણ એકાએક ખડખડાટ હસવાનું શરૂ કર્યું. જોરજોરથી હસી રહેલા અષ્ટાવક્રને જોઈને સહુને અપાર આશ્ચર્ય થયું.
સ્વયં મહારાજા જનકે પૂછ્યું,'અષ્ટાવક્ર, તમને જોઈને સભાજનો હસી રહ્યા છે તેનું કારણ હું જાણું છું, પરંતુ તમે શાના આટલા હસો છો તે મને સમજાતું નથી.'
અષ્ટાવક્રે કહ્યું,'હું એ માટે હસ્યો કે પરમ સત્યને પામવા માટે તમે અથાગ કોશિશ કરો છો અને ગહન શાસ્ત્રાર્થ કરવા માટે જ્ઞાનીઓ અને પંડિતોને બોલાવ્યા છે, પણ અહીં તો એવો તાલ રચાયો છે કે ક્યાંય કોઈ જ્ઞાની કે પંડિતો નજરે પડતા નથી.'
રાજસભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજા જનકે કહ્યું કે અહીં દેશના નામાંકિત પંડિતો અને જ્ઞાનીઓ ઉપસ્થિત છે.
અષ્ટાવક્રે કહ્યું, 'જે માત્ર બાહ્ય શરીર જ જુએ એને શું કહી શકાય ? જેમને માત્ર શરીર અને ચામડી દેખાય છે, એને જ્ઞાની ન કહેવાય. અને મહારાજા જનક, આપ આવી વ્યક્તિઓ પાસેથી પરમ સત્ય પામવાની જિજ્ઞાસા રાખો છો એ તો રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે.'
રાજા જનકે કહ્યું, ' આ તો મારો પરમ સત્યને પામવાનો પ્રયાસ છે.'
અષ્ટાવક્રે કહ્યું,'તમે સાચેસાચ પરમ સત્ય જાણવા ચાહતા હો તો મારી પાસે આવો.'
જનક અને અષ્ટાવક્ર વચ્ચે સંવાદ થયો. મહારાજા જનકે પોતાની જિજ્ઞાસા અને સંશયો વ્યક્ત કર્યા. અષ્ટાવક્રે યોગ્ય જવાબો આપીને એનું સમાધાન કર્યું. જનક મહારાજા અને અષ્ટાવક્ર વચ્ચેનો સંવાદ આજે 'અષ્ટાવક્ર ગીતા' તરીકે પ્રસિદ્ધ છે.
અષ્ટાવક્રે મહારાજા જનકને વ્યક્તિના હૃદયમાં વસતા આંતરિક સૌંદર્યની ઓળખ આપી અને દર્શાવ્યું કે પરમ સત્ય પામવા માટે બાહ્ય દેખાવનું કશું મહત્ત્વ નથી. ભીતરી સૌંદર્યનો જ મહિમા છે.