યુદ્ધનું પરિણામ વિજય નહીં, માત્ર સંહાર! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
મ ગધ અને વૈશાલી વચ્ચે યુદ્ધ જાગ્યું. આ યુદ્ધ માટે નિમિત્ત તો એક હાથી અને હાર હતા. યુદ્ધ ઇચ્છનાર હંમેશા બહાના ખોળતો હોય છે. કોઈ બહાનું શોધીને રણમેદાનમાં યુદ્ધ ખેલવા જતો હોય છે. યુદ્ધની પાછળ મહત્ત્વનું કારણ તો સત્તા માટે ઝંખતું હૃદય હોય છે.
મગધ અને વૈશાલી વચ્ચે ભગવાન મહાવીરના સમયમાં ભયંકર યુદ્ધ થયું. માણસનો માખીની જેમ સંહાર કરનારા રથમૂશલ અને મહાશિલાકંટક નામના વિનાશક યુદ્ધ-યંત્રો શોધાયાં.
રથમૂશલ યંત્રમાં એવી કરામત કરી હતી કે એ યુદ્ધના મેદાનમાં આપમેળે આગળ વધતું, હાંકનાર વગર ચાલતું. એ યંત્ર આપોઆપ શત્રુદળમાં પેસી જઈ લોહમૂશળથી હજારોનો કચ્ચઘાણ કાઢતું.
બીજા યંત્રનું નામ મહાશિલાકંટક હતું. એમાં એવી કરામત હતી કે એમાંથી નાનો કાંકરો વછૂટતો તે શિલાના વેગથી શત્રુને વાગતો. આ લડાઇમાં એક તરફ નવ લિચ્છવીને નવ મલ્લ રાજાઓ તેમજ કાશી કોશલના અઢાર રાજાઓ ને તેમનું સૈન્ય હતું. બીજી તરફ મગધરાજ અજાતશત્રુને તેના દસ ભાઈઓ હતા.
આ મહાભયંકર યુદ્ધમાં છન્નુ લાખ માનવીઓ મરાયા. અજાતશત્રુએ સોનાની વૈશાલી ખંડેર કરીને એના પર હળ ફેરવ્યું. એ હળ આગળ ગધેડા જોડયા.
વેરનો વિપાક જોઈને આખો દેશ કંપી ઊઠયો. ભગવાન મહાવીરે યુદ્ધ કરનારાઓને એ સમયે અનેકવાર કહ્યું હતું,
'જીવન પાંદડા પર પડેલાં બિંદુ જેવું ક્ષણિક છે.'
'કામ-ભોગ વાદળ જેવા ચંચળ છે.'
'બહાર યુદ્ધ કરવા જેવું કંઈ નથી, અંદર યુદ્ધ કરો.'
'જેને તમે હણવા માગો છો, તે તમે જ છો, જેને તમે પરિતાપ ઉપજાવવા માગો છો, તે તમે જ છો. જેને તમે દબાવવા માંગો છો, તે પણ તમે જ છો. આમ વિચારી સમજુ માણસ (પડિબુદ્ધજીવી) કોઈને હણતો નથી કે હણાવતો નથી.'
એ સમયે યુદ્ધવાંચ્છુઓ તત્કાલ તો એ વાત સમજ્યા નહોતા, પરંતુ યુદ્ધના અનુભવે મહાવીરની અહિંસાનો મહિમા સમજાયો. એ પણ સમજાયું કે આવા યુદ્ધોમાં કોઈ વિજયી બનતું નથી, પણ બંને પક્ષે નિરર્થક સંહાર જ થતો હોય છે.
વર્તમાન સમયમાં પ્રભુ મહાવીરનું એ શાશ્વત વચન પણ સત્ય ઠરે છે ! આજે યુક્રેન પર રશિયા અને ગાઝા સામે ઇઝરાયલ યુદ્ધે ચડયા છે. મહાસંહાર સર્જાયો છે, પણ હજી ક્યાં કોઈને હાથ વિજય આવ્યો છે !