સાધુએ ચોરને કહ્યું કે હવે અમે તને લૂંટીશું!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
પ ચાસેક વર્ષ પહેલાંની આ ઘટના છે. એક તેજસ્વી સાધુ પાલણપુરની નજીક આવેલા હણાદ્રા ગામથી આગળ વિહાર કરતા હતા. રસ્તો સૂમસામ હતો. આથી રસ્તાની બાજુની ઝાડીમાં છૂપાઈને બેઠેલા ચોરને એમ થયું કે આ સાધુને લૂંટી લઉં. એની પાસે જે કંઈ હોય તે પડાવી લઉં. ચોરે પડકાર કર્યો, 'ખબરદાર, તમારી પાસે જે કંઈ હોય તે આપી દો. નહીંતર તમારી ખેર નથી.'
પડકાર સાંભળીને સાધુના પગ થંભ્યા. એમની કાયા વધુ ટટ્ટાર થઈ. હાથમાં દંડ હતો એને બરાબર મજબૂત રીતે પકડયો. ચોર નજીક આવ્યો. સાધુ એના તરફ ધસી ગયા. બરોબર એવો પકડયો કે ચોર મહેનત કરવા છતાં છૂટી શકે નહીં. આખરે ચોર કાલાવાલા કરવા લાગ્યો ત્યારે એ સાધુ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ કહ્યું,
'જો, તું અમને લૂંટવા આવ્યો હતો પણ હવે અમે તને લૂંટીશું.'
ચોરે કહ્યું, 'મહારાજ, મને જવા દો. મારી ભૂલ થઈ.'
સાધુએ કહ્યું, 'હવે જવા દેવાની વાત જવા દે. બોલ, હું માગું એ તારે આપવું પડશે નહીં તો ભારે પડશે.'
ચોર મૂંઝાયો. એણે સાધુની શરત કબૂલ રાખી અને પોતાના ઈષ્ટદેવની શાખે દારૂ નહીં પીવાની બાધા લીધી.
સાધુતાની સાથે સાત્વિક વીરતા સમાયેલી છે. સંયમની દ્રઢતામાં શૌર્યનો પ્રભાવ રહેલો છે. શુભની પણ એક શક્તિ હોય છે.
એ શુભ તત્વ અન્યાય કે અનાચારને સાંખી લે તો એ શક્તિહીન બને છે. એ શુભતત્વ ન્યાય માટે કે સત્ય કાજે વહોરવા નીકળે તો તે શક્તિવાન બને છે. એમના પ્રભાવથી અશુભ અંજાઈ જાય છે.