બાદશાહ ! તારી પાસે બધું છે, પણ અરીસો નથી !

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
બાદશાહ ! તારી પાસે બધું છે, પણ અરીસો નથી ! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

દુનિયા આખીની સફર કરીને ફકીર પોતાના નગરમાં પાછો ફર્યો. આ નગરના શહેનશાહ એના બાળપણના જિગરી દોસ્ત હતા. આ શહેનશાહે મસ્ત ફકીરને શાહી મહેલમાં દાવત માટે નિમંત્રણ પાઠવ્યું. બંનેએ સાથે મળીને બાળપણનાં મધુર સ્મરણો વાગોળ્યાં અને પછી બાદશાહે ફકીરને દોસ્તીના દાવે સવાલ કર્યો,

''અરે યાહ ! તું આખી દુનિયા ફરીને આવ્યો અને તારો આ બાળપણના દોસ્ત માટે કોઈ ભેટ લાવ્યો નહીં ?''

બાદશાહનાં વચનો સાંભળીને ફકીર ખડખડાટ હસી પડયો અને બોલ્યો, ''મારા ભ્રમણ દરમિયાન ઠેર ઠેર જગતની બેમમૂન, અનોખી ચીજો જોઈ. તમારી યાદ પણ આવી. વળી મનમાં થયું કે તમે તો આટલા મહાન બાદશાહ છો, તો તમારે વળી કઈ ચીજની ખોટ હોય ?''

બાદશાહે પોતાની દોલતનો ગર્વ પ્રગટ કરતાં કહ્યું, ''સાચી વાત છે. મારા રાજની જાહોજલાલી જ જુઓ ને ! રાજભંડારમાં એટલી સોનામહોરો છે કે કોઈ એની ગણતરી કરી શકતું નથી. દુનિયાભરની કીમતી ચીજો તો મારા મહેલમાં ખૂણેખાંચરે પડી છે, જ્યાં આટલી દોલત અને રોનક હોય, ત્યાં કઈ ચીજની ખોટ હોય ?''

ફકીરને લગ્યું કે મિત્રને સત્તા અને સંપત્તિનો કેફ ચડયો છે, એને ઉતારવો પડશે. એણે બાદશાહને કહ્યું, ''હું જાણતો હતો કે તમારી પાસે દુનિયાની તમામ બહેતરીન ચીજવસ્તુ છે, આમ છતાં તમારે માટે એક નાનીશી ભેટ લાવ્યો છું ખરો.''

આમ કહીને ફકીરે પોતાની ઝોળી બાદશાહ સમક્ષ ધરી. બાદશાહે એ ઝોળીમાં હાથ નાખ્યો, તો એમાંથી નાનકડો અરીસો મળ્યો.

બાદશાહને આશ્ચર્ય થયું. આવી અરીસાની ભેટનો અર્થ શો ? એમણે ફકીર સમક્ષ પોતાની જિજ્ઞાાસા પ્રગટ કરી, ત્યારે ફકીરે કહ્યું,

''બાદશાહ, બહારી દુનિયાની તમામ ચીજવસ્તુઓ તમારી પાસે છે, પણ અરીસો નથી.''

''એટલે ?''

''એટલે કે જેમાં તમે તમારી જાતને જોઈ શકો એવું કશં તમારી પાસે નથી. તમને તમારી આ બાહ્ય ચીજવસ્તુઓ અને વૈભવમાં તમારા ભીતરની વૃત્તિઓ કે તમારો ગર્વ નહીં દેખાય, આ અરીસામાં જ તમે ખુદને બરાબર નિહાળી શકશો. જાતને જોવા અરીસાની બીજી કોઈ બહેતર ચીજ નથી.'' બાદશાહ ફકીરનો સંકેત પામી ગયો.


Google NewsGoogle News