ગઇકાલની નજરથી આવતીકાલને જોશો નહીં!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
પિ તા આખરી શ્વાસ લેતા હતા. ઘરના એક સ્વજને કહ્યું, 'હવે તો ઇંગ્લૅન્ડ ગયેલા આપના પુત્ર અરવિંદને બોલાવી લઈએ.'
યોગી અરવિંદના પિતાએ મક્કમ મને ના પાડી. એમણે કહ્યું, 'અરે ! ગમે તે થાય પણ એને બોલાવવો નથી!'
સહુને આશ્ચર્ય થયું. આ તે કેવી વ્યક્તિ, અંતિમ જે પોતાના સમયે પણ પુત્રને અળગો રાખે છે !
ફરી વાર એમને વિનંતી કરી અને ફરી એ જ દ્રઢતાથી શ્રી અરવિંદના પિતાએ કહ્યું,
'મારે મારા પુત્રને મુક્ત માનવ બનાવવો છે. એને કોઈ બંધનમાં બાંધવો નથી. પિતાના મૃત્યુની સ્મૃતિ માનવીને સદાય ભૂતકાળમાં બાંધી રાખે છે, મારે એવું નથી કરવું.'
યોગી અરવિંદના પિતા હિંમતવાન હતા. આથી એમણે પુત્રને ઇંગ્લૅન્ડમાં ભણવા મોકલ્યો, ત્યારે ખાસ તાકીદ કરી હતી કે એને બધું જ શિક્ષણ આપજો પણ ધર્મનું શિક્ષણ ન આપશો. કારણ એટલું કે ધર્મ એને પરંપરા અને જાતિ તરફ લઈ જશે. જ્યારે તેઓ તો પોતાના પુત્રને એક મુક્ત વ્યક્તિ બનાવવા માગતા હતા.
પુત્રની મુક્તતા નંદવાય નહીં તે માટે શ્રી અરવિંદના પિતાએ અંતિમ વેળાએ પુત્રને અળગા રાખ્યા. શ્રી અરવિંદ જ્યારે અભ્યાસ કરીને ભારત પાછા આવ્યા, ત્યારે એમને જાણ થઇ કે એમના પિતાનું તો ક્યારનુંય અવસાન થઇ ગયું છે.
શ્રી અરવિંદના પિતાની ઇચ્છા હતી કે પોતાનો પુત્ર એક મુક્ત વ્યક્તિ તરીકે તૈયાર થાય. જગતને પોતાની રીતે વિચારતો થાય. ભૂતકાળનાં બંધનોથી બંધાઈ રહેવાને બદલે એ નવીન ભવિષ્યની રચના કરે.
ભૂતકાળથી દોરાયેલો માનવી ભવિષ્યને પણ ભૂતકાળની નજરે નીરખતો હોય છે. એની દ્રષ્ટિ ભલે આવતીકાલ પર હોય પણ એની પાછળ ગઇકાલની નજર હોય છે. ગઇકાલથી આવતીકાલને જોનારા કદી જગતમાં કોઈ નવીન નિર્માણ કરી શક્તા નથી.
મોટાભાગના માનવીઓ એ ગઇકાલની પેદાશ હોય છે. તેઓ પોતાના ભૂતકાળનો બોજ લઇને ઘૂમતા હોય છે. ભૂતકાળનું જ્ઞાાન ક્યારેક એમને બાંધી રાખતું હોય છે. તો ક્યારેક એમના આગ્રહો અને પૂર્વગ્રહો પેદા કરતું હોય છે. જેની દ્રષ્ટિ ભવિષ્ય પર ઠરેલી છે એ જ જગતને મૌલિક દર્શન આપી શકે છે અને નવીન વિચાર આપી શકે છે. યોગી અરવિંદ કે કૃષ્ણમૂર્તિ જેવાએ અતીતનાં આ સઘળાં બંધનો ફગાવી દઇને ભવિષ્યની નજરે જગતને જોયું છે.
જેઓ ભૂતકાળને ઓળંગી શકે છે અથવા તો ગત સ્મૃતિઓ સાથેનો સંબંધ છેદી શકે, તેઓ જ જીવનની નવીન દ્રષ્ટિ આપી શકે છે.