Get The App

આકાશમાંથી પાણીને બદલે એસિડ વરસશે!

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
આકાશમાંથી પાણીને બદલે એસિડ વરસશે! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

પ્ર સિદ્ધ ચિંતક આલ્ડસ હકસલેએ માનવજાતિ વિશે ઘણી વિચારણા કરી. એમના વિચારોએ માનવજાતિને પ્રગતિનો પંથ બતાવ્યો.

પણ એથીય એક આગવી વિશેષતા એ હતી કે આલ્ડસ હકસલેના દાદાએ અને તેમના પિતાએ પણ આવું જ કામ કર્યું હતું.

આમ ત્રણ-ત્રણ પેઢી માનવજાતિની પ્રગતિ માટે કામ કરે એ કંઈ જેવી તેવી વાત ન કહેવાય !

આવા વિચારક આલ્ડસ હકસલેને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે, 'આપના દાદા, આપના પિતા અને આપે માનવજાતિની પ્રગતિ માટે સતત કાર્ય કર્યું છે, પણ મારે તે અંગે એક પ્રશ્ન પૂછવો છે ?'

વિચારક આલ્ડસ હકસલેએ એને નિ:સંકોચ પૂછવા કહ્યું, ત્યારે પેલી વ્યક્તિએ પૂછયું કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં માનવી જેટલો સુખી હતો, જેટલો આનંદી હતો અને જેટલો શાંત હતો તેટલો આજે છે ખરો ? આપની ત્રણ-ત્રણ પેઢીએ માનવજાતની પ્રગતિ માટે કામ કર્યું તો શું માનવીના સુખ, શાંતિ અને આનંદની બાબતમાં પ્રગતિ થઈ છે ખરી ?

આલ્ડસ હકસલેએ જવાબ આપ્યો, 'આ પ્રશ્ન મારા દાદાને પૂછવામાં આવ્યો હોત તો તેઓએ જરૂર હકારમાં ઉત્તર આપ્યો હોત. મારા પિતાને પૂછ્યો હોત તો આનો હા કે નામાં ઉત્તર આપતા એમણે ખચકાટ અનુભવ્યો હોત અને હું આ પ્રશ્નનો ઉત્તર આપી શકતો નથી. કારણ કે માણસ ઘણી પ્રગતિ કરવા છતાં વધુ સુખી થયો નથી,

વધુ શાંત બન્યો નથી કે વધુ આનંદી પણ બન્યો જણાતો નથી.'

વિચારક આલ્ડસ હકસલેના આ જવાબમાં આજની દુનિયાની પરિસ્થિતિનો ચિતાર છે. માણસે માણસને ગુમાવીને પ્રગતિ કરી છે. આજે કલાકના ૧૫૦ માઈલની ઝડપે ચાલતી મોટર મળે છે. આવતી કાલે કલાકના ૫૦૦ માઈલની ઝડપે ચાલતી મોટર મળશે. પછી માણસ હોય કે નહીં એની કોઈને ફિકર નથી.

માનવી જુદા જુદા ગ્રહોમાં પહોંચી જશે. એ ગ્રહોની ભૂમિ ખોદીને ઘણું પ્રાપ્ત કરશે, પરંતુ એ માટે માનવી હશે કે નહીં તેની આપણે પરવા કરતા નથી.

માનવજાતિ આજે પ્રગતિની દોડ લગાવી રહી છે. એના જીવનમાં કમ્પ્યુટર, રોબૉટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મહત્વનું સ્થાન મેળવશે, પરંતુ એમ કહેવાય છે કે જો આજની ઝડપે જ જાપાનના ટોકિયોમાં હવાનું પ્રદૂષણ ચાલુ રહ્યું તો બધાને મોં પર માસ્ક પહેરવું પડશે અને આકાશમાંથી પાણીને બદલે એસિડનો વરસાદ વરસશે. પૃથ્વી પરથી હરિયાળી એટલી ઓછી થઈ ગઈ હશે કે પૃથ્વી પર જીવતા દરેક પુરૂષ, સ્ત્રી અને બાળક રોજનું એક વૃક્ષ વાવશે તો જ પૃથ્વી પરથી નાશ પામેલી હરિયાળીનું સમતોલન સંધાશે.

આજે તો પ્રગતિના સાધન તરીકે માણસ છે. પ્રગતિને માટે માણસ હોમાઈ જાય તો પણ ચાલે. બસ, કોઈ પણ ભોગે પ્રગતિ થવી જોઈએ.


Google NewsGoogle News