ભગવાન બુદ્ધ અને પરમ શિષ્ય .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ભિ ખ્ખુ આનંદ બેઠા હતા, ગુરૂ-શિષ્ય વચ્ચે જ્ઞાાનવાર્તા ચાલતી હતી, ત્યારે એકાએક ભગવાન બુદ્ધ વાત કરતા થોભી ગયા. એમણે કહ્યું, 'ભિખ્ખુ આનંદ, ક્યાંકથી અતિશય દુર્ગંધ આવી રહી છે. તને એનો અનુભવ થાય છે ખરો ?'
ભિખ્ખુ આનંદે સહેજ ઊંડો શ્વાસ લઈને કહ્યું, 'હા. વિહારની જમણી બાજુએ નાક ફાડી નાખે એવી દુર્ગંધ આવી રહી છે. એની તપાસ કરીને આપને જાણ કરું.'
ભિખ્ખુ આનંદ વિહારની જમણી બાજુએ ગયા. એમણે જોયું તો એક શ્રમણનું આખું ય શરીર સડી ગયું હતું. એમાંથી પરુ નીકળતું હતું. દુર્ગંધ તો એવી છૂટતી કે ન પૂછો વાત.
ભિખ્ખુ આનંદ પાછા ફર્યા. ભગવાન બુદ્ધ પાસે આવીને એણે વાત કરી. ભગવાન બુદ્ધે વળતો પ્રશ્ન કર્યો, 'ત્યાં કોઈ પરિચારક છે ખરો ?'
ભિખ્ખુ આનંદે કહ્યું, 'ના. કોઈ પરિચારક નથી. શ્રમણને અતિ વેદના થાય છે. એ પીડાને કારણે વારંવાર ઉંહકારા કરે છે.'
ભગવાન બુદ્ધ સ્વયં બીમાર શ્રમણ પાસે ગયા. એની દુઃખદ દશા જોઈને એમનું હૃદય દ્રવી ઊઠયું. એમણે ભિખ્ખુ આનંદને પાણી અને વસ્ત્રો લાવવા આજ્ઞાા આપી. એ પછી ભગવાન બુદ્ધે અતિ સ્નેહથી આ શ્રમણનું પરુવાળું દુર્ગંધયુક્ત શરીર ચોખ્ખું કર્યું. એને નવાં વસ્ત્રો પહોરાવ્યાં.
ભગવાન બુદ્ધ અને ભિખ્ખુ આનંદને આવી સેવા-સુશ્રુષા કરતાં જોઈને એક ભિખ્ખુએ કહ્યું, 'ભગવાન, એણે એના જીવનમાં કોઈની ય સેવા નથી કરી, તો એની સેવા કરવાનો અર્થ શો ?
સ્વાર્થી અને એકલપેટા માનવીને તો પોતાની આવી બૂરી દશા થાય ત્યારે જ સાચી સાન આવે.'
ભગવાન બુદ્ધે કહ્યું, 'સેવા અને વેપારનો ભેદ જાણો છો ? સેવામાં સમર્પણ હોય, વેપારમાં લેવડદેવડ હોય. જીવનમાં કશીય અપેક્ષા રાખ્યા વિના સેવા કરવામાં આવે, એ જ સાચો ધર્મ છે. મને લાગે છે કે તમે સાધુધર્મ ચૂક્યા છો.'
બુદ્ધના શબ્દોથી ચોપાસ સન્નાટો વ્યાપી ગયો. ભગવાન બુદ્ધે કહ્યું, 'હું તમારી સેવા કરતો નથી, તમે છતાં તમે મારી સેવા કરવા માટે અતિ ઉત્સુક રહો છો, તેનું કારણ શું ?'
'ભગવાન, આપ તો કોઈ વ્યક્તિ, કુટુંબ કે સમાજની જ નહીં, બલ્કે સમસ્ત જગતની સેવા કરી છે. જ્યારે પેલા શ્રમણે તો પોતાની જાત સિવાય કોઈની ય સેવા નથી કરી.'
'આનો અર્થ એ કે તમારી જે અંગત સેવા કરે, એની જ તમે સેવા કરો છો ખરું ને ?'
સર્વ ભિખ્ખુઓ ભગવાન બુદ્ધની વાત સાંભળીને શરમિંદા બની ગયા. ભગવાને કહ્યું, 'આજથી જે ભિખ્ખુ પેલા શ્રમણની સેવા કરશે, તેને જ મારી સેવાનો અધિકાર પ્રાપ્ત થશે.'
બીજા દિવસથી તમામ ભિખ્ખુઓ સેવાકાર્યમાં જોડાઈ ગયા. થોડા દિવસ પછી એ શ્રમણ રોગમુક્ત બન્યા. ગૌતમ બુદ્ધની આ ટકોરે સેવા ધર્મનો મહિમા સમજાવ્યો.