વિદ્યાર્થીની પ્રેમાદરભરી દ્રષ્ટિ એ છે મારું મહાધન!

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીની પ્રેમાદરભરી દ્રષ્ટિ એ છે મારું મહાધન! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

કા શીની નજીક આવેલા ગામમાં વસતા પંડિતજી રાત-દિવસ અધ્યયન-અધ્યાપનમાં નિમગ્ન રહેતા હતા. એક વાર કાશીમાં આવેલા એક ભવ્ય અને વિશાળ આશ્રમના મહંત આ ગામમાં પધાર્યા અને વિદ્વાન પંડિતજીને ત્યાં રાતવાસો કર્યો. પંડિતજીની સાદાઈ અને એમના આતિથ્યથી તેઓ અત્યંત પ્રસન્ન થયા, પરંતુ એમના ઘરની સ્થિતિ જોઇને પામી ગયા કે પંડિતજી માંડ માંડ પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હશે. ક્યારેક તો ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરતા હશે. આવા જ્ઞાનીની આવી નિર્ધન દશા !

પંડિતજીની વિદાય લેતી વખતે મહંતે કહ્યું, 'પંડિતજી, આવતી એકાદશીએ આપ કાશીમાં જરૂર પધારજો. એ દિવસે આપને હું એક મહામંત્ર આપવા માગું છું. એનાથી આપનું સમગ્ર જીવન પરિવર્તન પામશે.'

એકાદશીએ પંડિતજી મહંતના આશ્રમમાં ગયા. બન્ને સાથે ગંગાકિનારે ગયા. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી મહંતે પંડિતજીને સોનામહોરોની થેલી આપતાં કહ્યું, 'આપના જેવા કર્મઠ અને અધ્યયનશીલ પંડિત સતત આર્થિક ભીંસમાં રહે, એ યોગ્ય કહેવાય નહીં. આપને થોડી સોનામહોરો આપું છું. આ મહામંત્ર છે. આ સોનામહોરો વેચીને તમે તમારા જીવનનું પરિવર્તન કરી શકશો અને સુખેથી જીવન ગાળી શકશો.'

પંડિતજીએ સોનામહોરની થેલી લીધી અને સામે વહેતી ગંગામાં ફેંકી દીધી. આ જોઇને મહંતને ગુસ્સો ચડયો, પણ સાથે આશ્ચર્ય પણ થયું. એમણે પંડિતજીને ઉપાલંભ આપતાં કહ્યું, 'આ તમે શું કર્યું, પંડિતજી? 

તમારે લેવી નહોતી, તો મને પાછી આપવી હતી, પણ આમ ગંગામાં પધરાવવાનો અર્થ શો ?'

પંડિતજીએ કહ્યું, 'સ્વામીજી ! આપ પ્રવચનમાં હંમેશાં કહો છો કે મનુષ્યએ મોહ અને માયાથી દૂર રહેવું જોઇએ. મેં એ માયાને દૂર કરી દીધી. વળી હું પણ મારા વિદ્યાર્થીઓને એ શિક્ષા આપું છું કે નિર્ભય બનીને પોતાનું કર્મ કરવું, જીવનમાં સ્વપુરુષાર્થથી આગળ વધવું. આમ આ સુવર્ણમુદ્રાઓ આપને માટે યોગ્ય નહોતી અને મારે માટે પણ નહોતી, તેથી મેં એને ગંગામાં પધરાવી દીધી.'

'હવે મારી આર્થિક સ્થિતિની વાત કરું. હું તો પ્રસન્નતાથી જીવન વ્યતીત કરું છું. આખો દિવસ વિદ્યાર્થીઓને શિક્ષણ આપું છું અને એને કારણે મારું મન અતિ પ્રફુલ્લિત રહે છે. આપે આપેલા ધનથી તો હું આરામથી રહી શકત નહીં અને મારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકત નહીં. સાદાઇ અને મહેનત એ જ સાચું ધન છે. વળી મારે માટે તો મારા વિદ્યાર્થીઓની સંતુષ્ટ અને પ્રેમાદરભરી દ્રષ્ટિ એ જ મહાધન છે.'

આશ્રમના મહંતને પોતાની ભૂલ સમજાઈ અને એમણે જ્ઞાની પંડિતજી પ્રત્યે ક્ષમાયાચના કરી.


Google NewsGoogle News