તો દુનિયાનું અડધું દુ:ખ ઓછું થઇ જશે ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક વખત સ્વ. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પોતાને ગામ જઇ રહ્યા હતા. નાવનો પ્રવાસ હતો. પાસે એક નવજવાન બેઠો હતો. સિગરેટનો ભારે શોખીન.
સતત એક પછી એક સિગરેટ પીધે જતો હતો. હવાના પ્રવાહને કારણે એ બધો ધુમાડો રાજેન્દ્ર બાબુ તરફ આવતો હતો અને તેમને ગુંગળાવતો હતો.
રાજેન્દ્રબાબુને દમનો રોગ હતો. ધુમાડાને કારણે ખૂબ ખાંસી ચઢવા લાગી. સિગારેટની ગંધ પણ તેમને અસહ્ય લાગતી હતી. તેમનો દમ ઘૂંટાઈ રહ્યો હતો. અકળાઈ રહ્યા હતા.
પણ સામાના યુવાનને ખોટું લાગે એવું વેણ કાઢે, તો અજાતશત્રુ શેના?
તેથી મંદ મંદ હસતા રાજેન્દ્રબાબુ વ્યંગભર્યા સૂરે બોલ્યા.
'ભાઈ, તમે પીઓ છો તે સિગરેટ તમારી જ છે ને ?'
યુવાન જરા મગજ ગુમાવી બોલ્યો,
'મારી નહીં, તો શું તમારી છે ?'
'તો ભાઈ આ ધુમાડા પણ તમારી જ માલિકીના કહેવાય. મહેરબાની કરી તે તેને પણ તમારી પાસે જ રાખો ને.'
રાજેન્દ્રબાબુએ તરત મીઠી ટકોર કરી.
બિચારો યુવાન શરમાયો દિલને સીધેસીધી અસર કરે તેવી દલીલ સાંભળી મંદ મંદ હસવા લાગ્યો, ને તરત જ બાકીની સિગારેટ પાણીમાં પધરાવી દીધી.
સાચે જ મોટાભાગના માનવીઓ પોતાના સ્વાર્થમાં જ રમમાણ હોય છે. એમને પારકાની પીડાની પડી હોતી નથી. બીજાને શું થશે તેનો વિચાર આવતો નથી.
એમની નજર માત્ર પોતે ઇચ્છેલી વસ્તુ મેળવવામાં હોય છે. ક્યારેક તો આ માટે એ બીજાને દગો કરતાં કે ભોગ લેતા પણ અચકાતો નથી, પણ જે 'સ્વ'માં જ રમમાણ છે એ પશુ સમાન છે, કારણ કે મોટાભાગના પશુઓ પણ પોતાના સિવાય બીજાનો ઝાઝો વિચાર કરી શક્તા નથી.
જો માણસ વેરઝેર સ્વાર્થ કે ઇર્ષ્યા કાઢી નાખે, તો જ એ બીજાની આંખે જગતને જોઈ જો બીજાની આંખે જગત જોવામાં આવે તો આપણે પારકાના દુ:ખ જાણી શકીએ. પારકાની વેદના સમજી શકીએ. પારકાને પોતાના ગણી શકીએ. માનવી જો બીજાની નજરે જોતાં શીખે, તો જગતનું અર્ધું દુ:ખ ઓછું થઇ જાય.