સાત-સાત પેઢીનું સંઘરેલું ધન અર્પણ કરું છું !
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
અરવલ્લીની અંધારી બનેલી ટેકરીઓ પર, ભાલા પર ભાર આપીને ઊભેલા રાણા પ્રતાપના મનમાં શહેનશાહ અકબરનો સંદેશો ઘુમરાતો હતો. શહેનશાહ અકબરે રાણા પ્રતાપને કહ્યું હતું કે દિલ્હી દરબારમાં મન ચાહ્યું અને મોં માંગ્યું આસન તમારા માટે તૈયાર છે. બીજી બાજુ વેરાન જંગલ, ખાવાના સાંસા અને એમાં પોતાની બાળકીનું ભૂખના દુઃખે થતું રુદન સંભળાતું હતું. રાણા પ્રતાપે અડીખમ ઊભેલા અરવલ્લીના પર્વત પર દ્રષ્ટિ ફેરવી. બાજુમાં સ્વતંત્રતાથી વહેતા ઝરણા પર આંખો સ્થિર કરી.
દિલ્હીના શાસન સામે સ્વાતંત્ર્ય યુદ્ધની રાણાએ ઉદ્ધોષણા કરી હતી. શહેનશાહ અકબરે પોતાની મહેરબાનીનો તિરસ્કાર કરનારા રાણા પ્રતાપને મિટાવી દેવા દિલ્હીથી પ્રચંડ લશ્કર મોકલ્યું. રાણા પ્રતાપ માટે મેવાડ છોડીને સિંધમાં ચાલ્યા જવાની ઘડીઓ ગણાઈ રહી હતી. માલ-અસબાબ એમણે બાંધવા માંડયો. આ વખતે એક વણિક નર મારતે ઘોડે આવ્યો અને એણે કહ્યું,
'રાણાજી, દેશનો સૂરજ અસ્ત થવા નહીં દઉં, શું ખપે ?'
'ધન, આજ ધનથી ધર્મ ટકશે. સૈનિકો માટે શસ્ત્ર, વસ્ત્ર ને અન્ન જોઈએ, અને એ આણવા માટે ધન જોઈએ.'
'રાણાજી ! દરેક દેશવાસીનો દેહ જેમ રાષ્ટ્રની મૂડી છે, એમ દરેક દેશવાસીની માલમિલકતનું માલિક આખરે તો રાજ્ય છે. મારી પાસે પૂરતું ધન છે. આપ સ્વીકારો.'
'પણ ભામાશા ! મારે તો અપાર ધન જોઈએ. કેટલું ધન છે તમારી પાસે ?'
'સાત સાત પેઢીનું સંઘરેલું ધન !
સાવરણીની સળીથી લઈને સ્ત્રીના સૌભાગ્યકંકણ સુધીનું સર્વસ્વ આપને સમર્પણ !' વણિક નર ભામાશાએ કહ્યું. એમાં આવેશનો જરાય અંશ નહોતો. પોતે મોટું દાન કરે છે એવો કોઈ ગર્વ નહોતો, માત્ર ફરજ અદા કર્યાનો ભાવ હતો.
'ધનની ખૂબ જરૂર છે. સામે દિલ્હીપતિ જેવો દુશ્મન છે.'
'રાણાજી ! અડસઠ્ઠે પચીસ હજાર સૈનિકોને ૨૦ વર્ષ નભાવી શકાય તેટલું ધન મારી પાસે છે. અને પછી આ ઝોળી છે. રાષ્ટ્ર માટેની ભીખમાં કદી ભૂખ હોતી નથી. અઢાર કરોડની આ સંપત્તિના ધન સાથે આત્મદાન પણ કરું છું. સેવકને ત્રાજવું ને તલવાર બંને ઝાલતાં આવડે છે.'
'શાબાશ ભામાશા ! પડતા ભાણને ઉદ્ધર્યો એક કવિએ અને એક વણિકે ! રાષ્ટ્ર અને મારા શૂરા સરદારો તમારા સદાના ઋણી રહેશે. મેવાડના યશલેખ લખાશે ત્યારે તમારો યશ પહેલાં ગવાશે. તમે તમારા રાણાને અને રાષ્ટ્રને પડતાં ઉદ્ધર્યા છે !'
એ સાંજ આ અર્પણ જોઈને નકરું સોનું વરસાવતી આથમી ગઈ.
ઈતિહાસ કહે છે કે ભામાશાએ સંપત્તિનું દાન તો આપ્યું પણ એથીય વધુ લડાઈના મેદાનમાં રાણા પ્રતાપ સામે રણજંગ ખેલી જાણ્યો.
એક એવી માંદલી માન્યતા છે કે જે વેપાર કરે તે વીર ન બને. એ સદાય ઠંડું, ઠાવકાઈભર્યું સમાધાન શોધે. આને પરિણામે જૈન સમાજ એની વીરતાનો આખો ઈતિહાસ ભૂલી ગયો. વસ્તુપાળ, તેજપાળ, વિમલ મંત્રી કે ઉદયન મંત્રીની કથાઓ વિસરાઈ ગઈ. સિંહની અહિંસાને બદલે બીકણ સસલાની કાયરતામાં સમાજ ફસાઈ ગયો.