Get The App

ભારતીય જન- ગણ-મનની ભાષા હિન્દી..

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
ભારતીય જન- ગણ-મનની ભાષા હિન્દી.. 1 - image


- અક્ષરનો અજવાસ - જયેન્દ્રસિંહ જાદવ

આ વતીકાલે ૧૪ સપ્ટેમ્બર. આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી બંધારણ સભાએ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ હિન્દીને ભારતની અધિકૃત ભાષા એટલે કે રાજભાષા તરીકે દરજ્જો આપ્યો. આ સાથે ચૌદમી સપ્ટેમ્બરનું બીજું ઐતિહાસિક મહત્વ એવું છે કે આ દિવસ અગ્રણી હિન્દી સાહિત્યકારશ્રી બિયોહર રાજેન્દ્ર સિમ્હાનો જન્મદિન છે. હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, શેઠ ગોવિંદદાસ જેવા મૂર્ધન્ય સાહિત્યકારોને સાથે રાખીને બિયોહર રાજેન્દ્ર સિમ્હાએ ભારતની રાજભાષા દેવનાગરી લિપિ ધરાવતી હિન્દી ભાષા બને તે માટે બંધારણસભાને અનેકવાર રજૂઆતો કરી અને રાજેન્દ્રસિન્હા અને અન્ય સાહિત્યકારોના સામૂહિક પ્રયાસોને પરિણામે હિન્દીને રાજભાષા તરીકે દરજ્જો મળ્યો. જો કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું સ્વપ્ન તો મહાત્મા ગાંધીએ આ ઘટનાના વર્ષો પહેલા સેવ્યું હતું. વર્ષ ૧૯૧૮માં ગાંધીજીએ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવાની વાત કરેલી અને હિન્દીને ભારતીય જનમાનસની ભાષા કહી તેનો મહિમા કરેલો. વિનોબાજીએ પણ દેશની સંપર્કભાષા હિન્દી બને તે માટે ખૂબ પ્રયાસો કરેલા. સ્વતંત્રતા બાદ ભારતીય બંધારણની રચના વખતે હિન્દીને ભારતની રાજભાષા બનાવવા માટે ચર્ચાઓ થઇ. પરંતુ બિન-હિન્દીભાષી રાજ્યોનાં અસહકારને લીધે ભારતીય ગણતંત્રમાં હિન્દીની સાથે અંગ્રેજીને પણ ભારતની અધિકૃત રાજભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે આજ દિન સુધી ભારતના શાસન- પ્રશાસનની ભાષા બનવા માટે હિન્દી સંઘર્ષ કરી રહી છે. અનેક પડકારોની સામે હિન્દી ગંગા-યમુનાના વ્હેણની સાથે સતત વહેતી રહી છે. મીરાં, તુલસી, કબીર અને સૂરદાસે તેને લાડ લડાવ્યા છે. પ્રેમચંદે તેને પોંખી  છે. આવી  આજથી એક હજાર વર્ષ પહેલા શૌરસેની, અર્ધમાગધી અને માગધીનાં અપભ્રંશથી હિન્દીનો ઉદભવ થયો હોવાનું મનાય છે. ઋગ્વેદમાં સિંધુ શબ્દનો પ્રયોગ ઘણી વખત થયો છે. સંસ્કૃત શબ્દ 'સિંધુ' પરથી હિંદુ શબ્દ આવ્યો છે. આ હિંદુઓ દ્વારા બોલાતી ભાષા એટલે હિંદી તેવો વ્યાપક સ્વીકાર જોવા મળે છે. ભાષાના અર્થમાં 'હિંદી' સિવાય 'હિન્દુઇ', 'હિન્દવી', 'દકખિની'-'દખની'-'દકની', 'હિન્દુસ્થાની'-'હિન્દોસ્તાની', 'રેખ્તા-રેખ્તી' જેવા શબ્દોનો પ્રયોગ થયો છે. મહર્ષિ દયાનંદે તેને આર્યભાષા તરીકે, વિદ્યાપતિએ તેને દેશજ ભાષા તરીકે સંબોધી છે. તો ક્રાંતિવીર  રામપ્રસાદ બિસ્મીલે લખ્યું છે કે 'મુઝે હો પ્રેમ હિન્દી સે, પઢું હિન્દી, લિખું હિન્દી, ચલન હિન્દી ચલું, હિન્દી પહનના, ઓઢના ખાના, રહે મેરે ભવન મેં રોશની હિન્દી ચિરાગો કીં.'

વિશ્વની ત્રીજા નંબરે સૌથી વધુ બોલાતી ભાષા તરીકે હિન્દીએ અનેક નવા મુકામો હાંસલ કર્યા છે. વિશ્વમાં ૬૦ કરોડ લોકો હિન્દી ભાષા- બોલીનો ઉપયોગ કરે છે. કદાચ એટલે જ ૧૦૦૦ વર્ષ પછી પણ તેનું સ્વરૂપ જળવાઈ રહ્યું છે. ભારતમાં કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી હિન્દી ભાષા બોલાય છે. અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે બોલીઓ દ્વારા હિન્દી ભારતભરમાં પ્રવાહિત થતી આવી છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોને તો હિન્દી ભાષી રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં હિન્દી બહુ પ્રચલિત નથી. પણ અહીના કેટલાક મહાનગરોમાં આ ખડીબોલી ઉપ-ભાષા તરીકે બોલાય છે. ભારત બહાર મોરેશિયસ, ત્રિનિદાદ, ફીજી, સૂરીનામ, નેપાળ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ હિન્દી બોલાય છે, વંચાય છે અને સંભળાય છે. અટલજી જેવા હિન્દીપ્રેમી રાજપુરુષને લીધે હિન્દી સંયુક્ત રાષ્ટ્રમાં પણ આસન જમાવીને બેઠી છે. ભારત સિવાય વિશ્વનાં ૧૭૬ વિશ્વવિદ્યાલયોમાં હિન્દી ભણાવાય છે. હિન્દી સાહિત્યની વાત કરીએ તો હિંદીની પહેલી રચના અને પહેલા કવિ વિશે પણ સર્વસંમતિ સધાઈ નથી. રાહુલ સાંકૃત્યાયન આઠમી સદીના સરહપાદને હિંદીના 

પ્રથમ કવિ માને છે. સ્વાતંત્ર સંગ્રામમાં હિન્દી કવિતા એ રાષ્ટ્રીય ચેતનાને ઝંકૃત કરી દેશભરમાં એક નવો માહોલ સર્જ્યો હતો. એટલે જ કવિ નિરાલાજી હિન્દીને ભારતમાતાની ભાલ પરની બિંદી તરીકે સંબોધે છે. અત્યારે આપણી કમનસીબી એ છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આવી બળુકી ભાષાને સંપર્કભાષા કે રાજભાષા તરીકે જોઈએ એટલું મહત્વ આપી શક્યા નથી. ગુજરાતી અને હિન્દીમાં અનેક સામ્યતાઓ છે. કારણ કે બંનેમાં સંસ્કૃત શબ્દો પ્રચુર માત્રામાં છે. ગુજરાતમાં હિન્દી વ્યાપક પ્રમાણમાં બોલાય છે. ગુજરાત રાજ્યની બીજી રાજભાષા પણ હિન્દી છે.  પરંતુ શાળા-મહાશાળા કે વિશ્વવિદ્યાલયોમાં પ્રમાણિત હિન્દી સારી રીતે શીખવાતી નથી. પરિણામે ગુજરાતી બાળકો ટેલીવુડ કે બોલીવુડના માધ્યમથી હિન્દી શીખે છે અને તેને જ પ્રમાણિત માને છે. સરેરાશ ગુજરાતીઓ એવું માને છે કે કોઈ પણ વાક્યની પાછળ 'હૈ' લગાવી દેવાથી તે હિન્દીમાં રૂપાંતરિત થઇ જાય છે. આપણે ત્યાં એક કહેવત છે કે 'બાવા બના હૈ તો હિન્દી બોલના પડતા હૈ.' પણ આજકાલ તો બાવાઓ પણ અંગ્રેજીમાં બોલે છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણી અસ્મિતાનું અવિભાજ્ય અંગ એવી આ ભાષાને આપણે ક્યાં સુધી લઇ જવી છે.

અંતે... 

કહત કૈદી કવિરાય, વિશ્વ કી ચિંતા છોડો 

પહલે ઘર મેં, અંગ્રેજી કે ગઢ કો તોડો

- અટલબિહારી વાજપેયી


Google NewsGoogle News