ક્રાઈમવૉચ - જયદેવ પટેલ
આંધ્ર પ્રદેશના ઐતિહાસિક શહેર હૈદ્રાબાદમાં બોમ્બ વિસ્ફોટના કાવતરાના બે શખ્સોને કોર્ટે ફાંસી ફટકારી
દેશભરમાં હાહાકાર મચાવનાર સીરીયલ બોમ્બ બ્લાસ્ટના બનાવો
11 વર્ષો વીતી ગયા બાદ ચૂકાદો ત્રીજા શખ્સને જન્મટીપ
મક્કા મસ્જીદમાં બોમ્બ બ્લાસ્ટનો બદલો લેવા ઘડવામાં આવેલા કાવતરામાં ૪૫ નિર્દોષ વ્યક્તિના મોત નિપજ્યા હતા
હિન્દુ ધર્મના આરાધ્ય દેવ મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય સ્થાનક ઉત્તરપ્રદેશની અયોધ્યાનગરીની પુનિત-પાવનકારી ભૂમિ ઉપર ઊભી થઈ ગયેલી બાબરી મસ્જીદના અસ્તિત્વ વિરૂદ્ધ દેશવ્યાપી શરૂ થયેલ રામજન્મભૂમિ મુક્તિ આંદોલનના પગલે સન ૧૯૯૨ના ડીસેમ્બર મહિનામાં અયોધ્યામાં ધસી આવેલા હજારો કારસેવકોના ઝનૂની ટોળાએ બાબરી મસ્જીદને જમીનદોસ્ત કરી નાંખી હતી.
બાબરી મસ્જીદને ધરાશયી કરવાની આ ઘટનાના પગલે હિન્દુ તથા મુસ્લિમ સમાજના કટ્ટરપંથી વિચારધારાને વરેલા ઝનૂનીઓએ એકબીજા સાથે હિસાબ ચૂકતે કરવાનો સિલસીલો શરૂ કર્યો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપે દેશભરમાં ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને સીરીયલ બોમ્બ બ્લાસ્ટની હીંચકારી ઘટનાઓની આગમાં હજારો નિર્દોષ માનવી હોમાઈ ગયા હતા. આવા બે બનાવ સન ૨૦૦૭માં બન્યા હતા.
જેમાં એક બનાવમાં પાકિસ્તાનથી ભારત આવી રહેલી સમજૌતા એકસ્પ્રેસ ટ્રેનનાં બે ડબ્બામાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ૬૮ જેટલા નિર્દોષ પ્રવાસીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આવી જ વિનાશક સીરીયલ બોમ્બ વિસ્ફોટની બીજી ઘટના દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ઐતિહાસીક મહાનગર હૈદ્રાબાદમાં બની હતી. જેમાં ૪૫ જેટલા નિર્દોષ માનવીના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત ૭૦થી વધુ વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.
સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને કટ્ટરપંથી વિચારધારાને વરેલા હિન્દુ સંગઠનના કાર્યકરોએ અંજામ આપ્યો હતો. જ્યારે હૈદ્રાબાદમાં બોમ્બ બ્લાસ્ટથી આતંક મચાવનાર કટ્ટરપંથી મુસ્લિમોએ હિસાબ ચૂકતે કર્યો હતો. તા. ૧૮મી ફેબુ્રઆરી- ૨૦૦૭ના દિવસે પાકિસ્તાનથી ભારત આવવા સમજૌતા એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ હતી.
જેમાં મોટાભાગના પ્રવાસીઓ પાકિસ્તાની નાગરિકો હતા. હરિયાણા રાજ્યના પાણીપત સ્ટેશન ઉપર થોડોક વિરામ કર્યા બાદ આ ટ્રેન અટ્ટારીથી અમૃતસર જવા આગળ વધી હતી. ત્યારે ભારતની ધરતી ઉપર જ આ પ્રવાસી ટ્રેનમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના દેશભરમાં ગંભીર પ્રત્યાઘાતો પડયા હતા.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઈ.એ)ને આ ગુનાઈત કાવતરાનો પર્દાફાશ કરવાની જવાબદારી સોંપાઈ હતી. જેમાં કટ્ટરપંથી હિન્દુ સંસ્થાના કાર્યકરોએ આ કાવતરાને અંજામ આપ્યો હોવાની કડીબદ્ધ વિગતો પ્રકાશમાં આવી હતી. સમજૌતા એક્સપ્રેસ ટ્રેનના બોમ્બ બ્લાસ્ટના કાવતરામાં માસ્ટર માઈન્ડ તરીકે સુનિલ જોશીએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હતી. જોકે ં મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં સુનિલ જોશી ઉપર પોઈન્ટ બ્લેન્ક ફાયરીંગ કરીને તેને પતાવી દેવામાં આવ્યો હતો.
સન ૨૦૧૧માં તપાસ સંસ્થા એન.આઈ.એ. સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા સાથે આઠ કટ્ટરપંથીઓના વિરૂદ્ધમાં પંચકુલાની અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કાવતરાખોરોમાં (૧) નાભાકુમાર સરકાર ઉર્ફે સ્વામિ અસીમાનંદ, (૨) રાકેશ શર્મા, (૩) કમલ ચૌહાણ અને (૪) રાજેન્દ્ર ચૌધરીનો સમાવેશ થતો હતો. જ્યારે ત્રણ આરોપીનો પત્તો લાગ્યો ન હતો. આ ત્રણ આરોપીમાં (૧) રામચંદ્ર કલસાંગ્રા, (૨) સંદીપ ડાંગે અને (૩) અમિતનો સમાવેશ થાય છે. પંચકુલાની કોર્ટમાં તાજેતરમાં જ 'સમજૌતા એક્સપ્રેસ' ટ્રેનનો કેસ ચાલી જતાં સ્વામિ અસીમાનંદ સહિત ચારેય આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે.
સમજૌતા એક્સપ્રેસ ટ્રેનની ઘટનાનો હિસાબ ચૂકતે કરવા કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનના કાર્યકરો સજ્જ થયા હતા. આ ઘટનાને છ મહિના વીતી ગયા પછી આ કટ્ટરપંથીઓએ આંધ્રપ્રદેશના ઐતિહાસીક શહેર હૈદ્રાબાદમાં સીરીયલ બ્લાસ્ટ કરીને આતંક મચાવ્યો હતો.
આ ઘટના પૂર્વે તા. ૧૭મી મે- ૨૦૦૭ના શુક્રવારના દિવસે બોમ્બ વિસ્ફોટનો બનાવ બન્યો હતો. જેમાં મક્કા મસ્જીદમાં શુક્રવારની નમાજ અદા કરી રહેલા આઠ નમાઝીના કરૂણ મોત નિપજ્યા હતા.
તેમજ બે ડઝન જેટલા નમાઝીઓને ઈજાઓ થવા પામી હતી. મક્કા મસ્જીદના બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા હૈદ્રાબાદ શહેરમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરીને આતંક મચાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાના મુખ્ય સૂત્રધારોમાં (૧) રીયાઝ ભટકલ, (૨) ઈકબાલ ભટકલ અને (૩) આમીર રઝાખાનનો સમાવેશ થતો હતો.
આ કાવતરાને આખરી અંજામ આપવા માટે મહારાષ્ટ્રના પૂના શહેરના (૧) અકબર ઈસ્માઈલ ચૌધરી અને (૨) અલ અનીક સફીક સૈયદની પસંદગી કરવામાં આવી હતી. આ કટ્ટરપંથીઓએ તેમના કાવતરાને અંજામ આપવા હૈદ્રાબાદ શહેરના લોકોની ભીડથી ઉભરાતા વિસ્તારને પસંદ કર્યા હતા.
તા. ૨૫મી ઓગસ્ટ- ૨૦૦૭ના દિવસે હૈદ્રાબાદ શહેરના લુમ્બીની પાર્ક, ઓપનએર થિયેટર અને ગોકુલધામ ચાટ ભંડાર કે જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓની ભીડ એકત્રિત થઈ હતી. ત્યાં એક પછી એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયા હતા.
જેમાં ૪૫થી વધુ નિર્દોષ માનવીઓના શરીરના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. જ્યારે ૭૦થી વધુ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત દિલસુખનગરમાં પણ બોમ્બ મુકવામાં આવ્યા હતા. જોકે તેનો વિસ્ફોટ થઈ શક્યો ન હતો. આથી આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લોકોની ભીડ હેમખેમ બચી ગઈ હતી.
હૈદ્રાબાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ દ્વારા દક્ષિણ ભારતમાં આતંક મચાવનાર હત્યાકાંડ કેસને ૧૧ વર્ષો વીતી ગયા બાદ ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
હૈદ્રાબાદ શહેરની સેશન્સ અદાલતના ન્યાયાધીશ ટી. શ્રીનિવાસ રાયે આખરી ચુકાદો આપતાં આ કાવતરાને અંજામ આપનાર બે મુખ્ય કાવતરાખોરોને ફાંસીની સજા ફટકારી હતી. સેશન્સ અદાલતે હાઈકોર્ટની મંજુરીને અપેક્ષા સાથે ફરમાયેલી ફાંસીની સજામાં ભારપૂર્વક નોંધ્યું હતું કે - ''આ બન્ને કાવતરાખોરના આખરી શ્વાસ છૂટી ના જાય ત્યાં સુધી તેમને ફાંસીના માચડે લટકાવી રાખવાનો હુકમ કરવામાં આવે છે.'' આ બન્ને કટ્ટરપંથી કાવતરાખોરમાં મહારાષ્ટ્રની પૂના નગરીના (૧) અતીક શફીક સૈયદ અને (૨) અકબર ઈસ્માઈલ ચૌધરીનો સમાવેશ થતો હતો.
જ્યારે આ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરીને ફરાર થઈ ગયેલા આરોપીને દિલ્હીમાં આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવાના ગુનામાં પકડાયેલા ત્રીજા આરોપી તારીક અંજુમને પણ સેશન્સ અદાલતે ગુનેગાર ઠરાવીને આજીવન કઠોર કારાવાસની સજા ફરમાવી હતી.