બાળકો માટે પુસ્તકો વાંચવા અને હાથેથી લખવું એ ડિજીટલ કરતા ફાયદાકારક છે!

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
બાળકો માટે પુસ્તકો વાંચવા અને હાથેથી લખવું એ ડિજીટલ કરતા ફાયદાકારક છે! 1 - image


- વિજ્ઞાનનો ચૂકાદો 

- અનાવૃત-જય વસાવડા

- દિમાગી સ્નાયુઓને પણ 'વર્કિંગ'માં રાખવા જોઈએ. એનું કામ જ ઓછું થાય, તો વિચારવા સમજવાની આખી પ્રક્રિયાની જ ગુણવત્તા ઘટી જાય. 

જે નો બહુ પ્રયોગ થાય છે એ અમૃતકાળના ૨૦૪૭ની દુનિયા કેવી હશે, એના ઘણા અનુમાનો થઈ શકે. પણ એક નક્કર તારણ એવું છે કે આગામી ૨૫ વર્ષ પછી ભાગ્યે જ કોઈ કાગળ પેન લઈને લખતું હશે. હવે તો યાદી પણ સીધી મોબાઈલ નોટસમાં બનાવી લેવાય છે. ચિઠ્ઠીચપાટીને બદલે મેસેજીસ મોકલાય છે. પોકેટ ડાયરીઓ નવી પેઢીમાં ગાયબ થવા લાગી છે. ચબરખીઓ ચકલીઓની જેમ ફર્રરર્ર થવા લાગી છે.

ડેનેટલી, ડિજીટલ ઈઝ ઈઝી. ડિજીટલ ઇઝ સ્માર્ટ. એનો વિરોધ તો હોઈ જ ન શકે. પણ નોર્વે જેવા એજ્યુકેશનમાં એડવાન્સ્ડ દેશોમાં તો હવે પેપરલેસ ટ્રાન્ઝેકશનની જેમ પેપરલેસ સ્કૂલ્સની તૈયારીઓ ધમધમે છે. ના દફતર, ના પુસ્તકો, ના નોટ્સ, ના પેન-પેન્સિલ-રબર. જસ્ટ ડિજીટલ ટેબ (આઇપેડ જેવું) જેવું સાધન જ વિદ્યાર્થીઓએ રાખવાનું. એમાં જ ટાઇપ કરી કલાસમાં ભણાવાય એના પોઈન્ટસ લખવાના, હોમવર્ક કરવાનું, એકઝામ પણ સેન્ટ્રલ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થઈને એમાં દેવાની, અને રેફરન્સ માટેની ટેકસ્ટ કે વિડીયો ટીચર એમાં ટ્રાન્સફર કરે !

આપણે ત્યાં ફટાફટ તગડી ફી સાથે આવું ડિજીટલ મોડલ ધરાવતી સ્કૂલનું સ્માર્ટ સ્કૂલ તરીકે માર્કેટિંગ થવા લાગે. પણ સાયન્સ તટસ્થભાવે એવું કહે છે કે આમાં વધુ સ્માર્ટ કરતા વધુ ડમ્બ થવાના ચાન્સીઝ છે ! ઓન્ટારિયા યુનિવર્સિટીના પ્રોફેસર શિવશંકર જેને 'કોગ્નેટિવ ઓફલોડિંગ' કહે છે, એને લીધે !

આવો શબ્દ વાંચવામાં ભારેખમ લાગ્યો હોય તો જરા એનું અમલીકરણ સમજાવીએ. માનવમગજ 'કોગ્નેટિવ ઓફલોડિંગ', ચીજો પકડવી આવી બધી સ્કિલ્સ તો ઘણા પશુપંખીઓ પણ ધરાવતા હોય. પણ માણસ 'હોંશિયાર' સજીવ છે, કારણ કે એનું દિમાગ તેજસ્વી છે. એ અનેક બાબતોનું એકસાથે પેરેલલ પ્રોસેસિંગ કરી શકે છે, એના આધારે ઝડપી નિર્ણય લઈ શકે છે, અનુભવો કે વિગતો યાદ રાખી શકે છે તે બીજાને વ્હેંચી શકે છે. આમ જ એની 'બુદ્ધિ' ખીલી છે, અને એણે પ્રગતિ કરી છે.

પણ હવે ઉત્ક્રાંતિ ડિજીટલ ડિવાઇસ પૂરતી રિવર્સ ગીઅરમાં ચાલી છે. 'આપણે નકશો જોઈ અંદાજ લગાવવાને બદલે જીપીએસને નેવીનેશન સોંપી દઈએ છીએ. ઘણી બધી વિગતો લખી હોય તો વાંચીને યાદ રાખવાને બદલે એ બોર્ડ કે પેજનો ફોટો જ પાડી લઈએ છીએ. વોઇસ કમાન્ડથી ટાઇપ કરીએ છીએ. ઓડિયો સાંભળીને 'બૂક વાંચી' (?) લઈએ છીએ. અઘરી ગણતરીઓ ગૂગલ કે કેલ્ક્યુલેટરને સોંપી દઈએ છીએ. આ બધું આપણને આરામદાયક લાગે છે કારણ કે એમાં બ્રેઈનને ચેલેન્જ નથી !

ધિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડ્રાઇવરબસને કાર કે એઆઈના પડઘમ સંભળાય એવા યુગમાં તો ખાસ ! જેમ એદીબેઠાડું શરીરને કષ્ટ જ ના આપો, તો રોગો ઘટે નહિ પણ વધે. હરતાફરતા-કસરત કરતા દેહની તંદુરસ્તી સારી રહે, એમ જ દિમાગી સ્નાયુઓને પણ 'વર્કિંગ'માં રાખવા જોઈએ. એનું કામ જ ઓછું થાય, તો વિચારવા સમજવાની આખી પ્રક્રિયાની જ ગુણવત્તા ઘટી જાય. તરત ખ્યાલ ના આવે પણ લાંબા ગાળે બાળકનું મગજ ભણવામાં શીખવામાં એટલું એક્ટિવ ના રહે.

પણ આવું તારણ એમ જ કાઢીએ, એ ય માન્યતા થઈ, બુદ્ધિના વિકાસે આપણને શીખવ્યું છે કે કોઈ પણ તારણ પર આવતા પહેલા આપણે પાક્કું સંશોધન કરવું જોઈએ. એના હાર્ડ એવિડન્સીઝ, યાને મજબૂત સબૂત એકઠા કરવા જોઈએ અને એની સર્વે માટે સેમ્પલ સાઇઝ મોટી રાખવી જોઈએ.

નોર્વેમાં એક રિસર્ચ ઓડ્રી વાન ડર મીર અને રૂડ વાન ડર વીલ નામના વિજ્ઞાનીઓની બેલડીએ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો કર્યો. પૂછપરછ કે નિરીક્ષણ કરીને નહિ, પણ બ્રેઈનની એક્ટિવિટી માપતા સેન્સર્સ લગાડીને ! નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એનટીએનયુ)માં ૨૫૬ જેટલા સેન્સરો બાળકોને લગાડયા પછી જોયું કે જ્યારે બાળક પેન કે પેન્સિલ લઈને હાથેથી લખે છે, ત્યારે એના મગજના કેટલાય હિસ્સામાં ઝબકારા થાય છે ! પણ ટાઈપ કરે છે, ત્યારે બહુ ઓછા હિસ્સામાં ઝબકારા થાય છે ! મતલબ, બાળક કલાસમાં કે બીજે કશે સાંભળતા સાંભળતા ટાઈપ કરે છે, તો એ પ્રોસેસ મિકેનિકલ થઈ જાય છે. આંગળીઓ સિવાય મૂવમેન્ટ નથી, પણ જો લખે છે, તો હાથની મૂવમેન્ટ પણ થાય છે. જે શબ્દ કાને પડે તે સીધો જ ટાઇપ નથી થતો. એના પર અજાણતા જ વિચાર શરૂ થાય છે.

આ રિસર્ચ નાના બાળકોની શાળા પૂરતો જ થયો છે. એટલે દરેક ટાઇપ કરી લખનાર વિચાર્યા વગર જ લખે છે, એવું તારણ કાઢવામાં ઉતાવળ થાય, પણ આ લેખ લખાય છે, એમ હાથેથી લખવામાં થોટસ ઓર્ગેનાઇઝડ વધુ રહે, અને યાદ વધારે રહે, એકાગ્રતા વધે એવું તો છે. જોકે, પૂરતી પ્રેક્ટિસ બાદ મોબાઈલમાં ટાઈપ કરવામાં પણ વાંધો નથી આવતો. પણ એ તો કદાચ એટલે કે બચપણથી પાટીપેનથી શરૂ કરી કાગળ કલમ સુધી હાથેથી લખવામાં બ્રેઈન વર્ષોના વર્ષો સુધી ટેવાઈ ગયેલું છે. વિકસી ચૂકેલું છે. પણ નાના બાળકોનું શું ?

સાયન્ટીસ્ટસ એવું કહે છે કે જે એક્ટિવીટીમાં 'સેન્સરી મૂવમેન્ટ' અને 'મોટર' મૂવમેન્ટનું કોમ્બિનેશન હોય, એ વધુ યાદ રહે છે, અને 'વિચારોત્તેજક' બને છે. સેન્સરી એટલે આપણે જે ફીલ કરીએ જ. સંવેદનાત્મક ભાવવિશ્વ અને મોટર એટલે હલનચલન. ગતિવિધિઓ. ક્રિયા. હાથેથી લખવામાં આ બેઉ ઘટના એકસાથે બને છે. એટલે કોન્સ્ટ્રેશન લેવલ પણ હોઈ હોય છે. જૂની પેઢીના પ્રબુદ્ધ આગેવાનો ઘણી વાર જાણી જોઈને ટાઈપ થયેલા પત્રમાં હાથેથી સુધારા કે ઉમેરા કરી મોકલતા. જેથી પોતે ધ્યાનથી વાંચ્યો છે કે લખાવ્યો છે, એની મેળવનારને ખાતરી થાય !

અનેક દિગ્ગજ અગ્રણીઓ કે લેખકોએ કાગળ પર પેનથી યાદગાર કૃતિઓ લખી છે. અક્ષરોના વળાંકો દિમાગમાં પણ આકૃતિ સર્જે. ટાઇપમાં માત્ર બટનો દબાવવાના રહે. પણ સુંદર હસ્તાક્ષરોના કેલિગ્રાફી જેવા મરોડમાં તો વ્યક્તિત્વની ખબર પડે.

માણસે કશું ઉતાવળે લખ્યું છે, ઉચાટમાં લખ્યું છે, નિરાંતે લખ્યું છે, પ્રેમથી લખ્યું છે... આવું પણ નિષ્ણાતો પારખી શકે. એટલે કલમ કાગળથી લખવામાં ઓર પેટર્ન વધુ ઓર્ગેનાઇઝ્ડ થાય. વિચારો સુરેખ બને. ફાઉન્ટન પેનથી લખનારાનો એક આગવો વર્ગ હોય છે. હા, એક માઇનસ પોઇન્ટ ખરો કે એમાં સુધારા ઉમેરામાં છેક ભૂંસ બહુ થાય. પ્રેક્ટિસ ના હોય તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવા ઉકલે નહિ તેવા અક્ષરો થાય. લીટીવાળાને બદલે કોરા કાગળમાં સીધી લીટી ના જાય. બીજાને ઉકેલવામાં તકલીફ પડે.

આવો જ સ્ટડી સાયન્ટિફિકલી ડીપ રીડિંગ ઓફ પ્રિન્ટેડ બૂક્સ બાબતે પણ બાળમાનસનો થયો છે. ઘણા એવું સિરિયસલી માને છે કે હેરી પોટર જેમ જે.કે.નોલિંગે સાત ભાગમાં દુનિયાભરના બાળકોને ઘેલું લગાડે એમ લખી, એવો કોઈ ગ્લોબલ બ્લોકબસ્ટર એપિક બૂક સીરિઝ હવે નહિ લખાય. ત્યારે ટીવી, વિડિયો, ફિલ્મો જોરમાં હતા, પણ બધું જ સ્માર્ટફોન કે ટેબ્લેટ કે લેપટોપના સ્ક્રીન પર જ વાંચવા ટેવાયેલી પેઢી ત્યારે નહોતી ! હવે એવું લખનાર ને એટલું બધું જાડુંપાડું પુસ્તક (એક નહિ, વળી સાત-સાત) વાંચનાર વાચકો ક્યાં છે ?

યુનિવર્સિટી ઓફ વેલેન્સિયામાં બે પાંચ હજાર નહિ પણ ચાર લાખ સિત્તેર હજાર વ્યક્તિઓ ૨૬ સાયન્ટિફિક સર્વેના ડેટાને એકઠાં કરાયા. એ ઉપરાંત ૯૯ જેટલા સર્વે થયા છે વિદ્યાર્થીઓમાં. તમામનું તારણ એ આવ્યું છે કે જે લોકો માત્ર ડિજીટલ રીડિંગ કરે છે, યાને સ્ક્રીન પર જ બધુ વાંચે છે - મોબાઈલ, લેપટોપ, ટેબ, ઇરીડર ઇત્યાદિ-એમનામાં શબ્દોને સમજવા અને યાદ રાખવાની શક્તિ પ્રિન્ટવાળા કરતા ઓછી હોય છે ! યાને આવનાર મેગેઝીન કે કિતાબ છપાયેલા વાંચનાર વધુ ઝડપથી અને સારી રીતે શબ્દો સમજીને ફટાફટ એને યાદ રાખી શકે છે, વાક્યરચના વધુ ઉત્તમ રીતે ગોઠવી શકે છે.

આ તફાવત જેવો તેવો નથી. ૬થી સાત ગણો છે ! વળી, તારણ એવું નીકળ્યું છે કે મિલેન્યાલ (૨૬થી ૪૦ વર્ષની પેઢી)માં આ તકલીફ વધુ છે ! આ પ્રમાણમાં અત્યારના ડિજીટલ કહેવાતા કિડ્સ પ્રિન્ટેડ-બૂક્સ વધુ વાંચે છે ! સ્ક્રીનનું એટલું વળગણ ધરાવતા નથી વાચન માટે ! પુસ્તકો વાંચવાના પરંપરાગત ફાયદામાં કાગળોની સરસરાહટ, કિતાબમાંથી આવતી શાહી કે પત્તાની મહેક, અન્ડરલાઈન કે વાળેલા પાના, આંખોને ઓછો પડતો શ્રમ, જરૂર પડે ખોળામાં રખાય કે માથા નીચેનું ઓશિકું બનાવાય - જેવા 'ફાયદાઓ' ગણાવાતા હતા. વીજળીની બચત પણ ખરી જો દિવસે વાંચો તો ! હવે એમાં આ નવો ફાયદો ઉમેરાયો છે કે જ પ્રિન્ટેડ મટીરિયલ વધુ વાંચે છે, એનો બ્રેઇન પ્રોસેસિંગ પાવર વધુ હોય છે ! એને વધારે શબ્દો યાદ રહે છે.

ડિજીટલ સ્ક્રીનના પણ લાભ તો છે. પુસ્તકોનું વજન પ્રવાસમાં ઉંચકવું ના પડે. સ્ટાઇલસથી રિમાર્ક થાય. વધુ સારી રીતે ગમતી વાતો-વિચારો-વિગતોને કલરફૂલ અન્ડરલાઈન કે કોપી કરી શકાય. ઉધઈ લાગવાની કે પાના છૂટા પડવાની કોઈ સમસ્યા નહિ. કાગળોનો અને સરવાળે વૃક્ષોનો બગાડ નહિ વગેરે. પણ તારણો વૈજ્ઞાનિક રીતે એવું ચિત્ર બતાવે છે કે ડિજીટલ સ્ક્રીન પર વાંચનારા પ્રિન્ટની સાપેક્ષે ઉતાવળે વાંચે છે. કોઈ કારણથી, આંખ ને મગજ સ્ક્રીન પરના ડોટ્સની એવી છાપ સાચવી શક્તા નથી, જે પ્રિન્ટેડ પેપરની હોય ? વળી, મોટા ભાગના ડિજીટલ કોમ્યુનિકેશન ઇન્ફોર્મલ લેંગ્વેજમાં હોય છે. ઇમોજી કે ટૂંકા બનાવેલા શબ્દો, કપાયેલા અધૂરા વાક્યો વગેરે સાથોસાથ એમાં વાંચતા વાંચતા એકાગ્રતાનો તપોભંગ આસાન છે. કોઇને કોઈ ઇમેઇન કે મેસેજ કે સોશ્યલ મીડિયા નોટિફિકેશન આવે. વચ્ચે જ કોઇ જાહેરાત કે લિંક કે લિડિયો આવે. યુટયુબ કે ઇન્સ્ટા કે ફેસબૂક કે એક્સ કે વોટ્સએપ એક જ ક્લિક દૂર હોય. જેટલી શાંતિથી પ્રિન્ટ વંચાય એવા આરામથી આ ન વંચાય !

જનરેશન ઝેડ યાને આજના બાળકો અને તરૂણો ડિજીટલ ડિસ્ટ્રેકશનને લીધે સ્માર્ટ થાય તો પણ અટપટું, ગંભીર, જટિલ યાને કોમ્પ્લેક્સ કહી શકાય એવું રીડિંગ પ્રિન્ટેડ મટીરિયલ ના વાંચે તો ઓછું કરે, અને એને લીધે એમનું ક્રિએટિવ ઇમેજીનેટિવ બ્રેઇન ઓછું ખીલે એવા તારણો ડિજીટલાઈઝેશન વધુ છે એવા દેશોમાં નીકળ્યા છે. હજુ પણ પશ્ચિમમાં આપણા કરતાં તો સારું રીડિંગ કલ્ચર છે. ગામેગામ ભવ્ય લાયબ્રેરીઝ છે તે થોક બંધ આકર્ષક મેગેઝીન્સ બહાર પડે છે, નવી નવી ફિકશન લખાય ને વેચાય છે. આપણે ત્યાં તો એ મામલે કાળો કેર છે. વાર્તાઓ પણ ઓનલાઈન કે પીડીએફમાં (એ પણ ગેરકાયદેસર ફોરવર્ડના ગુનામાં) વાંચવાની પબ્લિકને આદત છે ને ઘણા તો ડિજીટલ પણ ઠઠ્ઠા મશ્કરી કે વિડિયો જોવા કરવા સિવાય કશું વાંચતા જ નથી ! આ તે ઉત્ક્રાંતિ કે અપક્રાંતિ ?

ઝિંગ થિંગ

''ઇંટો એ મકાન નથી. પણ મકાન સારું બનાવવા ઘણી ઇંટો જોઇએ. એમ શબ્દો એ વિચાર નથી, પણ સારી રીતે વ્યક્ત થવા બહોળું શબ્દભંડોળ જોઇએ. વાચનના અભાવે નવી પેઢી પાસે એ નથી'' 

(જાવેદ અખ્તર)


Google NewsGoogle News