Get The App

અમાસમાં ઉજાસ : અંધારાને પણ પોતાનું અજવાળું હોય છે...!

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
અમાસમાં ઉજાસ : અંધારાને પણ પોતાનું અજવાળું હોય છે...! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- રાત અને સ્ત્રી બંને દિવસે અલગ હોય છે, અને રાત્રે અલગ લાગે છે. અને રાતનું રૂપ કાયમ વધુ કામણગારું હોય છે!

જે બિયું અંધારામાં જમીનમાં દબાય છે , એ જ પોષણ પામી ઉગીને સૂરજનો સામનો કરે છે ! વાહ, ક્યા બાત ! બીજને પ્રકાશ જોઈએ તો અંધારું પણ જોઈએ. 

न होता अंधेरा

तो क्या इस उजाले की

ऐसी ही तक़दीर होती

न होता अंधेरा

तो क्या इस उजाले की

ऐसी ही तस्वीर होती ?

न होता अँधेरा

तो रातें न होतीं

न शामों के झुरमुट

न होता ये चंदा

ये तारे न होते

ये जुगनू के झिलमिल

शरारे न होते

न होती वक़त आग की आदमी को

न लड़ता उजालों को पाने की ख़ातिर

न होती जो इस रात से गुफ़्तगू तो

उजाला किसी की हक़ीक़त न होती

न होती दियों की कतारें कहीं भी

न जगमग दीवाली की सौग़ात होती

न होती अमावस तो इस चांदनी की

कहाँ कोई बित्ती सी औक़ात होती

न होता अंधेरा तो

क्या सोचते हैं

उजाले की ऐसी ही तस्वीर होती ?

मैं दूंगी दुआ उस अंधेरे को जिसने

उजाले से मिलने का रस्ता दिखाया

खिले फूल जो रात में ही हैं खिलते

झरे ओस कण दूब नोकों पे चलते

दिया इस अंधेरे ने उपहार कितना

कि पहने हुए नींद सपनों का गहना

अंधेरा भी उतना ही सुंदर है जितना

उजाला चमकदार होता है जितना

न होता अंधेरा तो

तो क्या सोचते हैं

उजाले को पाने की ये पीर होती ??

સાદી લાગતી સિમંતિની નામની નવોદિત હિન્દી કવિયિત્રીની આ રચના ખાસ્સી ડીપ યાને ગહન છે. બ્રિટીશ લેખક ટેરી પ્રેટચેટનું ક્વોટ યાદ આવી જાય 'પ્રકાશને લાગે છે કે એનો વેગ સૌથી તેજ છે. (સાયન્સ મુજબ લાઈટની સ્પીડ ફાસ્ટેસ્ટ છે.) પણ પ્રકાશ જ્યાં તડામાર ઝડપે પહોંચે ત્યાં હંમેશા અંધકાર તો હોય જ છે એનાથી પહેલા પહોંચેલો અને એની રાહ જોતો !' જી હા, 'શક્તિમાન' સિરિયલના તમરાજ કિલવિષના પેલા તકિયા કલામની જેમ અંધેરા કાયમ રહે બોલ્યા વિના જ અંધકારનું સામ્રાજ્ય શાશ્વત છે. સાયન્ટીફિકલી, સ્પીકિંગ, અંધકાર છે જ. એ મૂળભૂત છે. શૂન્યવત કાળો અંધકાર. પ્રકાશ માટે તો કોઈ પણ ઉર્જાનું દહન કરીને મહેનત કરવાની રહે છે. પ્રકાશ એ પ્રયાસ છે. અંધકાર અનાયાસ છે.

દિવાળી આવે એટલે નેચરલી અંધકાર પર પ્રકાશનો વિજય અને અસત્ય પર સત્યનો વિજય જેવા કલકત્તાથી પણ ગળચટ્ટા 'સંદેશ' ફેલાવા લાગે છે. સાચી ને સારી વાત છે, હૈ અંધેરી રાત મગર દિયા જલાના કબ મના હૈ ટાઈપની પ્રેરણા આપતા લેખો અહીં જ લખ્યા છે. પણ એનો અર્થ એ નહિ કે અંધકારનો ડર મનમાં બેસાડી ડાર્કનેસને ડેવિલ જ માનવી ! માણસને અંધારાનો ખૌફ લાગે છે, પણ ભારતમાં પૂનમ સાથે અમાસનો પણ ઓછો મહિમા નથી. સોમવતી અમાસ, સર્વપિતૃ અમાસ, મૌની અમાસ (મહાશિવરાત્રી પહેલાની ) વગેરે તો ધાર્મિક મહાત્મ્ય ધરવતા પર્વ છે. 

મોટે ભાગે અમાસના દિવસો બાબતે પરંપરાઓ ઇલેક્ટ્રિસિટી ઇન્વેન્શન પહેલાની હોય, એમાં મૃત પૂર્વજો (પિતૃ)ની વાત આવે છે. મોત પછી શું એ સવાલનો જવાબ તો મુખ્યત્વે કાળુંધબ્બ અંધારું જ છે ને ! સ્વર્ગ નરક, જન્નત દોઝખ, હેવન હેલ બધું તો માણસના મનનો ખેલ છે. એનો કોઈ પુરાવા સર્જનહારે આપ્યા નથી. ના કોઈ અનુભવીઓ એની વાત વહેંચવા સાર્વત્રિક આવે છે. એટલે ગયેલાઓ સાથે સંવાદનો માર્ગ પ્રાચીન કાળમાં અંધારાના સમયની રાતમાં આવ્યો. અમાસની આગલી રાત કાળીચૌદશ એવા જ પેગાન સંસ્કૃતિમાંથી હોલીવૂડ પિક્ચર કલ્ચરમાં આવેલા હોરર હેલોવીન સાથે થોડું ડરામણું સામ્ય ધરાવે છે. અંધકાર એટલે ભૂતાવળ, પ્રેતાત્માઓનું વિચરણ આ કોન્સેપ્ટ જગત આખામાં છે. આપણે ત્યાં એટલે અમાસને શિવ સાથે જોડી દેવાઈ. સ્મશાન અને સંહારના તાંડવદેવ મહાદેવ સાથે. 

પણ શિવ તો દેવાધિદેવ છે. અનાદિ અનંત. સર્વાધિક શક્તિશાળી. રાજા નહિ ને વૈભવી મહેલ નહિ. ભભૂતિ, વ્યાઘ્રચર્મ, નંદી, કૈલાસ, સર્પ, ગંગા. છતાં પોસ્ટ પાવરફુલ. કારણ કે ક્લોઝ ટુ નેચર. ઈશ્વરોની કલ્પનામાં શિવ સહુથી વધુ ઇકો ફ્રેન્ડલી છે. વનવાસીઓના લાડકા છે. પ્રચલિત અર્થમાં સુંદર નથી પણ મહાપ્રભાવી છે. અંધારા યાને તિમિરને એમનું પ્રજ્ઞા, પ્રેમ અને પરાક્રમનું ત્રિશૂળ છેદી નાખે છે એ ભાવના પણ લાગે. અને અંધકાર યાને મૃત્યુ પર મૃત્યુંજય શિવશાસન એ વાત પણ ફિટ થાય. વિલાસી ચંદ્રને શ્રાપ મળ્યો ૧૫ દિવસ તેજનો ક્ષય થતા અમાસ અને ૧૫ દિવસ તેજની ભરતી થતા પૂનમ એની રસિક કથા પણ છે. જે ચંદ્ર યાને સોમને જટામાં સોમનાથ શંકર ધારણ કરે છે. 

એ તો પ્રાથમિક શાળાના વિજ્ઞાનમાં આવી જાય છે કે કેવી રીતે પૃથ્વી અને ચંદ્ર સૂર્ય ફરતે ફરે છે એમાં સૂર્યના તેજના પડછાયામાં વધઘટ થતા એક માસના ગાળામાં પૂનમ અને અમાસ આવે. ઈનફેક્ટ, મહિનો, મન્થ, માહ, માસ એટલે જ ચંદ્રકળાની વધઘટની એક ફૂલ સાયકલ. પૂર્ણ ચક્ર. વિક્રમ સંવંતવાળું આપણું કેલેન્ડર જ અંગ્રેજી તારીખો જેવું સોલાર નહિ, પણ લ્યુનાર છે. યાને ચંદ્રગતિ પર ચાલે છે. એ રીતે 'નાસા' મુજબ મહિનો એકઝેટ ૩૦ દિવસનો નહિ પણ ૨૯.૫૩ દિવસનો થાય ને એ રીતે વર્ષમાં ૧૨ નહિ, પણ ૧૨.૩૭ મહિના થાય. આ તો સમયના એકમ અને તારા (સૂર્ય) ફરતે અને પોતાની ધરી ફરતે ફરતા ગ્રહ (પૃથ્વી) અને એના ઉપગ્રહ (ચંદ્ર)ની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેઠાં બેઠાં ઈલોન મસ્કના અવકાશયાનની રાહ જોતા જોતા સુનીતા વિલિયમ્સ જોઇને ગણી શકે એવો સીધો ને શુદ્ધ વૈજ્ઞાનિક હિસાબ છે.

અને આપણા ઋષિઓએ હજારો વર્ષો પહેલા ચોકસાઈ અને ચતુરાઈથી ઝીણું કાંત્યું હોઈને પંચાંગ અઘરું અને કન્ફયુઝિંગ લાગે છે. તારીખોમાં ૩૦, ૩૧ના મહિના ને ચાર વર્ષે લિપ ઈયરનો એક દિવસ એવો જાડો હિસાબ છે એટલે તારીખો ફિક્સ રહે. પણ ૩૦ દિવસ યાને ૧૫ ચડતી કળા ને ૧૫ ઉતરતી કળાના દિવસો ગણી અમાસ પૂનમનો મહિનો ગણવા સાથે આ રિયલ એવરેજ ૧૨.૩૭ મહિનાનું વર્ષ / સરેરાશ ૨૯.૫૩ દિવસના માસવાળું એડજસ્ટમેન્ટ કરવા તિથિનો ક્ષય થાય છે. પુરુષોત્તમ માસ ઉમેરવો પડે છે. ભણેલા અભણ અકોણા જેમાં ગણિતમાં ગડબેશ હોઈને માનતા નથી, એ ધોકો પણ એ રીતે નક્કર વૈજ્ઞાનિક ગણિત મુજબ આવે છે. જેનું સન્માન કરવું જોઈએ. બહુ સનાતન સનાતનનો ફાંકો હોય તો આ બધી સૂક્ષ્મ સમજ પણ હોવી જોઈએ. તિથિ તારીખ મુજબ ફિક્સ ના રહી શકે એટલે અડધો દિવસ તેરસ અને અડધો ચૌદશ ને અડધી દિવાળી એવું બધું થાય. 

એની વે, વાત તો એ છે કે ભારત અનોખું અદભુત છે, કારણ કે અહીં લોકોનો સર્વોચ્ચ ઉત્સવ પૂનમની અજવાળી રાતને નહિ, પણ અમાસની અંધારી રાતને સમર્પિત થયો છે. એમાં પણ ફોર એ ચેન્જ, આ અમાસ શિવ કરતા વધુ શક્તિને સમર્પિત છે. મહાદેવ માટે નહિ, પણ મહાદેવી માટે છે. સેલિબ્રેશન ઓફ લાઈટ, જોય ઓફ ફેમિનાઈન સ્પિરિટ. એટલે તો વર્ષો પહેલા લક્ષ્મીપૂજન કરો કે ના કરો દિવાળીએ ઘરમાં ગૃહલક્ષ્મીપૂજન જરૂર કરજો એ લખેલું. પણ પૂનમને બદલે અમાસની રાત કેમ? વર્ષનો છેલ્લો દિવસ છે એટલે ? તો પછી નવા વર્ષની એકમથી જ સીધી ઉજવણી કેમ નહિ ? અંધારાને બદલે અજવાળામાં ઉત્સવ કેમ નહિ ?

વેલ, એટલે કહ્યું કે ભારતનો વારસો વિશિષ્ટ છે. આપણે કેવળ જન્મ એટલે ઉત્સવ ને મૃત્યુ એટલે ઉદાસી, સર્જન એટલે પૂજન ને વિસર્જન એટલે રુદન એવું નથી માનતા. વિસર્જનની શોભાયાત્રા હોય. મૃત્યુના દેવ યમ તો ધર્મના રાજ હોય ને ગીતામાં કાળ પણ હું છું એવું વસંતના મોરપીંછધારી રાસેશ્વર કહે છે. ધ્યાનથી વિચારો તો દિવાળી વિદાયની ઉજવણી છે. નવાને આવકાર તો બધા આપે હોંશે હોંશે. નવા વર્ષમાં તાજગી છે, યુવાની છે અને ખાસ તો હવે બધું સરખું થઇ જશે, એવી હેપિનેસની હોપ/આશા છે. પણ જૂનામાં તો મીઠીની સાથે કડવી યાદ પણ હોવાની. મેળવ્યાના આનંદ સાથે ગુમાવ્યાની હતાશ કરતી ઘટનાઓ પણ હોવાની. છતાં કોઈ ખટાશ વગર એના અંતિમ દિવસોનું સમાપન હરખભેર ઝળહળ થઈને રંગરોશની ધૂમધડાકા મોજમિષ્ટાન્ન સાથે ઉજવવાનું છે. કશુંક જાય છે, સરી રહ્યું છે, ફરી મળવાનું નથી તો એના માતમને બદલે મહોત્સવ માનવી લેવાનો કેવો મજાનો ખ્યાલ છે એની પાછળ ! ગુડબાય કહો, તો પણ શાનદાર રીતે, કડવાશ ભૂલીને, હળીમળીને સ્માઈલ એન્ડ સ્ટાઈલ સાથે ! આ છે દિવાળી !

બીજું એ કે, આગળની કવિતા કહે છે એમ અંધારાનું પણ આગવું યોગદાન છે, એનું પણ પોતીકું સૌંદર્ય છે. રામ સાથે જોડાયેલ ઉજવણી ગણો કે દુર્ગા સાથે, વિદ્યુત નહોતી ત્યારે અંધારિયાની રાતોના ડીપ ડાર્ક જેટ બ્લેક બેકગ્રાઉન્ડના કોન્ટ્રાસ્ટમાં જ દીવાના અજવાસ દીપી ઉઠે કે રંગોળીના રંગો ખીલી ઉઠે.  અરે આકાશમાં આતશબાજી પણ પૂનમમાં તો ફિક્કી પડી જાય. બ્લેક બેકડ્રોપ તો રીચ રોયલ લાગે. આજે તો ગાડીથી સાડી સુધી ટ્રેન્ડમાં છે ને શનિદેવનો રંગ અશુભ ગણવાની અંધશ્રદ્ધા જૂની થઇ ગઈ. યાદ રાખજો, માતાજીને લગતા તહેવારો મુખ્યત્વે રાતના હોય. પૂજનની વાતો નથી કરતા પણ ઉત્સવની મજાની વાત છે. નવરાત્રિ કે અનુષ્ઠાનની જેમ. રાતના નિરાંત હોય. દિવસ જેટલી ખલેલ ના હોય. સ્ત્રીઓ ખાસ તો પરવારી શકે. વાતાવરણમાં ગુલાબી ઠંડક હોય આપણે ત્યાં દિવસની ગરમીને બદલે. થાક લાગે નહિ. 

આમ પણ મનોરંજન માણવાની મજા રાતની છે. સંગીત, નાટક, સિનેમા, લગ્ન કે બર્થ ડે ડિનર, ડાન્સ પાર્ટી, વેબ સિરીઝ, વાચન, ભજન, પ્રવચન બધામાં રાતનો ટાઈમ પ્રાઈમ ગણાય. એની પ્રાઈઝ પણ વધુ હોય. હાશકારો એટલે અંધકારની સોડ. વિજ્ઞાનીઓ તો રાતના સારી નીંદર માટે પણ સંપૂર્ણ અંધકારની હિમાયત કરે છે, જેથી અમુક હોર્મોન સક્રિય થાય ને મગજ શાંત પાડી દે. લાંબી ગાઢ ઊંઘ રાતના અંધકાર સાથે જોડાયેલી જણસ છે. બપોરે તો ઝોલું હોય. દિવસ કામ માટે. રાત આરામ માટે. દિવસ દોડવા માટે, રાત ઝૂમવા માટે. જેમને ડ્રિંંક કરવું હોય કે જેમને ડાન્સ કરવો હોય, કંપની રાતમાં છલકાય. રતિક્રીડાનો આનંદ પણ નિશા નિમંત્રણમાં વધુ માદક લાગે. હની'મૂન' હોય હનીસન નહિ ! સેક્સ ઈઝ કોલ્ડ નાઈટ ગેઈમ્સ. ટેક્સનું ટેન્શન દિવસે હોય અને સેક્સનું પેશન મોટે ભાગે રાતે.

રાત બીવડાવે એ એકલતામાં. પણ સમૂહમાં તો લહેર કરાવે. એક્ચ્યુઅલી, રાતના સાધના કરવા માટે જરૂરી એકાંત મળી રહે. અંધારી રાતનું રખોપું હોય છે. પ્રાઈવસીને સાચવી રાખે. સતત કોઈ જોયા ના કરે. ડિસ્ટર્બ ના કરે. છાનું ને છપનું રહી જાય સમાજની વાયડીવિવેચક નજરો અને બોગસ બળતરાઓથી. નકામા ફોન કોલ્સ કે ઓફિસના કામોની ઉઘરાણીમાંથી મુક્તિ. નિજ એકાંતનું રક્ષણ કરે એ રાત.

અમાસની અંધારી રાત આપણને ઢાંકી રાખે છે. મિત્રચિંતક સુભાષ ભટ્ટ કહે છે એમ અજવાળું દ્રશ્યને સીમિત કરી દે છે. રાત એને વિસ્તારી દે છે. નગર, પહાડ, જંગલ બધા પર અમાસના અંધારા જાણે એક કાળી કામળી ઓઢાડી દે છે. એમને ઢાંકી દે છે. રાતના વૃક્ષ કે મકાન ધૂંધળા દેખાય. ખાલી રેખાઓથી બનતી કાળીભૂખરી આકૃતિ લાગે. એમાં એની ખામીઓ ઢંકાઈ જાય. ઉખડેલા રંગો કે તિરાડો. ઘરડી છાલ કે પીળા પાન બધું છુપાઈ જતા અંધકારની ચાદર એમને વધુ એલીગન્ટ, ક્લાસી બનાવી દે છે. એક પ્રકારની કળા પૂરી દે છે. ફોટાને ચિત્ર બનાવી દે છે. દિવસમાં બધું ચોખ્ખું દેખાય ત્યારે એ 

ધુમ્મસિયો અહેસાસ જતો રહે છે, જે પરીકથાની ફીલ આપે. એટલે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાં હીરોઈન કે શ્વેત શ્યામ ફોટોમાં વ્યક્તિ વધુ ચાર્મિંગ લાગે છે. કારણ કે એમાં ડાર્કનેસનો ટચ છે. અંધકારમાં શાંતિથી સર્જન થતું હોય છે. 

પ્રિય મોરારિબાપુ હનુમંત સરીખા આત્મવિશ્વાસથી કાયમ કહે છે, અંધારાથી ભય ના પામો. થોડોક અનુભવ લો ને આગળ ડગ માંડો તો અંધારાને પણ પોતાનું અજવાળું હોય છે. બીજને ઉગવા માટે પ્રકાશ જોઈએ એવું બધા કહે, પણ ત્યારે ભૂલી જાય છે કે જે બિયું અંધારામાં જમીનમાં દબાય છે , એ જ પોષણ પામી ઉગીને સૂરજનો સામનો કરે છે ! વાહ, ક્યા બાત ! બીજને પ્રકાશ જોઈએ તો અંધારું પણ જોઈએ. મૌન એ વાણીની અમાવસ્યા છે. ધ્યાન એ બાહરી દ્રશ્યની અમાવસ્યા છે. 

સજીવસૃષ્ટિમાં મોટા ભાગના જીવો નિશાચર છે. રાતના સક્રિય થાય છે, શિકાર માટે. લક્ષ્મીનું તો વાહન પણ ઘુવડ છે. જેની દ્રષ્ટિ રાતના સતેજ હોય છે. તમને ખબર છે ? અંગ્રેજીમાં અમાસને વર્ણવતો કોઈ ઢંગનો એકે શબ્દ પણ નથી. ન્યુ મૂન કહેવાય છે. જે પણ ખોટું છે કારણ કે અમાસના ઝીરો મૂન હોય. એકમમાં ન્યુ મૂન હોય ! અમાસ એ ભારતનો ખજાનો છે. એટલે દિવાળી દુનિયા પણ હવે ભારત પાસેથી જોઇને ઉજવે છે. સાયન્સ ફેક્ટ છે કે સિતારા તો દિવસે પણ ત્યાં જ મોજૂદ છે પણ સૂર્યપ્રકાશના ઓવરડોઝને લીધે દેખાતા નથી. રાતના સિલ્કી બ્લેક કિનખાબમાં આભલાંની જેમ તારા ચમકે છે. યાદ રાખજો, વધુ પડતું અજવાળું આંખો આંજી દે એ અનુભવ કર્યો જ હશે. એટલે દીવાના પ્રકાશ સાથે અમાસનું અંધારું મળે તો રંગો સ્પષ્ટ મહોરી ઉઠે છે. મોગરા, રાતરાણી, રજનીગંધા, જૂઈ જેવા સફેદ ફૂલોની સુગંધ રાતને મહેકાવે છે. 

વર્ષો પહેલા વાંચેલું કે રાત અને સ્ત્રી બંને દિવસે અલગ હોય છે, અને રાત્રે અલગ લાગે છે. અને રાતનું રૂપ કાયમ વધુ કામણગારું હોય છે ! દિવાળી એ અમાસમાં નર્તન કરતી રસમય અપ્સરા છે આપણા જીવનને અંધકારમાંથી મેઘધનુષી આતશમાં લઇ જતી ! દિવાળીની ડાર્ક નાઈટને લાઈટથી સજાવતી માનવજાતને જોઇને જ ઉપરવાળાને વધુ એક વરસ જીવન ચાલુ રાખવાનું બોનસ આપવાનું જોમ ચડતું હશે ! શુભ દિવાળી.

ઝિંગ થિંગ 

શહર કે અંધેરે કો ઇક ચરાગ કાફી હૈ

સૌ ચરાગ જલતે હૈ, ઇક ચરાગ જલને સે 

(એહતીશામ અખ્તર) 


Google NewsGoogle News