ધરતીના છોરુંની પ્રેમ-મોસમનો ''શ્રાવણી મેળો''
- અનાવૃત-જય વસાવડા
- શ્રાવણી મેળાના એડિટેડ અંશો થકી લટાર મારીએ કાળચક્ર ફેરવતા અર્થાત ટાઈમ ટ્રાવેલ કરાવી દેતા શબ્દોના મેળામાં!
અલકમલક ભેળો થાય,
અમે મેળે ગ્યાં'તાં.
ગામ ગામ આવી ઠલવાય,
અમે મેળે ગ્યાં'તાં.
હૈયું ન હાથ રહ્યું ઊભી બજારમાં;
શોધું હવે ક્યાં હું માનવી હજારમાં?
એ આગળ, હું પાછળ,
અમે મેળે ગ્યાં'તાં,
એ પાછળ, હું આગળ,
અમે મેળે ગ્યાં'તાં.
એ રહ્યો મૂંગો ને હું રહી માનમાં;
સમજ્યાં બંનેમાંથી એકે ના સાનમાં.
એ ગયો પૂરવ, હું પચ્છમ,
અમે મેળે ગ્યાં'તાં;
હું ગઈ ઉત્તર, એ દખ્ખણ,
અમે મેળે ગ્યાં'તાં.
સત્તરે ચૂક્યાં તે સિત્તેરે શોચતાં,
એની એ ભૂલ તોય હજારો કર્યે જતાં.
કરવાને છેલ્લા જુહાર,
અમે મેળે ગ્યાં'તાં.
ફરી હવે ક્યાંથી એ દીદાર?
અમે મેળે ગ્યાં'તાં.
ઉમાશંકર જોશીની છાપ એવી શિષ્ટ સાહિત્યની થઇ ગઈ છે (એ પણ જુનું ગુજરાતી સાહિત્ય ભણવાના ભાર સિવાય પણ વાંચતા હોય એને, બાકી તો ઉમાશંકરને કોઈ મહાદેવનું મંદિર સમજી લેતી પ્રજા પણ મોબાઈલમાં હિલોળા લે છે !) કે અંગ્રેજીના આ જ્ઞાાતાએ સંસ્કૃતપ્રચૂર ગુજરાતીની સાથે ધીંગુ લેખન તળપદા શબ્દોમાં કર્યું છે એ વાત જ ભૂલાઈ જાય છે. આ કવિતા જો કે જૂની થાય એમ નથી. દુનિયા જ એક મેળો છે. હળતામળતા એક પુરુષ ને એક સ્ત્રી મળી જાય છે. પણ સંકોચમાં પુરુષ ચૂપ રહે છે અને સ્ત્રી પહેલ આપણે થોડી કરાય એવા માનમાં દૂર રહે છે. કવિ કહે છે એમ સત્તર વર્ષનો આ વસવસો સિત્તેર વર્ષની ઉંમરે પણ કાળજાને કોરી નાખે એવી પીડા કાયમ આગળના અનુભવમાંથી પાઠ ભણ્યા વિના હજારો હૈયા કરતા આવ્યા છે અને કરતા રહેશે. મળવાને એળે જવા ના દેવું હોય તો હળવેકથી મહોબ્બત જતાવી દેવી. પછી બહાર મેળો ધમાચકડી મચાવતો હોય ને મનમાં ખાલી કોરુંકટ મેદાન રહે એવું ના થાય.
કાઠિયાવાડમાં મોટા થયા એટલે આઠમ આવે ત્યારે કાનુડાથી ય પહેલા મેળો યાદ આવે. મેળા પર તો સ્મરણલેખ વર્ષો પહેલા લખ્યો છે. ધાર્મિક તહેવારને હેતુ સમજીને ભરાતા મેળાના મુખ્ય ત્રણ હેતુ તો સાવ અલગ. એક ને પાયાનો હેતુ તો જેને લીધે જગતમાં મેળાઓ શરુ થયા એ બજાર. માર્કેટ. ચીજવસ્તુઓની હાટડી અને હટાણું (ખરીદી), બીજું સરખેસરખા સખાસખીની સંગાથે મનગમતા જોબનને જોવું-અડવું-મળવું, અને ત્રીજું રેગ્યુલર રૂટિનમાંથી આનંદપ્રમોદનો બ્રેક. ખાણીપીણી અને રાઇડ્સ-રમકડાંની લહેજત.
મેળા (કલહરી - ક્લ્લેશ્વરી?)ને કેન્દ્રમાં રાખીને ગુજરાતી સાહિત્યમાં ક્લાસિક કૃતિ રચી પન્નાલાલ પટેલે. 'મળેલા જીવ'. એમાં તો દાયકાઓ સુધી ગામડાની કથા કહેતી ગુજરાતી ફિલ્મોમાં મેળો પડદા પર ભરાતો રહ્યો. પણ એ કૃતિ રચાઈ ૧૯૪૧માં. એના પાંચ વર્ષ પહેલા ૧૯૩૬માં ગ્રામજીવનને કેન્દ્રમાં રાખીને ઉમાશંકર જોશીએ એ સમયે છાપેલા ૨૪ પાનામાં સમાઈ જતી વાર્તા પ્રકાશિત કરી એનું શીર્ષક રાખ્યું 'શ્રાવણી મેળો' ! મેળો અહીં પણ સમાજના તરછોડાયેલા કે શોષિતવંચિત વર્ગના પાત્રોના મિલનનું બેકડ્રોપ બને છે. ઉ.જો.એ તો આદિવાસી સમાજના પાત્રો લીધા. ગમે તે વર્ગની વાત કરો. ઇન્દોર હોય કે ઇન્સબૂ્રક, ફૂલપુર હોય કે ફ્લોરેન્સ
- માનવસંવેદનો તો એ જ રહેવાના છે. આવો શ્રાવણી મેળાના એડિટેડ અંશો થકી લટાર મારીએ કાળચક્ર ફેરવતા અર્થાત ટાઈમ ટ્રાવેલ કરાવી દેતા શબ્દોના મેળામાં !
અંબી અને એની ગોઠણ (ગોઠડી મતલબ વાત કરનારી ગોઠિયણ એટલે બહેનપણી) સોના મેળામાં એકબે આંટા મારી આવી ફરી પાછાં ચગડોળમાં બેઠાં હતાં. કશે દિલ ગોઠતું નથી એમ કહીને અંબી સોનાંને અહીં ઘસડી લાવી હતી. 'તો દોડીને મેળે શીદ આવ્યાં, ગોઠતું નથી તો?' સોનાંએ રીતસર ચીડવવાનું જ શરૂ કર્યું.
'ચગડોળમાં બેસવા વળી.'
જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિ:શ્વાસ. અને સોનાંની સરત બહારની એ વાત ન હતી. 'તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.' સોનાંએ તો ચગડોળમાં પોતાની જોડે બેસનારો બે મેળા ઉપર ગોતી કાઢેલો. અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી સોનાંની સામે પીઠ કરીને બેઠી. ચગડોળ નીચેઉપર, ઉપરનીચે ઘૂમવા માંડયો એટલે આજુબાજુના માનવસમુદાયના ખદબદતા ઉકરડા તરફ ઘૃણાથી જોતી રહી. પોતે એ ધરતીથી અલગ, એ ધરતીથી ઊંચે, જાણે કોઈ બીજા જ ગ્રહ પર વસતી, એવું ચગડોળ પર હોવાથી એને લાગતું ન હોય.
સોનાંએ પોતાના ગુનાની માફી લાડની એક ચોંટીથી માગી જોઈ. પણ એમાં ન ફાવી એટલે થાકીને માત્ર વનવધૂઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવું આરંભ્યું: ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!
કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાંના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી ગઈ કે થોડી વાર પછી સોનાં તો ગાતી થંભી પણ ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એક વાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત. એક... એક... ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો તેનો તાલ તૂટવાનો ડર ન હોત તો. ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડયો હોય એવું બની રહ્યું.
ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોસરસ મેળો ભરાતો. ને વરસોવરસ, ડુંગરાનાં દૂઝણાં સાવજચાખ્યાં પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા તે બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતાં ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથ ઝાલી રસ્તે પડતાં.
વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડયો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડયો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પર પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો.'
જોયું રીડરબિરાદર, સમર્થ સર્જક વાર્તામાં ય જીપીએસસીની એકઝામમાં આજે ય કામ લાગે એવો લઘુનિબંધ લખી શકે મેળા પર ! વાર્તામાં અહીં દેવાનું પાત્ર પ્રવેશે છે. જેના બાપે છોકરાં મોટા કરવા ખેતર ગીરવે મુકવું પડયું છે. વ્યાજના શાહુકારી ચક્કરમાં જુવાન દેવો ય કાયમ મજૂરીએ લાગેલો છે. વર્ષોથી મેળામાં જવાનો વેંત નથી આવતો. મતલબ આર્થીક સગવડતા નથી. પણ આ વખતે મેળામાં આવ્યો છે. અંબી ને સોના જે ચગડોળમાં બેસીને ધરતીથી ઉપર પાલખી ઝુલાવી રહ્યા છે, એની ઉપરની પાલખીમાં દેવો બેઠો છે, ને મોજથી પાવો (આદિને બદલે ઉભી રાખીને વગાડતી વાંસળી) વગાડે છે. ત્યાં અંબીનું ગીત સાંભળતા એમાં પાવાના સૂર મેળવે છે. ભેગી નજર પણ મળે છે ને મેળાને શોભે એવું મનમિલન થતાં તન પણ ડોલે છે. ચકડોળનો ફેરો અટકે નહિ માટે એનો રાઉન્ડ પૂરો થાય ત્યારે અંબીના ખોળામાં ઉપરથી બે આની નાખે છે, જેથી ઉતર્યા વિના આ સફર ચાલુ રહે.
ચગડોળ ઉર્ફે મેરી ગો રાઉન્ડ ટાઈપ જાયન્ટ વ્હીલ મેળામાં બે ઘડી ધરતીથી અદ્ધર કરી દે એની મજા લેવા તો લોકો આજે પણ પૈસા ચૂકવે છે. પાંખ વગર ઉડાન ભરાય અદ્ધર. ઉત્સવ જવું લાગે જયારે વાસ્તવિકતાની ધરતીથી કાલ્પનિક મસ્તીમાં ઉપર ઝૂમવા લાગો ત્યારે. પ્યાર, ઈશ્ક, મહોબ્બતનું પણ એવું છે ને. પગ જમીન પણ ચાલતા હોય પણ વિચારોને એવી પાંખો આવે કે ધરતીની ઉપર વાદળાને પેલે પાર ચિત્ત ઉડે. તો, એ પ્રેમનું ચગડોળ સમજીને સોના અંબીને એના નવા જોડીદાર દેવા સાથે મેળવીને મેળાના માનવ મહેરામણ વચ્ચે ઓળખતી આંખો ના ભોંકાય એનું એકાંત આપવા સરકી જાય છે. હવે દેવો અને અંબી ભીડ વચ્ચે પણ ભેળા છે. એમનો મેળો એકમેકના હૈયામાં ભરતીએ ચડયો છે ને વાર્તામાં વર્ણન આગળ વધે છે :
'મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટયા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા.
અધખીલ્યાં રૂપને તરેહતરેહની માળાઓ વડે અને બોરગૂંથ્યા માથા પરથી ફરકતી છુટ્ટી ઓઢણી વડે ઢાંકતી-ન-ઢાંકતી વનબાલાઓ પગના મસ્ત ઠેકાથી નાચતી હતી. મેઘગર્જના સાથે પર્વતની ઝાંઝરીઓનો કલનાદ ભળે એવો એમનો મીઠો કંઠ જુવાનિયાઓના વીરત્વઘેરા અવાજ સાથે ભળતો હતો. ભૂમિતિના સુરેખ વર્તુલ આકારમાં નહિ. પણ શ્રાવણી ઘોડાપૂરનાં અફાટ મોજાંની ગતિએ જરી આગળ ધપતાં, જરી પાછાં નમતાં એમ સૌ નાચતાં હતાં. એકબીજાથી ગંઠાવાનું નક્કી કર્યા પછી પણ ઉલ્લાસી જોડાંઓ યૌવનના એ નિર્દંભ નિર્બંધ નૃત્યમાં બને એટલું ઘૂમી લેતાં, મોટાંઓ જોઈને જોબન સંભારતાં. નાનાંઓ ઝટઝટ મોટાં થવા મન કરતાં.
અંબી-દેવો દૂરથી જ મંગલ દ્રશ્ય આંખો ભરીને જોઈ લઈ જરી હાટડીઓમાં ફેરો લગાવી રસ્તે વળ્યાં. એમને નાસવામાં શી બાકી હતી? ધરતીથીય અધ્ધર આકાશમાં એ તો રમણે ચડેલાં. જોકે તોય સહજ સ્ત્રીસ્વભાવ પ્રમાણે અંબીએ તો એક વાર સૂચના કરી જોઈ હતી કે જતાં જતાં સૌ ભેગાં જરી ગાતાં જઈએ. 'જો ભાઈ, તારે ગાઈને બીજા કોઈને વળી ગાંડો કરવો હતો તો મને ચગડોળે શીદ ફેરવ્યો?'
વેપારીઓનાં નસીબ સારાં તે દિવસ કોરો હતો. દિવસ થોડો નમ્યે, આછી ઝરમર શરૂ થઈ. અંબી-દેવો ચારેક ખેતરવા છેટે ગયાં હશે ત્યાં વરસાદે જરી જોર પકડયું. એક ઝાડ નીચે બંને થોડી વાર જઈને ઊભાં. દેવો ઊભો ઊભો, અંબી ગાય એવી એની જોડે શરત કરીને, બેય પાવા લહેરથી જરી ડોલતો ડોલતો બજાવતો હતો. પણ અંબી તો ચૂપચાપ એના ગીત ઘૂંટતા ગળામાં હાથ ભેરવી એના બેસતા-ઊપસતા ગાલના ચાળા પાડતી હતી. બે પાવામાંથી ગીત એકસુરીલું આવતું હતું એમ અંબી-દેવાનાં બે હૈયાંમાં એક જ રસ ઘોળાતો હતો.'
બટ, મગર, કિન્તુ...આપણે ત્યાં કોઈની પ્રાઈવસીના ચીંથરા ઉડાડીને લોકોને કોઈ સ્ત્રી પુરુષ નિજ એકાંત માણતા હોય ત્યાં તરાપ મારવાની શિકારીટેવ તો આ એકવીસમી સદીની ગધ્ધાપચ્ચીસી પૂરી થવા આવી તો પણ રાખે છે, એવું ત્યારે થયું. ઉ.જો. અહીં જેનો ઉલ્લેખ થયો હતો એ શેઠનું પાત્ર ઇન્ટ્રોડયુસ કરે છે. જે પોતાના દેવાદાર એવા દેવાને કોઈ યુવતી સાથે જોઇને જાણી જોઈ કોઈ ગરીબ પાસેથી વ્યાજખોરીના ડારામાં છીનવી લીધેલું રમકડું નીચે નાખી દેવાને સાદ પાડે છે. નજીક એ જાય ત્યારે એને બરાબર સંભળાવે છે કે એના ખેતર તો ક્યારના ચોપડે ચડી ગયા મતલબ ગયા. એના બાપે દીકરા પર આશા રાખેલી ને દીકરો તો અહીં પ્રેમક્યારી સીંચે છે. દેવાને તો એ નથી સમજાતું કે આખી જિંદગી મજૂરી કરો તો પણ વ્યાજ કેમ ઘટે નહિ ! એ શેઠને એમના પોતાનાથી નાના એવા દીકરાના લગ્ન થઇ ગયા એવી વાત કાઢી પ્રયાસ કરે છે એ કહેવાનો કે મુફલિસ થઇ ગયા તો શું મહોબ્બતનો અધિકાર ગુમાવી બેઠા ? પણ શેઠ કોઈની એકમેકની બાંહોમાં ગૂંથાયેલી જોડલી જોઈએ બળતરા થાય એની રાખ છાંટીને જતા રહે છે. દેવો તો ય અંબી સામે ખોટું બોલે છે કે શેઠે તો નવા ખાટલાના પાયા ઘેર મોકલવા બોલાવેલો. અને અંબી પોતાના દેવા સાથે ઢળતા ઢોલિયાના ખ્વાબમાં ખોવાઈ જાય છે. એના મનમાં દેવાની સંગ સંસારનું ચિત્ર રચાઈ જાય છે. વનવાસી મજૂરમાં એને રાજકુમાર દેખાય છે. અને બેઉ ફરી મેળે જાય છે ત્યાંથી અબ આગે...
'દેવાએ બે હાથે પાવા વગાડવા શરૂ કર્યા. આખું વાતાવરણ સંગીતથી ધોવાઈ ઊજળું ઊજળું ભાસવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં પછીનો મધુરો તડકો વાદળનાં બાકોરાંમાંથી અરધો
અરધો ઘડી રેલાઈને, ઘડી ભૂંસાઈને ને વળી પાછો રેલાઈને ઉલ્લાસમય પ્રકાશની ક્ષણિકતા જાણે કે દર્શાવતો હતો. દેવાએ એ સાંજે પાવા વગાડયા છે એવા ભાગ્યે જ કોઈએ ક્યારેય વગાડયા હશે. સુખી લોકોએ પાવા વગાડયા હશે. દુખિયાઓએ પણ વગાડયા હશે. પણ એક પાવામાં ઉલ્લાસ અને બીજામાં કરુણતા આજે દેવો રેડતો હતો એનું રસાયણ તો અપૂર્વ જ હતું. આજે એના જીવનની પહેલી ભરી ભરી ક્ષણ હતી. એ ટકવાની નથી એ ખાતરી પણ એના મનને પાકી હતી. હતો એટલો જીવ ઓગાળીને પાવા વાટે એ અત્યારે રેડતો હતો.
પેલા તોતિંગ ચગડોળ કને આવ્યાં ત્યારે દેવો પાવા જરી થંભાવીને બોલ્યો, 'આપણે ચગડોળે એકે વાર જોડે તો બેઠાં જ નથી.' આત્યંતિક સુખની લાગણીમાં દેવો મૂંગોમૂંગો બેસી રહ્યો હતો. એના ચહેરા પર પ્રેમ, હોલવાતાં પહેલાં દીવો કરે છે તેમ, ભરપૂર પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશથી અંજાતી અંબીની આંખો, ચગડોળના અનેક આંચકામાંથી એક સાચવી લઈને દેવાએ ચૂમી લીધી. દુનિયાથી અધ્ધર ક્યાંય બંને જણાં ઊડી રહ્યાં હતાં. નહોતું પાવા વગાડવાનું કોઈને સૂઝતું. નહોતું ગાવાનું સાંભરતું. ચગડોળ ભરપૂર ઘૂમતો હતો. ચોમેર મેળો ચગ્યે જતો હતો. અહીં અંબી અને દેવો બધા કોલાહલોથી અલિપ્ત બેઠાં હતાં; અર્ધજાગ્રત, અર્ધસ્વપ્નિલ. માત્ર વચ્ચે વચ્ચે કોક વાર ચગડોળના આંચકાઓ વચ્ચે બંનેનાં અશબ્દ મુખ એકમેકથી મૂંગી વાત કરી લેતાં.
નીચે ઊતર્યાં ને દુકાનો ભણી વળ્યાં. અંબી એની જોડે એ વેળાએ ચાલતી હતી એ જોવા જેવું દ્રશ્ય હતું. પહેલાંની અંબી ક્યાં ને આ ક્યાં? વારેઘડીએ ડગલું સાચવી લેવા દેવાને ખભે હાથ ટેકવતી અંબી અનેક સ્વપ્ન અને અગણ્ય આશાઓથી પલ્લવિત થતી હતી. ઊંચો સુડોળ એનો બાંધો શ્રાવણના પ્રફુલ્લ સાગની પેઠે ઝળાંઝળાં થતો હતો. એક જુવાનની પડખે હાથમાં બે પાવા લઈ નવી જ ભભકથી ચાલતી અંબી જંઈજંઈનું જોખનાર બિચારા દુકાનદારોનું સુધ્ધાં ધ્યાન ખેંચતી હતી. એની ડોકની મરોડમાં અખૂટ આત્મવિશ્વાસ હતો, આંખમાં આશાનું સાફલ્ય હતું, અંગેઅંગમાં ભવિષ્ય પર માલિકી મળવાથી ઊપજતી ખુમારી હતી....'
બસ, મેળો અહી ઉકેલાઈ જાય છે વાર્તામાં ને તોફાન આવે છે. શબ્દશ:. લેખકે કલમ ભગાવી છે. સુખનું સપનું ભીજવી નાખતો વરસાદ આવે છે. દેવો જાણે છે કે આ લવસ્ટોરી મેળાની જેમ પૂરી થઇ જવાની છે ને શેઠની ગુલામી છૂટવાની નથી, ને પોતાનો સંસાર વસવાનો નથી. એ મરવા માટે ધોધમાર વરસાદમાં નદીમાં ઝંપલાવે છે, પણ બચી જાય છે. શેઠે ચાડી ફૂંકી હોય એમ પણ અંબીની બચતના સિક્કા ખણખણાવતો ઘેર પહોંચે છે ને ઘરડા બાપે પોતે કોર પર સૂઈને બે પથારી જોડાજોડ ભેગી પાથરી છે એ જુએ છે ને કુહાડો લઇ શેઠના ઘર ભણી જાય છે.... લેખકે અધ્યાહારમાં દેવાએ એના તાજા પ્રેમની મજાક ઉડાવનાર શેઠનું ખૂન કર્યું છે એ વાત લખી છે કે :
'બીજે શ્રાવણે એ જ તોતિંગ ચગડોળ આગળ સોનાંની પડખે અવાક ઊભી ઊભી અંબી શૂન્ય નજરે એને ચક્કર લેતો જોઈ રહી હતી.
ને દેવો? રાજની તુરંગ(જેલ)માં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે.'
ઉમાશંકરે 'શ્રાવણી મેળો' વાર્તામાં જીવતરના ઉચકનીચકના ચકરડા ેપ્રેમકહાનીના ચાકડે ફેરવ્યા અને પછી રખડુંનું ગીત લખ્યું જેમાં ક્ષિતિજના ઉંબર ઠેકતી તેજ તિમિરના ફેર લેતા વિશ્વમાનવીની અહાલેક કરી : શોધીશ મા માવડી ખોવાયો બાળ રે / ખોવાયો ધરતીની આંગણે.... ખંડખંડ લોકવૃંદ ટોળે ઊમટિયાં ને મળિયો આ માનવીનો મેળો રે....ખોળીશ મા ધરતીને બ્હોળે રે ખોળલે... હું જો ભળી જાઉં ભેળો...
ઝિંગ થિંગ
મેળો આપો તો એક માનવીની સંગ, અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે ! - હરીન્દ્ર દવે