Get The App

ક્રાંતિથી આઝાદીની લડત થઇ શકે, પણ ગાંધીથી પ્રજાસત્તાક આઝાદીની જીત થઇ શકે!

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ક્રાંતિથી આઝાદીની લડત થઇ શકે, પણ ગાંધીથી પ્રજાસત્તાક આઝાદીની જીત થઇ શકે! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- જગતમાં શાસન સામે હથિયારોથી જંગ જીતી ના શકાય. જનમત જોડે હોય તો ક્રાંતિ સફળ થાય. આ જનતાને એક કરવાનું નેક કામ ગાંધીએ કરેલું

ગં ગાજમના અને સિંધુનાં હરિયાળાં મેદાનેા છોડી વાયવ્ય દિશામાં ચાલ્યા જાઓ. મેદાન પાછળ રહી જાય છે, ભૂખરા અને બોડા પર્વતોની હાર દેખાવા માંડે છે. વચ્ચે વચ્ચે મધમાખીના પૂડા જેવા ડુંગરી કિલ્લાઓ દેખાય છે. આખા પ્રદેશમાં છાવણીની જાળ ગૂંથી છે. હિંદુસ્તાનના સિંહદ્વાર સમા એ સરહદ-પ્રાંતના વેરાન અને પહાડી મુલકમાં એક જુવાન મુસાફર આથડી રહ્યો છે. માથે હેટ ઓઢી છે. બગલમાં થેલો, પાણીની કોથળી અને ખભે કેમેરા છે. પગે ચાલીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા છે. કેટલાંયે જંગલો અને રણો વીંધ્યાં છે. હવે સરહદની જંગલી જાતિઓને નજરે જોવા એ ડુંગરાઓમાં ભટકવા નીકળ્યો છે. જિલ્લાના ગોરા લશ્કરી અમલદારે એને કહેલું : ''મિસ્તર! હું તમને એકલા ભટકવાની સલાહ ન આપું. અમારા સિપાઈઓ પણ હમેશાં ટોળામાં જ જાય છે, અને રાત્રે તો કિલ્લાની બહાર પગ મૂકવામાં જીવનું જોખમ છે. એટલે તમે જતા હો તો તમારા જોખમે જાઓ છો.''

''હું મારા જ જોખમે જઈશ.'' કહી એ ભટકવા નીકળેલો. 

મધ્યાહ્ને ઊંચા ઊંચા ડુંગરાની એક ભેંકાર ગાળીમાં ચાલ્યો જતો હતો ત્યાં ઓચિંતાના પંદર-વીશ ઘોડેસવારોએ આવીને ઘેરી લીધો. તડકો ખાળવા માથે મૂકેલ હેટ તરફ આંગળી ચીંધી એની છાતી સામે બંદૂકો ધરી ઊભા રહ્યા. બે-ચાર જણે બાવડું પકડયું. એક-બે જણા એનાં ખીસાં તપાસવા માંડયા. જુવાન ગભરાય તેવો ન હતો. મુસાફરીમાં એને આવા અનુભવો થયા હતા. લૂંટારાઓની અંદર અંદરની વાતોનાં થોડાંક વાક્યો એણે પકડી લીધાં. એ સમજ્યો કે આ લૂંટારાઓ એને અંગ્રેજ સમજી મારી નાખવાની વેતરણ કરી રહ્યા છે. ઓચિંતાનું સૂઝી આવ્યું. એણે માથેથી હેટ ઉતારી નાખી અને પહેરણની ચાળ પકડી મેાટેથી બોલવા લાગ્યો : ''ગાંધી, ગાંધી, ગાંધી, ગાંધી.'' પહાડી ભાષા તે પૂરી આવડતી નથી. ખાદીના પહેરણની ચાળ પકડી બતાવ્યા કરે છે-ગાંધી, ગાંધી. 

આકાશમાંથી કોઈ ખુદાઈ ફિરસ્તો ઊતરી આવ્યો હોય તેવા આશ્ચર્યથી સૌ એકદમ દૂર ખસીને તેને જોવા લાગ્યા. જુવાને એની ભાંગીતૂટી ભાષામાં સમજાવ્યું કે પોતે અંગ્રેજ નથી, પણ ગાંધીના પ્રાંત (ગુજરાત)નો છે. ગાંધીને પંડે જોયેલ છે. પોતે ખાદીનાં કપડાં પહેરે છે. હેટ તો ફક્ત તડકાને ખાળવા જ રાખી છે. 

ગાંધીનો આદમી છે એ ખબર પડતાં જ બધાના ચહેરા પરનું ખુન્નસ ચાલ્યું ગયું, મોં પર અદબ દેખાણી. જાણે કોઈ પાક ચીજને અડકતા હોય તેમ બહુ જ કોમળતાથી જુવાનના પહેરણને સ્પર્શ્યા. પોતાની ગુફાઓમાં જઈ જઈને બધાને જુવાનની ઓળખાણ પાડી : ''આ ગાંધી, આ ગાંધી.'' ગુફાએ ગુફાએ સ્ત્રી-પુરુષોનાં ટોળાં ઊમટયાં. સૌની જીભે ગાંધીનું નામ ગુંજવા લાગ્યું.

એ જુવાને કહેલું : ''બંદૂક લઈને જ જન્મતા એ જંગલીઓ મને કહેતા હતા કે અમે આટલી સાલથી અંગ્રેજ રાજ સામે લડીએ છીએ છતાંયે કશું વળ્યું નથી. એકલા ગાંધીએ વગર હથિયારે આટલી સાલમાં અંગ્રેજી રાજને મૂંઝવી દીધેલ છે, એ ગાંધી તે કેવોક હશે!'' 

આ સત્યઘટના હતી મનુભાઈ પંચોળી ''દર્શક'' ની !

***

વધુ એક ૩૦ જાન્યુઆરી આવશે ને ગાંધીહત્યાના ૭૫ વર્ષ વીતી ગયા પછી એક પ્રજાસત્તાક ભારત કે જે ગાંધી વિના તો અસંભવ હતું, એમાં ગાંધીને એક પુસ્તક પણ એમનું સરખું વાંચ્યા વિના ગપ્પા ચાટીને ગાળોની ઉલટી કરવાની મોસમ આવશે. ટિકટોક ભારતમાં બેન થયું છે, ટકટક નથી થઇ. યુટયુબના પોણા પાંચ વિડીયો બનાવે ત્યાં ખુદને રાષ્ટ્રપુત્ર સમજવા લાગતો કોઈ લંગૂર એના જ દાદાના યુગમાં ગાંધીને કેમ રાષ્ટ્રપિતા કહેવાયા એના સવાલો ઉઠાવશે. ઇન્સ્ટાની રીલમાં કપડાં ઉતાર્યા વિના લાખ લાઈક મેળવવામાં ફીણ આવી જાય એવી કોઈ ઉંદરડી આજીવન દેશને ખાતર કપડાં ઉતારીને પોતડીભેર જીવીને કરોડો લોકો સુધી એકપોણી સદી પહેલા પહોંચી જનાર ડોસા કરતા ખૂની નથુડો ગાંડો કેવો મહાન હતો એની ફિલસૂફીઓ હાંકશે. હેશટેગ કરીને બાપુએ પોતાના અનુયાયીઓ ઉભા નહોતા કર્યા. ના તો ભગવા પહેરીને ભક્તો ભેગા કરેલા. ના તો કશુંક મેળવી લેવાના રાજકારણમાં ખુરશી ખાતર એમની સાથે લોકો હતા. ખુશી હતી મહાત્માની સાથે જોડાવામાં એટલે હતા. 

લાંબા હાથ જ નહિ, લાંબી નજર પણ જોઈએ રાજ કરવા માટે! અંગ્રેજોએ શાતિરદિમાગથી ભારતમાંથી બેઠી આથક આવકનો એક ગેમપ્લાન દાયકાઓ અગાઉ ઘડયો, અને એનો ચુસ્ત અમલ કર્યો. આપણે સુસ્ત રહ્યા. એવું નથી કે હિંસક પ્રતિકાર જ ન થયો, પણ છૂટોછવાયો થયો. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ કંઈ અખંડ પ્રજાસત્તાક લોકશાહી ભારત માટે નહિ પણ રાજા અને નવાબોના રજવાડા-રિયાસતો માટે થયેલો એ સુવિદિત છે. જાણે કેટકેટલા પ્રતિભાશાળી નવલોહિયા બેટસમેનોની વિકેટો ટપોટપ પડતી ગઈ! ૧૮૯૧માં મણિપુરના સેનાપતિ ટિકેન્દ્રજીત હોય કે કે બિહાર (હવે ઝારખંડ)ના બિરસા મુંડા હોય... શહીદે આઝમ ભગતસિંહ હોય કે જાતે મરીને દેશપ્રેમ જગાડવાનો પ્રયત્ન કરનાર મદનલાલ ઢીંગરા હોય- બધા જ ઈટાલીના મેઝિની- ગેરિબાલ્ડી કે રશિયાના લેનિનથી પ્રભાવિત થઈ ગેરિલા (આજના સંદર્ભે છૂપા ત્રાસવાદ/નકસલવાદનું નિર્દોષોને હેરાન કર્યા વિના અને ધાર્મિક જડતા વિનાનું રાષ્ટ્રપ્રેમી જાંબાઝ સ્વરૂપ) પઘ્ધતિથી યુઘ્ધો કરતા. 

ચાફેકર બંધુઓ કે અશફાકઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ કે વસંત-રજબ... કેટકેટલી રોમાંચક ગાથાઓ છે, શૂરાપૂરાઓની પણ કરૂણતા એ છે કે બધાનો અંત લગભગ સરખો. ક્રાંતિ નિષ્ફળ ગઈ. ધરપકડ ફાંસી કે કાળા પાણીની (દેશનિકાલની) સજા થઈ. જેલમાં કે અજ્ઞાતવાસમાં બીમારીથી મૃત્યુ થયું. માફી માંગવી પડી કે દેશ છોડીને ભાગી જવું પડયું. એક પછી એક આ જ ઘટનાક્રમ. કારણ આગળ જણાવ્યા તે જ. આંતરિક કુસંપમાં શક્તિશાળી સંગઠ્ઠન બને નહિ, બને તો દેશના જ સૈનિકો ફક્ત પગાર ખાતર કચડી નાખે. શત્રુઓ જેટલી યુઘ્ધકળાનું કૌશલ અથવા વ્યૂહરચનાની ચાલાકી વિકસે નહિ!

જેમ કે, મહારાષ્ટ્રથી જેનો ચેપ બંગાળ પહોંચ્યો એ સશસ્ત્ર ક્રાંતિ. મૂળ તો ૧૯૦૧માં પ્રમથનાથ મિત્રે 'અનુશીલન સમિતિ' કલકત્તામાં બનાવેલી. પ્રવૃત્તિ અખાડાની. કસાયેલા શરીર બનાવવાના. બોમ્બ બનાવવાનું પણ શીખવાનું! વક્રતા એ છે કે આ દુધમલ જુવાનોના શરીર પ્રાચીન અખાડામાં કસાય, ત્યાં તો પશ્ચિમના કસાયેલા દિમાગો નવી ટેકનોલોજી ઘડીને એ શરીરો પલકવારમાં ઢેર થઈ જાય એવા શસ્ત્રો બનાવે! ગેમ ઓવર! આવી જ ક્રાંતિની ચિનગારી ચિત્તાગોંગમાં સુર્જ્યો સેન નામના શિક્ષકમાં પ્રગટી. વિદ્યાર્થીઓ સંગાથે એમણે બહુ તૈયારી કરી ક્રાંતિની પહેલ કરી. બહાદુરી ઠસોઠસ, પણ ચાલાક અંગ્રેજોના ફક્ત એક સાદા આઈડિયા (સિપાઈઓ ૧૮૫૭ની માફક 'વિપ્લવ' ન કરે, માટે બંદૂક અને કારતૂસ એક જગ્યાએ ન રાખવા!)ને લીધે ફક્ત ગોળી વિનાની બંદૂક એમને મળી. ક્રાંતિનો વનસાઈડેડ અંત આવી ગયો! સેંકડો આશાસ્પદ યુવાનો હોમાઈ ગયા!

અહીં સુધી જો બરાબર સમજ્યા હો, તો જ સમજાશે કે મહાત્મા ગાંધીનું ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં શું પ્રદાન હતું! જેમ માત્ર પ્રભાતફેરી કે ચરખાથી આઝાદી મળી ગઈ, એ જો સત્યનું અતિ સરલીકરણ (ઓવરસિમ્પ્લીફિકેશન) છે, એમ લોહી રેડાવાથી અંગ્રેજો ડરી ગયાને આઝાદી મળી ગઈ- એ ય ફેન્ટેસી છે. આ વાત મલ્ટીલેયર્ડ છે. આઝદ દેશ થાત તો પણ અનેક નાનકડા દેશોમાં સોવિયત યુનિયનની જેમ વહેંચાયેલો હોત. ગાંધીએ પ્રચંડ જનસંપર્ક ને દૂરંદેશીથી પ્રતિભાશાળી લોકો ભેગા કર્યા. આઝાદ થયા બાદ શું કરવું એનું મંથન શરુ કરાવી પ્રજાને નવી આશા અને સ્વરાજમાં સ્વયંશિસ્ત પાળવાની જવાબદારી આપી. સૌથી અગત્યનું આઝાદ દેશ એક બંધારણ નીચે એક રાષ્ટ્ર પોતાના મતભેદો ભૂલીને બને અને એ માટે વિવિધ ક્ષેત્રની યોગ્ય પ્રતિભાઓ એક સાથે ભેગી થાય એ પ્રંચડ કાર્ય માત્ર ગાંધીને લીધે થયું એટલે આપણે ત્યાં પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે જેવી રાજકીય અસ્થિરતા નથી. 

વણિકપુત્ર મોહનદાસ કરમચંદ ફક્ત 'પોતડીદાસ' ઉપદેશક જ નહોતા. વિચક્ષણ રાજનીતિજ્ઞા પણ હતા જ. ગાંધીજીએ સત્ય પારખી લીઘું હતું કે ગમે તેટલી બેમિસાલ દેશભક્તિ હોય, અંગ્રેજોની સશસ્ત્ર તાકાત અને પગારદાર કે ડરપોક ભારતીયોના જ ટેકે ચાલતી જડબેસલાક ચબરાકી સામે સતત પરાજય અને શહાદત સિવાય બીજું કશું (જેમ કે, આઝાદી) મળવાનું નથી. બહારવટિયા થાકે પણ રાજ ના થાકે એ જૂની કહેવત હતી આપણે ત્યાં. જગતમાં શાસન સામે હથિયારોથી જંગ જીતી ના શકાય. જનમત જોડે હોય તો ક્રાંતિ સફળ થાય. આ જનતાને એક કરવાનું નેક કામ ગાંધીએ કરેલું.  

બાપુનો માસ્ટર સ્ટ્રોક એટલે જ આવા છૂટાછવાયા છમકલાંને બદલે પહેલા લોકહૃદય સુધી પહોંચે એવો સામાજીક એજેન્ડાના સહારે 'સ્વરાજ'ની જાગૃતિનો હતો. વિવિધ રંગરૂપમાં વિભાજીત ભારતને પહેલા એકસૂત્રે બાંધવાની 'જી જાન સે' કોશિશ કર્યા પછી મહાત્માએ કફ સીરપની માફક ગળામાં તમતમાટ લાવે, પણ ફેફસાંનું ઈન્ફેકશન ન મટાડે એવી હિંસક ક્રાંતિનું (ભારત પુરતું) દાયકાઓથી પરિણામ વગરનું મોડલ છોડી, અંગ્રેજોને એમના જ નિયમોથી હંફાવતું સત્યાગ્રહનું 'શસ્ત્ર' અજમાવ્યું. વિશ્વયુદ્ધ જેવા પરિબળોએ એને ટેકો કર્યો પણ હિટલર પહેલા જ ભારતને આઝાદ કરવા માટે ગોળમેજી પરિષદો શરુ થઇ ગયેલી. સુભાષબાબુ જાપાન કે જર્મનીને ભારત સુધી લઇ આવત બ્રિટન જાય તો, અને ભગતસિંહ માઓ ને સ્ટાલિનના સામ્યવાદને આઝાદે ભારતમાં દાખલ કરત તો આ મહાકુંભ પણ ભરાત નહિ, એ ગાંધીજી સામે આ બે વીર સપૂતોને સીધા ગોઠવી દેનારા વિચારતા નથી !

ભારતને આઝાદી મળી, એમાં મુખ્ય પરિબળ હતું 'અસહકાર' ચળવળનું. અંગ્રેજી રાજવટના હાથપગ તો હિંદીઓ જ હતા. એ પેરેલાઈઝડ થઈ જાય, તો રોયલ બ્રેઈન પણ શું કરે? ગાંધીજીએ લડતના અંતિમ તબક્કામાં ભાગલાવાદી ફુવારાની વચ્ચે પણ અસહકારની મશાલ સતત પ્રગટાવેલી રાખી. વિશ્વયુઘ્ધથી થાકેલા અંગ્રેજો કંટાળતા ગયા. અને સાવ નાલેશી થાય, એ પહેલા સમજૂતી કરીને (અને આદતવશ અવળચંડાઈ કરીને) હાશ છૂટયાની અદામાં ભારત છોડી ગયા! ગાંધીજીની બીજી જાદૂઈ કમાલ એ કે સદીઓ નહિ, સહસ્ત્રાબ્દીઓથી રાજાશાહી અને સામંતશાહી નીચે જ ચાલતા દેશને કોઈ અનુભવ વિના આબાદ લોકશાહીમાં એમણે સ્થિર અને ટટ્ટાર ઉભો રાખ્યો, અને એ 'સગવડ'ને લીધે ચીનમાં માઓને કે પાકિસ્તાનમાં જીન્નાહને ગાળો નથી દઈ શકાતી. પણ પોતાની જ ટીકા કરવાનો વારસાહક બાપુ આપણને આપતા ગયા!

***

ટ્રમ્પની જીત સાથે જગતને આશા બંધાઈ કે હવે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન, મોસાદ ને હમાસ વચ્ચે સમાધાન થશે. કેવી રીતે થશે ? વાતચીત અને મંત્રણાથી. દોઢડા થઇ હમાસે ઇઝરાયેલ પર પેલો ૭ ઓક્ટોબરે હુમલો કર્યો ત્યારે ફોર્મમાં હતા કે આ વખતે તો ભરી પીશું. સામેથી કરેલી સળીનો ઇઝરાયેલ સાથે જગતની મહાસત્તાઓ અને યહૂદીઓના નાણા તથા વિજ્ઞાન હોઈને એવો સાવરણાથી ઝૂડી કાઢતો જવાબ આપ્યો કે પેલેસ્ટાઈન યુદ્ધવિરામની માળા જપવા લાગ્યું. નિર્દોષ બાળકોના ચિત્કાર થકી શરમને લીધે સમાધાન માટેનું દબાણ બેઉ પક્ષે વધ્યું. જે ઇસ્લામિક બ્રધરહૂડની દુહાઈ દેવાય છે, એ જગતમાં ૨૫% મુસ્લિમ વસતિ ને ઢગલો દેશો હોવા છતાં તુર્કીમાં કમાલ પાશાએ ખલીફા ઉખાડી ફેંક્યો ત્યારે કામ ના લાગી (ભલે ગાંધીજીએ ટેકો આપ્યો હોય, એમનો ઈરાદો ભારતમાં કોમી એખલાસ જાળવવાનો સાધુચરિત હતો, પણ એ રાજકીય રીતે એમની ભૂલ હતી) એમ ઈઝરાયેલ સામે પણ કામ નથી લાગતું. કારણ કે યહૂદીઓની વસતિ ઓછી પણ સાયન્સ અને મહાસત્તાઓ સાથેનો સુમેળ મજબૂત છે. 

પોઈન્ટ એ છે કે પેલેસ્ટાઈને ફિદાઈન જેહાદી ત્રાસવાદીઓ પેદા કર્યા લડત ખાતર શહીદ થઈને જન્નતમાં ૭૨ હૂર મેળવવાના નામે, પણ નેલ્સન મંડેલા કે માર્ટીન લ્યુથર કિંગ પાસેથી ગાંધીના સત્યાગ્રહની તાકાત સમજી ના શક્યા. ગાંધીની ફોર્મ્યુલા સાવ સિમ્પલ હતી. એક. તમારા પર સિતમ કરનારા જેવા જ તમે થઇ જાવ તો આઝાદ થયા બાદ અંદરોઅંદર કપાઈ મરો અને દેશનો વિકાસ ના થાય. લોકોનો અન્યાય કે શોષણ ચાલુ રહે. બે. જુલમ સહન કરતા ને એક બનીને એની સામે હિંસા સિવાય વૈચારિક અવાજ ઉઠાવવા જેટલી ધીરજ અને સંકલ્પશક્તિ રાખો તો ધીરે ધીરે સિતમગર શાસકો વન વે વાયોલન્સને લીધે બદનામ થવા લાગે. એમના લોકો અને જગતના બીજા ડાહ્યા લોકો એમના પર દબાણ લઇ આવે માનવતા અને લાગણીઓના નામે. ત્રણ. લડત જો રૈયતને નાગરિક બનાવવા માટેની હોય તો લડતી વખતે એ ધ્યાન રાખવું કે આપણી સામે જે હોય એને શત્રુ નહિ માનવાનો. એના અવગુણ કે અપકૃત્યોને દુશ્મન માનવાના. દુશ્મનમાંથી પણ કોઈ સારી વાત શીખવા જેવી હોય તો શીખવી. 

એનો ને આપણો અંતરાત્મા શુદ્ધ રૂપમાં એક છે એમ માની એના ખોટા 

પાસાનો પ્રતિકાર કરતા એની પણ આખી પ્રજાનો તિરસ્કાર ના થાય એ વિવેક રાખવો. ગીતામાં અર્જુનને કૃષ્ણે એ પણ શીખવાડેલું કે પોતાના ને પારકા નથી જોવાના. અધર્મ જોવાનો છે, એટલે એમણે પણ પોતાનો ખોટું કરે તો ત્યાં યાદવાસ્થળી કરી. ને એટલે હજુ આપણે યુકેમાં કે અંગ્રેજ પ્રજાઓ વચ્ચે સેટલ થઇ એનઆરઆઈ બની શકીએ છીએ વટભેર.

હમાસને તો સત્યાગ્રહ ના આવડયો પણ ગોડસેપૂજકોને એની ટીકા કાર્ય બાદ પણ સત્ય માટેનો આગ્રહ છે ખરો ? તો ગાંધીની ટીકા કરતા પહેલા એમને ને એમના સમયને સમજવા મથામણ કરત અને એક મનોરોગી ક્રિમિનલને હીરો માની ખુદને ધૂળ સાબિત ના કરત !

ગાંધીજીની જેમ ગોળી ચાલી હોત આપણા કોઈ પરિવારના વડીલ પર ને આપણે બાજુમાં હોત તો ગોડસે સામે એમને બચાવવાનો પ્રયાસ કરત કે નહિ ? કે વિચારના વિરોધ ખાતર વ્યક્તિના વધને સ્વીકારી લેત ? ત્યારે આપણે નહોતા આજે છીએ. તો ખોટાડા સામે સચ્ચાઈનું રક્ષણ કરતા શીખીએ !

ઝિંગ થિંગ

રામરાજ્યની સ્થાપના કરવા માટે આપણને પાંડિત્યની કશી જ જરૂર નથી. ગુણની જરૂર છે તે તો તમામ વર્ગના લોકોમાં, સ્ત્રી-પુરુષ, બાળકો અને વૃદ્ધો તથા તમામ ધર્મોમાં આજે પણ મોજૂદ છે. દુઃખ માત્ર એટલું જ છે કે સૌ કોઈ હજુ એની હસ્તીને ઓળખી શક્યા નથી. શું સત્ય, અહિંસા, અનુશાસન અથવા મર્યાદાપાલન, વીરતા, ક્ષમા, ધૈર્ય, વગેરે ગુણોનો આપણામાંથી દરેક વ્યક્તિ જે ધારે તો આજે જ પરિચય ન આપી શકે ? વાત એમ છે કે આપણે લોકો. માયાજાળમાં ફસાયેલા છીએ. અને એ જ કારણે આપણી પાસે જે વસ્તુ છે તેને ઓળખી શકતા નથી. ઊલટું, દૂરની વસ્તુને ઓળખવાનો દાવો કરીએ છીએ. નિઃસંદેહ આ બહુ દુઃખની વાત છે.

(મહાત્મા ગાંધી)


Google NewsGoogle News