મેરેથોનની દાસ્તાન : વન્સ અપોન અ ટાઈમ ઈન ગ્રીસ...
- અનાવૃત-જય વસાવડા
- ગ્રીસના પાટનગર એથેન્સની નજીક આજે પણ એક ગામ છે. જેનું નામ છે 'મેરેથોન'. અને ત્યાં વળી રનિંગનું એક મ્યુઝિયમ પણ છે. ત્યાર કરતાં વધુ જરૂર મેદાની રમતો અને કસરતી પ્રવૃત્તિની આજના ઇઝી એવા બેઠાડું ડિજીટલ સ્ક્રીનયુગમાં છે.
ઈસ્વીસન પૂર્વે ૪૯૦.
આ ત્રણેક હજાર વર્ષ જૂની વાત અત્યારે કેમ યાદ આવી ? કારણ કે, શિયાળાની સાથે આપણે ત્યાં હવે એટલીસ્ટ મોટા શહેરોમાં ફુલ મેરેથોન, હાફ મેરેથોન જેવી દોડનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. પહેલા કરતા લોકો પણ વધુ હેલ્થ કોન્શ્યસ થઈ રહ્યા છે, અને વળી તંત્રનો પણ સહકાર આવી 'ન્યુટ્રલ પોઝિટિવ' બાબતમાં વધુ મળે છે. એમાં પણ શિયાળો તો કસરત માટેની 'રૂત આ ગઈ રે' જેવો રોમાંચ જગાવે છે.
બસ, એક્સાઈટમેન્ટ આપણને કૂતુહલનું નથી થતું. આપણી આસપાસના જગતમાં અમુક શબ્દો કેમ છે ? આપણી થાળીમાં અમુક ચીજો ક્યાંથી આવી ? આપણા જીવનને આસાન બનાવતી અમુક સુવિધા કેવી રીતે શોધાઈ ? આ બધી ખણખોદ રોમાંચક તો હોય જ છે, પણ અસલી શિક્ષણનો હેતુ જ આ અચરજથી અભ્યાસ સુધીની યાત્રા હોય છે. મૂળ અમેરિકાથી આપણે સિટી મેરેથોન રનનો ક્રેઝ ઉછીનો લઈ આવ્યા, પણ કેમ આ મેરેથોન દોડનું અંતર ૪૨.૧૯૫ કિમી કે ૨૬ માઈલ, ૩૮૫ યાર્ડસ હોય છે (એટલે હાફ મેરેથોન ૨૧ કિમીની હોય છે.) કે એને મેરેથોન કહેવાય છે, એવા સવાલ તો રનર્સને પ્રોત્સાહિત કરતા આયોજકોને પૂછશો, તો પણ મોટે ભાગે 'ઓલિમ્પિકમાં થાય છે' એથી આગળ જવા નહિ જડે.
પણ જવાબ માટે ખાંખાખોળા કરો તો ખ્યાલ આવે કે એમાં તો ડ્રામા છે, લડાઈ છે, પૌરાણિક વાર્તા છે, એના ખાસ્સા વર્ષો પછી લખાયેલી કવિતા છે. સીધો સાહિત્યજગતનો રમતજગત સાથેનો સંબંધ છે, અને ઈતિહાસથી વર્તમાન સુધીની દોડ છે !
તો, ગ્રીસના પાટનગર એથેન્સની નજીક આજે પણ એક ગામ છે. જેનું નામ છે 'મેરેથોન'. અને ત્યાં વળી રનિંગનું એક મ્યુઝિયમ પણ છે. કેમ ન હોય ? આ લોકેશન પરથી તો લાંબી દોડ માટેનું નામ મેરેથોન આવ્યું છે. મૂળ આ શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ થાય 'વરિયાળીનું ખેતર'. તો આ મેરેથોન ગામ રનિંગ સિવાય પણ હિસ્ટ્રીબૂક્સમાં દર્જ છે. 'બેટલ ઓફ મેરેથોન' માટે. શરૂઆતમાં લખી એ સાલ યાને ઈસ્વીસન પૂર્વે ૪૯૦માં ત્યાં આ લડાઈ ગ્રીકોએ પર્શિયનો સામે લડેલી. પર્શિયા (આજનું ઈરાન, પણ ત્યારે ન ઈસ્લામ હતો, ન આ નામ હતું) ના કિંગ્સ ઓફ કિંગ્સ ગણાતા મહાન દારાયસની સેના સામે પેલી ''૩૦૦'' ફિલ્મના પ્લોટ (એ હતી 'બેટલ ઓફ થિયોપોલી')ની જેમ ગ્રીકોની સેના તો નાનકડી હતી. ગ્રીસમાં તો નગરરાજ્યો હતા. બધા ભેગા થઈને લડતા પણ નહિ. છતાં મિલ્ટિડાસ નામના બાહોશ ગ્રીક સેનાપતિની આગેવાની નીચે, પોતાની ભૂમિને બરાબર સમજતા ગ્રીકો પ્રચંડ પરાક્રમથી લડયા, અને દારાયસના વિરાટ આક્રમણને હંફાવીને જીત્યા !
હવે ત્યારે બ્રેકિંગ ન્યૂઝના ફ્લેશ તો હતા નહિ. ના હતું ટીવી, ના હતા મોબાઈલ, સંદેશાવ્યવહાર માટે કે હેરાફેરી માટે તળપદી ગુજરાતીમાં 'ખેપિયા' કહેવાય એવા દૂતો રહેતા. પણ ઓછી સંખ્યામાં લડતા ગ્રીકો પાસે એ બધી સગવડો તો હોય નહિ. એટલે દંતકથા મુજબ એમણે ફિલિપિડ્ડીસ નામના એક જોશીલા જુવાનને પસંદ કર્યો. મેરેથોનથી એથેન્સ જઈને વિજયના સમાચાર આપવા માટે.
એ ફિલિપિડ્ડીસ (અમુક સંદર્ભો મુજબ ફાઈડેપિડ્ડીસ) વિજયના ઉન્માદને છાતીમાં ધરબીને દોડયો. સ્પેશ્યલ રનિંગ શૂઝ કે ની કેપ હોવાનો, બ્લડપ્રેશર કે હાર્ટબીટસ માપવાનો તો સવાલ જ નહોતો. વળી રસ્તામાં આજે પણ જોવા મળે એવો એક ડુંગર હતો, જેને તારવીને જ વર્તમાન એથેન્સ ટુ મેરેથોન રોડ જાય છે. એ વખતે તો એ ચડવો ને ઉતરવો પડે. પણ હૈયામાં હામ ને જાંઘમાં જોમ રાખીને એ દોડયો. જુવાન જણ હતો. જીત બાદ કોઈ પ્રેયસીને પત્ની બનાવી બાળકો પેદા કરવાના ખ્વાબ જોતો યુદ્ધવિજયની ખુશીમાં દોડતો ગયો. એના કપડાં ફાટી ગયા તો એ સમયના ગ્રીસમાં જેનો કોઈ છોછ નહોતો એવી દિગંબરાવસ્થામાં દોડયો.
અંતે એથેન્સ પહોંચ્યો ત્યારે ત્યાંના વડીલોને એટલું જ ભરાયેલા શ્વાસ, હાંફતી છાતી અને ડગમગતા કદમે કહી શક્યો કે ''એક્ઝીલીરેટ, નિકોમેન'' અર્થાત્ ''આનંદો, આપણે જીતી ગયા !'' અને એનો અંતે મંઝિલે પહોંચ્યાના આનંદમાં કે કામ પૂરું કર્યાના ઉત્સાહમાં કે એકધારા કોઈ સગવડ વિના દોડવાના થાકને લીધે વધેલા હૃદય પરના દબાણમાં પણ જે કારણ હોય તે - આટલું બોલતાં તો શ્વાસ થંભી ગયો. એ નીચે પછડાઈ ગયો ! અને ત્યાં જ એના પ્રાણપંખેરૃં ઉડી ગયા ! મરીને પણ એનું કાર્ય અમર થઈ ગયું !
ખરેખર ? જૂની વાતોમાં વાર્તા વધુને વાસ્તવિક્તા ઓછી હોય છે. (એમ તો આપણે ત્યાં હજુ નવા મેસેજીઝમાં પણ એ પ્રાચીન ફોલ્ટલાઈન ક્યાં ગઈ છે ? ખીખીખી) વિદ્વાનો કહે છે કે પહેલો ગ્રીક ઇતિહાસકાર ગણાયેલો એ હીરોડોટસ આવી કથા નોંધતો નથી. હા, એ એક દોડવીરનો ઉલ્લેખ જરૂર કરે છે, પણ એ એથેન્સથી વધુ લાંબુ અંતર કાપી ૧૫૦ કિમી દૂર સ્પાર્ટા ગયેલો, પર્શિયનો સામે લડવા એકજૂટ થઈ મદદનો સંદેશ આપવા. આ ઘટના બની ત્યારે ઇસ્વીસન પૂર્વે ૭૭૯માં શરૂ થયેલી મનાતી ઓલિમ્પિક રમતો તો ગ્રીસમાં ચાલુ હતી, પણ એના માનમાં કોઈ ઓલિમ્પિક મેરેથોન રન થયાનું ક્યાંય નોંધાયું નથી.
આ ઘટના બની હોવાનું મનાય છે એના પાંચસોએક વર્ષ પછી આ કથા તો નોંધાઈ છે. (એ તો જેના નામે હજુ મારામારી ચાલ્યા કરે છે, એવા ધર્મગ્રંથોનું પણ એવું જ છે ને !) સીરિયાના લ્યુસિયને આ કથાનક લખ્યું. એ અગાઉ પ્લુટાર્કે તો જરા મસાલો ભભરાવી યુદ્ધમાં થયેલા ઘાથી જખ્મી સૈનિક દોડયો એવું લખ્યું. એમાં વળી દેવતાઓ (બકરાનું માથું ધરાવતા 'પાન')ની એન્ટ્રી થઈ. અલબત્ત, ઓલિમ્પિકમાં તો ટૂંકા અંતરની દોડ જ રમાતી હતી.
પણ આ મેરેથોન લીજેન્ડનો જીર્ણોદ્ધાર થવાનું ચોઘડિયું છેક ૧૮૭૦ના દાયકામાં ખુલ્યું. આ એક દસકમાં બે ઘટના બની. અર્નેસ્ટ કર્ટિસ નામના એક જર્મને પુરાતત્વીય ઉત્ખનન (એસ્કેવેશન) કરતા ઓલિમ્પિયા પાસે જૂની પૂરી એક સહસ્ત્રાબ્દી (દસ શતાબ્દી) સુધી ચાલેલી ઓલિમ્પિક રમતોની પુરાતન સાઇટસ ખોળી કાઢી. સ્ટેડિયમ, બાથ, ભોજનશાળા, ચોતરા (એક વચ્ચે ચોરસ સ્ટેજ), ઝિયુસ દેવનું મંદિર વગેરે. એમાં ઓલિમ્પિક રમતો એ બંધ થયાના ઓલમોસ્ટ ૧૫૦૦ વર્ષે ફરી ચર્ચામાં આવી. એ વખતે જાણીતા અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગે ૧૮૭૯માં ફિલિપ્પિડિસ ઉર્ફે ફાઈડેપિડ્ડીસની યશગાથા વર્ણવતી અંગ્રેજી કવિતા લખી. બે નેરેટીવ એણે ભેગા કર્યા. પહેલા એ મદદ માટે સ્પાર્ટા દોડયો, ને પછી ત્યાંથી મેરેથોન જઈને મેરેથોનની એથેન્સ ખુશખભર દેવા દોડયો ! આટલું બધું દોડવાને લીધે અંતે એના શરીરે જવાબ દઈ દીધો. બ્રાઉનિંગના ટ્રેજીક હીરોમાં વળી રંગપૂરણી એ હતી કે પરમ આનંદની ક્ષણે એ મોતની ગોદમાં આરામ કરવા પોઢી ગયો, એટલે બ્લેસ્ડ થયો !
આ કવિતાની ઇતિહાસ ને વિજ્ઞાન કરતાં વધુ અસર થઈ ફ્રાન્સના બેરન પિઅર દ કુબરતી ઉપર અને એના આસિસ્ટન્ટ માઇકલ બ્રિઆલ પર. આ ફ્રેન્ચોએ તો ૧૮૯૬માં ઓલિમ્પિક રમતોનો આધુનિક અવતાર શરૂ કરાવ્યો ! પેલી કવિતાની અસરમાં એથેન્સથી જ શરૂ થયેલ ઓલિમ્પિકમાં એમણે આ લાંબી દોડ મેરેથોનથી એથેન્સ સુધીની રાખી. અઘરી ગણાતી આ દોડમાં કોઈ ગ્રીક જો જીતે તો એના માટે એક દરજીએ મફત સૂટ સીવી દેવાનું કહ્યું, એક હજામત કરનારે આજીવન મફતમાં દાઢી કરવાનું કહ્યું, એક કાફેટેરિયાએ મફતમાં લાઈફટાઈમ કોફી પીવડાવવાનું કહ્યું અને એ સમયની કોઈ ગ્રીક પૂનમ પાંડેએ એની જોડે લગ્ન કરવાનું પણ કહ્યું ! હંગેરી, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા બધા દેશોના હરીફોને હરાવી આ બધાથી કદાચ મોટિવેટેડ થઈ મોટા ભાગના અંતર સુધી પાછળ રહેલો એક ગ્રીક જ તાજેતરની વાવની પેટાચૂંટણીના પરિણામની જેમ અંતે જીતી ગયો ! એ હતો સ્પારિડન લુઈસ. જેના પરથી એક હોલીવુડ ફિલ્મ પણ 'એન ઇવનિંગ ઈન એથેન્સ' નામની બની. (યુટયુબ પર ફ્રી છે !) પણ એ ૨ કલાક ૫૨ મિનિટ, ૫૦ સેકન્ડ દોડેલો એ અંતર ૪૨ કિમીનું નહોતું. ૪૦ કિમીનું હતું, તો પછી આ ૪૨ કિમી ક્યાંથી ઘૂસી ગયું મેરેથોનમાં ?
એન્ટર ૧૯૦૮ની લંડન ઓલિમ્પિક. એ સમયે બધા આપણે ત્યાં આજે પણ જાણે છે એમ બ્રિટિશ રાજનો દબદબો એના શિખરે હતો. અડધી દુનિયા પર યુનિયન જેકની આણ હતી. ત્યારે ઓફિશ્યલ સ્ટેડિયમથી વિન્ડસર કેમલના રજવાડી કિલ્લામાં આવેલા શાહી પરિવારના રોયલ બોક્સ સુધી પહોંચવાનું અંતર ૨૬.૨ માઈલ યાને ૪૨ કિમી જેટલું હતું. એ પ્રચલિત થઈ ગયું ને ૧૯૨૧માં એને સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકારી લેવાયું. એ સમયે સ્ત્રીઓની મેરેથોન ના થતી. એ તો છેક ૧૯૮૪માં લોસ એન્જેલ્સ યુએસએથી શરૂ થઈ. ઉચ્ચારમાં અઘરું નામ વીસરાઈ ગયું દોડવીરનું પણ પ્રભાવશાળી લાગતું ગામનું નામ એની જગ્યાએ ગોઠવાઈ ગયું ને મેરેથોન શબ્દ માત્ર લાંબી દોડ માટે જ નહિ, કંઈ પણ પ્રચંડ હોય એના માટે વિશેષણની જેમ જ વપરાવા લાગ્યો ! આફટરઓલ, આ એવી દોડ છે, જે પૂરી કરનારને પણ પહેલે નંબરે આવ્યા જેટલી ખુશી થાય !
જો કે પિઅરે કુબરતીંનો આઇડિયા આજે આપણી આસપાસ સાકાર થાય છે ખરો, ઓલિમ્પિક ફરીથી શરૂ કરવા પાછળ એનો હેતુ તો સ્પોર્ટસ થકી દુનિયામાં ફિઝિકલ એજ્યુકેશન (પી.ટી.ના કલાસ કરનારા આંગળી ઊંચી કરો જોઉં !) નું પ્રમોશન કરવાનો હતો. ખેલજગતથી સંઘભાવના ફેલાવવાનો હતો, ત્યાર કરતાં વધુ જરૂર મેદાની રમતો અને કસરતી પ્રવૃત્તિની આજના ઇઝી એવા બેઠાડું ડિજીટલ સ્ક્રીનયુગમાં છે. બધા બ ધી રમતો તો રમી ના શકે, પણ આ મેરેથોન રન કે વૉક કરી શકે ને નિયમિત થોડીક એવી પ્રેક્ટિસ કરે તો પેલા ફિલિપિડ્ડીસથી ઉલટું થાય, ને યમરાજ નજીક આવવાને બદલે પાડાસવારી કરતા દૂર ભાગી જાય, મોત પાછું ઠેલાય ને સ્વાસ્થ્ય સુધરે ! જોકે, સિટીવૉક કે ફન રન વચ્ચે ખાટલે મોટી ખોડ એ છે કે શાળાઓમાં વ્યાયામ શિક્ષકો, સંગીત શિક્ષકો, ચિત્રશિક્ષકોની પૂરી ભરતી જ નથી થતી, તો આ પ્રવૃત્તિની ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ મળે ક્યાંથી ?
ઝિંગ થિંગ
દરેક રેસમાં એક ક્ષણ એવી આવે જ્યારે એવું થાય કે ''આ હવે નહિ થાય'' અને વિકલ્પ એવો હોય કે ''આ કરી બતાવીએ.''- બસ, હારજીત અહીંથી જ નક્કી થઈ જાય છે!