બોલીવૂડ અને હિન્દુ મુસ્લીમ પ્રેમલગ્નો : મહોબ્બત ઝિંદાબાદ!

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
બોલીવૂડ અને હિન્દુ મુસ્લીમ પ્રેમલગ્નો : મહોબ્બત ઝિંદાબાદ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- માણસ ધર્મના પ્રેમ કરતા પ્રેમનો ધર્મ અપનાવે તો જીવન પૃથ્વી પર જ સ્વર્ગ થઈ જાય ! ઈશ્ક, પ્યાર, પ્રેમ, સ્નેહથી આ જીવાતા જીવનના વાસ્તવિક વર્તમાન લોકને સુખી કરો

શ ત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષીએ ૭ વર્ષની કોર્ટશિપ બાદ ઝહીર ઇકબાલ નામના એના બોયફ્રેન્ડ સાથે લગ્ન ૨૩ જૂને કરી લીધા. શરૂઆતમાં એવું મનાતું હતું કે બંગલાનું નામ 'રામાયણ' રાખનારા, દીકરાઓનું નામ લવ-કુશ રાખનારા અને એક સમયના ભાજપના વરિષ્ઠ આગેવાન તથા બોલવામાં ઇન્ટેલીજન્ટ ગણાતા શત્રુઘ્ન સિંહા એના વિરોધમાં છે. પણ શત્રુભાઈ હવે ટીએમસી સાંસદ છે, એટલે નહિ પણ એના દોસ્ત પહેલાજ નિહલાનીએ કહેલું એમ ખુદ એણે જ અમુક પારિવારિક સભ્યોની નામરજી છતાં લવમેરેજ કરેલા, તો સંતાનો કરે એમાં શું પ્રોબ્લેમ ? ખુદ શત્રુઘ્ન સિંહાએ પણ કહ્યું કે 'એક જ દીકરી છે મારી, તો હું શું કામ રાજી ના થાઉં એના લગ્ન થાય ત્યારે...'

પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ સોનાક્ષીના સસરા ઇકબાલ રઈસીનું આવ્યું જેણે કહ્યું કે 'લગ્ન બાદ સોનાક્ષી ધર્મપરિવર્તન નહિ કરે. ધર્મ કરતા પ્રેમ મોટો છે. લગ્ન પણ હિન્દુ કે મુસ્લિમ ધાર્મિક વિધિથી નહિ થાય. સિવિલ મેરેજ (સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ) થશે.' શાબ્બાશ. આ બહુ અગત્યનું છે. મુસ્લિમ જીવનસાથી ધર્મપરિવર્તન કરી નિકાહ કરવા દબાણ કરે તો દેખીતું છે કે બધું છોડીને કે પોતાના પરિવાર-પરંપરાગત ઓળખ સામે લડીને આવનાર પ્રિયજન કરતા એને ખાનદાન કી ઇજ્જત કે મઝહબની આઇડેન્ટીટી વધુ વ્હાલી છે, ત્યાં એ લડી શકે એમ નથી. પ્રેમને ખાતર પડકાર ફેંકી શકે એમ નથી. તો ભવિષ્યમાં પ્રેમ સાઇડમાં રહી જાય ને ધર્મ સવાર થઇ જાય એ જોખમ મોટું. હા, ખાલી કબૂલ હૈ ના નિકાહનામા માટે પણ ધર્મ કામચલાઉ બદલાવે નાખે ઘર-ઘર રમતા ગુડ્ડા-ગુડ્ડીની જેમ. લાઇક, ધર્મેન્દ્ર અને હેમા માલિની જેવા વર્ષોથી ભાજપ સાથે જોડાઈ સાંસદ રહેલું યુગલ. બીજી પત્ની માટે ટેમ્પરરી મુસ્લિમ થયેલા ને પછી ભૂલી ગયેલા.

મોટામાં મોટું સફળ ઉદાહરણ તો શાહરૂખ અને ગૌરી ખાનનું છે. શાહરૂખે પત્નીનું ધર્મ પરિવર્તન કરાવ્યું નથી. એ તો ફેમિલી સાથે વૈષ્ણોદેવી કે ગણપતિમાં જાય છે. ઘરનું નામ 'મન્નત' છે, એમાં મંદિર છે. ગાયત્રી મંત્રના પાઠ પૂજા આરતી પણ થાય. ઇદ-દિવાળી બધા જ તહેવાર ઉજવાય. સંતાનોના નામ પણ ન્યુટ્રલ. શાહરૂખે કહેલું કે બાળકો બધા ધર્મોના શ્રેષ્ઠ તત્ત્વો જાણે ને કટ્ટરતાના અનિષ્ટથી દૂર રહે એમ મોટા કર્યા છે. પત્નીનું નામ તો નથી બદલ્યું, પણ ફિલ્મો પ્રોડયુસ (એટલે સત્તાવાર આવકની સ્વામિની !) પણ એના નામે થાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે શાહરૂખના સસરા રમેશચંદ્ર છીબા ઇન્ડિયન આર્મીના કર્નલ હતા ! જમાઇએ 'ફૌજી' એમ જ નથી કરી !

બોલીવૂડના ખાનલોકોની ફોરવર્ડિયા ગપ્પા મારીને બેકવર્ડ થતા જતા અલેલટપ્પુઓને એલર્જી હોય છે, પણ એ એમનું ચણીબોરના ઠળિયા સાઇઝનું મગજ બતાવે છે, જેમાં સાચા નોલેજની જગ્યા નથી. બેઝિકલી, આર્ટ એન્ડ રીડિંગ માણસને લિબરલ બનાવે, ને મોકળાશવાળો માહોલ એમાં વધુ ભાગ ભજવે. કટ્ટર કાતિલાના ધર્મઝનૂનીઓને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉર્ફે બોલીવૂડ સામે વાંધો જ એ છે કે એ બંધારણ મુજબ જેનું પ્રમોશન સરકારોએ કરવાનું હોય એવા ક્રોસ કલ્ચરલ ઇન્ટરકાસ્ટ લવમેરેજનું વર્ષોથી પ્રમોશન કરે છે. નેશનલ ઇન્ટીગ્રેશનનું કામ કરે છે. રીલ લાઇફમાં પણ અને રિયલ લાઇફમાં પણ જે જોઇને જ તાલિબાની કોપીકેટસ જેવા ધર્મને વહેતી નદીને બદલે બંધિયાર ખાબોચિયું બનાવનારાઓના ભવાં ચડી જાય છે. એમને તો પ્રેમલગ્નો જ દીઠા ગમતા નથી. દીકરા-દીકરીને ઇજ્જત ને મિલકત માને છે, ખરીદેલો પ્લોટ કે સમાજમાં દેખાડવાની ટ્રોફી સમજે છે. જીવંત પુખ્ત વયનો જાતે ચોઇસ કરી ભૂલ કરવાની પણ સ્વતંત્રતાવાળી વ્યક્તિ નહિ !

હા, તો જૂઠા ગપ્પામાં વિના કારણે બદનામ ખાન લોકોની કુંડળીઓ કાઢીએ. શાહરૂખની તો વાત થઇ જ ગઈ, જે જગજાહેર પણ છે. આમીર ખાનની વાયડાઈ ખરી. સ્ટેટમેન્ટ અળવીતરા આપે ને માફી પણ માંગે ને એવી. પીકે ફિલ્મ પ્રોડયુસ કરી વિધુ વિનોદ ચોપરાએ, ડાયરેક્ટ કરી રાજકુમાર હિરાણીએ અને લખી આપણા ગુજરાતી (સૌમ્ય જોશીના ભ્રાતા) અભિજાત જોશીએ. પણ ગણાય એમ કે આમીરે 'હિન્દુ વિરોધી' ફિલ્મ બનાવી ! ધર્મના નામે ચાલતા પાખંડ બહાર પાડવામાં હિન્દુ ધર્મો તો જગત સામે ગૌરવ લેવાનું થાય, કે અમે પહેલેથી ઉદાર અને સુધારક છીએ. એક જ ગ્રંથ કે નામની સિંગ્યુલર ભક્તિમાં માનતા નથી. પ્લુરલ ડેમોક્રેટિક છીએ. કળાકારને ઇશ્વરની કથાઓ પોતાની રીતે નવી રચવાની આઝાદી પહેલેથી છે. ખામીઓ દુર કરવા ઓપન છીએ એટલે દયાનંદ સરસ્વતીને પણ મહર્ષિ કહીએ છીએ. બદનામ થાય જે તે ધર્મના નામે ચરી ખાતી વ્યક્તિ એના કુકર્મોથી અને એના અંધશ્રધ્ધાળુ ભક્તો. ધર્મ તો અમારો મેલ જાહેરમાં નિતારીને શુધ્ધ થાય છે. એટલે સમયાંતરે જેમ રજનીશ કે સ્વામી સચ્ચિદાનંદ, અખા કે ભોજા ભગત આવે, એમ 'ઓહ માય ગોડ ૧ અને ૨', 'પીકે', 'મહારાજ', 'જાદૂગર', 'અક બંદા કાફી હૈ' જેવી ફિલ્મો આવે તો બીજા વિશ્વયુદ્ધની ફિલ્મો જોઈ નવી પેઢી હિટલર જેવા કે અણુશસ્ત્રો ફેંકવા જેવા ન થવું યાદ રાખે, એમ જ્યોતિબા ફુલેથી ગાંધીજી સુધીના સુધારકોની કથા સમજશે ને યાદ રાખશે.

તો, આમીર ખુદ ભલે લગ્નજીવન બાબતે ટકાઉ નથી, ખાનદાની ખામી ઝીકે ડિપ્રેશનની ગોળીઓ ગળે છે, ઝાહિરા વસીમ કટ્ટરપંથી સોચથી ફિલ્મો છોડે ત્યાં સલાહો નથી દઈ શકતો ને એઆઈબી રોસ્ટમાં સેન્સરશિપની વાતો કરે છે, પણ લગ્નમાં ધાર્મિક કટ્ટરતાનો મુદ્દો દેખાતો નથી. બે સત્તાવાર પત્નીઓ રહી એ રીના ને કિરણ હિન્દુ છે, તો દીકરી આયરા ખાન એની પસંદથી હિન્દુ પતિ પસંદ કરે એ નૂપૂર શિખરેને પરણાવી દે છે, એ કેમ દેખાતું નથી. હા, આમીરની પત્ની હિંદુ હતી એટલું જ સત્ય નથી. પૂર્ણ સત્ય એ છે કે એનો જમાઈ પણ હિન્દુ છે. અરે આમીર ખાનની બે બહેનો છે. નિખત અને હરકત. બેઉ કોની સાથે પરણી છે જાણો છો ?

નિખતના લગ્ન કર્ણાટકી સંતોષ હેગડે સાથે થયા છે. ફરહતના લગ્ન રાજીવ દત્તા સાથે થયા છે ! મતલબ, આમીરના બંને બનેવી હિન્દુ છે ! અને ફરકતના પતિ રાજીવ તો વળી આમીરની એક્સવાઈફ રીના (જુનૈદની માતા) દત્તાના ભાઈ જ છે ! બેઉના લગ્નજીવન ટકેલા છે ! અરે, આમીરે પોતે ગુજરાતી  થિયેટરના ડાયરેક્ટર મહેન્દ્ર જોશીના આસ્ટિન્ટ તરીકે જ કેરિયર શરૂ કરેલી ! ફોરવર્ડિયા ફાંકાઠોક ફોલ્ડરો તમને પૂરું સત્ય કદી નહિ જણાવે. એ તો તમને કરીના સૈફને પરણે એટલે લવ જેહાદનું ચિત્ર દોરીને બીવડાવશે. પણ મન્સૂરઅલી ખાન પટોડી નવાબ હિન્દુ શર્મિલા ટાગોરને પરણ્યા એ સૈફની બંને પત્ની હિન્દુ (અમ્રિતા, કરીના) હોય તો એનો બનેવી તો કાશ્મીરી પંડિત છે ! હા, પટોડીની દીકરી ને સૈફની અભિનેત્રી બહેન સોહા કુણાલ કેમ્મુને પરણી છે. હીરોગીરી બાદ હમણા જેણે ડાયરેક્ટર તરીકે હિટ એન્ટરટેઈનર મડગાંવ એક્સપ્રેસ બનાવી એ જ કુણાલ ! સૈફ કરીનાનો તૈમૂર દેખાયા કરશે ન્યૂઝમાં મુસ્લિમ પિતા અને હિન્દુ માતાના સંતાન તરીકે, પણ એ જ પરિવારના કુણાલ અને સોહા ખાને હિન્દુ પિતા અને મુસ્લિમ માતાની દીકરી ઈનાયાના કેટલા ફોટો જોયા ?

સિલેક્ટીવ મેમરીના ફીડિંગથી જ બ્રેઈનવોશ થાય જનતાનું, સેંફની દીકરી સારાએ તો મંદિરે જવા માટે કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા ટ્રોલ થઈ ત્યારે ટકાનો જવાબ આપેલો કે મારી લાઈફ, મારી ફેઈથ - નન ઓફ યોર બિઝનેસ. સલમાનનું તો આખું કુટુંબ જ વિવિધ ધર્મોનો મેળો છે. અરબાજ મલાઈકા કે સોહેલે સીમા એવરેટ થયા, પણ સલમાન ખુદ હિન્દુ માતા ને મુસ્લીમ પિતાનું સંતાન તો છે જ, પણ એમાં ય ખાલી સલીમ ખાને હિન્દુ કે ખ્રિસ્તી પત્ની  સાથે શાદી કરી એટલું નથી. દીકરી અવિરાએ લવ મેરેજ અતુલ અગ્નિહોત્રી સાથે કર્યા કે હજુ સરસ રીતે ચાલે જ છે. ને કચરાટોપલીમાં મળેલી દીકરી અર્પિતાને હિન્દુ તરીકે ઉછેરી ધામધૂમથી આયુશ શર્માને પરણાવી. ટીકાકારોમાં નામ કેટલા આટલું ય કરી શકે ?

ફિરોઝ ખાન તો પાકિસ્તાનમાં જઈને સ્ટાઈલિશ મરદની જેમ ભારતની વાહવાહી કરતી ચોપડાવી આવેલા. એમની પત્ની ને ફરદીનની માતા સુંદરી, અને એમની પૂત્રવધૂ ફરદીનની પત્ની નતાશા મુસ્લિમ અભિનેત્રી મુમતાઝ ગુજરાતી મયૂર માધવાણીને આફ્રિકા પરણી હતી એની દીકરી ! આમાં ધર્મના જીન્સ કેવી રીતે શોધશો ? ભત્રીજી અને સંજય ખાનની દીકરી સૂઝન હ્ય્િતિક રોશન સાથે લવમેરેજમાં પરણેલી. ડિવોર્સ પછી પણ મધુર સંબંધ છે, અને હ્ય્િતિક એક મુસ્લિમ સબા આઝાદને જ અત્યારે ડેર કરે છે. એટલે બોલીવુડમાં રોમાન્સના વાયરા એકતરફી જ નથી આવતા. અગાઉ પણ સુનિલ દત્ત-નરગિસ અને કિશોરકુમાર મધુબાલા જેવા સેલિબ્રિટી કપલ થયા જ છે.

સ્વરા ભાસ્કર મુસ્લિમ પતિ ધરાવે કે નસીરૂદ્દીન શાહ હિન્દુ પત્ની ધરાવે કે રિચા ચઢ્ઢા અલીને પરણે કે નવાઝુદ્દીન પત્ની હિન્દુ હોય એની ચર્ચા થાય છે. પણ મનોજ બાજપેયી શબાના (સ્ક્રીનનેમ નેહા, કરીબ ફિલ્મ) સુખેથી સંસાર વીતાવે છે. શાહીદ કપૂરની આ નીલિમા અઝિમને પંકજ કપૂર પરણેલો એમાંથી હિન્દુ મુસ્લિમ લગ્નનું સંતાન શાહીદ થયો જે મીરાને પરણ્યો ને નસીરની વાઈફ રત્નાની બહેન સુપ્રિયા (બેઉ ગુજરાતી દીના પાઠકની દીકરીઓ)ને પંકજ પરણ્યો કે ફરાહ ખાન શિરીષ કુંદરને પરણી લહેરથી ત્રણ બાળકોની મા બની એ ભૂલાઈ જાય છે. ઈન શોર્ટ, જો તટસ્થભાવે યાદી બનાવવા બેસો તો લિસ્ટ બેલેન્સ્ડ લાગશે. અમુક લગ્નો ધર્મ સરખો હોવા છતાં નથી ચાલ્યા મીનાકુમારી-કમાલ અમરોહી કે રાજેશ ખન્ના ડિમ્પલની જેમ અમુક જુદા ધર્મો છતાં ટકાઉ નીવડયા છે. આખરે માણસ ધર્મના પ્રેમ કરતા પ્રેમનો ધર્મ અપનાવે તો જીવન પૃથ્વી પર જ સ્વર્ગ થઈ જાય !

પ્રેકટિકલ ચેલેન્જ હેન્ડલ કરવા જેટલી મહોબ્બત જોઈએ. ઈરફાન ખાને તો પાછળ ખાન સરનેમ કાઢી નાખેલી. ટાઈટલમાં માત્ર ઈરફાન લખાઈ આવતું. એને હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી શીખ-જૈન-યહૂદી દરેક પ્રકારના ધર્મોની જડતા અને વાહિયાત અંધશ્રધ્ધા સામે આ લખવૈયાની જેમ એક્સરખો વાંધો હતો જે ખુલીને પ્રગટ કરેલો. એની એના મોત પછી પણ ચાહતી પત્ની સુતપા હિન્દુ. ઈરફાને પણ સિવિલ મેરેજ કરેલા ને ધર્મની બાબતે ઓળખ તો શું પત્નીની સરનેમ પણ નહોતી બદલાવી. પણ સુતપાએ કહેલું કે  ''મારા સાસુને તકલીફ થતી. એ નહિ કે પૂત્રવધૂ હિન્દુ છે. પણ એ બિચારા માતૃસહજ ભાવથી કહેતા કે અરે દીકરી, તારું મર્યા પછી શું થશે ? તને હિન્દુ સ્વર્ગ પણ ના મળે ને મુસ્લિમ જન્નત પણ નહિ મળે ને તારા સંતાનો કોને માનશે ? અમે પતિ પત્ની હસી કાઢતા.''

બસ, ધર્મના મોટા ભાગના ડખા પરલોક પછી સદ્દગતિ થશે કે નહિ, એ ડર અને એ અહંમાંથી જ શરૂ થતા હોય છે, અરે, પછી શું થશે એનો અનુભવ કોઈ પાસે નથી. ઈશ્ક, પ્યાર, પ્રેમ, સ્નેહથી આ જીવાતા જીવનના વાસ્તવિક વર્તમાન લોકને સુખી કરો, ને પ્રેમ કરતા હો એમાં મસ્ત રહી બીજાને દુ:ખી ના કરો તો ય ઘણું છે ! પ્યાર સે હી તો હૈ યે દુનિયા આબાદ !

ઝિંગ થિંગ

''ધર્મ ભગવાન બનને કા નહિ, ઈન્સાન બનને કા માધ્યમ હૈ... સોચનેવાલો કી દુનિયા દુનિયાવાલો કી સોચ એ અલગ હોતી હૈ'' (મૂળ કેસ કરતાં નબળી બનેલી મહારાજ ફિલ્મમાં ગુજરાતી લેખિકા સ્નેહા દેસાઈએ લખેલા સચોટ સંવાદો)


Google NewsGoogle News