જીસસ ક્રાઈસ્ટ શાકાહારી હતા ? .
- અનાવૃત-જય વસાવડા
- માંસ ખવાતું હોય એવા ભોજનના ડાઇનિંગ ટેબલને ડિમોન યાને સેતાન સાથેનું ખાણું કહેવાયું છે. જીસસે તો માંસાહાર માટે પશુપંખી વેચનારાના ટેબલો ઉલાળી દીધેલા જેરૂસાલેમમાં એન્ટ્રી પછી !
વેસ, ટાઈટલમાં લખે સવાલના જવાબ માટે એક બીજો સવાલ પૂછીએ નાતાલ નિમિત્તે નોલેજ વધારવા. જીસસને શા માટે ક્રોસ પર ચડાવી મૃત્યુદંડ અપાયો હતો ?
આનો જવાબ જાણીતો છે. એક સુથારના દીકરા ગણાવાયેલ મસ્તફકીર બધે ફરે અને પ્રેમ, ક્ષમા, કરૂણાનો ઉપદેશ આપે, એની સાથે ચમત્કારોની વાયકાઓ જોડાય અને એ પોતાને ઇશ્વરનો પુત્ર ગણાવે એ ત્યારના વગદાર યહૂદીઓને, એસ્પેશ્યલી ધર્મગુરૂઓને આંખના કણાની જેમ ખટકતું હતું. હરતા ફરતા ને સામાન્ય માણસની તરફેણમાં ગરીબોના, પીડિત વંચિતશોષિતના મસીહા તરીકે ઉભરતા જતા આ યુવાનને પાઠ ભણાવવા તત્કાલીન યહૂદી 'ઇન્ફલ્યુઅર્સ' આતુર હતા. જીસસ ખુદ જન્મે યહૂદી હતા. એમણે ચર્ચ બનાવ્યું નહોતું કે ક્રિશ્ચયાનિટીનો અલગ ધર્મ પણ વિધિવત સ્થાપ્યો નહોતો એટલે મૃત્યુપર્યંત 'જ્યુ' રહ્યા એવું માની શકાય. (ચર્ચ અને વિધિસરના ખ્રિસ્તી ધર્મની સ્થાપના પછીથી એમના બાર શિષ્યો પૈકીના આગળ પડતા સેઇન્ટ પોલે મુખ્યત્વે કરી. પણ અત્યારે એ લાંબો ઇતિહાસ અસ્થાને છે) એક સમયે યહૂદીઓને જર્મનીમાં તિરસ્કૃત કરાયા, એની પાછળ વ્યાજવટાવના ધંધા ઉપરાંત 'જીસસહત્યારા' વાળુંલેબલ પણ કારણભૂત હતું.
પણ આ કચવાટ ગણગણાટ અમુક ધર્મચુસ્ત અને વગદાર યહૂદીઓમાં જીસસ બાબતે હતો જ. પણ જ્યારે જેરૂસાલેમમાં પ્રવેશ કરી જીસસે યહૂદી દેવળમાં પગ મૂકીને, ધર્મની બદીઓના શુદ્ધિકરણની અહાલેક જગાવી, ત્યારે ભડકો થયો. ઘટના એ માટે નિમિત્ત એ બની કે એ સમયના વિધિવિધાનો મુજબ 'સેક્રિફાઈસ' યાને બલિ માટે સમજ ખાતર મંદિર કહીએ તો એવા પૂજાસ્થાન 'મંદિર'ના પરિસરમાં જ પશુપંખીઓ મોજૂદ રહેતા. પ્રસાદ માટે ફૂલ કે સાકર ખરીદાય આપણા તીર્થોમાં એમ બલિ માટે એ વેચાતા. જીસસે ઉઘાડેછાગ આ કૃત્યને અમાનવીય ગણાવી એનો વિરોધ કર્યો. ત્યાં પિંજરે પુરાયેલા પક્ષીઓ ઉડાડી મૂક્યા. ઘેટાં, બકરાં, બતકાં, મરઘા, બળદ, બધાને મુક્ત કર્યા. હોબાળો એનો મચી ગયો. ક્રાંતિકારી કરૂણાવાન જીસસને અરાજકતાવાદી ઠેરવવામાં આવ્યા. પશુબલિ અટકાવવાની એમની હરકતને કડકાઇથી વખોડવામાં આવી. એમની લોકપ્રિયતા વધે ને આવું વારંવાર થાય તો બલિના નામે પશુપંખીનો અને ધાર્મિક બલિદાનના ઓઠાં નીચે માંસાહારનો વેપાર જોખમમાં આવી જાય. એમાં વગદાર ધાર્મિકોએ સંતલસ કરી જીસસને સજા કરાવવાનું નક્કી કર્યું. એમના શિષ્ય જુડાસને ફોડીને એમનું ઠેકાણું શોધ્યું. ત્યારે એક સમયે આપણે અંગ્રેજ શાસન હેઠળ હતા એમ રોમન શાસન હેઠળ રહેલા જેરૂસાલેમમાં જીસસ સામે ફરિયાદ થઈ. રોમન જજ પોન્ટિયસ પાયલટને આ ઓજસ્વી ઓલિયા નિર્દોષ લાગ્યા, પણ જીસસના સત્ય, પ્રેમ, કરૂણા સામે બુદ્ધિબુઠ્ઠા ટોળાંનો આક્રોશ જોઇ એમણે જવાબદારી ખંખેરીને ક્રૂસિફિકેશનનો આદેશ ભારે હૈયે આપી દીધો.
રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, પણ મિસ્ટ્રી (રહસ્ય) ના હોય એવું તથ્ય નોંધમાં લીધું ? તમામે તમામ સંદર્ભો એકમત છે કે નિર્દોષ પશુપંખીઓની 'પ્રસાદ' (યાને બલિ પછી ભોજન) માટેની હત્યા અટકાવવા જીસસે પોતાનું બલિદાન આપવા સુધીનું જોખમ વહોરી લીધું ! પહેલા પણ ટટ્ટાર કરોડરજ્જુ ધરાવતા મહાત્માઓ પેદા થયા છે, જે એમના અભિગમ પર કાયમ રહ્યા અને ઝૂક્યા નહિ - સોક્રેટિસથી નરસિંહ સુધી, ગેલેલિયાઓથી ગાંધી સુધી ટોળાં સામે ઉન્નત મસ્તક ઉભા રહી સાચું કહેવાની સજા ભોગવતા રહ્યા છે, ડિટ્ટો ડિઅર જીસસ ક્રાઇસ્ટ !
હવે જે માણસ માફીની યાચના કર્યા વિના, પણ શત્રુભાવ વિના ઘેલા ઝનૂની વિરોધીઓને માફી આપી પશુબલિ અટકાવવા ખાતર શૂળીએ ચડી જાય એટલી હદે 'કમ્પેશનેટ' યાને કરૂણાવાન સંવેદનશીલ હોય, એ કેવી રીતે માંસાહારી બની શકે ? આ તો દેખીતું સિમ્પલ લોજીક છે. ક્રોસ પર ચડયા એ અગાઉ જે જેરૂસાલેમના ધર્મસ્થળે ધમાલ થઇ એમાં જીસસનું વલણ કરતા ક્વોટસ નોંધાયા છે, એ ખૂબ જાણીતા પણ છે. મેથ્યુ, માર્ક, લ્યુક, જોમ બધાના વર્ણનો છે કે ભગવાનના નામે થતો બલિ માટેનો પશુપંખીનો ક્રૂર અવિચારી વેપાર અટકાવવા એમણે બળદ, ઘેટાં, કબૂતર વગેરેને છોડી મુક્યા. હોહા વચ્ચે મક્કમ રહી બોલ્યા કે 'આ બધું હટાવો અહીંથી. મારા પરમપિતા (ઇશ્વર)ના ઘરને આવા વેપારથી ભ્રષ્ટ, દૂષિત ના કરો !' જીસસે શાહૂકારોનો વિરોધ કર્યો. પુઅરની ફેવરમાં, એવું ઘણા કહેશે પણ કયા વેપારની એની ચોખવટ નહિ કરે ! માત્ર એનિમલ ફ્રીડમ માટે એમણે રોકડું સ્ટેન્ડ લીધું એટલું જ નહિ એવું બોલ્યા કે 'ભગવાનને બલિદાન નહિ, કરૂણા જોઇએ છે. જરાક જૂના ગ્રંથો સરખા સમજો ઇશ્વરને પશુપંખીની હત્યા નહિ, દયામાયા ખપે છે !'
ખાલી આટલું જ નહિ, વધુ પણ કહ્યું છે. જૂના જમાનાની અલગ અલગ ટેકસ્ટસ છે. હિબૂ્રમાં છે, સીરિયન - આર્મેનિક છે, એબોનાઇટસ (શાબ્દિક અર્થ જ રંક એવો થાય) ટેકસ્ટસમાં છે, બાઈબલમાં પણ છે, પાછળથી નોંધાયેલા પત્રવ્યવહારોમાં રજૂ થયેલા સંદર્ભોમાં ય છે. કીથ એકર નામના ઇતિહાસવિદે પાક્કા સંદર્ભો અઢળક રિસર્ચ સાથે આપીને ગ્રંથો લખ્યા છે, જેને કોર્ટમાં કોઇએ પડકાર્યા નથી. કીથ પોતે ચુસ્ત વિગન વેજીટેરિયન છે. અને બીજાઓએ પણ આ નોંધેલું છે. લેબમાં રસભંગ ના થાય એટલે યુનિવર્સિટીના બોરિંગ થિસિસ જેવા રેફરન્સના નેબર્સ ટાંકવાનું ઘટાડયું છે, પણ પાક્કા સબૂત ઇતિહાસવિદોએ, પશ્ચિમના ઓથેન્ટિક સોર્સે આપેલા છે, એનો જ આધાર લીધો છે.
પશુપંખીને મારીને ખાઈ જવા સામે અનુકંપા અને સંવેદનાથી છલોછલ જીસસના બીજા નિવેદનોની પણ જરા ઝલક લઇ લૉ : 'પાંચ ચકલીઓ બે પૈસામાં વેંચતા શરમ નથી આવતી, પ્રભુ બધું જુએ છે અને આવી હરકતો માફ નહિ કરે !... તમારી પાસે એક ઘેટું હોય અને એ ખાડામાં પડે તો એને પકડીને બહાર કાઢવાની તમારી ફરજ નથી ?... મોઢામાંથી નીકળે એ હૃદયથી નીકળવું જોઇએ, તો એ મુખમાં અશુદ્ધ ચીજો કેમ નાખી શકાય ? તમે જ તમારા રખેવાળ બનો, તમારું હૃદય શરાબ (વાઈન)ના નશા અને માંસના આહારથી મુક્ત રાખો !... તમે કોણ છો ધર્મના શિક્ષક બનેલા ઢોંગીઓ, સફેદ કબર જેવા લાગો છો, જે બહારથી સુંદર દેખાય પણ અંદર હાડકાં પડયા હોય !'
જીસસના આવા માંસ માટે હિંસાના વિરોધના અવતરણો ને પ્રસંગો તરત મળી જશે. જે 'સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી' હોય એ મહાવીરની માફક માણસો સાથે અહિંસા સામે, તો સમગ્ર સજીવસૃષ્ટિ સાથે પણ રાખે. જીસસ તો આમ પણ ભારત આવ્યા હોવાની થિયરી છે, એના પર સવા બે દસકા પહેલા લખેલું. અરે એબોનાઈટ ખ્રિસ્તીઓના પ્રાચીન લેખક ક્લેમેન્ટે તો એ જમાનામાં ભારતના વખાણ કરેલા કે ભારતના વિવિધ 'બ્રાહ્મણો' શાંતિભર્યું જીવન જીવે છે. ખૂન કે વ્યભિચાર કરતા નથી, માંસાહાર કરતા નથી અને ઇશ્વરથી ડરે છે !' (ક્લેમેન્ટ હોમેનીઝ, બૂક ૯, ચેપ્ટર ૨૨).
એક્ચ્યુઅલી, મોટા ભાગના ઇસુના સંદર્ભો બાઈબલમાં પણ કોઈ પશુપંખીને મારી એનું માંસ ખાવાના નથી. હિબૂ્રમાં (ત્યારે અત્યારની અંગ્રેજીમાં ક્યાં લખાતું કે બોલાતું ?) તો માંસ ખવાતું હોય એવા ભોજનના ડાઇનિંગ ટેબલને ડિમોન યાને સેતાન સાથેનું ખાણું કહેવાયું છે. જીસસે તો માંસાહાર માટે પશુપંખી વેચનારાના ટેબલો ઉલાળી દીધેલા જેરૂસાલેમમાં એન્ટ્રી પછી ! હા, આગળ ધરવામાં આવે છે બે વાતો - ઇસુના અંતિમ ભોજન લાસ્ટ અવરમાં એક વાનગી ટેબલ પર હતી જે બકરીના માંસની બને. એમાંથી જ બને એ રેસિપી પણ વિવાદાસ્પદ છે, એ માંસ સિવાય પણ બનતી હોવાના ઉલ્લેખો છે. એટલે સીધો માંસાહારનો ઉલ્લેખ નથી. અને એ પણ ત્યાં પીરસાયાનો ઉલ્લેખ છે, જીસસે ખાધા હોવાનો નહિ !
બીજી દલીલ એ છે કે ક્રૂસિફિકેશન પછી એમનું રિઝરેકશન યાને પુનરાવતાર થયું ને એમના 'રિયલ' હોવા અંગે શંકા થઇ ત્યારે એમણે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માછલી ખાધી, અને એવો જ ઉલ્લેખ પાંચેક હજાર એમના 'સત્સંગ'માં ભેગા થયા એમને માછલી પીરસીને ખવડાવી એવો છે. આમ તો આજે પણ માછલી અને ઇંડા ટેકનિકલી માંસાહાર ગણાતા નથી, પણ એ બાજુએ રાખો તો પણ આ ઉલ્લેખો વિવાદાસ્પદ છે. એ પાછળના ગ્રીક ને એવા વર્ઝનમાં છે. સીરિયન આર્મેનિક અને હિબૂ્ર ટેકસ્ટ જે વધુ જૂની છે એમાં તો બ્રેડના ઉલ્લેખ છે ! આપણે ત્યાં પણ થાય છે, એમ પાછળથી કોઇએ ઉમેરેલી કથા લાગે છે.
એમ જ ટોટાલિટીમાં જીસસનો અભ્યાસ કરો તો એનાં સતત જીવહિંસા અને સજીવો પર અત્યાચારના વિરોધની વાત વારંવાર મળશે. ફિશવાળો પ્રસંગ તો એ સમયે ફરી જીવિત થવાની ઘટનાની ટીકા કરતા મેસિઓન જેવાને જવાબ આપવા ઉમેરાયેલો છે, એવું વિદ્વાનો માને છે અને ગ્રીકમાં માછલી માટે વપરાતા શબ્દનું તો ડાયરેક્ટ એક્રેનિમ 'જીસસ ક્રાઇસ્ટ, સન ઓફ ગોડ, સેવિયર (મસીહા)' થાય છે. એટલે માછલી મતલબ સાચે જ માછલી નહિ, પણ સ્પિરિચ્યુઅલ ફૂડ 'પ્રસાદ' એમ ! એ બ્રેડનો પણ હોય ને ફળનો પણ ! આપણે ત્યાં ક્યાંક ગોળ-દાળિયાનો પણ પ્રસાદને રાજભોગ કહેવાય છે ને !
એની વે, સૌથી મોટા ક્રોસ રેફરન્સ તો એ છે કે જીસસના બાદ એમનો સંદેશ ફેલાવનારા જેમ્સ નિર્વાવિદતપણે તમામે તમામ સંદર્ભોમાં દહીં મધના પ્રેમી એવા શુદ્ધ શાકાહારી જ વર્ણવાયા છે. અને આ જેમ્સ માત્ર શિષ્ય નથી, જીસસના ભાઈ છે ! જેમને માટે 'રેઇઝડ એઝ વેજીટેરિયન' સ્પષ્ટ લખાય છે. મતલબ મધર મેરી, જેસેફનો ગોવાળિયો પરિવાર જ શાકાહારી હતો. એ એક દીકરાને વેજીટેરિયન ઉછેરે તો બીજાને શું નોનવેજીટેરિયન ઉછેરે ? એવું જ સૌથી પ્રસિદ્ધ એવા જીસસમય જોન ધ બાપ્ટીસ્ટનું છે. એ પણ બધી જગ્યાએ શુદ્ધ શાકાહારી વર્ણવાયા છે. એક જ સંદર્ભ લીકમેસ્ટ નામના જંતુ ખાતા હોવાનો છે. પણ એ ય પાછળથી સિદ્ધ થયું કે બીન્સ યાને કઠોળ જેવા દાણા હતા ! અરે, આજે પણ વેટિકનમાં જેની ભવ્ય સેઇન્ટ પીટર્સ બઝિલિકા વિદ્યમાન છે, એવા જીસસના વ્હાલા શિષ્ય સેઇન્ટ પીટર પણ શાકાહારી જ હતા ! એમણે તો 'માંસ ખાવાને ડેવિલ ફીસ્ટ યાને સેતાન સાથેની મિજબાની ગણાવેલું ! ખુદને ઓલિવ અને બ્રેડ ખાનારા વર્ણવી સીડસ (બીજ), નટસ (મેવા), ફળો ને શાક માંસ વિના ખાવાની ભલામણો કરેલી !'
આટઆટલા જીસસને સાવ નજીકથી ઓળખીને ફોલો કરનારા એમના સાવ નિકટના જાણીતા નામો જો શાકાહારી હોય તો કાયમ સર્વભૂતાનિહિત:ના ગીતાવાક્યની જેમ દરેક સજીવો માટે કરૂણા દાખવી, એમને ખાલી વાતો નહિ પણ એકશન લઇને મોત મીઠું કરનારા ઇસુ કેવી રીતે માંસાહારી હોઈ શકે ?
પણ સવાલ એ થાય કે ખ્રિસ્તીઓમાં માંસાહાર સહજ કેમ થયો ? જુગાર વિરૂદ્ધ યાદવાસ્થળી કરનાર કૃષ્ણના નામે કેટલો જુગાર રમાય છે ? કહેવાય છે કે ધર્મપ્રચાર વધુ વ્યાપક થાય એટલે માંસાહારની છૂટ ચર્ચસ્થાપક ઇસુ શિષ્ય સેઇન્ટ પોલે નમતું જોખીને આપી. પોલના સ્ટેન્ડનો જેમ્સ, પીટર ને જોને વિરોધ કર્યાના ઉલ્લેખ છે. ને પોલે પણ વેજીટેરિયન ક્રૂડના વિરોધમાં કંઇ 'અરે, ખુદ જીસસ પણ માંસ ખાતા હતા તો આપણે શું શરમ' એવી દલીલ એક પણ વખત નથી કરી. અર્થાત એને ખબર હતી કે જીસસ તો માંસાહારી નહોતા !
ધેટ્સ ઓલ. યોરે વર્ડિક્ટ માય લોર્ડ !
ઝિંગ થિંગ
'મેં તમને દાણા આપ્યા છે જે ધરતી પર ફળો ને અનાજ ઉગાડી ભોજન આપશે. દરેક ઉડતી, ચાલતી, દોડતી, તરતી પૃથ્વીની જીવંત વસ્તુઓ (યાને અન્ય સજીવો) ને બદલે ગ્રીન પ્લાટન્સ આપ્યા છે, ખાવા !'
(જીનેસીસમાં ગોડ, ૧-૨૯-૩૦)