Get The App

દિવાળી વેકેશનમાં બૂકવાચન અને મૂવીદર્શનનો મિનિ જલસો!

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
દિવાળી વેકેશનમાં બૂકવાચન અને મૂવીદર્શનનો મિનિ જલસો! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- પ્રશ્નગીતોની પરંપરા કોમર્શિયલ ગણાતા બોલીવૂડમાં કેમ આવી એ પ્રશ્ન ક્યારેય થયો છે? 

આ મ તો એકવીસમી સદીના આરંભથી વિધાઉટ ફેઈલ જોવા જેવા, ફરવા જેવા ને વાંચવા જેવા લિસ્ટસ વિશ્વભરમાં એકમેવ રીતે આ લખવૈયો રજુ કરે જ છે સ્પેકટ્રોમીટર અને અનાવૃતમાં. પણ ચાહકોની પબ્લિક ડિમાન્ડ ફિર ભી હો ઔર જ્યાદાવાળી હોય છે. તો લો આ વર્ષે એ બોનસ પણ હજુ બંધ ના થતા ચોમાસાની જેમ વરસાવી દઈએ.

પહેલા પુસ્તકોથી શરુ કરીએ. 

(૧) જેહ : રતન તાતાને યોગ્ય રીતે જ રિસ્પેકટ મળ્યું ને ગયા સપ્તાહે અહીં પણ એ બાબતે લખાયું. લેકિન, કિન્તુ, પરંતુ તાતા ફેમિલીના વેલ્યુઝની લેગસી સાચવવામાં ઝળહળતું નામ એમના પૂર્વસુરિ જે.આર.ડી. તાતાનું પહેલા આવે. ભારતમાં એવિએશનની શરૂઆત કરનાર એ. આઝાદી બાદ તાતા ફેમિલીની લેગસી ભ્રષ્ટાચારના સામા પૂરે તરીને પણ અખંડ સાચવનાર એ. રતન તાતા એમના પુત્ર નહોતા. પણ તાતા ફેમિલીની જ બીજી ડાળીમાં દત્તક લેવાયેલા નવલ તાતાના પુત્ર હતા, છતાં એમનું હીર પારખી એમને અન્ય સિનિયર લોકોને બદલે તાતા ગુ્રપની કમાન સોંપનાર એ. રતન તાતાને આવતાવેંત નરસિંહરાવના ઇકોનોમિક લિબરાઈઝેશનનો લાભ મળ્યો, પણ જે.આર.ડીને તો એન્ટીપ્રોફિટ માનસિકતાના નેહરુ, ઇન્દિરા. મોરારજીભાઈ. વી.પી.સિંહ સાથે જ વધુ કામ લેવાનું થયું. છતાં અડગ રહ્યા. પોલિટીકલ પ્રેશર આવ્યું તો તાતા ગુ્રપને મીડિયાની માલિકીમાંથી વિવેકપૂર્વક હટાવી લીધું પણ ઝૂક્યા નહિ. ફ્રાન્સમાં જન્મ્યા (આજે પણ એમની કબર પેરિસમાં છે, ગુજરાતીમાં સ્ટોન કોતરાયેલો છે !) ને સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરી ગયા પણ સ્વદેશવિકાસ માટે જીવતર હોમી ગયા. એમનું આ જીવનચરિત્ર બખ્તિયાર કે. દાદાભાઈએ લખ્યું છે અને અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. 

(૨) ફિલ્મજગતનું દર્શન : ભરત યાજ્ઞિાક રેડિયો અને રંગકર્મીઓનું દુનિયામાં રાષ્ટ્રીય કક્ષાનું નામ. કભી કભી શ્રેણી ટીવી મોબાઈલ યુગ પહેલા ધૂમ મચાવતી એમની. પણ સિનેમાના અવ્વલ રસિયા. સ્વ. હરીશ રઘુવંશી જેવી ઝીણી ઝીણી વિગતોની ચોકસાઈ. હમણાં એમના ફિલ્મ વિષયક લેખોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ગીતકારો, ગાયકો, સર્જકો, અભિનેતાઓ વગેરે પર તો ખાસ્સું કામ થતું આવ્યું છે. પણ આ પુસ્તક મુખ્યત્વે ફિલ્મગીતો વિષે છે. અવનવા વિષયો છે એમાં. જેમ કે પ્રશ્નગીતોની પરંપરા કોમર્શિયલ ગણાતા બોલીવૂડમાં કેમ આવી એ પ્રશ્ન ક્યારેય થયો છે? નોરતા અને ચાંદાના ગીતોની દાસ્તાન પણ છે અને ભક્તિ તથા દેશભક્તિના ગીતોની કહાની પણ અહીં છે. 

(૩) શેરલોક હોમ્સ થુ્ર ટાઈમ એન્ડ સ્પેસ : રહસ્ય રોમાંચના થ્રીલરથી વિશેષ આનંદ વેકેશનમાં બીજો શો હોય? શેરલોક તો એમાં હમ જહાં પે ખડે હોતે હૈ લાઈન વહાં સે શરુ હોતી હૈ વાળું અમર પાત્ર જે હજુ બ્લોકબસ્ટર છે. માત્ર આર્થર કોનન ડોઈલની કથા એમાં રહી નથી. અનેક લેખકો ને ફિલ્મ-ટીવી સર્જકોએ એને લાડ લડાવ્યા છે. પણ આ અનોખું પુસ્તક એટલા માટે અદ્ભુત છે કે એમાં શેરલોક હોમ્સને પાત્ર તરીકે લઇ કસાયેલા વિજ્ઞાાનલેખકોએ એની સસ્પેન્સ સ્ટોરીઝ લખી છે ! અને ખુદ આર્થર કોનન ડોઈલે લખેલી એક સાયન્સ ફિક્શન પણ એમાં છે. વળી સમ્પાદક છે સાયન્સ ફિક્શનની દુનિયાના મહાધુરંધર એવા આઈઝેક એસિમોવ જેમના રોબોટ રૂલ્સ આજે પણ અફર છે !

(૪) મડિયાનું સમગ્ર પદ્ય : શીર્ષક ભલે શુષ્ક રહ્યું પણ પુસ્તક રસિક છે. ગુજરાતના જવલંત ને મોખરાની હરોળના સાહિત્યકાર ચુનિલાલ મડિયાની જન્મશતાબ્દી ૨૦૨૨માં પૂરી થઇ પણ વાર્તાઓ અને નવલકથાઓના આ બળકટ સર્જક સોનેટ પણ સોનાની લગડી જેવા રચતા એ બહુ ઓછાને ખબર હશે. 'ઢળી શી આ આંખો નિમીલિત દૃગે મુગ્ધ રમણી- ઉઘાડી અર્ધી છો, હૃદય હરખે મીટ બમણી' કે 'અબુધ જગથી રાતારાતા અચુંબિત ઓષ્ઠ આ, પ્રિય પરશથી આઘાઆઘા નવોદિત પુષ્પ શા' જેવી રચનાઓથી લઇને ડાયલન થોમસ, ડાયોજીનીસ, હિરોશિમા, ફ્લોબેર જેવા વિષયો પર સરસ સોનેટસ છે. વળી નિરંજન ભગતની પ્રસ્તાવના જ વસૂલ છે. મડિયાનો ઇન્ટરવ્યુ પણ છે. 

(૫) પગલું માંડું હું અવકાશમાં : ગુણવંતરાય આચાર્યના દીકરી તરીકેની ઓળખ કરતા સ્વતંત્ર લેખિકા તરીકેની ઓળખ જેમની વિરાટ બની એવા વર્ષા અડલજાએ દાયકાઓના સર્જનકાર્ય બાદ પોતાની આત્મકથા લખી. એમની શૈલી કાયમ આસપાસના વાતાવરણનો ધબકાર ઝીલવાની તો નવલકથામાં પણ ડોકાય. આમાં એટલે જ આખી વહી જતી જિંદગીની નદીના વહેણ અને વળાંકો છે. કંઈ કેટલીય વ્યક્તિઓ અને ઘટનાઓના રસપ્રદ લસરકા છે. પોતાની વાર્તાકાર તરીકેની હથોટીને કામે લગાડી જાણે જીવનની ફિલ્મ પસાર થતી હોય એવી રસાળ રીતે લખાયેલી સ્વયંસિદ્ધા સ્ત્રી સર્જકની આત્મકથા. 

(૬) આર્ટસ ઓફ સિડકશન : સીમા આનંદ સેક્સની વાતો સહજ રીતે કરનારા અને વહાલ ઉપરાંત વિજ્ઞાાન પણ એમાં ઉમેરનારા સેલિબ્રિટી જેમના વિડીયો ખાસ્સા ધૂમ મચાવતા હોય છે. આ પુસ્તકમાં ભારતના મૂળભૂત અને અભિન્ન અંગ જેવા મુખ્ય ધારાના શૃંગારરસને એમણે છલકાવ્યો છે. સરસ શાલીન અંગ્રેજીમાં પણ બીકુલ છોછ વિના બોલ્ડ બનીને. સારું છે એક સ્ત્રીએ લખી છે કોઈને મોહિત કરવાની કામુકતાની કળા. બાકી પુરુષે લખી હોત તો વેદિયણ મહિલાઓ અને એમના દંભી ભઈલાઓ માથું ખાઈ જાત !

(૭) અર્જ કિયા હૈ : પહેલા આવા સંકલન બહુ આવતા શાયરીઓના. પોકેટ બુક્સ મળતી જેના કલરફૂલ માદક કવરપેજ ફૂટપાથીયા શાયરી કરતા વધુ આકર્ષક રહેતા. પછી વેબસાઈટ્સ આવી ગાઈને નામ વગરના જોડકણા જેવી શાયરીઓના ઢગલા કરતા સોશ્યલ મીડિયા પેજીઝ આવી ગયા. નીચોવો તો રસનું ટીપું ના પડે એવ સુક્કાંભઠ્ઠ કલેક્શન્સ વચ્ચે દક્ષેશ ઠાકર અને ડો. એસ.ડી.શર્માએ શબરીના બોરની જેમ ચાખી ચાખીને વિવિધ વિષયો પરની શાયરીઓનો દમદાર ને દળદાર સંગ્રહ બનાવ્યો છે, શરાબ, હુસ્ન, રાત, ખત, બારિશ, બેવફાઈ, દિલ, ઇન્તઝાર બધા પર હાજર છે શેર, નહિ કે બાજાર !

(૮) થિંક લાઈક એ ફ્રીક : યાદ છે યુવલ નોઆહ હરારીની પહેલા દુનિયાભરમાં ઝંડા નાખી દેતું અને આગવી રીતે આસ્પની સાચી ઘટનાઓના નવતર અર્થઘટનથી ઇનોવેટીવ મોટીવેશન સાથે માણસ સાથે માર્કેટના ઈતિહાસ ને વિજ્ઞાાનનું બયાન કરતુ પુસ્તક 'ફ્રીકોનોમિકસ' જે અને એની સિકવલ 'સુપરફ્રીકોનોમિક્સ'ની વર્ષો પહેલા ભલામણ કરી હતી. પછી એની લેખક જોડી સ્ટીવન લેવિટ અને સ્ટીફન ડબનેરે આ લાઈફને કેવી રીતે હેન્ડલ કરવી ને વિચારોને કેમ કેળવવા એની પ્રેક્ટીકલ ને એઇદમ ઇન્ટરેસ્ટિંગ સમજ આપતું પુસ્તક આ લખ્યું હતું જે ઘણાની નજરમાં અહીં નથી આવ્યું પણ ખાસ્સું મજબૂત ભાથું છે એમાં લાઈફ સોલ્યુશન્સનું. 

(૯) ઈન્તિકાદા : ઇઝરાયેલની સળી કરવા જતા હમાસ ને હિઝબુલ્લા એક વરસમાં નેતાઓ ગુમાવી ચુક્યા અને હ્યાવે દોઢા થઈને ઈરાન લેબેનોન વગેરે યુદ્ધવિરામ કેમ નથી કરતા એની વાત કરે છે. એ તો અમેરિકા અને યુરોપનું પીઠબળ ધરાવતા ને સાયન્સ ટેકનોલોજીના બ્રેઇનમાં હજારગણા આગળ દેશ સામે ત્રાસવાદી હુમલા કરતા પહેલા વિચારવાનું હતું. એની વે, દુ:ખ થાય આવા સંગરામમાં વગર વાંકે મુરઝાઈ પીસાઈ જતા ગાઝા અને પેલેસ્ટાઈનના નિર્દોષ માસૂમ બાળકોને જોઇને. કવિતાનું જન્મસ્થાન જ આ સંવેદના છે. પેલેસ્ટાઇનના કવિઓની કવિતાઓ વિશ્વવિખ્યાત બની છે. એમાંથી ચૂંટેલી કવિતા જે સમગ્ર માનવજાતના દર્દને સ્પર્શે છે એનો અનુવાદ રામકૃષ્ણ પાંડેયે કર્યો છે હિન્દીમાં. શીર્ષકનો અર્થ છે બગાવત. પણ આમાં આઝાદી ને ત્રાસવાદની ભેળસેળ કોઈ ગાંધી અલગ નહિ કરે ત્યાં સુધી લોહી ટપકતું રહેશે કમનસીબે. 

(૧૦) ૧૩ થિંગ્સ ધેટ ડોન્ટ મેઇક સેન્સ : માઈકલ બૂ્રક્સના આ પુસ્તકના લેખોના આધારે અમુક વિગતો ક્રેડિટ આપ્યા વિના ગુજરાતીમાં આવી પણ ગઈ છે. પણ આ જોરદાર કિતાબ છે એવા રહસ્યોની જેનો તાગ વિજ્ઞાાનીઓ હજુ ઉકેલી નથી શક્યા ને અનુમાનો સાથે જ બાથોડા લીધા કરે છે. ઘણા ચીકણા રેશનલિસ્ટસ તો ધાર્મિકોને ટપી જાય એવા જડસુ હોય છે, જે ઈશ્વર ને બદલે વિજ્ઞાાનમાં અંધશ્રધ્ધા રાખે. પણ જીવન એટલું સરળ નથી સમજવું. મજબૂત રિસર્ચ સાથે લખાયેલું સોલિડ પુસ્તક. 

અને હવે મૂવીદર્શનની યાદી. 

(૧) વાઈલ્ડ રોબોટ :  લાજવાબ બેનમૂન અદભુત સંવેદનમધુર એનિમેશન ફિલ્મ. આ વર્ષે ઓવરરેટેડ ઇનસાઈડ આઉટ ટુ ભલે બધાની ફેવરિટ ગણાતી હતી માથાના દુ:ખાવા જેવી બોરિંગ ને બક્વાસની હદે કંટાળાજનક પુનરાવર્તનવાળી. પણ મેન્ટલ હેલ્થના નામે અમેરિકામાં મૂળાના પતીકા પણ ગોલ્ડ મેડલ ગણાઈ જાય ! ઓસ્કારને લાયક તો આ ફેન્ટાસ્ટિક ફિલ્મ વાઈલ્ડ રોબોટ  છે ! 'હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન' અને 'ક્ડસ' જેવી અફલાતૂન ફિલ્મો બનાવનાર ક્રિસ સેન્ડર્સે અહીં વધુ એકવાર કમાલ કરી છે. જેના વિશ્વમાં ખોવાઈ જવાનું ખેંચાણ થાય એવું સપરિવાર દોટ મૂકીને થિયેટરમાં જોવા જેવું ફાંકડું પિક્ચર ! ભલે અમુક વાત ધારી હોય એમ બને પણ તો ય બામ્બી અને વોલ ઈના મિશ્રણ જેવી આ ફિલ્મ ફરી ફરીને જોવી ગમે એવી છે એના આલાતરીન ઈમોશન અને રંગબેરંગી જંગલ સાથે ફીલિંગની ફ્લાઈટને લીધે !

(૨) ઇટ્સ વોટ ઇનસાઇડ : ફર્સ્ટ ટાઈમ ફિલ્મમેકરની ઈન્ડી (ઈન્ડીપેન્ડન્ટ) કહેવાય એવી આ ફિલ્મ છે. ટિપિકલ આગાથા ક્રિસ્ટી પ્લોટથી શરુ થાય છે. એક જગ્યાએ અલગ અલગ દોસ્તોનું રિયુનિયન. એમાં ઘેરાતું ભૂતકાળનું રહસ્ય. ધીમી જીલ્લછઇછેંછ્ પછી વેગમાન વધારતો માઈલ્ડ સાયન્સ ફિક્શનનો ટ્વીસ્ટ. એમાં છતાં થતા અસલી નકલી ચહેરા અને પછી ઉભી થતી જડબેસલાક થ્રિલ. જકડી રાખતી ફિલ્મ. 

(૩) વેન્જેન્સ : વેર એવું ટાઈટલ ધરાવતી ફિલ્મ જોરદાર એક્શન હશે એમ માની ના લેતા. ૨૦૨૨ની આ ફિલ્મ ઉત્તમ સ્ક્રીનપ્લે રાઈટિંગની ટેક્સ્ટ છે. એમાં શહેર અને ગામડાની અલગ લાઈફ, ડિજીટલ લાઈફમાં ગૂંચવાતી જિંદગીઓ, સપનાને સ્નેહ સમજીને પ્રેમમાં ખુવાર થતી મુગ્ધાઓ, ફિલોસોફીને ઢાલ બનાવી શિકાર કરતા ખંધો, દરેક વાતમાં લાઈક્સ ને બિઝનેસ બધારવાનો કોર્પોરેટ માઈન્ડસેટ, જોઈન્ટ ફેમિલી વર્સીસ સિંગલ લાઈફ, સ્ટોરીટેલિંગમાં દોરવાઈ જવા તૈયાર માનવજાત,હોય નહિ એ દેખાડી ઈમ્પ્રેસ કરવાનો વરવો શોખ, પસ્તાવો, લુપ્ત થતા ઓરિજીનલ અવાજો,વર્ચ્યુઅલની વધતી માયાજાળ, મોકો ચૂક્યા પછીનો પસ્તાવો ને મર્ડર મિસ્ટ્રી એવું ઘણું બધું છે. કલાઇમેકસ પારખી શકાય એવો હોવા છતાં ને કશુંક ખૂટયું હોય એવું લાગવા છતાં જોવા જેવી ફિલ્મ. 

(૪) મિકેનિક : ૧૯૭૨ની આ ચાર્લ્સ બ્રોસ્નનની કલ્ટ ક્લાસિક પરથી જ જેસન સેન્ધામની રિમેક બની હતી. અડધી સદી જૂની ફિલ્મ હોવા છતાં એના કેરેક્ટર ને એક્શન ને પ્લોટ બાંધી રાખે એવા છે. પહેલી સોળ મિનીટ સુધી તો કોઈ સંવાદ જ નથી છતાં સીટની ધારે રાખે એવી ઓપનિંગ સીકવન્સ છે. ઓલ્ડ વર્લ્ડ ચરમ તો ખરો જ. 

(૫) કલીઓ ફ્રોમ ફાઈવ ટુ સેવન : ફ્રેંચ ફિલ્મમેકર એગ્ને(સ) વાર્દની આ ફિલ્મ મસ્ત ઈનોવેટિવ લાગે છે બન્યાના બાંસઠ વર્ષે પણ. કલરમાં શરુ થઇ બ્લેક એન્ડ વ્હાઈટમાં ચાલે છે પેરિસમાં. પણ એના રંગો એની માવજત, સ્ક્રિપ્ટ અને શોટ ટેકિંગમાં છે. વાત આટલી જ છે. એક ફૂટડી રૂપકડી અને અંદરથી ખાલી થોડી નખરાળી અને થોડી ગાફેલ દેશી કાઠિયાવાડીમાં ચાગલી કહેવાય એવી સિંગર એના બ્લડ ટેસ્ટની રાહ જુએ છે. જે બે કલાક પછી આવવાના છે. કેન્સરની આશંકા છે એને. ટેરો રીડિંગનું ભવિષ્ય પણ હતાશાજનક છે એનાથી શરુ થાય છે વાત. બસ એ બે કલાક એના કેમ વિતે છે ને શું થાય છે એની કથા દોઢ કલાકમાં રજુ થઇ છે ભેજું હોય તો આમ પણ સિનેમા બનાવી શકાય. ઈમોશનલ ને એન્ગ્રોસિંગ. 

(૬) એફ/એક્સ : એક સમયે હોલીવુડને સુપરહીરો ફ્રેન્ચાઈઝી બટકું નહોતી ભરી ગઈ ત્યારે કેવા મજાના એન્ટરટેઇનર બનતા એની યાદ અપાવતી ફિલ્મ. ૧૯૮૬ની હોવા છતાં જલસો કરાવે એવી. એક ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટસ કરનારા ભેજાબાજને એફ્બીઆઈ જેવી ખુફિયા સરકારી સંસ્થાના માણસો એક ફેક મર્ડરની રિયલ લાગે એવી ઈફેક્ટ બનાવી દેવાનું કામ સોંપે છે. પણ સાવ ઇઝી લગતા કામની પાછળ એક ભેદી કાવતરું છે ને પછી શરુ થાય છે ચેઝ. મજાની ફિલ્મ. એનો બીજો ભાગ પણ સરસ હતો.  

(૭) મડગાંવ એક્સપ્રેસ : આમ તો જોઈ જ લીધી હશે. પણ ના જોઈ હોય તો જોઈ જ લેવી. જૂની નીરજ વોરા પ્રિયદર્શનની જોડી યાદ આવી જશે. કુણાલ ખેમુએ મસ્ત હળવી ફિલ્મ ગો ગોવા ગોન જેવી રાજ ડીકે સ્ટાઈલમાં બનાવી છે. પ્રતિક ગાંધી તો છે જ ને જુગલબંધીમાં દિવ્યેંદુ મિરઝાપુરના મુન્નામાંથી કૂદકો મારી ધમાલ મચાવે છે, લૈલા મજનુવાળો અવિનાશ ને નોરા ફતેહી સાઈડમાં રહી જાય એવી. હલકીફૂલકી મોજમસ્તીનું તોફાન. 

(૮) એડજસ્ટમેન્ટ બ્યુરો : આપણે આપણી નીયતિ કંટ્રોલ કરીએ છીએ કે પછી આપણે જ નીયતિના પ્યાદાં છીએ ? આ જુગજુના સવાલનો જવાબ સરસ કહાની સાથે આપવામાં આવ્યો છે. એક ભાવી રાજકારણી એક ડાન્સરના પ્રેમમાં પડે ત્યાં જ કિસ્મતના એજન્ટ્સ આવીને ફાચર પાડે છે, ને એની સામે લડવા ને પોતાનું નસીબ બદલવા એણે શું કરવાનું થાય ? એ કેવી રીતે કરે છે એ ? એની દિલધડક અને દિલચસ્પ દાસ્તાન છે. 

(૯) સ્ટ્રેન્જ ડાર્લિંગ : આ ફિલ્મ અમુક બજેટ નથી બાકી ડિફરન્ટ કરી નાખત એવા દાવા કરતા અમુક ગુજરાતી ફિલ્મમેકરોને ક્લાસની જેમ બતાવવા જેવી છે. એવોર્ડને લાયક સ્ક્રીનપળે છે એનો. જે વાર્તા લિનિયર યાને ક્રમબદ્ધ કહેવાય તો જરાય જામે નહિ અને એના ચેપ્ટર આડાઅવળા કરો તો કેવી રોમાંચક બને એનો ક્લાસિક સબૂત છે આ જે. ટી. મોલ્નરની ફિલ્મ. હિરોઈન વિલા અને કાઈલના પરફોર્મન્સ તો ખતરનાક છે જ. પણ મજા તો એની ધીમે ધીમે ખુલીને ખૌફ પેદા કરતી સ્ટોરીમાં છે. કાચાપોચા લોકોએ જોવી નહિ. સેક્સ ને ડ્રગ્સ ઉપરાંત લોહીના ફુવારાઓ છે એમાં !

(૧૦) ટ્રાન્સફોર્મર્સ વન : આ સિરીઝ બમ્બલબી જેવી ઓરિજીન સ્ટોરીને બાદ કરતા બોક્સ ઓફિસ પર કમાતી હોવા છતાં ભેજાદુખણ બની ગઈ હતી. પણ આ એનિમેશન ફિલ્મ એ બધામાં બેસ્ટ પુરવાર થઇ ! આહી પહેલી વાર આ અપ્તોનો આત્મા જાણે દેખાય છે. વાઈલ્ડ રોબોટ પછી આ વર્ષની સેકન્ડ બેસ્ટ એનિમેશન ફિલ્મ છે આ. જોરદાર વાત છે યારી અને એમાં ઉભા થતા કોન્ફલિકટ અને હોપની માનવતા થકી બનતા હીરોની. મસ્ટ સી.

ઝિંગ થિંગ

'જીવનની અમુક શ્રેષ્ઠ પળો એટલી અંગત હોય છે કે જગતને તમે એના વિશે કહી શકતા નથી ! ' (સારાહ નાડર)


Google NewsGoogle News