Get The App

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી 'ગની', એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી...

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી 'ગની', એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી... 1 - image


- અનાવૃત-જય વસાવડા

- દાયકાઓ પહેલા એમણે ભાખેલું કે લોકોને ન્યુઝ એટલે ક્રાઈમ ન્યુઝ એવું થતું જાય છે, સમાજ અને શિક્ષણનું સ્તર ખાડે ગયું છે એની આ નિશાની છે અને આ રોગ છે, જે વધતો જશે, જે મીડિયા માટે સારી નિશાની નથી

Death is before me today

Like a sick man’s recovery,

Like going outdoors after confinement.

Death is before me today

Like the fragrance of myrrh,

Like sitting under sail on breeze day.

Death is before me today

Like the fragrance of lotus.

Like sitting on the shore of drunkenness.

Death is before me today

Like a well-trodden way,

Like a man’s coming home from warfare.

Death is before me today

Like the clearing of the sky.

As when a man discovers what he ignored.

Death is before me today

Like a man’s longing to see his home

When he has spent many years in captivity.

ચા ર હજાર વર્ષથી પણ વધુ જૂની આ કવિતા છે ! મૂળ તો ઇજીપ્શ્યન ભાષામાં લખાયેલી. એનો ગુજરાતીમાં પરિચય કરાવનાર ડો. વિવેક ટેલરના અભ્યાસ મુજબ એ સમયના જે કાગળના પૂર્વજ એવા પપાયરસ પર લખાયેલા સ્ક્રોલ મળી આવેલા એમાં આ લખાયેલી. અને ઈજીપ્તની સંસ્કૃતિ પર ખાસ્સું સંશોધન કરનારા મિરિઅમ લિચથાઇમે એને સરળ રૂપે અંગ્રેજીમાં ઉતારી છે. આ સૃષ્ટિના, જીવનના ઉદ્ભવ સાથે એક બાબત એની જોડે જોડાઈ ગઈ છે. એ છે મૃત્યુ. તમામ વૈજ્ઞાાનિકતા અને તમામ આધ્યાત્મિકતા બાદ પણ મૃત્યુનો કોઈ ઈલાજ માનવજાતને જડયો નથી. આમ તો જડવાનો પણ નથી, માની લો કે જડી જશે ત્યારે કદાચ ધર્મ નામના શબ્દે પૃથ્વી પરની તમામ ભાષામાંથી રુખસદ લેવી પડશે ! 

પણ આ રચના વાંચીને થાય કે મૃત્યુને લીધે સર્જાતી સ્વજનો વિરહવેદના અને ઘણી વખત (દરેક વખત નહિ) એની પૂર્વતૈયારી રૂપે આવતી કોઈ લાંબી અસાધ્ય બીમારી સામેની લાચારી ચિરંજીવ (ચિરંજીવ ! કેવી આયરની યાને વક્રતા કહેવાય, નહિ ? ) અનુભૂતિ છે. હજારો વર્ષો પહેલાના કોઈ ઇજીપ્શ્યન કવિએ જે સંવેદના અનુભવી એ જ આજે આપણે પણ અનુભવીએ છીએ. શું કહે છે એ કવિ છ દ્રશ્યોમાં મૃત્યુ વિશે ?

દિવસો સુધી પથારીવશ માણસને બહાર ખુલ્લી હવામાં લહેરથી ફરવા જવા મળે તો કેવી મોજ અને મુક્તિનો અહેસાસ થાય ? મૃત્યુ એ રીતે માંદા માણસને સાજો કરી દે છે. જે ઘર બહાર નીકળી ના શકે, એને જાણે સફર પર લઈ જાય છે ! મૃત્યુ આવે છે ત્યારે દર્દશામક દ્રાક્ષના જાદૂઈ ઔષધીય  ફળની મીઠી મહેક જેવું છે (બધી પીડા સમાપ્ત થઇ જાય છે દેહની) અને કોઈ ભીની ભીની ઠંડી હવાની લહેરખીઓ આવતી હોય સઢવાળી નૌકામાં (મતલબ વેગીલી છતાં શાંત યાત્રામા) એનો અનુભવ કરાવે છે. મૃત્યુમાં જાણે કમળના ફૂલની ખુશ્બૂ છે. (ભારતમાં તો કમળને ભીતરના આત્માના પ્રતીકરૂપ પુષ્પ ગણાયું છે.) અને જેમાં હોશ ભૂલાઈ જાય એવા કેફના કિનારે છબછબિયાં મૃત્યુ કરાવે છે. ( મૃત્યુ પછી દુન્યવી ઘટનાઓ ને સંબંધો કોઈ નશામાં અસ્તિત્વ ભૂલાઈ જાય એમ ઓગળી જાય છે !) 

મૃત્યુનું મિલન એટલે બહુ જ જેના પરથી મુસાફરી થતી હોય એવા કોઈ માર્ગ પરથી ઘર ભણી આવતો અનેક જખ્મોવાળો યોદ્ધો ! (શ્વાસોની લાંબી જંગ સમાપ્ત થઇ ગઈ છે, જીવનની લડાઈ બાદ હવે મૂળ ઘર તરફ પાછા ફરવાનું છે) મોત સામે આવીને ઉભું રહે ત્યારે જાણે વાદળછાયા આકાશ જેવું જીવન (અનેક ઘટનાઓ, ગમાઅણગમા, સંબંધો, વિખવાદો, આગ્રહો, અકળામણોનું મનમાં કાયમ છવાયેલું રહેતું ધુમ્મસ) એકદમ ચોખ્ખુંચણાક આસમાન થઇ જાય, અને વ્યક્તિને અંતકાળે બધું સમાપ્ત થવાના આરે કાયમ અહેસાસ થાય કે શું અવગણ્યું હતું એણે જીવનમાં. મૃત્યુ સામે આવીને ઉભું રહે ત્યારે અઢળક વર્ષોનાં કારાવાસમાંથી જાણે ઘર ભણી જવા માટે દરવાજો ઉઘડે... 

આપણા રમેશ પારેખ અંતિમ વિદાય વિશે એટલે જ  નિર્વાણની વ્યાખ્યા કરતા હોય એમ લખી ગયા... આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે...એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે...

***

એક તો ભારતમાં મહિલા પત્રકારો જ વીસમી સદીમાં ઓછા, એમાં ગુજરાતીમાં તો સાવ ગણ્યાગાંઠયા. એમાં પણ વળી તંત્રી હોય પણ માલિક સંચાલક યાને સુકાની ભાગ્યે જ જોવા મળે. કોઈ એવા હોય તો પણ બહુ પડકારજનક ના હોય એવું નાનકડું પ્રકાશન હોય. પણ માત્ર ગુજરાત નહિ, માત્ર પશ્ચિમ ભારત નહિ, માત્ર ભારત કે એશિયા પણ નહિ... વિશ્વ સ્તરે ફેલાવો, આવૃતિઓ, એડ રેવન્યુ, સમાચાર સંપાદનની પોલિસી, રિયલ ઇન્ફ્લ્યુએન્સર કહેવાય એવી હસ્તીઓ પર અસર  અને સર્ક્યુલેશન બધા માપદંડે અખબાર નહિ, પણ એક સામ્રાજ્ય કહેવાય એવા ગુજરાત સમાચારની ધરી કહી શકાય એવા શ્રીમતી સ્મૃતિબહેન શ્રેયાંશભાઈ શાહે તાજેતરમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે અવસાદના વરસાદમાં અવસાનની આ કવિતા મનમાં પડઘાઈ ગઈ. કોઈ વ્હાલું વિદાય લે ત્યારે એક વોઈડ એક ખાલીપો આપણી ભીતર મૂકી જાય છે, જેને પછી આપણે સદગત સાથેની સ્મૃતિઓ થકી ભરવા કોશિશ કરતા રહીએ છીએ.

પણ અહીં સ્મૃતિબહેનને યાદ કરવાનું વિશેષ પ્રયોજન છે. ઓલમોસ્ટ ત્રણ દાયકાથી આ પાનાઓ થકી આપણો સંવાદ રચાય છે, એમની પાછળ એમની પારખું નજરનો પાયો છે જેને લીધે એક વિદ્યાર્થીના જીવનની દિશા પોઝીટિવલી ફરી ગઈ. ખોટ હીરાઓની જગતમાં નથી હોતી પણ ઝવેરીઓની હોય છે. સ્મૃતિબહેન પાસે ગજબનાક માણસપારખુ ૃદ્રષ્ટિ હતી. કોઈ નાટક કે ફિલ્મના ફ્લેશબેક જેવો એ સીન ધુમ્રસેર વચ્ચે ગુલાબની પાંદડીઓની જેમ સજીવન થાય છે. વિવિધ સ્પર્ધાઓના વિજયને લીધે અખબારી કવરેજ બાદ ધ્યાન ખેંચાયેલું એવા ગોંડલથી અપડાઉન કરતા તરુણ વિદ્યાર્થીને તત્કાલીન નિવાસી તંત્રી અમદાવાદથી રાજકોટ આવૃત્તિની દેખરેખ માટે આવતા 'મેડમ'ની ચેમ્બરમાં દોરી ગયા.

બધા જેમને માનથી ભાભી કહેતા એવા એ માનુની વિષે એ વખતે પણ દંતકથાઓ સાંભળેલી. એમના રૂઆબની, એમના કડપની, એક નક્કર નારીથી ખૌફ ખાતા મર્દોના ચહેરા પણ નજરે જોયા હતા. ભલભલા ચમરબંધીને છોડવામાં નહિ આવે એ નેતાઓનો બુઠ્ઠો થઇ ગયેલો તકિયા કલમ હતો, પણ ઇન્દિરા ગાંધી જેવી લીડરશિપની ઓરા ધરાવતા સ્મૃતિબહેન માટે તો એ વાસ્તવ હતું. ગમે તેવા મોટા અધિકારીઓ કે મંત્રીઓની કે ધનકુબેરોની પણ પોતાના સ્ટેન્ડ બાબતે સાડીબારી નાં રાખે એ એ એમનું મજબૂત મન હતું અને એથી સહજ સ્વભાવ હતો. એટલે એક ફડક સાથે પહેલી વાર એમની સન્મુખ જવાનું થયેલું.

એમને એ વખતે ખુરશીમાં બેસીને ધ્યાનથી કાઢું વાંચતા ને પછી સામે લાંબા સમયથી ઉભેલા વિશ્વાસુ કર્મચારીને અગત્યની સુચના દેતા જોયા. જાજરમાન શબ્દ ગુજરાતીમાં જે વપરાય છે, એનું મૂર્તિમંત સ્વરૂપ ટીનએજમાં પહેલી વાર નજર સામે જોયું ! લાલ લીલા રંગનું પ્રભાવી પટોળું એમના શુભ્ર લાગતા ગૌર વર્ણની કાંતિ યાને ગ્લેર નિખારતું હતું. છુટ્ટા વાળ, જેમાં થોડી મેંદી થોડી સફેદી એક રોયલ પેઈન્ટિંગ જેવી ક્લાસિક આભા ઉભી કરતી હતી. ઓછા પણ ઠસ્સાદાર ઘરેણા અને લિપસ્ટિકથી સુશોભિત હોંઠમાંથી ધીમા સવારે અને ધીમી ગતિ પણ એકદમ શુદ્ધ ઉચ્ચાર અને સ્પષ્ટ વિચાર સાથે બહાર આવતા શબ્દો. દેહની જેમ જ શબ્દોમાં કોઈ ચરબી નહી. પોઇન્ટેડ મુદ્દાસર જ વાત. ભાવથી અતિશય છલકાઈ નહિ જવાનું પણ પ્રસન્નતા કે હાસ્ય હળવું મુખ સાથે આંખોમાં રમ્યા કરે એવી સસ્મિત સ્થિરતા. તરત નોંધ લેવાય એવી સામાનો ડાયરેક્ટ એમઆરઆઈ સ્કેન કરી લે એવી વેધક આંખો. વિશાળ અને ઊંડી. અને ટટ્ટાર ઊંચાઈ. 

પ્રચલિત માન્યતા ધારેલી, એનાથી વિરુદ્ધ એમણે ખૂબ જ વાત્સલ્ય સાથે માતૃવત સ્નેહથી વાતોની શરૂઆત કરી. પોતાના વિષે કોઈ આપવડાઈની એક લીટી નહિ, પણ મારો પરિચય પૂછયો. ઘેર અભ્યાસ, વાચન, માતાપિતા, બાળપણ, લખવાનો શોખ, ભાષા... ગુજરાત સમાચારની શાંતિદાદાની લેગસી અને એને લીધે એની સાથે જોડાવું એ પણ મહાન જવાબદારી એની વાત કરી. પહેલી જ મુલાકાતમાં કહ્યું કે અમારું આ છાપું એક ફેમિલીએ ઉભું કર્યું છે, જે ફેમિલી ચલાવે છે, ને સાથે જે જોડાઈને ટકેલા રહે એને ફેમિલી ગણે છે. આ તમામ પ્રકારની રસોઈ પીરસતા ફેન્સી રેસ્ટોરાં નથી કે જેમાં પૌષ્ટિકતા અને ગુણવત્તાનો અભાવ રહે. આ ઘરના માના હાથની રસોઈ જેવું છે. જેની પાછળ ઘડીયાળના કાંટા જોયા વગર અમે લોકોએ અમારી જુવાની અમારો જીવ રેડયો છે. 

મુલાકાત બહુ જ પ્રોત્સાહક રહી. લાંબી વાતો ચાલી. કોઈ જાતના નાટકીય દેખાડા વિનાના સહજ જવાબો એમને ગમ્યા અને એમણે જયરે કશુંક લખવાનું મન થાય ત્યારે આપી જવાનું કહ્યું. એ દિવસે 'પાવર' નામનો શબ્દ પહેલી વાર ડિક્શનેરીની બહાર જીવંત થતો જોયો !

જી હા. સ્મૃતિબહેન પાવર, લીડરશિપ અને મેનેજમેન્ટની હરતીફરતી પાઠશાળા હતા. મક્કમ કિલ્લા જેવા લાગે. ઝટ કોઈ નજીક ના આવી શકે. પણ જેમ કિલ્લાની દીવાલોની સલામતી પાછળ મેળાનો રંગબેરંગી ઉત્સવ ચાલતો હોય એમ ભીતરથી મુલાયમ. ઝટ ભરોસો મુકે નહિ (એ બાબતે એમાંથી ઉલટી એવી મારી અંગત નબળાઈ બાબતે કાયમ સ્નેહથી ટોકતા! ) પણ મુકે તો પછી દીકરા કે દીકરીની જેમ સાચવે અને કાળજી લે. સિંહણની જેમ રીતસર દુનિયાદારીની ખટપટથી આપણને પ્રોટેક્ટ કરે. પોતે માતાજીના ભક્ત. પણ એ માતૃસ્વરૂપ એવું કે પોતાના ગણ્યા હોય એમની ફરતે રક્ષાકવચ બનીને સદાય વીંટળાયેલું રહે. એમનો આત્મા મોહથી મુક્ત થતો જતો હતો પાછલા વર્ષોમાં પણ સ્વર્ગમાંથી પણ ગુજરાત સમાચાર અને એમના સ્વજનો માટે એમની ખેવના અનુભવી શકો એટલી હદે એ કાળજી લે ! 

એમની લાજવાબ ડ્રેસિંગ સેન્સ. કલર કોમ્બિનેશનની જબરી સૂઝ. શોખીન પણ ખરા વસ્ત્રો, ચિત્રો, સંગીત બાબતે. વાચન સારું. સમાચારની ભાષા બાબતે નવી પેઢી માટે એમની ફરિયાદો. મેટર સ્ટાફના ભરોસે રહેવાને બદલે રોજેરોજ જાતે ઝીણવટથી વાંચીને સુધારા સૂચવે. એકલી દીકરી તરીકે ઉછેર થયેલો ને - 'અલ્લડ ઝરણા જેવી હું હતી અને શ્રેયાંશને મળ્યા બાદના બે ત્રણ વર્ષે લગ્ન થયા ૧૯૬૭માં પછી પ્રેમથી એણે મને ઘડીને ફળદ્રુપ નદી બનાવી' એવું હસીને નિખાલસતાથી કહેતા. 

પણ આવી બધી નિકટતા તો પછી સ્થપાઈ, પહેલી જ મુલાકાતમાં એમણે જોબ ઓફર કરી. ભણતો હોઈને મેં ના પાડી તો એમ જ મનગમતું લખાણ પ્રેસ પર આપી જવાની છૂટ આપી. મેં પૂછયું કે 'જોડે નામ તો આવશે ને ?' તો હસ્યા. 'રિપોર્ટર જેવી ભાષા હોત તો ના આવત. પણ તારી સાહિત્યિક ભાષા છે, એટલે જરૂર મુકવાનું કહીશ'. પછી તો પુરસ્કાર પણ એમ જ સામેથી અપાવ્યો. સ્મૃતિબહેન અમદાવાદ ખાતે ગઢ ધરાવતા ગુજરાત સમાચારના હરતાફરતા હાથપગઆંખકાન. એ સતત ને સખત પ્રવાસો કરે. સૌરાષ્ટ્ર કચ્છની આવૃત્તિઓ સામા પૂરે તરીને એમણે સફળ બનાવી. એકેએક એજન્ટને ઓળખે. અરે, ટેક્સીવાળાઓ અને ફેરિયાઓને પણ નામજોગ ઓળખે. એમના પરિવાર વિષે પણ ખબર રાખે ! અખબારી આલમમાં વિતરકો સાથેના સમીકરણો સાચવવા પેચીદો પડકાર હોય છે. એમાં એ કાયમ કુશળ અને સફળ.

એમનું એક ભલભલા કોર્પોરેટ સીઈઓએ આજે પણ કેળવવા જેવું સકસેસ સિક્રેટ એ કે મોટા પદ પરના મેનેજર કે તંત્રીઓની વાતો સાંભળી એકતરફી નિર્ણય ના લે. પણ વોચમેન કે ડ્રાઈવર જેવી વ્યક્તિઓને પણ સામેથી મળીને સાંભળે. કોઈ ઇન્ટેલીજન્સ નેટવર્કને શરમાવે એવી એમની સીસ્ટમ. માત્ર પોતાને ત્યાં જ શું ચાલે છે એ નહિ, આસપાસ ક્યાં શું ચાલે છે ને હરીફો પણ શું કરે છે એની સબ સે તેજ પલ પલ કી ખબર એમની પાસે મોજુદ હોય. ધારો કે કોઈ એમને ઓળખાણમાં ભોળાભાવે ભલામણ કરે તો સૌજન્ય દાખવે, પણ પછી અંગત પૂછપરછ કરો તો ઠંડા કલેજે એનો ક્યાં શું અને કેવો ઈતિહાસ રહ્યો છે ને શા માટે ભરોસાપાત્ર ગણાય કે ના ગણાય એની આધાર સહિતની કુંડલી એમની પાસે પડી હોય ! ઉલટો, સામો ઠપકો મળે કે ચેતીને ચાલવું, ગમે ત્યાં ગમે તેને દોસ્ત માનીને પરોપકાર કરવા ધસી જાવ તો પસ્તાવું પડે. પહેલા આપણી સાથેનો જ નહિ, બીજાઓ સાથેનો વહેવાર કેવો રહ્યો છે પ્રોફેશનલી એ જાણવો. એમણે વર્ષો પહેલા શિખામણરૂપે કહેલું વાક્ય આજે પણ યાદ છે કે 'કેવળ પૈસાથી જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એવું નથી. પ્રેમ કે મૈત્રી પણ ઘણી વાર માણસને લપસાવે છે. માટે સંબંધો બાંધવામાં સાવચેત રહેવું, ને તરત અહોભાવમાં છલકાઈ ના જવું. થોડી ધીરજ રાખી સારી કે હોશિયાર ભાસતી વ્યક્તિના બધા પાસા પ્રગટ થવા દેવા.' બેઈમાની કે નાફરમાની બદલ એમને કાયમી ચીડ. પારદર્શક પ્રમાણિકતા અને હાર્દ આપીને થતા હાર્ડ વર્ક માટે માટે અનહદ સન્માન. એટલી હદે કે એમને છોડીને બીજે ગયા હોય એમની જોડે પણ સ્નેહાળ સંપર્ક રાખે માણસ તરીકે એમને પસંદ હોય તો. એટલે બધે એમનું પર્સનલ નેટવર્ક. અનુશાસન એમના અવાજ અને આંખમાં. શિસ્તના ચુસ્ત આગ્રહી. એમની ક્લીયર પોલિસી ગુજરાત સમાચારમાં કોઈ નીતિમત્તાને નેવે મૂકી દેનાર આવે તો સંસ્થાનું નામ બગડે. અને જનતાને ના ગમે તો પણ એમના હિતમાં હોય એ છાપવું. નેતાઓના હિતનો વિચાર નહિ કરવાનો.

આવા તેજ નજરના વ્યક્તિત્વનો પ્રેમ એવો મળ્યો કે એમણે મને અમદાવાદ મોકલ્યો ને ત્યારે એમણે એમની આંતરદ્રષ્ટિથી કહેલું કે મારા અમેરિકા ભણીને આવેલ દીકરાને મળજે, એને ને તેને ગમશે. એમની એ શ્રધ્ધા સાચી પડી. એમાંથી જ નિર્મમભાઈએ આ કોલમો શરુ કરાવી એક વિધાર્થીને સર્જક બનાવી દીધો ને વિદેશ પ્રવાસો પણ એને લીધે શરૂ થયા. 

એક આજીવન ના ભૂલાય એવો નાતો રાજકોટમાં એજન્ટ મિત્રો સાથેના પારિવારિક સ્નેહમિલનનો રહ્યો. વાષક ડ્રોને એ ઔપચારિકતા ગણતા પણ પરિવાર તરીકે મળવાનું મહત્વ એમને વિશેષ. દર વખતે આસો નવરાત્રિમાં જ એ ગોઠવીને ખાસ આવે. એક વાર મને એમાં ત્યારે બહુ બધે બોલવા નહોતો જતો ત્યારે એમણે થોડું બોલવાની તક આપી. પોતે કે પરિવાર વિષે કશું છાપે નહિ, પણ એ સાંભળી એવા રાજી થયા કે એનું અલગ બોક્સ બનાવી સામેથી કવરેજ આપ્યું. પછી તો મહેમાનો બહારથી બોલાવવાને બદલે એ સંચાલન મારે કરવાનું એવી પ્રણાલિકા રહી. એમણે તબિયતને લીધે આવવાનું બંધ કર્યું ત્યાં સુધી એ યાદગાર અને બેજોડ સિલસિલો ચાલુ રહ્યો. એક કટારલેખકને એમણે કાયમી કુટુંબી બનાવી દીધો.

હું લેખક કે વક્તા નહોતો ત્યારના એ ગુણો એમની નજરમાં આવેલા, ને એમણે એના માટે મોકળું મેદાન આપી એ ખીલવા દીધા. માતા ના રહ્યા ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં હતા. તારા ભવિષ્યની  તો હું બધી વ્યવસ્થા કરીશ એવી હોંશ એમની આજીવન રહી. પોતે પથારીવશ હતા પણ ઓળખી જતા ત્યારે પણ રસ લઈને મજાક કરતા કે કોઈ પાત્ર તને ગમે તો મને કહે હું બેઠી છું તો તારા કરતા વધુ સારી રીતે વાત કરીને એને સમજાવી દઈશ ! એ ઘણી વાર હૈયું ખોલીને લાડકવાયો ગણીને અંતરંગ વાતો કરતા. 

સ્મૃતિબહેનની નોંધપાત્ર લાક્ષણિકતા એ કે એ વઢે નહિ, પણ શીખવાડે. કોઈ તકલીફમાં હોય તો એની પડખે ઉભા રહેવાની તાકીદ કરે. એમના કોઈ રોલ મોડેલ નહી. પણ અડધી સદી પહેલા ફેશન શો કરાવેલો એવા નવીનતાને સ્વીકારનાર. નવી ટેકનોલોજી સમજવા ને સમજાવવામાં રસ લે. દાયકાઓ પહેલા એમણે ભાખેલું કે લોકોને ન્યુઝ એટલે ક્રાઈમ ન્યુઝ એવું થતું જાય છે, સમાજ અને શિક્ષણનું સ્તર ખાડે ગયું છે એની આ નિશાની છે અને આ રોગ છે, જે વધતો જશે, જે મીડિયા માટે સારી નિશાની નથી. જ્ઞાાન માટે એમને આદર. એ અંદરોઅંદર ખટરાગ હોય તો પકડી પડે ને કાચા કાનના નહિ એટલે કોઈની ચડામણીમાં આવ્યા વિના કાયમ કોઈ ફરિયાદ કરે તો જાતે તપાસ કરે. એમનો સાદોસીધો અભિગમ : ભૂલ માફ કરવાની, પણ અપ્રમાણિકતા નહિ. ગુસ્સે થાય તો પણ ઉશ્કેરાય નહિ ! અવાજ શાંત ને શબ્દો ઠરેલ રાખીને વ્યક્ત કરે જેથી મુદ્દો બદલવાનો સામાને મોકો ના મળે. 

આસ્થાએ એમને નિર્ભય બનાવેલા. હાર સ્વીકારવાની તો ફિતરત નહી. પૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાત સમાચારનું પ્રેસ બળાવી નાખેલું '૮૦ના દાયકામાં ત્યારે વળતર નહિ, ન્યાય માંગવા દિલ્હી એકલા ગયેલા. એમની જોડે વધુ સમય વીતાવનાર ઇલાબહેન કહે છે કે એ કહેતા 'લક્ષ્મી ગરુડ પર બેસીને આવે તો લેવાની, ઘુવડ પર બેસીને આવે ( કોઈની આંતરડી કકળાવીને ) તો નહિ લેવાની !'

***

છેલ્લા પાંચ-છ વર્ષમાં દર્દી સાથે જ હમદર્દની કસોટી કરનાર ન્યુરોડિજનરેટીવ ડિઝીઝ પાર્કિન્સન્સનો મારા પિતાની માફક એ ભોગ બનેલા. આ રોગ સ્વજનોને હપ્તાવાર આપણી વચ્ચેથી  છીનવી લે ! ઓળખતા હોઈએ એ વ્યક્તિત્વ ક્રમશ: નજર સામે ઓગળતું જાય ને કાયા પણ કૃશ થાય. એમણે સમતાથી એ દર્દ જીરવ્યું અને એમના જીવનસાથી તરીકે શ્રેયાંશભાઈએ બધું જ છોડીને એમની સેવા કરી. સાડા પાંચ દસકાથી વધુનું પ્રેમસભર દાંપત્ય એક તપસ્યા બની ગયું બેઉની. મોગરાની મહેક માનવીઓની મૌન મહોબ્બતમાંથી રોજ ઝરતી જોઈ. અંત તો નિશ્ચિત હોય છે, પણ સંગાથના વર્ષો છેલ્લે એવા રહ્યા કે શ્રેયાંશભાઈ સાથે સ્મૃતિબહેન માત્ર અખબાર બાબતે જ નહિ, અંતર બાબતે પણ કેવા એકાકાર હતા એની મિસાલ બની ગઈ. શ્રેયાંશભાઈએ રીતસર ભેખ લીધો, પણ સ્મૃતિબહેનનો સ્વીકાર એવો એવી કે પોતાના મૃત્યુની તૈયારી માનસિક કરી વિદાયવેળાએ શું પહેરવું એ વસ્ત્રો અને ચાંદલો પણ નક્કી કરીને ગયેલા ! પાછળ કોઈ વિશેષ સભા નહિ એની પણ તાકીદ કરી. બોલી ના શકે તો પણ મળવા આવે એને ઓળખે, તહેવારો પર આંખના ઇશારે આશીર્વાદ વરસાવે. સજળ નેત્રે ગયા વર્ષે એમના એક્યાસીમાં જન્મદિને મારા મસ્તક પર હાથ મુક્યો એ સ્પર્શ સનાતન સ્મૃતિ બની ગયો. એક અધ્યાય પૂરો થયો દેહમાંથી, પણ દિલમાંથી નહિ ! કદાચ લાંબા સમય સુધી પરવશ રહેવાનું એમના આઝાદમિજાજ આત્માને ગમ્યું નહિ ને જુનું પિંજરું તોડી પંખી પાંખો ફફડાવી મુક્ત થયું તેજ તરફ !

બસ, અમારી આંખે કંકુના સુરજ આથમ્યા... (શીર્ષક : ગની દહીવાલા ) 

ઝિંગ થિંગ

नींद क्या है जरा सी देर की मौत,

मौत क्या क्या है तमाम उम्र की नींद ।

(जगन्नाथ ''आजाद '')

Tags :