મહાકુંભમાં 'વાઈરલ' થતા અધૂરા લોટા!
- અનાવૃત-જય વસાવડા
- અસલી તપસ્વીઓ તો ગુફામાં સંતાઈને પડયા રહે છે, સામેથી મળવાને બદલે કોઈ સુપાત્ર જાય ત્યારે એની સામે આવે છે.
કા ઠિયાવાડની ધરતીની રસધાર ઉલેચનારા ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે : સોરઠી સંતો. એમાં દાના ભગત ( સત્વ અને શીલ માટે સુખ્યાત અને પોતાના થકી અનેક ચેતનાઓને પ્રેરણા આપનાર જૂના જમાનાના દેહાણ સંત સ્વ. દાન મહારાજ ચલાળા )નો એક કિસ્સો એમણે ટાંક્યો છે. થોડો ટૂંકાવીને, એમની ભાષા આજની પેઢીને સમજાય એટલે જરાક મઠારીને પણ જેમનો તેમ મુક્યો છે અહી :
''હા દાનબાપુ ! સાચોસાચ ! શાદુળ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં કડતાળો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે, ત્યારે એ અગમની હારે એકાકાર થાય છે. એની આખી કાયા ઉછાળા મારે છે. આંખો ઘેઘૂર બને છે. અને એ આવેશમાં એવું તો જોશ કરે છે, કે ગમે તેવો મજબૂત ઢોલીઓ (મોટો ખાટલો, પલંગ) પણ કડાક કરતો તૂટી પડે છે.''
''ભાઈ ! ભાઈ ! ત્યારે તો એના દર્શન કરીને રામ-રસ પીવો પડશે.''
આપા દાનાના અંતરમાં અચંબો થયો કે આ શી વાત ! ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો જીવ આટલો બધો કેમ ઉછાળો કેમ દેખાડે ! એની વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ.શાદુળ ભગતને કહેવરાવ્યું કે ''આપની પ્રભુવાણી સાંભળવી છે.''
શાદુળ ભગતને ખબર પહોંચેલા કે પોતે ઢોલીઓ કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આકાંક્ષા છે. શાદુળના અંતરમાં અહંકારનો કોંટો ફૂટયો. એણે તે દિવસ રાતે ભજન જમાવ્યાં. શાદુળ ભગતનાં માણસોએ આપા દાનાને કહ્યું ''ભગત ! એક ઢોલીઓ મગાવી દ્યો.''
ઢોલીઆને બદલે એક તકલાદી ખાટલી મગાવી: આપા દાનાએ કહ્યું ''લે બાપ શાદુળા પીર ! યાને માથે બેસ.'' સેવકો હસ્યા: ''અરે આપા દાના ! આ ખાટલી ઉપર બેસીને ભજન શે' થાશે ! મોટા ઢોલીઆ ય ઝીંક નથી ઝાલતા ને ?''
શાદુળ ભગતે કડતાલ ખખડાવીને સૂર ઉપાડયો: ''એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં !'' ઢોલક, મંજીરા, એકતારો અને આખી મંડળીનો નાદ: તમામની જમાવટ થઇ. દિશાઓ ખડખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા. આપા દાનાએ સાદ કર્યો ''વાહ બાપ શાદુળ ! ધન્ય તારી ભક્તિને !''
તેમ તેમ તો શાદુળ ભગતને નશો ચડયો. શરીર પછડાટી દેવા લાગ્યું. હમણાં જાણે ખાટલીનો ભુક્કો થશે.પણ પલકમાં તે કોણ જાણે શાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડયા. શાદુળ ભગતે ભીંસ દીધી એટલે પાયા ઉલટા સ્થિર થયા, જાણે લોઢાના થાંભલા ખોડાઇ ગયા.ભજનની ઝીંક બોલી : આવેશના ઉછાળા વધ્યા. નશો ગગને ચડયો. શરીર જાણે તૂટવા લાગ્યું.
પણ ખાટલીના પાયા ચસકતા નથી.ભજનિક થાક્યા. અધરાત થઇ.શાદુળ ભગત ખાટલી પરથી ઉઠી ગયા. આપા દાનાએ પૂછયું ''કાં બાપ ! ખાટલી ભાંગી નહિ?'' શાદુળ ભગતે નીચું જોયું.
''અરે વ્હાલા શાદુળ ! તું તો ગાય છેકે ''મારે રોમે રોમે રામબાણ વાગાં ! '' રોમે રોમે રામબાણ વાગાં તોય તું આવડાં કુદકા કેમ મારી શકે છે બાપ ? મને તો બાણને બદલે જરાક એક બૂઠ્ઠી અણી અડી ગઈ છે, ત્યાં તો હુ ટાઢાબેાળ થઇ ગયો છું ! ને તને રોમે રોમે રામબાણ વાગાં તોય આવડે જોર કરે છે?'' શાદુળ ભગતની પાંપણ ધરતી ખોતરી રહી છે. એનો મદ ગળેલો જોઇને છેવટે આપા દાના બોલ્યા:
''જો બાપ શાદુળ ! દુ:ખ ધોખો લગાડીશ મા.ગરીબ બચારાં લોકોના ઘરમાં વહુ આણો વળીને આવે, તયેં ભેળો એક ઢોલીઓ લાવી હોય. બીજો ઢોલીઓ ક્યાંથી હોય ?એ ભાંગ તો એના નિસાસા લાગે. એ બાપ અંતરમાં રંગાઈ જા. બહારનો તમાશો કેવા સારૂ કરવો?''
ઢોલીઆને બદલે ભગતનો ગર્વ ભાંગી ગયો.
***
ચિદાનંદ રૂપં, શિવોહમ શિવોહમ નાં નાદબ્રહ્મને પોકારતા તેજપુંજ સમા જગદગુરુ આદિ શંકરાચાર્યની એક પ્રસાદી ગણાય એવો મહાકુંભ અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. એ ભૂમિ, એ મેળા, એના સ્નાનનો મહિમા અપરંપાર છે. આ તો પાછો પૂર્ણ મહાકુંભ. જીવતરમાં એક જ વાર મળે એવો લ્હાવો. સ્વાભાવિકપણે આસ્થાવાન ભારતમાં તો ટોળેટોળા ઉમટી પડે. આપણો તો દેશ જ મેળાથી રચાયેલો. મેળે મ્હાલવાનો રોમાંચ હોય. એમાં હૈયેહૈયું દળાય એવી ભીડ હોય, ખાણીપીણી, વેપાર, મનોરંજનના ભોગ ને ભક્તિ બેઉનું એક સરનામું થઇ જાય.પણ કુંભમેળો તો પ્રાચીન વારસો છે સનાતનનો. આમ અમીર પણ જનસંખ્યાની બાબતમાં ગરીબ એવા ઘણા વિકસીત દેશોને અચરજ થાય કે કયા તાંતણે ખેંચાઈને ભારતમાં આજે પણ આટલી બધી જનતા આવે છે ખુદબખુદ કુંભના મેળે અને સંખ્યાના પ્રમાણમાં નગણ્ય ગણાય એટલી આકસ્મિક દુર્ઘટના સિવાય સ્વયંભૂ સચવાઈ જાય છે. ડૂબકી માત્ર સ્નાનની નથી થતી, એક મંગલ ક્ષણે પવિત્ર વાતાવરણ લાગે ત્યારે અંત:કરણમાં ડૂબકી મારી સ્વમાં ડોકિયું કરવાનું છે.
પણ ૧૪૪ વર્ષ પહેલા મોબાઈલમાં કેમેરા અને આજના જેવી સનસનીખેજ ન્યુઝ ચેનલો કે ચિલમથી ચટાકેદાર નશો કરાવતું સોશ્યલ મીડિયા નહોતું. એટલે આજે મહાકુંભમાં બધું વાઈરલ વાઈરલ થવા લાગ્યું છે. પ્રિય મોરારિબાપુ ત્યાં સનાતનના ગાન જેવી સત્ય, પ્રેમ, કરુણાની કથા કરવા જાય એ વાઈરલ થાય એનાથી વધુ તો ત્યાં માળા વેંચતી છોકરી સુંદર આંખોને લીધે થાય ! ટીકા કરો કે વખાણ કરો, આખો દિવસ મોહમાયાના ત્યાગની વાતો કરનારનું પણ ધ્યાન તો સ્ત્રીની સુંદરતા જ ખેંચે છે ! અને તો મેનકામોહિત ષિ વિશ્વામિત્રના દોહિત્રના નામે આ સનાતનની ગાથા ગાતો દેશ ભારત છે !
સંસ્કૃતનું અતિજાણીતું સુભાષિત છે. સંપૂર્ણકુંભો ન કરોતિ શબ્દમ, અર્ધો ઘટો ધોષમુપૈતિ નૂનમ, વિદ્વાનકુલીનો ન કરોતિ ગર્વ, જલ્પન્તિ મૂઢાસ્તુ ગુણેવિહીના. ( આમાં અમુક સંસ્કૃત શબ્દો સાચા લખાયા નથી, પણ સંસ્કૃતિની મોટી ગુલબાંગો મારનારા એ વાતે કશું કરતા નથી કે આજે આસાન હોઈને બેહદ વપરાતા વિદેશી ગૂગલના ફોનેટિક કીબોર્ડમાં આપણા શબ્દો સાચા લખાય એવા સોફ્ટવેર અપગ્રેડ હોવા જોઈએ, એટલે ચલાવી લો, બીજું શું !) મતલબ એ કે, પૂર્ણ ભરેલો કુંભ યાને ઘડો અવાજ કરતો નથી પણ અધૂરો ભરેલો કુંભ યાને ઘડો છલકાઈને બહુ અવાજ કરે છે. એમ જ કુલીન વિદ્વાન સાચા હોય એના કરતા જે મૂઢમતિ મૂર્ખ હોય એવા અધૂરિયાઓ વધારે બોલબોલ કરે છે.
આવું આજકાલ બહુ જોવા મળ્યું. સ્ત્રીના કપડાં વધુ ઝડપથી મૂડ ચેન્જ થાય, પણ પેલી માન ના માન, મેરા સાધ્વી કહ કે કરો સમ્માન વાળી રીલરંભા હર્ષાના સ્ટેટમેન્ટસ એથી પણ વધુ ઝડપે ફરતા ગયા ! બેઝિકલી, અચાનક ભાગવા કુંભમાં હરિયાળી જેવું એનું જોબન જોઇને મીડિયાનું ફોકસ વૈરાગને બદલે વિલાસ પર ગયું ને એને ફાવતું મળ્યું ત એટેન્શન ને લાઈક્સ. એ પણ ખરું કે સુંદર સ્ત્રી જોઈને આમ ડાહી ડાહી વાતો કરનારા બધા એની પાછળ ઉપભોગથી ઉપદેશ કોઈ પણ રીતે પડયા વિના રહેતા નથી. નિષ્કામ ભક્તિની વાત કરતા કરતા નેગેટીવલી ટીકા કરીને પણ ચિત્ત તો કામના ને કામિની તરફ જ હોય છે.
એવું જ નાટક પેલા આઈઆઈટી વાળા બાબાનું બહુ ચાલ્યું. એમનું નામ પણ મીડિયાએ ઓળીઝોળી કર્યા વિના પાડી દીધું. અચાનક પહેલી વાર કોઈ શિક્ષિત યુવક સાધુ થયેલો જોયો હોય એવી એક અભણ મોબાઈલમચડુ પેઢી આવી ગઈ છે. બાકી આપણા દેશમાં તો ઉચ્ચ શિક્ષિત સાધુઓ આઝાદી પહેલા પણ અરવિંદથી વિવેકાનંદ જેવા અનેક હતા ને આજે તો અઢળક છે. આમે ચૈતસિક સવાલો થાય એ જ જગતને મિથ્યા યાને ઇલ્યુઝન માનીને બ્રહ્મની ખોજમાં નીકળી પડે. મેધા એ માયા નથી, પ્રજ્ઞાા એ પાપ નથી. જે જીનિયસ છે, એને જ સાચા સવાલો થાય ને એને જ રેડીમેઈડ જવાબોથી સંતોષ ના થાય ને નચિકેતાની જેમ એ અજ્ઞાાતમાં શોધ કરવાનું સાહસ કરે. એ જ અદ્રશ્યના ગૂઢ ગેબી સમીકરણોનો તાગ પામી શકે. તીવ્ર તેજસ્વીતા વિના અમુક અઘરા ભેદ તો સમજાય નહિ, સિવાય કે અણમોલ પારદર્શકતા હોય અને સંવેદનશીલતા ઉત્તમ હોય. તો ભણ્યા વિના રામકૃષ્ણ, નરસિંહ કે કબીર થઇ જવાય જેના પર ભણેલાઓ પ્રભાવિત થઈને પીએચડી આજે પણ કરતા રહે ! પણ ડિગ્રી ના હોય એટલે બુદ્ધિ ના હોય એવું થોડું છે ?
માટે ઈન્ટેલીજન્ટ માણસ કોઈ સંસારની પેલે પરના રહસ્યનો ખોજી બને એ તો એકદમ સાહજિક ઘટના છે. એથી ઊંધું થાય ત્યારે અચરજ થાય. પણ આટલું ડીપ જવાનું કેમેરા લઈને ફરનારાઓનું ગજું ભાગ્યે જ હોય છે. એટલે એક હેડલાઈન તરીકે આઇઆઇટીવાળા બાબા ભલે છવાઈ ગયા, પણ એમાં લોકોને એમના તત્વજ્ઞાાન કરતા જુઓ આઈઆઈટી ભણેલો ને કેનેડા જઈ આવેલો યુવક સનાતનનો સાધુ થઇ ગયો એની ચટપટી વધુ હતી ! આને ઈગો ટ્રીપ કહેવાય. જોયું આપણો ધરમ કેવો બેસ્ટ એવી છાતી ફૂલાવવાનો અહંકાર. અને એકઝેટ આ જ સરખામણીથી આવતા અહં પર સનાતનનો મૂળ વારસો પ્રહાર કરે છે ! બધે આ ચાલે છે દુનિયામાં. સ્ટીવ જોબ્સની પત્ની તો કદાચ પ્રદૂષણને લીધે બીમાર થઇ ગઈ પણ લોરીનમાંથી કમલા બનેલી એ પણ બહુ 'સુર્ખિયાં બટોરતી' ગઈ.
પહેલી વાત તો એ કે, સ્ટીવ જોબ્સની પત્ની હોવાથી ધનિક થઇ શકાય, પણ સરખું જ્ઞાાન છે એમ ના કહી શકાય, બીજું, સ્ટીવને નીમ કરોલી બાબામાં રસ પડેલો, એ ઇસ્કોન મંદિરની ખીચડી અમેરિકા ખાતો એક મુફલિસ વિધાર્થી તરીકે અને એમાં ભારતમાં એને રસ પડતા અહીં આવેલો એ સાચું. પણ આના અધૂરા અહેવાલો છપાય છે. એને અહીં આવ્યા પછી એવી અલૌકિક અનુભૂતિ ના થઇ ને એટલે ભ્રમ ભાંગ્યો ચમત્કાર બાબતે ને હિમાલયથી પાછો જઈ રૂડ એન્ડ ત્રુડ બિઝનેસમેન થઇ ગયો. આ બધું પણ વિગતે નોંધાયેલું છે. પણ એમાં અહંકાર પોષાતો ના હોઈને આપણે ત્યાં એ હાઈલાઈટ થતું નથી.
ત્રીજું, છતાં સ્ટીવને પૂર્વના અકલ્ટ તણા ખેંચાણમાં રસ હતો ને કોને ના હોય ? સાયન્સ પણ મૂળ તો પ્રકૃતિના સત્યની જ શોધ છે ને ? એટલે અસાધ્ય કેન્સરની પણ દવા લેવાને બદલે એ મનોબળના પ્રયાગો કરતો, છતાં જીવી ના શક્યો. પણ આ ય સ્વાભાવિક છે. પશ્ચિમનો અભિગમ પહેલા ભૌતિક જગતના પ્રશ્નો ઉકેલવાનો રહ્યો. પેટ ભરેલું હોય, સુવિધા સુખ ને સંપત્તિ બધું હોય ને રોજેરોજના ટેન્શન ના હોય ત્યારે ધરાયેલું મન ઈશ્વરના સવાલોમાં બરાબર પરોવાઈ શકે. બહારનો કોલાહલ શાંત થાય તો ભીતરની એકાગ્રતા પ્રગટે. જે ના હોય એનું આકર્ષણ થાય. આપણને સગવડો ને પૈસાનું છે, ને આપણા અધ્યાત્મનું એ મેળવી ચુકેલા પરદેશીઓને થાય એ સહજ છે. કારણ કે એમની વાસના કે મોહની તૃપ્તિ થઇ ચૂકી છે. એમાં એમનો જીવ નથી જતો એટલોએ પાયા પર શિખર એ ચણી શકે.
અને કોલ્ડપ્લેના બોયફ્રેન્ડ ક્રિસ જોડે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે વાળી ડાકોટા શિવમંદિરે જાય એમાં ભક્તિ કરતા નવીન જગ્યાએ નવું કશુંક માણવાનું કૂતુહલ વધુ હોય છે. આમ જ આપણે પણ ફોરેનમાં ધાર્મિક સ્થળોએ જતા જ હોઈએ છીએ ને. પણ એપલવાળની વાઈફ કે આઈઆઈટીવાળા વિધાર્થી ભાગવા પહેરે કે માળા પહેરે કે ફોર ધેટ મેટર ઇસ્લામ કે ઈસાઈ ધર્મ એમનો ના હોયને સ્વીકારે ને એનો આટલો ગાજોવાજો થાય તો એ દેખીતું પ્રમાણ છે કે આપણને ધર્મ એક માર્ગ નહિ પણ એક મહોરું લાગે છે. વધુ સારૂ વાતાવરણ, વધુ સારી આરામદાયક સુવિધા, વધુ સારા પૈસા, વધુ સારું જ્ઞાાન તો બીજે છે એની અંદરથી થતી કબૂલાત છે આ. કુંભ કરતા એપલ કે આઈઆઈટી વધુ મહાન લાગે છે કે એની ક્રેડિટ પરોક્ષ રીતે મહાનતા બતાવવા લેવી પડે છે ! પરદેશીઓ ભારત માટે આકર્ષાય એ તો ગમતી વાત. પણ આવ્યા પછી આશ્રમો ને અવનવા બાબાઓથી અંજાયેલા રહેશે તો સનાતનનો સાચો પરિચય નહિ થાય. અલગ પ્રકારનો કારોબાર દેખાશે. એને આપણા દર્શનનું ઊંડાણ કોણ બતાવશે ? ગોખીને પણ જે પૂરું સમજ્યા નથી એવા માર્કેટિંગ ગુરુઓ કે ક્રોધ ને મદ વશ નથી કર્યો, નવીનતાનો સસ્મિત સ્વીકાર નથી કરી શકતા ને દ્વેષ કે નફરત છોડી નથી શકતા, હસી કે નાચી નથી શકતા, યુવાનીને આવકારતા નથી ને આધુનિકતાને વખાણતા નથી એવા ધામક પ્રદર્શનકારો ?
આઈઆઈટી બાબા તરીકે પંકાયેલા અભયસિંહને થોડાક સાંભળો તો ખ્યાલ આવે કે દેશી ભાષામાં આમનો એક આંટો ઢીલો છે. મા-બાપ સાથે ખરાબ સંબધો અને એડ્મિશન બાદ કરિયર ધારી ના બની શકી એનો સ્ટ્રેસ અને ભાઈ ડિપ્રેશનમાં હોઈને રિલેશન થયા નહિ સરખા એનો ઘા લઇ ભટકતા બોલકા બાળક જેવો જીવ છે આ. આમ જાતભાતની તાર્કિક વાતો કરે છે ને પાછું માંડ કેટલાય જાગૃત સંતોએ જ ક્રાંતિ કરી જે અંધવિશ્વાસ હટાવવા મહેનત કરી એવી કઈ આંગળીએ તિલક થાય ને આ વારે નાખ ના કપાય એનું શું 'વિજ્ઞાાન' ને એવી વાતોમાં સરકી પડે છે. એના કથિત ગુરુએ પણ કહ્યું ને શોધવા આવેલા પિતાએ પણ કહ્યું કે મેન્ટલ હેલ્થના ઇસ્યુ છે. કેવું બીમાર પાગલપન તો ટોળામાં છે કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પણ રાતોરાત સેલિબ્રિટી બનાવી દે છે, ખેર એની અમુક વાતો જોતા હજુ તલાશનો આત્મા છે, એ મન ખુલ્લું રાખશે તો આ વેશ નીકળી જાય ને હોશ આવે એવું બને પણ ખરું !
મુદ્દો આ જ છે, કેવળ વેશથી વશ થવા માટે અંગ્રેજીમાં ગલીબલ અને ગુજરાતીમાં ગાલાવેલા રહીશું ત્યાં સુધી કુંભસ્નાન બાદ પણ હતા એવા ને એવા રહીશું. કોઈ બાબા માત્ર ચા પીવે છે, કોઈ હઠયોગી માત્ર કાંટા પર સુવે છે, કોઈ અંગારા પર ચાલે છે, કોઈ એક હાથ ઉંચો જ રાખે છે, કોઈ ચિપીયો લઇ ખંખેરે છે.... આ બધું તો મદારીઓ બતાવતા એક સમયે ગામેગામ ફરીને એવા જાદૂના ખેલ જેવું વધુ લાગે છે. અસલી તપસ્વીઓ તો ગુફામાં સંતાઈને પડયા રહે છે, સામેથી મળવાને બદલે કોઈ સુપાત્ર જાય ત્યારે એની સામે આવે છે. તમાશો જોઇને રાજી થવામાં વાંધો નથી. પણ આ ધર્મનું મૂળ યાને કોર નથી. આમ ફિલ્મોમાં સિગારેટ કોઈ પીવે તો ચેતવણી મૂકી દેવાની કાલ્પનિક કળાને બગડતી, ને આમ સરાજાહેર નશા કરે એમના ફોટા છપાય ને લાઈવ ઈન્ટરવ્યુ પણ થાય ! કોઈ એટલું તો પૂછો કે ધર્મ માત્ર આંજી દેતો ચમત્કાર હોય તો એનાથી કોરોના જેવા વાઈરસ કે ત્રાસવાદી હિંસા ને યુદ્ધો કેમ કોઈ બંધ કરવાનો જાદૂ નથી બતાવતું ? બાળકોની બીમારી ને સડકના ખાડા પૂરવાના ચમત્કાર ક્યારે થશે ?
સનાતનના પ્રભાવ માટે ચમત્કારની જરૂર નથી, સનાતન સ્વયં એક ચમત્કાર છે, સ્વભાવમાં સ્વીકાર લાવીને પોતાની અંદર ઉતરીને આત્મજાગરણ પામવાનો ને પછી લોકકલ્યાણના કર્મ કરવાનો !
ઝિંગ થિંગ
નીરખે તું તે તો છે નીંદર, ચેત મછંદર
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર
( રાજેન્દ્ર શુક્લ )