Get The App

ક્રૂર બળાત્કાર + હત્યા ઘટાડવાની CCTV-S ફોર્મ્યુલા!

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ક્રૂર બળાત્કાર + હત્યા ઘટાડવાની CCTV-S ફોર્મ્યુલા! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- સ્ત્રીના વિનયભંગ માટે રામાયણ અને મહાભારત સર્જાયા છતાં હજુ આપણે એમાંથી શીખીને સારા પુરુષોનું ઘડતર કરી શક્તા નથી ને બધી મર્યાદાઓ સ્ત્રીઓ પર લાદી દઈએ છીએ!

પ શ્ચિમ બંગાળ (આ પૂર્વ બંગાળ ઉર્ફે પૂર્વ પાકિસ્તાન જ હવે બાંગ્લાદેશ છે, ત્યારે શું જોઇને આપણે પશ્ચિમનું લટકણિયું આપણા બંગાળ સાથે લટકાવી રાખ્યું છે, એ સમજાતું નથી !)માં રેસિડેન્ટ મહિલા ડોક્ટર યુવતી સાથે અત્યંત પાશવી રીતે બળાત્કાર ગુજારી એની હત્યા કરી દેવાઈ, એ ઘટના એની ક્રૂરતા ને લીધે કરૂણ પણ છે, ને વેદનાને લીધે કરપીણ પણ. કમકમાટી ઉપજાવે એવું એનું વર્ણન સમાચારમાં વાંચવાથી સહન થાય એમ નથી. જ્યાં સંભવિત ગેંગરેપની શક્યતા છે, જેમાં અપરાધી બળજબરીમાં એવો હેવાન થયેલો કે એ હતભાગી યુવતીના પગ ૯૦ ડિગ્રીએ હતા, જે કમરથી હાડકું તૂટવાથી થાય. એના પર શું વીત્યું હશે એની કલ્પના પણ હોરર છે.

છતાં સખેદ નોંધવું પડે કે આ ઘટના પહેલી નથી, ને છેલ્લી પણ નહિ હોય. આવા સમાચારો વારંવાર આવ્યા કરે છે. બળાત્કાર/હત્યા - વૈશ્વિક અપરાધ છે, માત્ર ભારતમાં જ થાય છે એવું નથી, પણ બીજે મોટે ભાગે એની સાથે એકાંત/પ્રાઈવસી અને ડ્રગ્સ વગેરે જોડાયેલા છે. આપણો દંભ ત્યારે છતો થાય છે, જ્યારે આપણે મોટા ઉપાડે સવાર બપોર સાંજ મહાન સંસ્કૃતિ, પરમ સંયમ, ધાર્મિક પવિત્રતાની મોટી મોટી અને સાવ ખોટી ખોટી ગુલબાંગો ઠોક્યા કરીએ છીએ. જેમાં પણ રિલિજીયનના નામે વળી વુમનને પાપનું પોટલું ગણીને આકર્ષણના નામે કોસવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી-શીખ બધા ધર્મો ને એના પેટાસંપ્રદાયોમાં પણ જે તે ધર્મગુરૂઓ સ્ત્રીનું શોષણ કરે, કે બળાત્કાર કરે એ દુર્ઘટનાઓ આવ્યા કરે છે.

ધ્યાનથી બધા ન્યુઝ વાંચવાની ટેવ હોય તો ખ્યાલ આવે કે રેપ + મર્ડર જેવા અધમ સિતમના જધન્ય અપરાધ માટે કોઇને સ્પેસિફિક ટાર્ગેટ કરી શકાય એમ નથી. એના શેતાન ગુનેગારો હિન્દુ પણ હોય ને મુસ્લિમ પણ, દરેક ધર્મ ને જ્ઞાાતિના હોય. દરેક ઉંમરના હોય. સેમ ટુ સેમ ભોગ બનનારનું ! વિક્ટીમ પણ ભૂલકાંથી વૃધ્ધા સુધીના હોય છે. સૌથી મોટી મિથ યાને ગેરમાન્યતા ડેટા સ્ટડીના અભાવે લોકોમાં એ પ્રવર્તે છે કે એનું કારણ સ્ત્રીઓની મોડર્ન ફેશન, ફિલ્મો કે મિડિયા વગેરેનો ઇરોટિક કન્ટેન્ટ, ટૂંકા કપડા વગેરે હોય છે.

આ વાત હળાહળ જૂઠ એટલે છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના સુપ્રિમ કોર્ટમાં પેશ થયેલા આંકડા બે વાત સ્પષ્ટ કહે છે (જે અગાઉ પણ વારંવાર લખી છે !) ભારતમાં સૌથી વધુ રેપ ટ્રેડિશનલ સિમ્પલ વસ્ત્રો પહેરતી, સાડી કે ડ્રેસ પહેરતી સ્ત્રીઓ પર થાય છે. અને એ કરનારા નરાધમોમાંના મોટા ભાગના સાવ રસ્તે ચાલતા રેન્ડમ રખડુઓ નથી હોતા. ઘણાખરા કિસ્સામાં પરીચિત, પાડોશી, મિત્ર કે પછી કોઇને કોઈ રીતે પ્રત્યક્ષ/પરોક્ષ સંપર્કમાં આવેલા હોય છે ! જે ટાર્ગેટ કરીને શિકાર નક્કી કરે છે. મોટા ભાગે આંકડા આ બાબત પુરવાર કરે છે. કારણ કે, અહીં જ ભોગ બનનાર યાને વિક્ટીમ વલ્નરેબલ લાગે છે. ઘણાખરા લુખ્ખાઓને એકદમ આધુનિકા થઇને ફરતી નારીઓનો તો છૂપો ડર લાગે છે ! એમને જે પાવરફૂલ કે આઉટ ઓફ રિચ (પહોંચ બહાર) લાગે છે. અપવાદો હોય જ છે બધે, પણ મહ્દઅંશે આ સાબિત થયેલું, સુપ્રિમ કોર્ટમાં કહેવાયેલું તથ્ય છે.

એવી જ ગેરસમજણ હોટ, ઇરોટિક યાને શૃંગારિક રસિકતા બાબતે છે. પહેલી વાત તો એ કે જે સૌંદર્યનો ઉપાસક હોય એ એને નુકશાન ન કરે. એને પામવાના સપના જરૂર જુએ, એ માનવીય લક્ષણ છે. પણ એને હિંસાથી, જબરદસ્તીથી દુઃખી ન કરે. સ્ત્રી-પુરૂષના સહજ આકર્ષણ, સેક્સ, પ્રેમ વિના તો નવી માનવજાત જ નહિ, ઉત્તમ કળા પણ અટકી જાય. પણ માળી બાગ ઉછેરે, ઉજાડે નહિ. દરેક છેલછબીલા રંગીલા પુરૂષને બળાત્કારી જ માનવો એ પણ હલકી માનસિકતા છે, ફ્લર્ટિંગ એન્ડ રેપ વચ્ચે ફરક છે. સેક્સી વાતો કરનાર તમામ રેપિસ્ટ નથી હોતા, આવા જજમેન્ટ નોર્મલ પુરૂષોને પણ ડરાવે છે.

બીજી વાત એ કે કોઈ કબૂલ ના કરે પણ નેતાથી નોકર સુધી એડલ્ટ કન્ટેન્ટ, જોક્સ, મૂવીઝ, વિડિયો વગેરે દુનિયાભરમાં જોવાય છે. સત્તાવાર આંકડા મુજબ ભારતમાં એ જેટલા પ્રચંડ પ્રમાણમાં જોવાય છે. ખાનગીમાં, એના સમપ્રમાણમાં બળાત્કારો થતા હોત, તો ભારતના પોણા ભાગના પુખ્ત પુરૂષો રેપિસ્ટ હોત ! એની સાથે કામ પાડનારા પોલિસવાળાથી ફિલ્મવાળા ઘણું બધું અનસેન્સર્ડ નિહાળે છે, તો શું રેપિસ્ટ બની જાય છે ? આ તો મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાની ચાલાકી કે બેવકૂફી છે કે દરેક વખતે આ બાબત આગળ કરીને સરકારી સેન્સરશિપ ફ્રીડમ પર વધારતા જાવ. બેવકૂફો એટલું પણ નથી સમજતા કે સીતાહરણ કે વસ્ત્રાહરણ વખતે ટીવી મોબાઈલ નેટ નહોતા. મંદિરોના શિલ્પો જોઇને કે સંસ્કૃતનું વિલાસી સાહિત્ય વાંચીને કંઇ પૂર્વજો અપરાધી નહોતા થયા. નગ્નતા એ બળાત્કારનું આમંત્રણ નથી.

મૂળ મુદ્દો એ છે કે પ્રાકૃતિક રીતે જ અમુક વ્યક્તિઓ વિકૃત જન્મે છે, સીરિયલ કિલર કે રેપિસ્ટ ટાઈપ સાયકો હોય છે. અને એમની સંગતમાં કે નબળા મનોબળ અને આસપાસના ગંદા વાતાવરણને લીધે જે એવા જન્મ્યા નથી એ પણ એવા થઇ જતા હોય છે. પછી મોકાની તલાશ હોય છે, આવેગોના ઉછાળામાં. કોઈ કન્ટેન્ટ માત્ર એમને ટ્રિગર કરે છે. દુનિયામાંથી તમામ ફિલ્મો, સિરિયલો, મોબાઈલ, ચિત્રો, શિલ્પો, વિડિયો હટાવી લો તો પણ બળાત્કારો શૂન્ય નહિ થાય. કારણ કે એ નહોતું ત્યારે પણ થતા જ!

માટે ટૂંકા કે આકર્ષક વસ્ત્રો, મેકઅપ સ્ટાઇલ, સ્માઇલ માટે સ્ત્રીઓને કોસવાનું બંધ કરો ને એડલ્ટ ફન માટે નોર્મલ નેચરલ પુરૂષના જજ ના થાવ, એ પણ ૧૮ + ની મેચ્યોરિટી છે. પરિપકવતા છે. ભારતમાં વસતિવિસ્ફોટ છે. આવેગોના ઘોડાપૂર આસપાસ ઉછાળા મારે છે. એમને બહાર કાઢવાના મોટા ભાગના રસ્તા પ્રતિબંધિત છે. સેક્સ વર્કર તો શું સેક્સ ટોયઝ પણ ક્રાઈમ ગણાય છે, તો અમુક

આવેગો વરાળ બનીને દબાણ ઉભું કરે ને એમાં પેલી જન્મજાત કે વાતાવરણની વિકૃતિ ભળે ત્યારે આવા ધૃણાસ્પદ ગુના થાય છે.

એક વિચારવા જેવી વાત એ પણ છે કે જેમાં અચાનક જાતીય હૂમલો, બળાત્કાર ને પછી જંગલી જઘન્ય રીતે હત્યા હોય એવા લગભગ અપરાધોમાં એકથી વધુ અપરાધી હોય છે. દિલ્હીની 'નિભર્યા', કર્ણાટકની 'પ્રયિંકા' હાથરસ, શક્તિ મિલ્સ, મણિપુર ઉત્તરાખંડ રિસોર્ટમાં મૃત મળેલી રિસેપશનિસ્ટ કે આ બંગાળી તબીબ. આ પછી પણ ઉત્તરાખંડની એક નર્સના સમાચાર છે. પુખ્ત વયની મજબૂત મહિલા પ્રતિકાર કરે તો કાયદાની ભાષામાં 'પેનિટ્રેશન' કહેવાય એ સરળ નથી બનતું. હા, કોઈ ડર, બ્લેકમેલિંગ, હથિયાર, લાલચ, ધમકી વગેરે કારણોથી એ ક્ષણ પૂરતું સરેન્ડર થઈ શકે. આપણે ત્યાં કાયદો ભારતીય ન્યાય સંહિતાના સુધારા બાદ પણ થોડો વિચિત્ર છે. મહિનાઓ વર્ષોની રિલેશનશિપ હોય, અનેકવાર સાથે હર્યાફર્યા હોય. એમાં પણ સ્ત્રી ફરિયાદ કરે તો રેપનો ગુનો ગણાય છે. સહમતીથી સેક્સની ઉંમર પણ વધારીને રેપનો ગુનો નોંધાય છે ! શરીર સંબંધ સ્થપાયો ન હોય પણ અમુક અંગોને સ્પર્શ કરવામાં આવ્યો હોય કે યૌન-ઉત્પીડન ગણાય એવું વર્તન-હરકત કરવામાં આવી હોય તો પણ રેપનો ગુનો ગણાય છે. ખરેખર દરેક ઘટના માટે અલાયદા શબ્દો જોઈએ, જેથી ચોપડે નોંધાતા બનાવોમાં ખરેખરા ક્રૂર બળાત્કારીની સાચી માહિતી મળે. બળાત્કારમાં પણ હત્યાની સજા એ રોષમાં સાચું સારું લાગે, પણ ૩૬૦ ડિગ્રીએ વિચારો તો ખ્યાલ આવે કે બળાત્કારમાં પણ મોતની સજા ને બળાત્કાર પછી હત્યામાં પણ મોતની સજા હોય તો મોટે ભાગે હરામખોર-બળાત્કારી સાક્ષી-પુરાવા ન રહે માટે સ્ત્રીને જાણી જોઈને મારી નાખે ! સજા તો આમે પકડાઈએ ત્યારે એ જ થવાની છે, એમ માનીને !

બાકી, આવા જંગલી પાશવી અધમ શેતાની અત્યાચાર સાથે બળાત્કાર બાદ સ્ત્રીની હત્યા થાય ત્યાં ગુનો પુરવાર થાય એટલા સબૂત પોલિસ પાસે આવે તો સજ્જનારસાહેબે કર્યું એમ એન્કાઉન્ટર કરી દેવું એ પણ પુણ્યનું કાર્ય છે. કારણ કે આપણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ ત્વરિત ન્યાય તો નથી તોળાતો. બોબિરીઝમ યાને લિંગછેદન પણ ભય પમાડે. સ્વયં અહિંસા ઉપાસક મહાત્મા ગાંધીજીએ પણ ઓન રેકોર્ડ સ્પષ્ટ કહ્યું છે કે સ્વબચાવમાં સ્ત્રી બળાત્કારીને મારી નાખે, એ પણ 'અહિંસક કૃત્ય' ગણાય. એવો વેવલાવેડા વિના સાબિતી-કબૂલાત સહિત પુરવાર અપરાધીને સરાજાહેર ઠોકી દેવામાં દીકરીઓની સલામતી અને માનવતાનો બચાવ છે. બેશક, માત્ર રેપના આક્ષેપ કે ફેક રેપ / નકલી બળાત્કારના નામે ફસાવવાના તરકટને આ લાગુ પડતું નથી. એટલે સ્પષ્ટ લખ્યું કે સબૂત મજબૂત હોય ને કબૂલાત પણ હોય અપરાધીની, ત્યારે સરાજાહેર એન્કાઉન્ટર !

પણ એક આવો બિભત્સ બનાવ હેડલાઇન્સમાં આવે ત્યારે સેંકડો સ્ત્રીઓને ભીતર ફફડાટ ઉઠે કે ક્યાંક મારી સાથે તો આવું નહિ થાય ને ! એ માટે આત્મરક્ષણના દાવપેંચ શીખવાના કે મોબાઈલ, સ્પ્રે વગેરેના ઉપયોગ કરવાના, વગેરે સૂચનો તો સારા છે જ. પણ કોઈ પણ સરકાર, દેશ કે ધર્મ હોય - આવા વિકારી પાગલો પેદા થવાના સાવ બંધ થયા નથી, થવાના નથી. દુઃખદ વાસ્તવ છે કે હિંસા કે બળાત્કાર તદ્દન નિર્મૂળ થાય એ એક ખ્વાબ છે. હજુ પણ એને ઘટાડવા તો મથવું જ પડે. એ માટેની એક નાનકડી સ્વરચિત ફોર્મ્યુલા છે. સીસીટીવી-એસ. જે. સમાજે સામૂહિક અમલમાં મૂકવાની પહેલ કરવી પડે.

ફર્સ્ટ સી ફોર કન્સેન્ટ આપણે ત્યાં ન્યુડિટી કે સેક્સને અશ્લીલ પાપ ગણવાની જેટલી આલોચના થાય છે, એટલી મ્યુચ્યુઅલ કન્સેન્ટ યાને એકમેકની સહમતીથી અનુમોદના નથી થતી. લીગલી પણ પુખ્ત વયના નર-નારીએ મા-બાપ કે ધર્મગુરૂની નહિ પણ સહશયન કે સહજીવન માટે એકબીજાની પરમિશન લેવાની રહે છે. પણ આ તાલીમ આપણા શિક્ષણમાં છે જ નહિ. કન્સેન્ટ યાને સહમતી સ્ત્રીની હોય તો સીતા-રામ, રૂકિમણિ-કૃષ્ણ, શિવ-પાર્વતીનો સ્નેહ મેળ. એ વિના તો ભીષ્મને પણ અંબાનો શિખંડી સ્વરૂપે શ્રાપ મળે ! પુરૂષો બાબતે પણ આ સાચું છે, પણ ગર્ભધારણની કુદરતી ક્ષમતા ધરાવતી સ્ત્રીઓ માટે તો વધુ સાચું છે. એટલે મર્દોએ ખોટી હોંશિયારી કર્યા વિના જાતીય આકર્ષણ બાબતે સામેવાળીની મરજી સમજવી જ જોઈએ. મજાક કે અસમંજસમાં આનાકાની કરે એ ખટ્ટીમીઠ્ઠી નોંકઝોંક થઈ પણ મક્કમતાથી, વારંવાર, સીરિયઅલી ક્લીયર ના કહે તો રિસ્પેક્ટ ધેટ નો એન્ડ ક્વીટ વિથ એપોલોજી. એમાં કોઈ મૂછ મૂંડાઈ નથી જતી કે મર્દાનગી ઈજ્જત ધોવાઈ નથી જતી. ઉલટું કન્સેન્ટ બાબતે સ્ત્રીનો આદર કરનાર પૌરૂષત્વનું ગૌરવ વધારે છે.

નેકસ્ટ, સી ફોર કન્ટ્રોલ. આપણું ધાર્યું ના થાય ત્યારે ફસ્ટ્રેશન આવે, પીડા થાય ને એનું રૂપાંતર ક્રોધમાં થાય ને પછી ક્રોધનું ક્રાઈમમાં થાય. સ્ત્રી રિજેક્ટ કરે કે અપમાન કરે એ કડવો ઘૂંટડો ગળવો અઘરો છે અને સ્ત્રી જબ્બર ખેંચાણ પેદા કરે એવી ગમી જાય કે એની કાયાની માયા મોહાંધ કરી દે એ એટ્રેકશન પર બ્રેક મારવી પણ અતિ કઠિન છે. આપણે કાચી ઉંમરે ઢગલો અવાસ્તવિક ધાર્મિક ઉપદેશો આપીએ છીએ, પણ હાઉ ટુ એક્સરસાઈઝ કન્ટ્રોલ એની કોઈ ટ્રેનિંગ આપતા નથી. સમજ પણ નથી આપતા. કશુંક ગમી જાય એટલે આપણી માલિકીનું ના થઈ જાય, મીઠાઈ ભાવે એટલે ડૉક્ટરની મનાઈ છતાં ખાઈ લેવી કે મોબાઈલ કોઈ દુકાનમાંથી સેરવી લેવો આ બધી બાબતમાં સ્વઅનુશાસનનો સેલ્ફ કંટ્રોલ જીવન ઉપયોગી આદત છે. જેટલો એનો વ્યાપ વધુ, એટલા અપરાધ ઓછા.

ટી ફોર ટેરર. બળાત્કારી હત્યારા મૂળે ઝનૂની પશુ હોય છે. અને આવા પશુઓ કે ત્રાસવાદીઓ ભયની ભાષા કુદરતી રીતે વધુ આત્મસાત કરે છે. આકરા સામાજીક બહિષ્કાર તો ઠીક, પણ કાયદાના રૌદ્રરૂપનો ભયંકર ડર જડબેસલાક હોય તો ધરાર કંટ્રોલ આવડી જાય. હમણાં વિશ્વના સૌથી સલામત ૫૦ શહેરોની યાદી જાહેર થઈ હતી. મોટાભાગના શહેરો (નંબર વનઃ અબુધાબી) સ્ત્રી બાબતે છેડતી માટે પણ કડક કાયદા પાળનારા છે. ઇસ્લામિક આપખુદશાહીથી કે ચીની, સિંગાપોરિયન સરમુખત્યારીથી એનો અમલ કરનારા છે અને બાકીના સ્કેન્ડેવિયન દેશો કે જાપાન વગેરે જેવા સહજ સ્વસ્થ અભિગમ સેકચ્યુઆલિટી બાબતે ધરાવનાર છે.

 કાતિલ સજાનો ખૌફ હોવો જોઈએ, એને બદલે વગદાર અપરાધીઓ પેરોલ પર છૂટી જાય કે બિલ્કીસના કેસમાં થયું એમ હારતોરા થાય કે પ્રજ્વલ્લ રેવનાના કાકા મિનિસ્ટર થયા બાદ ફરિયાદો હેડલાઇનમાંથી ગાયબ થાય ને બ્રિજભૂષણને ચાર્જશીટ બાદ પણ દીકરાને સાંસદ થવાની તક મળે ને મમતા ખુદ સીએમ થઈને પોતાની સરકાર સામે બંધ-રેલી કાઢે એવા માહોલમાં ધૂળ ને ઢેફા ડર રહે આરોપી-અપરાધીઓને? મણિપુરની પીડિત મહિલાઓને હજુ ન્યાય મળ્યો છે ?

એટલે વી ફોર વીજીલન્સ. સ્ત્રીએ પણ જરા સાવચેત ને ખબરદાર રહેવું. પોતાની સ્વતંત્રતાની, કરિઅર કે મોજમસ્તીની પાંખો કાપી નહિ નાખવાની. પણ ચબરાક બનવાનું. સાવધ રહીને નિરીક્ષણ કરવાનું. સ્વબચાવની તરકીબો શીખવી કે અમુક એવા સાધનો હાથવગા રાખવા. ઝટ ભરોસો અજાણ્યા પર મુકવાનો દેખાવ પણ કરો તો ય એલર્ટનેસ ગુમાવવી નહિ. પાર્ટી કે વાતચીતમાં પોતે બિન્દાસના નામે નબળી કે અવેલેબલ હોય એવી છાપ પાડયા વિના એક અદ્રશ્ય રેખા સામેના માટે દોરતા શીખવી, સિવાય કે પરસ્પર સહમતીનો પ્રણયસંબંધ હોય. એમાં પણ પાત્ર પસંદગીમાં ઘેલા થયા વિના થોડું ઓબ્ઝર્વેશન, થોડું ચેકિંગ પહેલાં કરવું, પરદેશમાં તો ગાઈડલાઈન જીવ બચાવવા માટે હથિયાર સાથે ત્રાટકનાર ગુનેગારો સામે કામચલાઉ શરણાગતિના નાટકની સલાહ આપે છે. જેથી તરત એ મારે નહિ ને એ ગાફેલ હોય ત્યારે પ્રહાર કરવાનો કે ભાગી છૂટવાનો મોકો મળે. સીધા પડકારાની ઝપાઝપી કરતાં થોડું સ્માર્ટ થઈને જોખમ શક્ય ઘટાડવા માટે તૈયાર થવું પડે. અમુક રેડ સિગ્નલ દેખાય ત્યાં એકાંત કે સહચાર ટાળી, ફેમિલી-ફ્રેન્ડસ સાથે કોમ્યુનિકેશન રાખવું જોઈએ. ને પરિવારે પણ શિખામણને બદલે ઘરમાં સ્ત્રી ખુલીને વ્યક્ત થાય એવું વાતાવરણ આપવું પડે. જસ્ટ થિંક, ચાર તૂટેલા લગ્નો બંગાળના બળાત્કારીના હતા, એ બાબતે સર્તકતા હોત તો પહેલા ઓળખાઈ જાત.

ફાઈનલી એક્સ્ટ્રા 'એસ' બી સ્ટ્રોંગ. આત્મબળ વધારો. ઘટનાઓથી ડરી ન જાવ. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન નહિ, પણ સ્ત્રી-સ્ત્રીનું સંગઠન બનાવી શક્તિશાળી રહેવાની કળા. હારીને પડયા વિના ખોટી સમાજ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હામ. પોતાના પુત્રો, ભાઈઓ, પિતાઓને ગેરવર્તન કરતા રોકવાની મજબૂતાઈ કેળવવાની. ગભરાઈને કોચલામાં લપાઈ નહિ જવાનું. રિમેબ્બર, ઇજ્જત બળાત્કારી પુરૂષની જતી હોય છે, નિર્દોષ પીડિત સ્ત્રીની નહિ. સર્વસ્વ લૂંટાઈ નથી જતું કશું. ટક્કર આપો આ માનસિકતાને !

ઝિંગથિંગ

અપરાધો વધે છે એમાં તરત બધા મોબાઈલની ચર્ચા કરશે, પણ ભારતમાં ડ્રગ્સ જેવા નશા વધે છે, એ રોકવાની જરૂર છે !


Google NewsGoogle News