ભૂતકાળના પડછાયામાં પ્રેત બનીને જીવતેજીવ મરનારાઓ!
- અનાવૃત-જય વસાવડા
- અગાઉ પોતે શું કર્યું એમાં વારંવાર ડોકિયું એ જ કરે જેની પાસે આજે કરવા માટે કોઈ પ્રવૃત્તિ ના હોય! શરીર સાથ ન છોડે ત્યાં સુધી કર્મ ચાલુ હોય એ જીવન છે, કેવળ શ્વાસ ચાલુ હોય એ જીવન નથી.
તા જેતરમાં હજુ પણ મહાભારતના ભીષ્મ તરીકે ઓળખાતા એવા મુકેશ ખન્નાએ એની બીજી ઓળખ એવા શક્તિમાનના વાઘા ફાંદાળા શરીરે પાછા પહેર્યાં. ફાંદાળા સ્પાઈડરમેનના મીમને ટક્કર આપે અને વૃલ્વરીન વૃદ્ધ, બીમાર, અશક્ત સુપરહીરોઝને લઈને 'લોગાન' ફિલ્મમાં ઠોકરો ખાતો હોય, એવું દ્રશ્ય રચાયું. કોઈકે લખ્યું 'લાલ વેલ્વેટનો સોફા''
લાગે છે !
વેલ, શક્તિમાન ભલે એ સમયે લોકપ્રિય રહી હોય, પણ એ કોઈ વર્લ્ડ ક્લાસિક ગેમ ઓફ થ્રોન્સ નહોતી. જેમ સ્ટારટ્રેકની કોપી કરી 'સોસ સિટી સિગ્મા' ભૂંડાભૂખ મેકઅપ સાથે દુરદર્શન પર આવતી, એમ જ સુપરમેનની નકલ (ક્લાર્ક કેન્ટને બદલે ગંગાધર !) કરી, એમાં આપણા લોકોને ગમે એવો પૌરાણિક મસાલો ભભરાવી, રેઢિયાળ સ્પેશ્યલ (?) ઈફેક્ટસ સાથેની સીરિઝ હતી. પણ ત્યારે બાળકો પાસે બીજા વિકલ્પો જ નહોતા સ્ક્રીન પરના ઘરઘરાઉ મનોરંજનના, એટલે ઉજ્જડ ગામમાં એરંડો શક્તિમાન થઈ ગયું.
આકરું લાગે તો સત્ય અણીદાર જ હોય. મલાઈદાર તો અસત્ય હોય. મૂકેશ ખન્નાની પર્સનાલિટી સારી, એકટિંગ નહિ. અમિતાભની આઠ કાર્બન પેપર મૂકીને કાઢેલી આવૃત્તિ જેવો લૂક. ઓવરડ્રામેટિક અભિનય મહાભારતમાં અસર કરી ગયો કારણ કે, એ પાત્રમાં મેલોડ્રામાની જરૂર હતી. પછી તો ભાઈએ પોલિટિકલ સ્ટેન્ડ લઈને દેશભક્તિના નામે બેફામ બકવાસ નિવેદનો એટલા કર્યા કે ઉંમરની સાથે મગજમાં કરચલી નથી વધી, ચહેરા પર વધી છે એમ માનીને બધા એમના બફાટોને સિરીયસલી લેતા જ બંધ થઈ ગયા છે. કોમિક રિલીફ તરીકે એમને વાંચેસાંભળે. એક સમયના ધુરંધર ફિલ્મમેકર એકટર મનોજકુમારનું પણ પાછલી ઉંમરે રિટાયરમેન્ટ પહેલા આવું જ ફારસ થયેલું !
એની વે, મુદ્દો એ છે કે માણસ કાયમ જૂની મૂડીએ જ જીવવા જાય ત્યારે આદર ઘટતો જાય. આજે સ્ટીવન, સ્પીલબર્ગ કે સચીન તેંદૂળકરની ઓળખ આપવી હોય તો મૂંઝવણ થાય. કારણ કે આવી પ્રતિભાઓ કોઈ એક ફિલ્મ કે એક ઈનિંગથી ઓળખાતી નથી.
અઢળક પરાક્રમો કારકિર્દીમાં કરી બતાવ્યા હોય. સેંકડો સર્જન એમના કૌવત થકી આકાર થયા હોય. જરાક વિચાર કરો તો બેશુમાર ઘટનાઓ ધક્કામુક્કી કરે જ્યારે એમનું પરફોર્મસ જાદૂ કરી ગયું હોય. એટલે આવા લોકો સક્રિય હોય, ત્યાં સુધી કશુંક નવું નવું અપડેટ એમની ઓળખમાં ઉમેરાયા જ કરતું હોય. પાછલા રેકોર્ડ પોતાના પોતે જ તોડયા કરે, એનું નામ સફળતા !
પણ મૂકેશ ખન્નાઓની સમાજમાં બહુમતી હોય છે. ક્લિન્ટ ઈસ્ટવૂડોને દીવો લઈ શોધવા જવા પડે છે. ૯૪ વર્ષની ઉંમરે નવી ગર્લફ્રેન્ડ પણ ધરાવતા ક્લિન્ટભાઈ આગલી દરેક ફિલ્મને છેલ્લી ને 'સ્વાનસોંગ' ઠેરવતા ભાવકો વિવેચકોને ચાટ પાડી નવી ફિલ્મ બનાવી રિલીઝ કરતા હોય છે ! સદ્ગત નગીનદાસ સંઘવી તો શતાયુ થઈને વિદાય લેતા પહેલા ૯૭ વર્ષની વયે યુટયુબમાં સેલ્ફી વિડિયો બનાવતા શીખેલા ! ઈમેઈલ-લેપટોપ તો અગાઉ જ શીખેલા. બચ્ચન નવી નવી ટેલન્ટ સાથે નવા નવા ગેટઅપમાં આજે પણ રિલેવન્ટ રહે છે. પ્રિય મોરારિબાપુ સનાતન રામકથાનું ગાન કરતા કરતા આઠ દાયકાની ઉંમરના થયા, પણ ક્ષણે ક્ષણે નવું નવું માણે, જાણે, વિચારે અને પીરસીને આવતીકાલે યુવા થશે એવી પેઢીને પણ આકર્ષે. એમણે દસકાઓ પહેલા જે પહેલ પાડીહતી, અવનવી જગ્યાએ સાહિત્ય-કળાના અર્જનરંજન સાથે કથા-સંદેશને લોકભોગ્ય બનાવવાની, ત્યાં હવે છેક બીજા પહોંચ્યા છે, પણ બાપુ ત્યાંને ત્યાં એની ગ્લોરી વાગોળતા ઉભા નથી રહ્યા. એ કહેતા હોય છે, કથા પૂરી થાય પછી ભાર ખંખેરી નાખવાનો. નવી કથા તરફ !
અગાઉ પોતે શું કર્યું એમાં વારંવાર ડોકિયું એ જ કરે જેની પાસે આજે કરવા માટે કોઈ પ્રવૃત્તિ ના હોય ! નવરાશની જમીન પર જ કાયમ નોસ્ટાલ્જ્યા (અતીતરાગ, યાદોં કે ગલીયોંમેં ખો જાના) ની ખેતી પાકતી હોય છે. મુકેશ ખન્ના ભીષ્મ કે શક્તિમાન પછી કશું યાદગાર કરી નથી શક્યા. બસ ઇન્ટરવ્યૂ આપી પોતે ફિરોઝખાનને કેવી રીતે શોટ લેવાનું કહ્યું એવી ફાંકાફોજદારી કર્યા કરતા હોય છે.
એ ખરું કે માણસોના પ્રેફરન્સ અને પ્રાયોરિટી તો હોય. ઘડીઘડી પોતાના ફિલ્ડ ના બદલી શકાય. જે ક્ષેત્રમાં ટેલન્ટ અને એક્સપિરિયન્સ હોય, ફાવટ અને ચીવટ હોય, પૂરતી કાબેલિયત અને સક્ષમ અનુભવ હોય એમાં આગળ વધવાની અહીં વાત છે. એમાં જ નવું નવું કરી શકાય. કેટલાક ધરખમ ગાયકો આરંભે ગયેલા અમુકતમુક ગીતોના વ્યાજ પર જિંદગી કાઢી નાંખે છે. કોઈ કિશોર કે આશા કે અન્ય ઘણા એક્ટિવ હોય ત્યાં સુધી નવું નવું યોગદાન આપીને પોતાની લિમિટને પોતે જ ક્રોસ કર્યા કરે છે ! બિઝનેસની પ્રોડક્ટસમાં પણ જૂની કોઈ એક જ પ્રોડક્ટ કે બ્રાન્ડના જોરે જીવનારા અપગ્રેડ નથી થતા તો ધીરે ધીરે સાવ ન ફેંકાઈ જાય તો સક્ષમ તાજા હરીફોથી સાઇડટ્રેક તો થઇ જ જાય છે. નોકિયાનું ઉદાહરણ અગાઉ આપેલું લેટેસ્ટ એક્ઝામ્પલ એમાં ટપરવેરનું છે.
એક સમયની પચાસહજાર કરોડની કંપની જ્યારે બસ્સો કરોડમાં સમેટાઈ જાય, ત્યારે એ બિગ ક્રન્ચ જેવો તેવો ન કહેવાય. રાતોરાત કોવિડની જેમ પડેલો ફટકો નથી. એને પ્રેરણા માનીને આગળ નીકળી ગયેલાઓ સામે હપ્તાવાર એક દસકામાં ગુમાવેલો ધંધો છે. કાળ યાને સમયનું સત્ય છે કે જે એની સાથે ન ચાલે એનો કોળિયો થઇ જાય. આજના સમયમાં ડિજીટલ મોબાઈલ વિડિયો સોશ્યલ મીડિયા વગેરેની સમજ ના કેળવે એ ઓબ્ક્ષોલેટ યાને પડતર થઇ જાય એવું.
પણ વાત કેવળ બદલાવની બાહોશીની નથી કરવી. કેવળ ભવ્ય ભૂતકાળમાં ચોંટી જતી પિનની કરવી છે. અનેકવાર લખ્યું છે કે જેની પાસે ભવિષ્યના સપના હોય એ યુવાની, જેની પાસે ભૂતકાળની યાદો જ હોય એ બૂઢાપો. નરેન્દ્ર મોદી હજુ વૃદ્ધ નથી લાગતા કારણ કે સતત આવતીકાલની વાત કરે છે, ને એને માટે સજ્જ પણ થાય છે. એમને આદર્શ માનતા ઘણા ઘેલા ઘનચક્કરો સંસ્કૃતિ કે સનાતનના નામે ભૂતકાળથી આગળ વર્તમાનમાં આવતા જ નથી ! એક ફોરવર્ડ ગીઅરમાં જાય છે, તો બીજા અનેક રિવર્સ મારીને બેકવર્ડ સાયકો થાય છે!
વ્યક્તિ તો શું સંસ્કૃતિ પણ જ્યારે પાછલા પગલે ચાલવા લાગે ત્યારે પોતાનું તેજ ખોઈ બેસે છે. ભારતે ભવ્યતામાંથી ભયાનક ગુલામી કેમ ભોગવી ? એનું મુખ્ય કારણ એ કે આપણું સામુહિક ચિત્ત ધાર્મિક થતું ગયું પણ વૈજ્ઞાનિક ન થયું ! નવું કશું ય શોધવામાં રસ લેવાને બદલે પરલોક, મોક્ષ, સ્વર્ગના એડવાન્સ બૂકિંગમાં બધા કોઈ નશાની જેમ ચકચૂર થતા ગયા. એક સમયે જે ઋષિઓએ 'દ્રષ્ટા' યાને ઓર્બ્ઝવર બની નવી શોધખોળો ઔષધ-ચિકિત્સૉથી લઈને ગણિત-ખગોળ સુધી કરી બતાવી, એમાં જે નકામું થયું હોય એ ગાળીચાળી પરિવર્તન મુજબ નવું નવું અપનાવવાને બદલે એને ફ્રિઝ કરી નાખવાનું કામ આપણે સંકુચિત ચિત્તથી આજે પણ કરી રહ્યા છીએ ! જે પાણી વહેતું ના હોય એ પીવાલાયક રહે નહિ. એટલે આપણે ત્યાં યોધ્ધાઓ તો ઠીક, ખોજીઓ પણ એવા ન થયા, જે વિશ્વપ્રવાસે નીકળે ! દુનિયા જુએ ને ''આપણે જ શ્રેષ્ઠ''વાળા અહંકારને ઓગાળી નવું શીખે ! જે લર્નિંગ ના કરે એ લડાઈમાં ટકી ના શકે. એકની એક રીતે રમતા ખેલાડીને પણ ઝટ હરીફ ટીમ ઓળખીને ધરબી દે છે !
આપણા દાદા પાસે ઘોડા હતા એની વાર્તાઓ કરતા આપણી પાસે કઈ કાર કે બાઈક છે, એ વાસ્તવિકતાનું મહત્વ વધુ છે. સૂરજ પણ રોજ એકસરખો નથી ઉગતો, દિવસે દિવસે એની દિશા બદલીને બદલાતો રહે છે. એકની એક તો કસરતથી પણ શરીર ટેવાઈ જાય છે. અને રિસ્પોન્સ નથી આપતું. જેમ સ્વાદ બદલાય તો મજા આવે, વસ્ત્રો બદલાય તો ગમે એવું જ જીવનનું છે. તાજગી માટે વીતેલી ગલીઓમાં લટાર મારી શકાય, પણ ત્યાં લાંબા થઈને સૂઈ ના જવાય ! જે આજમાં ના જીવે, એ આવતીકાલે જીવતેજીવ જ મરી જાય છે !
યસ, રમેશ સિપ્પી આજે જીવે જ છે. પણ એમની ઓળખ અનેક સફળ ફિલ્મો છતાં 'શોલે' જ રહી ગઈ છે. યાદ કરો લીજેન્ડ ગણાતા મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા, સુભાષ ધાઈ, ઈલ્યાદિ જીવતા હોય ત્યારે જ ખુદની અગાઉ કરેલા સર્જનોની કોપી કરતા થઈ ગયા અને ફલોપ થતા ગયા. યશ ચોપરા કે રાજ કપૂર જેવા છેક સુધી પોતાના ભૂતકાળને ક્રિએટીવિટીનું ડસ્ટર લઈ ભૂંસતા રહ્યા. વાત સિનેમાની નથી. દરેક ક્ષેત્રમાં આવું જ થતું હોય છે. આડેધડ પરિવર્તન કરવાની વાત નથી, પોતાના જ ભૂતકાળને વારંવાર રિપિટ ના કર્યા કરવો અને થઈ ગયું મહાન કામ તો કોઈ યોગ્ય અવસર વિના સતત એના જ ટેકે ના રહેવું એ મુદ્દો છે.
મોટા ભાગના માણસોનો ફેવરિટ ટાઈમપાસ હોય છે, પોતાની આત્મકથાના વીતેલા વર્ષોના ટૂકડા સામા માણસોને રસ ના પડે કે એને લગતો કોઈ પ્રસંગ ના હોય છતાં પણ રોજેરોજ સંભળાવવાનો ! કારણ કે, નવીન આજે શું કર્યું એની કોઈ કહાની એમની બનતી જ નથી ! અમેરિકામાં જે સમયે ટેલીગ્રામ ફાસ્ટેસ્ટ કોમ્યુનિકેશન ગણાતું હતું ત્યારે લોખંડની ખાણમાં નવોસવો પણ ઉત્સાહી છોકરડો ચાર્લ્સ જોડાયેલો. બોસ એવા ધનાઢ્ય કાર્નેગીસાહેબને ખુશ કરવા એણે તાર મોકલ્યો કે 'ગઈકાલે મેં પ્રોડકશનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા !' સરદાર બહોત ખુશ હોગા ઔર શાબાશી દેગાના ભાવ સાથે હોંશથી તાર કરેલો. સુપરબોસ અને બિઝનેસના ખેરખાં નીવડેલા માસ્ટરનો વળતો તાર આવ્યો પણ આજે શું કર્યું ?
બસ, આ આજે શું કર્યું ? એ જ સો કરોડનો સવાલ છે ! શરીર સાથ ન છોડે ત્યાં સુધી કર્મ ચાલુ હોય એ જીવન છે, કેવળ શ્વાસ ચાલુ હોય એ જીવન નથી. ભૂતકાળ શબ્દમાં જ ભૂત છે. પાસ્ટ ને લાસ્ટ વિરોધી શબ્દ છે. ગમે કે ના ગમે, પ્રતિક્ષણ આ લેખ વાંચતા વાંચતા પણ આપણે આવતીકાલમાં આગળ સરકતા જઈએ છીએ. ત્યારે અગાઉની જાહોજલાલી પિપરમિન્ટની જેમ ચગળ્યા કરવાનો કોઈ મતલબ નથી. જાહેર જીવન હોય કે અંગત જીવન - એનાથી બીજાને કંટાળો જ આવવાનો છે. તમે કોઈ શિખર ઉપર જાવ એ બરાબર પણ ત્યાં ઘર બનાવી શકાતું નથી. એ તો તળેટીમાં જ હોય છે. પાછલી સફળતા છૂટે જ નહિ તો ભાવતી વાનગી વાસી થાય ત્યારે ફૂગ વળે એમ હાનિકારક થઈ જાય છે.
ઝિંગ થિંગ
बहुत अच्छे दिन थे दिन जो बीत गए
बीते हुए दिन कौंधते हैं स्मृतियों में
प्रिय गंध की तरह, सड़कों पर बदहवास
भटकते हुए अँधेरे में,
जो फेफड़ों में
झरता जाता है
कोयले की धूल की तरह
बीते हुए दिन बहुत अच्छे दिन थे
छूटी हुई जगहों में बिताए हुए दिन
जगहें अच्छी थीं कितनी जो छूट गईं
लगातार असुरक्षा, अपमान और उदासी
रही होगी उन जगहों और दिनों में भी
यह सोचा जा सकता है
पर जैसे-जैसे दिन
बीते हुए दिन होते जाते हैं
उनसे जुड़े हुए
दुःखों की स्मृतियाँ घुल जाती हैं
धीमे-धीमे हवा में
अच्छे लगेंगे ये दिन भी जब
ये भी बीते हुए दिन
हो जाएँगे
क्या मज़े की बात है कि
अच्छे दिन होने के लिए
ज़रूरी है कि दिन
बीते हुए दिन हो जाएँ।
- राजेंद्र धोड़पकर