શૌચાલય અને વાસણો સાફ કરતા એક પરદેશીએ કેવી રીતે અમેરિકાથી ટેકનોલોજીની દુનિયા સર કરી?

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
શૌચાલય અને વાસણો સાફ કરતા એક પરદેશીએ કેવી રીતે અમેરિકાથી ટેકનોલોજીની દુનિયા સર કરી? 1 - image


- એનવીડિયાનો અશ્વમેઘ

- અનાવૃત - જય વસાવડા

- આ વર્ષે ટાઇમ પર્સન ઓફ ધ ઇયર થઈ શકે એવા સીઈઓ અને એની પ્રચંડ પ્રગતિ કરી રહેલી કંપનીની કહાની

ન વિદ્યા. આમ તો લાગે નવી વિદ્યા. એક્ચ્યુઅલી આજકાલ સમાચારો ગજવતી કંપની 'એનવીડિયા' માટે આપણો આ શબ્દ ખરેખર તો લાગુ પડે એમ છે ! માત્ર ૬ મહિનામાં ૧૬૦% ના ઉછાળા અને એક વરસમાં ૨૦૦ અબજ ડોલર (એક ડોલર એટલે ઓલમોસ્ટ ચોર્યાસી રૂપિયા, એ યાદ છે ને !)નો જમ્પ લગાવી એપલ, માઇક્રોસોફ્ટની હારોહાર ૩ ટ્રિલિયન ડોલર (જે ઇકોનામી આખા ભારતનું સપનું છે !) ના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચેલી અમેરિકન કંપની એનવિડિયાના નામ એવા ગુણ થઇ ગયા છે. એમાં ૧૯૯૩માં એની સ્થાપના થઈ, ત્યારે બે શબ્દો ભેગા કરાયેલા. 'એનવી' એટલે 'નેકસ્ટ વિઝન' જે કંપનીના સ્થાપક સભ્યો ક્રિસ માલાકોવસ્કી, કર્ટીસ પ્રિમ અને જેન્સન હુઆંગ ત્યારે આઇડિયા માટેની ફાઈલ બનાવતા એના પર લખતા. એમાં લેટિન શબ્દ 'ઇન્વિડિયા' યાને ઇર્ષા ઉમેરાયો.

મૂળે એનવિડિયા જે બનાવવા માંગતું હતું એ ચિપ એના સર્કિટ બોર્ડને લીધે ગ્રીન (લીલા) કલરનું હોય, ને હરીફો ઇર્ષાથી લીલા થઇ જશે (ગ્રીન બાય એન્વી) એમ માનીને ત્રણે હોંશીલા જુવાનોએ આ નામ પસંદ કર્યું. ક્રિસ ને કર્ટીસ ત્યારે સન માઈક્રોસીસ્ટમ્સમાં હતા. જેન્સન હુઆંગ એલએસઆઈ લોજીકમાં હતો. જેન્સન હુઆંગ મુખ્ય કર્તાહર્તા નવા સપનાનો, ને એને જ સીઇઓબનાવાયો.

અને આજે તાઈવાનથી ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવેલા જેમ્સને અમેરિકાના અર્થતંત્રને સદ્ધર અને હરીફોના શ્વાસ અધ્ધર કરી દેતી કંપની બનાવી છે ! જેન્સન પોતે જ કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર છે અને ૬૨ અબજ ડોલરનો ઉમેરો આ વર્ષે થતા એની પર્સનલ વેલ્થ જ ૧૦૬ અબજ ડોલરથી વધુ યાને ૮,૮૬૫ અબજ રૂપિયા જેટલી થઇ છે, ને એ વિશ્વના સરટોચના ધનાઢ્યોમાં ૧૩મા નંબરે આવી ગયો છે ! આ સંપત્તિ કેવળ સરકાર મનગમતી હોય તો શેર વધે અને નહિ તો તૂટે, એ રીતે મેળવેલી નથી. નક્કર છે. અને એમાં ઓચિંતા આવેલા ઉછાળા પાછળ પણ અનુમાન નથી. એવડો વિરાટ ધંધો છે કે કંપની અત્યારે કરોડોના ઓર્ડર્સને તો પહોંચી વળે એમ નથી !

વોલ સ્ટ્રીટના એક એક્સપર્ટે એવી ઉપમા પણ આપેલી કે એનવીડિયા એવી કંપની છે કે ધારી લો, જગત આખું યુદ્ધ લડી રહ્યું છે અને શસ્ત્રોનું ઉત્પાદન માત્ર એના જ એકના હાથમાં છે.બીજા શબ્દોમાં કહીએ તો લગ્ન હોય કે મરણ - આખા ગામમાં ચા માટે દૂધનો સપ્લાયર એક જ છે ! અમેરિકન સરકારની નજરમાં આ મોનોપોલી છે. થોડા સમય પહેલા જ એપલ સાથે જોડાયેલી અને ચિપ આપતી 'એઆરએન' ટેકનોલોજી એનવિડિયાએ ખરીદી લીધેલી, એ સોદો પડતો મૂકવો પડેલો !

પણ કોણ માનશે કે આઈટીની છેલ્લી ક્રાંતિ એઆઈ યાને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સમાં એકચક્રી રાજ કરી રહેલી આ કંપની એક સમયે આ જ કારણે ઉઠી જવાની તૈયારીમાં હતી ? ૨૦૨૨માં આવતાવેંત ધડાકો સર્જનાર ચેટજીપીટી થકી આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના પગરવ આપણા સુધી પહોંચાડનાર ઓપનએઆઈ કંપનીએ ચેટજીપીટી (અને હવે એનો આગામી અવતાર જીપીટી ફોર) એનવીડિયાના 'ગ્રાફિક કાર્ડસ' પર કામ કરતાં કોમ્પ્યુટર્સ પર બનાવ્યું છે ! એટલે એઆઈ બેઝડ ડેવલપમેન્ટ પર કામ કરતી બધી કંપની ધડાકાભેર એનવીડિયાની ચિપ ખરીદવા દોટ લગાવી તૂટી પડી છે. જાણે મોતી લેવા દરિયાના તળિયે ડૂબકી મારવાની છે, ને ત્યાં સુધી લઇ જતી હોડી એકલા એનવીડિયા પાસે જ અત્યારે છે !

તો પછી કંપનીને ફટકો ક્યારે પડેલો ? એના રણીધણી એવા જેન્સન દુઆંગ જે આજે અધધધ અબજો કમાય છે, એ એક સમયે વેઇટરની જોબ કરતા કરતા વાસણો ધોતા ! કેવી રીતે થઇ આ યાત્રા ? એનવવીડિયા પાસે એવો તે કયો જાદૂઈ ચિરાગ છે ? તકની સાથે લકની અને કઠોર પરિશ્રમ સાથે કિસ્મતની આ કહાની છે. જે 'ડેનીઝ' રેસ્ટોરામાં પોતે પ્લેટો ધોઈ હોય - એ જ જ્ઞાાન હોકે (બે એરિયા, કેલિફોર્નિયા)માં જેમ્સન હુઆંગ ન્યુયોર્કર મેગેઝીનને ઇન્ટરવ્યૂ આપવા બેસે, ત્યારે નાસ્તો મંગાવી વેઇટ્રેસને ટિપમાં હજાર ડોલર આપે છે !

પરિશ્રમની પ્રેરણા સાથે વિજ્ઞાાનનો વિસ્તાર સમજાવતી આ ગાથા આરંભથી સમજવા જેવી છે !

    

ચીનને જેની સાથે માથાકૂટ છે (એટલે ભારતને સુમેળ છે) અને જે ઓરિજીનલ ચાઈના એક સમયે ગણાતું એવા તાઈવાનથી ૧૯૬૩માં બાળક હુઆંગને અમેરિકા એના ભાઈ સાથે મોકલવામાં આવેલો. એની ઉંમર ત્યારે ૯ વર્ષની. અમેરિકા રહેતા એના કાકા પણ સમૃદ્ધ નહિ. સામ્યવાદી ચંગૂલમાંથી છૂટવા ભવિષ્ય બનાવવા એ પરિવારે અમેરિકા તરફ મીટ માંડી હતી. કાકાએ હુઆંગને કેન્ટુકીની એક  બાપ્ટિસ્ટ સ્કૂલ હોસ્ટેલમાં રહીને ભણવા મોકલ્યો. કાકાને દૂર બેઠે હતું કે આ સસ્તી ને સંસ્કારી સ્કૂલ છે. પણ એ સ્કૂલ તો દેશી ભાષામાં 'ઉઠિયાણોનો મેળો' હતો ! હુઆંગથી મોટી ઉંમરનો એનો રૂમ પાર્ટનર હતો, જેને તો વાંચતા જ નહોતું આવડતું ! એણે હુઆંગને દંડબેઠક શીખવાડયા ને હુઆંગે એને અક્ષરજ્ઞાાન આપ્યું ! તમાકુની ખેતી કરનારાના સંતાનો ત્યાં ભણતા. ચાઈનીઝ ફીચર્સને લીધે હુઆંગને ચિન્ક કહી ચીડવતા. નદીના ઝૂલતા પુલે એ ચાલીને આવતો હોય તો એ ગબડી પડે એમ દોરડા હલાવતા ! ખિસ્સામાં ચાકૂ ન હોય એવો આખી સ્કૂલમાં વિદ્યાર્થી હુઆંગ હતો !

એમાં હુઆંગે ત્રણ માળની ડોરમેટરીના બધા ગંદા ટોયલેટ સાફ કરવા પડતા. ''અમારા જમાનામાં મેન્ટલ ટ્રોમા માટે કાઉન્સેલર પાસે જવાની ફેશન નહોતી. પડતા આખડતા જાતે જ ઘડતર મેળવવાનું રહેતું.'' એવું કહેનારો હુઆંગ આવા વાતાવરણમાં તન અને મનથી મજબૂત થયો. ટીકાઓ પ્રત્યે બેફિકર રહેતા શીખ્યો. એના માતાપિતા તાઈવાનથી આવીને ઓરેગોન સેટલ થયા ત્યારે હુઆંગનો છૂટકારો થયો. એ ત્યાં સારી હાઈસ્કૂલમાં દાખલ થયો. ટેબલ ટેનિસમાં નેશનલ રેન્કર બન્યો. મેથ્સ, સાયન્સ ને કોમ્પ્યુટરમાં એવો તેજસ્વી નીવડયો કે બે ધોરણ એકસાથે કૂદાવી ૧૬ વર્ષે તો ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરવા પહોંચ્યો.

ઇલેક્ટ્રિકલ એન્જિનીયરીંગના એના કોર્સમાં અઢીસો છોકરા વચ્ચે માત્ર ત્રણ જ છોકરીઓ. એમાં બ્રાઉન હેરવાળી વધુ પોપ્યુલર છોકરી લોરી મિલ્સ હુઆંગની લેબ પાર્ટનર બની. દેખાવે નાનો દેખાય, ચાઈનીઝ યાનો મોંગોલિયન ફેસ. બીજા બધા છોકરા લોરીને પટાવવાના પ્રયત્નો કરતા. હુઆંગે એને ઇમ્પ્રેસ કરવાની મહેનત કરી. પણ લૂક્સ કે સ્ટાઇલથી નહિ. સાયન્સ ફિક્શન કે એવું એ વાંચતો ય નહિ. એક બાબતમાં સ્ટ્રોંગ હતો. હોમવર્ક ! એ હોમવર્ક કરાવવાના બહાને છ મહિના લોરીને ઘેર જઈ અંતે એને ડેટ માટે એક્સેસ મળ્યો ને લોરી અંતે એને પરણી ગઈ. પહેલા બેઉ સાથે જોબ કરતા ને એ વધુ કમાતી. પણ બે બાળકો થયા બાદ લોરીએ ફુલટાઈમ ઘરમાં ધ્યાન આપવાનું નક્કી કર્યું. બંને દીકરા દીકરી જુવાન થઈ ભણી પહેલા બીજે સામાન્ય કર્મચારીની જેમ કામ કરવાની તાલીમ લઈ હવે એનવીડિયામાં જોડાયા છે.

પણ ટોયલેટ સાફ કરતા અને ભણતા ભણતા વેઇટર તરીકે વાસણો સાફ કરતા હુઆંગે શું કરીને પ્રગતિ કરી ?

    

૧૯૯૩માં હજુ વિન્ડોઝ ૯૫નું હોમ પીસીની ક્રાંતિ કરતું વાવાઝોડું ફૂંકાયું નહોતું. પણ હુઆંગને આવતીકાલના એંધાણ દેખાઈ ગયા હતા. કોમ્પ્યુટરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સીપીયું યાને ચિપ (ઇન્ટેલ બનાવતી એવી) એનો આત્મા હોય. પણ હુઆંગને થયું કે કોમ્પ્યુટર ઘેર ઘેર આવશે (ત્યારે હજુ ઈન્ટરનેટ ક્રાંતિ શું, સર્ચ એન્જિનનો કૂકડો બોલવાને પણ વાર હતી !) તો લોકો માત્ર ગણતરીઓ કરવાને બદલે એનો બીજો મનોરંજક ઉપયોગ કરશે. અને એમાં એણે નજર દોડાવી વીડિયો ગેઈમ્સ તરફ. અને વીડિયો ઇમેજ, મ્યુઝિક, મૂવમેન્ટસ બધું આસાનીથી થાય એ માટે ગ્રાફિક કાર્ડ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા એનવીડિયા કંપની શરૂ કરી.

એનવીવન નામથી ચિપ બનાવી એમાં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા (પહેલે કોળિયે માખી) જેવું થયું. માઇક્રોસોફટે જે હાર્ડવેરની ડિઝાઈન રાખી એમાં એ ચિપ ફિટ નહોતી થતી. ફલોપ ગઈ. બીજું વર્ઝન બનાવ્યું થોડું ઠીકઠાક. એમાં વળી સેગા જેવી જાપાનની ધરખમ ગેમ કંપનીનો કોન્ટ્રાક્ટ મળ્યો. પણ ધાર્યું કામ પૂરું થયું નહિ. ડિઝાઇનમાં જ 'લોચો' લાગી ગયેલો. હુઆંગ પર્સનલી સેગાના તત્કાલિન સીઇઓ ઇરિમાજીરી સાનને મળવા ગયો. કહ્યું કે, ''અમારાથી ભૂલ થઈ. પ્રોડક્ટ ખરાબ ડિલિવર કરવી નથી. અત્યારે ડિલિવરી પોસિબલ નથી. જે છે તે આ સચ્ચાઈ છે. તમે પૈસા આપવાના બંધ કરશો, તો કંપની જ ફડચામાં જશે.'' માલ મળે નહિ. છતાં રૂપિયા આપવાનું કોણ વેપારી જોખમ લે. પણ સેગાના એ જાપાનીઝે લીધું જેવું શરૂઆતમાં સિકોઇઆ ફંડના વેન્ચર-કેટિલીસ્ટ ડોન વેલેન્ટીને લીધેલું.

હુઆંગની કંપની દેવાળું ફૂંકવાને ૩૦ દિવસ દૂર હતી, ને રિવા નામની ચિપ ચાલી. ગેમિંગ માટેનું ગ્રાફિક કાર્ડ પ્લેટફોર્મ ઉપડયું. આ ઘટનાને યાદ કરી એનવીડિયાની સક્સેસ માટે હુઆંગ જેન્સન હજુ પણ કહે છે કે, ''ભલે હું સ્ટેનફોર્ડમાંથી છેલ્લી ડિગ્રી લઈ આવ્યો, કુદરતી રીતે મારામાં ભરોસો મૂકનાર અને મને મળી ગયેલી ટીમનો આ સફળતામાં ફાળો છે.'' આજે પણ કંપનીમાં ધારો છે કે ફેઇલ્યોરનું ઓપન ડિસ્કશન કરવાનું. નિષ્ફળતા મળી હોય એ બીજા કર્મચારીઓ વચ્ચે જાહેરમાં ભૂલ કબૂલ કરે, ને કેવી રીતે એ થઈ એનું સેલ્ફ એનાલિસિસ આપે. કડક બોસ તરીકેની છાપ ધરાવનાર હુઆંગ કહે છે કે જે પોતાની ભૂલ નિખાલસતાથી કબૂલ કરતા થોથવાય, એને હું પ્રમોટ નથી કરતો. આ મારો ટેસ્ટ છે, ઈનર ક્વોલિટી માપવાનો. 

હા, તો રિવા બાદ એનવીડિયા કી નિકલ પડી. પછી તો ૧૯૯૯માં આઈપીઓ છલકાયો અને માઇક્રોસોફ્ટે પોતાના ગેમિંગ પ્લેટફોર્મ એક્સબોક્સનો તગડો કોન્ટ્રાક્ટ આપ્યો. પાછળથી સોની પ્લેસ્ટેશન જેવા એના હરીફનો ય કોન્ટ્રાક્ટ મળ્યો. નાસા જેવી સ્પેસ એજન્સીથી શરૂ કરી ઓડી, ટોયોટા, ટેસ્લા જેવી કાર કંપનીઓ પણ એનવીડિયાની ચિપ/ગ્રાફિક કાર્ડ વાપરવા લાગી. ફોર્બ્સે કંપની ઓફ ધ ઇયર ૨૦૦૭માં જાહેર કરી પણ પછી થોડો નિષ્ફળતાનો દોર પણ આવ્યો. આઈબીએમ સાથે સમાધાનમાં તગડા રૂપિયા ચૂકવવા પડયા. અમુક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સના કેસ થયા. પહેલા ઇન્ટેલ સાથે હરિફાઈ હતી. પછી બીજી કંપનીઓ આવી.

અત્યારે પણ એએનડી એનવીડિયાની નજીકની હરીફ ગણાય છે. ૨૦૧૪ પછી એક કંપનીએ પણ ચિત્તાફાળ ભરી છે. 

એની મહિલા સીઈઓ લિઝા સુ પણ તાઈવાનની જ છે ! દૂરની સંબંધી પણ થાય હુઆંગની ! હુઆંગના ઇલેક્ટ્રોનિક પ્લગના ઝટકા જેવા સ્વભાવ કરતા વિપરીત એ અંતર્મુખી છે.

એની વે, પણ ગ્રાફિક કાર્ડથી આગળ એનવીડિયાએ નામ મુજબ બીજાને ઇર્ષ્યા થાય એવું નેક્સ્ટ વિઝન રાખીને સીપીયુની સામે 'જીપીયુ' બનાવવાનું શરૂ કર્યું. ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ. એક સાથે વિડિયો, ઓડિયો રેન્ડરિંગ ઉપરાંત, એડિટિંગ, થ્રીડી ઇમેજીંગ બધું જ થઇ શકે એવી ચિપ. હમણા બ્લેક અમેરિકન સાયન્સિસ્ટ ડેવિડ બ્લેકવેલના નામ પરથી માઇક્રોઆર્કિટેક્ચર ચિપ  બ્લેકવેલની ઘોષણા કરી.

જીપીયુનો અત્યારે વિડિયો ટેક્સ્ટથી આગળ નીકળી ગયો, એ સમયમાં સિક્કો રણકે છે. કોમ્પ્યુટર માનવમગજ જેવા મલ્ટીલેયર ન્યુરોન નેટવર્કના ડીપલર્નિંગના સ્ટેજમાં એકવીસમી સદીના બીજા દસકામાં આવ્યું. એટલે તો હવે ફોટો પ્રોસેસ કરી તમારો ફોન જ એનું નામ ઓળખી શકે છે. આ કરામત જીપીયુની છે. અનુભવ છે કે એક સાથે ઘણી પ્રોસેસ થતી હોય ત્યારે ફોન લેપટોપ હેંગ કે ગરમ થઇ જાય. બસ, આ મલ્ટીટાસ્કિંગ સ્મૂધ બનાવવાનું કામ જીપીયુનું છે.  સમજ્યા માટે કહો કે એક રીક્ષા એક પિત્ઝા ડિલીવર કરે એને બદલે એક સાથે દસ બાઇક દસ પિત્ઝાની ડિલિવરી દસ અલગ અલગ સરનામે એટલા જ સમયમાં કરે એ પ્રોસેસ જીપીયુમાં થાય છે !

આ સેંકડો ટ્રાન્ઝિસ્ટર્સ દ્વારા થતું પેરેલલ કોમ્પ્યુટિંગ છે. એનવીડિયાના આધુનિક સ્પેસક્રાફ્ટ જેવા લાગતા હેડક્વાર્ટરમાં બધાને હેપી રાખવાની રમતગમતથી સૂઈ જવા સુધીની સુવિધાઓ છે, પણ દરેક એક્ટીવિટી પર એઆઈની બાજનજર હોય છે. કોમ્પલેક્સ પ્રોસેસને વિભાજીત કરી સફળ થવામાં એનવીડિયાની ટેકનોલોજી અત્યારે શિરમોર છે. ક્રિપ્ટો કરન્સી માઇનિંગમાં પણ ફાસ્ટ હોઇને એ વપરાય છે. ડ્રાઇવરલેસ કારનું અપનું પણ એના વિના શક્ય નથી. ઇલોન મસ્ક હોય કે જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ હોય કે બિલ ગેટ્સ-બધા જ એનવીડિયાના કસ્ટમર છે. અમુક અંશે ગૂગલ પણ ! આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ તો જીપીયુ વિના શક્ય જ નથી.

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અનવીડિયાના ચીફ ચિપ એન્જિનિયર એક ભારતીય છે. અર્જુન પ્રભુ ! જય પુરી નામના બીજા ભારતીય એના વાઇસ પ્રેસિડેન્ટ છે. એક યુનિટ એનું અમેરિકન સરકારના દબાણ છતાં વતન તાઈવાનમાં છે. જેમ્સ હુઆંગ કહે છે કે ''અમારા ભાવ રાતોરાત નથી ઉંચકાયા, ૩૦ વર્ષની તપસ્યા બાદ આ શિખર મળ્યું છે ! હું ઝીરો બિલિયન ડોલર ડ્રીમમાં માનું છું. એવી પ્રોડક્ટ બનાવો કે જેનાં કોઇ હરીફ જ ના હોય, પણ એટલે એના કોઇ ગ્રાહક પણ નહીં હોય. તમારે રિસ્ક લઇ એ ઉભા કરવા પડશે, એ માટે તમારું ફન્ડામેન્ટલ વિઝન પણ સ્ટ્રોંગ જોઇશે. માત્ર મનોબળ નહિ, ટેકનોલોજીથી પ્રોડક્ટ આપવાનું ! મારી પાસે એક જ સુપરપાવર છે. ભણતો ત્યારથી. એ છે હોમવર્ક. હું પાકું લેસન કરીને જ ચેલેન્જ લઉં છું !''

વેલ, ડેટા ઇઝ ધ વ્યુ ઓઇલનો જમાનો છે આ. આગે આગે દેખિયે એઆઈમેં હોતા હૈ ક્યા !

ઝિંગ થિંગ

''મારા મનમાં કંઇક ચાલતું હોય ને મારામાંથી કંઇક નીકળી પડે. મનના વિચારો ને સામેના વ્યવહારો વચ્ચે મિસમેચ વધી જાય તો ગુસ્સો એનું પરિણામ છે.' (જેમ્સન હુઆંગ)


Google NewsGoogle News