Get The App

ઈડિયટ ઇન્ફ્લ્યુઅન્સર્સ, પપેટ પબ્લિક: ખાલી ચણા, ખખડે ઘણા !

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ઈડિયટ ઇન્ફ્લ્યુઅન્સર્સ, પપેટ પબ્લિક: ખાલી ચણા, ખખડે ઘણા ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- આઈપીએલમાં અચનાક કાચી ઉંમરે કરોડો કમાતા ખેલાડી હોય કે એમ જ ફાલતુ વિડીયો બનાવી લોકપ્રિય થઈ જતા સોશ્યલ મીડિયા સ્ટાર હોય બધામાં વેફરના પેકેટની જેમ હવા ઝાઝી હોય છે ને માલ ઓછો!

એ નિમલ ફિલ્મ બાદ જાવેદ અખ્તર અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે શાબ્દિક તડાફડી બોલી ગયેલી. વાંગાએ ફરહાન અખ્તરે બનાવેલી મિરઝાપુરનો હવાલો ગાળો ને હિંસા બાબતે આપેલો. ત્યાર પછી જાવેદ અખ્તરે સરસ વાત કરેલી. એમણે કહેલું કે મારો વાંધો કોઈ ડાયરેક્ટર કે એકટર બાબતે નથી કે એ કેવી કુત્સિત સૃષ્ટિ સર્જે છે. એમને ગમે એમ એ કરે, એમનો હક છે, પણ ફિલ્મની ક્રિએટીવ પ્રોસેસ સાથે મુખ્ય ૨૦-૩૦ લોકો હોય. પણ એને વધાવી લેનારા કરોડો હોય છે ! મને ચિતા એ થાય છે કે આ કરોડો લોકો આને કળા કે મનોરંજન મને છે. જેને એક શ્રી કવિતા કે શેરની ખબર નથી, કોઈ સારું ચિત્ર જોયું નથી કે કથા વાંચી નથી, એ આને સર્જન સમજી પોંખે તો સમાજનો એક્સ રે છે, ખાડે ગયેલી માનસિકતાનો !

***

 એનિમલ ક્લાસિક કહેવડાવે એવા કન્ટેન્ટ ઓનલાઈન આવતા હોય છે. ઠીક છે, બધાને ગંભીર નથી થવું, હસવું છે,પણ દરેક સારા અમર બનેલા જોકમાં શું હોય ?  એમાં એક બિલ્ટ અપ છે. સિચ્યુએશન છે. સસ્પેન્સ છે. પંચ છે. ગુદગુદી છે. સ્ટુપિડિટી છે. સ્માઈલ છે. નોર્મલ જોકમાં પણ આટલું તો જોઈએ જ. એડલ્ટ જોક્સની પણ આખી એક રંગીન ને રસપ્રદ દુનિયા છે. દુનિયાના વિખ્યાત સેક્સ સાયકોલોજી એક્સપર્ટસ રિલેશનશિપના કપલ ગોલ્સમાં ઠરી ગયેલા દેવતા ચેતવવા માટે, યાને બોરિંગ થયેલી લાઈફને ઇન્ટરેસ્ટિંગ બનાવવા એની એક થેરેપીની જેમ ભલામણ કરતા હોય છે. જાણીતા તંત્રી લેખક સરદાર ખુશવંત સિંહ તો એમની રોન્ચી જોક બુક્સના કલેક્શન માટે બહુ જાણીતા હતા. ઓશો રજનીશ પણ આવી એડલ્ટ હ્યુમર બહુ ફટકારતા. મૂળ તો આવું ફન કેથાર્સિસ હોય છે. હસીને મનના મેલ નિતારી લેવાના. સ્ટ્રેસબસ્ટર લાફ્ટર અને મનની ધરબાયેલી કુંઠિત ગલીઓની સાફસફાઈ. 

ડાર્ક હ્યુમર વળી એથી અલગ દુનિયા છે. સેક્સ કે અપશબ્દો એમાં હોય ને ના પણ હોય. પણ આખી નોર્મલ વાતને એક અણધાર્યો ટવીસ્ટ આપવામાં આવે. ફિનલેન્ડના કોમેડિયન ઇસ્મો નિકોલાની નિર્દોષ જોક હમણાં જ હેલસિંકીમાં સાંભળી હતી. ''હું નાનો હતો ત્યારે મારી મમ્મી થાળીમાં ખાવાનું પૂરું ના કરું તો કહેતી કે જો ઈથિયોપિયામાં કેટલા બાળકો ભૂખ્યા સુવે છે. માટે તું બધું ખાઈ જા. આજે મને થાય છે કે હું આફ્રિકા જાઉં ને મારી ફાંદ બતાવીને કહું કે જુઓ, તમારા માટે મેં કેટલો ભોગ આપ્યો (કે લીધો !)'' સ્ટેન્ડ અપ કોમેડી મોટે ભાગે એડલ્ટ ને ડાર્ક બેઉ હ્યુમરનું પર્સનલ રોસ્ટ કરતું ને ગાળો બોલીને કપડાંની જેમ ટાઈટ થયેલી જિંદગીને થોડી રિલેક્સ કરવાનું વેન્ટીલેશન છે. આમ ભણવા કે જોબમાં કે એમ જે ઈસ્ત્રીટાઈટ સેલ્ફ રાખી હોય એનો ભાર ખંખેરવાની ટ્રીક. 

એક સમયે ગુજરાત શું દુનિયા આખીમાં આવા જોક કહેનારા કોમિક કલાકારોના ખાનગી પ્રોગ્રામ થતા. જેમાં પ્રતિતિ કહેવાતા નર નારીઓ પણ ખુલ્લેઆમ ઠહાકા લગાવી હસતા. ઈન્ટેલીજન્ટ લોકોને તો બિલો ધ બેલ્ટ સેક્સી ફન વધુ ગમતું હોય મોટે ભાગે, પણ દંભના મહોરા ઓઢેલા હોય એટલે છુપાવે અંગત મહેફીલ સિવાય. હવે માહોલ ને માધ્યમ બદલાયા. સ્ટેન્ડ અપનો બેફામ ફાલ ફૂટી નીકળ્યો. એમાં લીલુંસૂકું બધું સાથે જ બળવા લાગ્યું. એમાં એવી લોકપ્રિયતા મળી ગઈ અમુકને કે ફિલ્મો ચલાવવા માટે સ્ટાર્સને એનો સહારો લેવો પડે. ક્રિકેટર્સ કે ડિરેકટર્સ પણ અમુક સ્માર્ટ ટોક શોમાં આવા લાગ્યા. સેન્સ ઓફ હ્યુમર ને 'નોનસેન્સ ઓફ ટયુમર' બધાનો વિચિત્ર ખીચડો થવા લાગ્યો. જનરેશન પણ ઇંગ્લિશ મિડીયમમાં ભણીને આને હિપ એન્ડ કૂલ ગણવા લાગ્યું. સોશ્યલ મિડીયાએ મોબાઈલમાં કન્ટેન્ટ હાથવગો કરતા કન્ટેન્ટના ક્રિએટર્સનો રાફડો ફાટયો. 

પ્રોબ્લેમ આપણે ત્યાં એ છે કે આપણે કોઈ બાબતે ઓડિયન્સને એજયુકેટ કરતી કોઈ સીસ્ટમ બનાવતા જ નથી. પોતાની રીતે ડેવલપ થાય ઘરમેળે એ થયા, બાકી હૈસો હૈસો કરતા ટોળામાં ગયા. નશાની માફક ચાલતા ટ્રેન્ડમાં જોડાઈ જવાનું ભૂત ધૂણવા લાગે છે. ડૂબકી મારવા જવાનું હોય કે કોઈ વિડીયો જોવાનો હોય. રહી ગયા કરતા બધા ધક્કામુક્કી કરવા લાગે. પછી પછડાટ લાગે ત્યારે કકળાટ કરવા લાગે કે આમ ના હોવું જોઈએ ને તેમ કરવું જોઈએ. અભણ એવા નેતાઓને તો એટલું જ જોઈતું હોય છે કે પબ્લિક સામે ચાલીને સેન્સરશિપની માંગ કરી સત્તાને અમર્યાદ કન્ટ્રોલ આપી દે અને ખુદ સંસ્કાર ને સલામતીના નામે પાંજરે પૂરાતી જાય. મીડિયા તો સનસની માટે ચોક્કસ ખબર ચગાવી બાકીની સિફતથી ભૂલાવી દે. એમાં હસવામાંથી ખસવું થઇ જવાના ચાન્સ વધુ રહે. મર્યાદાવાળી પ્રજાને સ્માર્ટ કટ ક્યારેક બાઉન્સ થઇ જાય કે ક્યારેક દુભાયેલી ધાર્મિક લાગણીનો વિસ્ફોટ થાય.

ઓલરેડી કોવિડ વખતે મજૂરો ચાલીને જતા હતા ત્યારે લોકોને સુશાંતના ડ્રગ ઓવરડોઝમાં આપઘાત કે હત્યાની સાઝિશની થિયરીઓ ને કંગનાની બયાનબાજીમાં વધુ રસ હતો ત્યારે લખેલું કે ''વી ધ મસાલાહન્ગ્રી પીપલ.'' આપણને દરેક વાતે મસાલો જોઈએ. કુંભમેળાની શરૂઆતમાં નકલી સાધ્વી હર્ષા અને પેલા નશેડી મેન્ટલ કેસ આઈઆઈટી બાબાએ ઉપાડો લીધો. ત્યાં સૈફના ઘરની ચોરીએ ચકચાર જગાવી. એમાં એક સાવ મામુલી લૂકસ ધરાવતી મોનાલિસા નામની માળા વેંચતી છોકરીને ધરાર લિટરલી ફિલ્મસ્ટાર બનાવી દીધી. એગ્રી કે જોબન જોવું બધાને ગમે જ (કબૂલે બહુ થોડા !) પણ મમતા કુલકર્ણીના રૂપ ને રાખી સાવંતના સિલિકોન સ્વરૂપ વચ્ચે ફર્ક હોય કે નહિ ? ઉર્ફી જાવેદો ને પૂનમ પાંડેઓ સુંદર નથી,

સ્ટંટબાજ છે. 

ડિટ્ટો ઉદિત નારાયણની કિસનેઅને ડોલર સામે હાડપિંજર થયેલા રૂપિયાને ઢાંકી છવાઈ ગયેલી રણવીર અહલાબાદિયા એન્ડ કંપની. 

***

એક અઠવાડિયા સુધી આખા દેશમાં એટલી જ ફાલતુ અગાઉની હેડલાઈનની જેમ રાષ્ટ્રીય પ્રશ્ન થઇ ગયો એવા સમય રૈનાના લેટંટ વાળા શોમાં યુટયુબ પોડકાસ્ટર રણવીર અહલાબાદદિયાએ પેરન્ટસ ને સેક્સ પર રાબેતા મુજબ ઉધાર લીધેલો જે જોક ફટકારેલો એને જોક કહેવો એ પણ બત્રીસ દાંતનું હડહડતું અપમાન છે. જેમ બાબરી મસ્જીદ નહિ, પણ બાબરી ઢાંચો હતો એમ આ કોઈ જોક હતો જ નહિ. આટલું બધું વેખલાની જેમ હસવું એ બધાને આવતું હોય તો એમને જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, તારક મહેતા વગેરે સ્વર્ગસ્થ ગુજરાતી હાસ્યલેખકોના પુસ્તકો વંચાવવા જોઈએ ! પાછું એ પણ પુરવાર થયું કે શોક જેવો કથિત જોક પણ એનો મૌલિક નહોતો, ક્યાંકથી ગપચાવેલો હતો. અગાઉ એ પોતે પણ કહી ચુકેલો ને ઓઝી ક્રૂ નામની એક પરદેશી યુટયુબ ચેનલ પર પણ હતો. 

એ કચરપટ્ટીને ઉલટી ટીકાને નામે આટલી વાઈરલ કરી દેવાઈ જેટલું એમાં કંઈ નહોતું ! આપણા ચંદ્રકાંત બક્ષી દાયકાઓ પહેલા એમની સ્ટાઇલ મુજબનો સટાયર ક્યાંય વધુ ચોટદાર કરી ગયેલા કે ''ગુજરાતીઓ બેડરૂમમાં ટેક્સની અને ઓફિસમાં સેક્સની વાતો કરે છે !'' મનુ જોસેફની કટ એ ઘટિયા જોક પર એવી હતી કે ''આપણા વડીલો એક ઉંમર પછી સેક્સ કરે પણ છે ખરા?'' રણવીર જેવા કોપીકેટ ઇન્ફ્લ્યુએન્સર પાસે સંસ્કૃત સાહિત્ય કે પશ્ચિમી ફિલ્મો કશાના અભ્યાસની અપેક્ષા રાખનારો જીવ જ એક જોક જેવો લાગે !

જી હા, બરાબર એક વર્ષ પહેલા બે ભાગમાં લખેલા ખોટીવેશનલો પરના લેખમાં નામ દઈને રણવીરની ઝાટકણી કાઢેલી. ના સેક્સની વાતો કરે છે એવા સંકુચિત એન્ગલથી નહી. અશ્લીલ ભારતમાં સૌથી વધુ તો ગંદુગોબરું ભ્રષ્ટાચારી રાજકારણ છે. જેમાં જનતા એક જોક બનીને રોસ્ટ થયા કરે છે. અભિવ્યક્તિના મામલે કોઈને ખલનાયક કહીને ફાંસી કે બેનની માંગ કરવી એ તો ૧૯૭૫ વાળી ઈમરજન્સીના સમર્થન જેવી વાત છે. હા, કાયદા છે જ ખોટી કે ખરાબ અભિવ્યક્તિ સામે કામ લેવાના. પણ ગાળ બોલવા બદલ કે મા બાપ માટેની સંસ્કૃતિના નામે કોઈને ગાળો આપવા લાગવી કે રેપની ધમકી આપવી એ તો ઉઘાડું ને વરવું પ્રદર્શન છે કે આમાં સિધ્ધાંત કે સંસ્કૃતિની વાત કરતા તાલિબાની નકલનું જડસુ ઝનૂન વધુ છે. 

પોઈન્ટ એ મહત્વનો હતો કે આ રણવીર જેવા ભાદરવાના ભીંડાઓ જે મફત ઇન્ટરનેટના જોરે ચાલી નીકળ્યા છે, એમની કોઈ મૌલિક વાત જ નથી. રિયલ નોલેજ પણ નથી. હોસ્પિટલમાં પણ વિડીયોના રિટેક કરાવતી ઉર્વશી રૌતેલાની પ્લાસ્ટિક બ્યુટીની જેમ ફેક લાગે છે આ બધા. આ લોકો ટીમ રાખે છે, કન્ટેન્ટ માટે. અનેક વાર સાબિત થયું છે કે બીજેથી ધાપેલો કન્ટેન્ટ પીરસી દે છે. એમની કોઈ ઇનસાઇટ નથી. રણવીર ઇન પર્ટીક્યુલર તો તંત્ર મંત્ર, કાળા જાદૂ, દોરાધાગા વગેરેના ફ્રોડ બાબાબેબીઓનું પેઈડ પ્રમોશન સનાતનના નામે વહેવા લાગેલી ગંગામાં હાથ ધોવા કરતો હોય એવું લાગતું હતું. પોડકાસ્ટમાં પણ ચાંપલાઈ ને કૃત્રિમ મીઠડાપણા સિવાય કોઈ ડેપ્થ નહોતી. સમયના જોક તો આમે ડાર્ક કરતા સેડીસ્ટ વધુ હોય છે. ઠીક છે, એની ચેનલ એણે જે પૈસા ભરી મેમ્બર થાય એના માટે જ રાખી છે. જાહેર નથી રાખી. પણ કોઈ સ્તર વગરના બકવાસ માટે પૈસા ભરનારા પણ કેવા બેવકૂફ કહેવાય. ગરીબ બાળકોના મોતની ફેન્ટેસી કરીને મજાક ઉડાવવા એ હાસ્ય નહી, પણ માનસિક વિકૃતિનો ગંદવાડ છે. એ જોનારા ને હસનારા પણ આવા જ છીછરા તળિયા વગરના લોટા હોવાના. સંવેદનશીલતાને ઠોકરે મારતા નબીરાઓ જ પછી અકસ્માત કરીને નફફટની જેમ હસતા જોવા મળે છે. 

આખું સોશ્યલ મીડિયા જ મફત નેટના લીધે આવા કચરા કન્ટેન્ટથી વાસ મારતા ઉકરડાની જેમ ઉભરાય છે. ક્યાં છે ઊંડાણ / મસ્તી ને મનોરંજન આપો, પણ એમાં કૈંક અભ્યાસ કૈંક કળા તો દેખાવી જોઈએ ને ? તન્મય ભટ્ટે રણવીરને કહેલું જ કે ભાઈ તું મૂળે એક કોમર્શિયલ બિઝનેસમેન છો. તને કોઈ ઇન્ફ્લ્યુઅન્સ કે ક્રિએશનમાં નહિ, કમાણીમાં રસ છે. રાઈટ, આ બધી એ જમાત છે કે જેને રૂપિયા મળે તો કંઈ વિદેશમાં જઈ કોઈ મ્યુઝિયમ નથી જોવાના. લાઉડ મ્યુઝિક ચાલુ કરીને ફક્ત ડ્રગ કે દારૂની પાર્ટી જ કરવાના છે ! એ અંગ્રેજીમાં ફાંકડી વાતો કરતા શીખી ગયા છે, પણ કોઈ વિશ્વસાહિત્યની કે કળાની પરખ કે સમજ કેળવી નથી શક્યા. એ પાછા બીજા યુવાઓને ઇન્ફ્લ્યુઅન્સ કરવા બેસે છે. આ વિધિની વક્રતા પણ એકજ કટાક્ષ છે માનવજાત પરનો. 

ઝાકિર ખાન જેવા સંઘર્ષ કરીને નાનેથી મોટા થનાર કોમેડિયન ગણાતા લોકોને સાંભળો તો બે વાત અનોખી જીવન વિષે સમજાવતી જાણવા મળે, ને કુમાર વિશ્વાસ જેવા કવિ આજકાલ નેતાગીરીના ચક્કરમાં ચાલતા પૂર્જા સંસ્કૃતિરક્ષક જેવી સંકુચિત પર્સનલ કોમેન્ટ કરતા થઇ ગયા છે. આપણે આમ પણ ઈમોશનલ છીએ. કાલ્પનિક ચિત્ર કે જોક માટે એટલો હોબાળો કરી નાખીએ કે જાણે સેંકડો મોત થયા હોય. અને ખરેખર જે રિયલ ક્રાઈમ થાય છે ત્યાં ચૂપ થઇ જઈએ છીએ. બળાત્કારથી સડકના ખાડા સુધી, રખડતા ઢોરથી ભંગાર શિક્ષણપદ્ધતિ સુધી, નબળા લોકોને કોન્ટ્રાક્ટ કે હોદ્દાથી લઈને માળખાકીય ન્યાયિક સુધારા સુધીના હજારો મુદ્દા છે જે પ્રચંડ જનાક્રોશની રાહ જુએ છે કાયમી સુધારા માટે, પણ આપણને એમાં ચટપટી નથી થતી. 

શાર્લી હેબ્દોના કાર્ટૂનને લીધે જેહાદી ત્રાસવાદીઓએ ફ્રાન્સમાં જીવલેણ હુમલો કર્યો ત્યારે લખેલા લેખમાં પણ કહેલું કે એ કાર્ટૂન બેડ ટેસ્ટના હતા. મહાન કે કલાત્મક નહોતા. પણ એને લીધે ઓફિસમાં ઘૂસીને મારી નાખવા એ બેડ નહિ, અનએકસેપ્ટેબલ બિહેવિયર છે.

 જે પાછું ઈમેજીનેટીવ નહિ, રિયલ છે ! બાકી જોકનો જવાબ જોક ને થોટનો જવાબ થોટ હોય. એક તો ટોળા એવા લબાડ, બોઘા ને નવરીબજાર છે જે આવા ગંદી ગાળો બોલતા ગોબરા ડોબાડબલાને લાઈક્સ, વ્યુઝ ને ફેન ફોલોઈંગ આપી મહાન બનાવે છે, ને તળિયા વગરના લોટા જેવા લખોટા એમના ઇન્ફ્લ્યુન્સર થઇ બ્રાન્ડ બનાવી કમાણી કરી પોતાના જેવા બીજાને પ્રમોટ કરતા જાય છે ! કોઈ વાચન નહી, કોઈ અનુભવ નહિ, કોઈ માર્ક્સ સિવાયનું રસિક શિક્ષણ નહિ, કોઈ ચેતનાનો સ્પર્શ કે મૌલિક ક્રાંતિ પણ નહિ ! આ છે આપણા આઇકોન ? 

પણ સવાલ આપણને થવો જોઈએ કે આપણે કોને સ્ટાર બનાવીએ છીએ ? આપણે કેવો કન્ટેન્ટ કન્ઝયુમ કરીએ છીએ ? બધા એલ્ગોરીધમ એવા છે કે તમને એડિકશન થઇ જાય અને તમે એમાં જ પડયા રહો, બીજું સારું જોઈ, વાંચી, ફરી ના શકો. અને જે તમે જુઓ એ જ બધું બતાવવા લાગે સતત. જે વાંકઅદેખાઓ ઇન્સ્ટાગ્રામ તો છોકરીઓ મુજરા કરે છે ને ઓછા ને આછા કપડાં પહેરીને ચેનચાળા કરે છે વાળી રૂઢિચુસ્ત ફરિયાદો કરે છે, એ જાહેરમાં સાબિતી આપે છે કે પોતે આ જ જોયા કરે છે, એટલે એમને બીજા સાયન્સ કે હિસ્ટ્રી કે નોલેજ કે એવા ઘણા વિડીયો અપલોડ થાય એ એમને દેખાતા જ નથી ! ભલે એમને રસ હય તો એ જુએ, આખો દિવસ કંઈ ઉપદેશ ના સાંભળવાનો હોય. લાઈફમાં થોડી મોજમસ્તી પણ હોય. પણ તો પછી કયા મોઢે નવી પેઢીને વખોડવાની ફરિયાદો કરો છો ? તમે સુધરો, પછી બીજાને સુધારવાની પહેલ કરજો. 

જે ના ગમે એની ( આ લેખમાં કરી એમ ) ટીકા જરૂર હિંમતથી થવી જોઈએ. પણ મંતવ્યોને મારામારીમાં ફેરવવા એ માંદા સમાજની નિશાની છે. એક આખી પેઢી આપણે પોલીટીકલ લાભ માટે ચેતવણીઓ છતાં ફ્રી નેટના જોરે મોબાઈલમૂષક ટ્રોલિયાઓની ઉછેરવા દીધી છે, કોઈ કાયદા વિના બેખૌફ. તો કાદવમાંથી નવા જીવડાં નીકળ્યા કરવાના. ના ગમે એની ઉપેક્ષા કરો એ સોશ્યલ મીડિયા પર મોત આપ્યા બરાબર છે. પણ એને વખોડીને ચગાવો એમાં તો ઉલટી પબ્લિસિટી થાય છે. સેલ્ફ સેન્સરશિપ કોઈ ક્રિએટર ના વાપરે તો પબ્લિક તરીકે દૂર રહો ના ગમે એનાથી. આપોઆપ એ ઓછું કે બંધ થઇ જશે. સમાજ હંમેશા સંવાદ ને ચર્ચાથી જ મંથન કરતો ઝેરથી અમૃત સુધી પહોંચે. સિમ્પલ. સેન્સિબલ હ્યુમરિસ્ટ નીરજ બધવારે સરસ વાત કહેલી : આ ના ગમે એવું છે, એની આલોચના થવી જોઈએ. પણ માફી છતાં કન્ટેન્ટ બાબતે આકરી સજાવાળી વાત વધુ પડતી છે. આ પેઢીને ખબર નથી કે શું કરે છે પોતે ને વાસ્તવિક જીવન કેવું છે. એમને ટોકો જરૂર, પણ સાવ ખતમ થઇ જાય એમ રોકો નહિ ! આ સ્વસ્થ સમાજની નિશાની નથી. 

ઝિંગ થિંગ 

''કોઈ પણ સિસ્ટમને અંદરખાનેથી હિંસા ગમે. કારણ કે જો તમે ઉશ્કેરાઈને  હિંસા કરો છો તો તમને કેમ હેન્ડલ કરવા એ એમને આવડે છે, પણ અહિંસા અને હાસ્ય સાથે કામ કેમ લેવું એમાં એ ગૂંચવાઈ શકે છે !'' ( જોઈન લેનન ) 


Google NewsGoogle News