મર્દ કો ભી દર્દ હોતા હૈ! .
- અનાવૃત-જય વસાવડા
- આપણી ડિવોર્સપ્રક્રિયા માણસો મરી જાય કે મારી નાખે એટલી હદે ત્રાસદાયક છે. પરસ્પર સહમતીથી અલગ થવા માંગતા પણ કાયદા પાસે જાય તો ફાયદાને બદલે નુકસાનમાં રહે છે
हाँ ये पुरुष हे...
मानाकि इनकी आँखोमे नमी नहीं होती,
पर इनके दिलमें भी,
ज़ज़्बातों की कमी नहीं होती...
प्यार जतानेका इनका अलग ही तरीका हे,
कभी डाँटते हे,
कभी गुस्सा करते हे,
कभी हुक्म चलाते हे,
कभी कभी रौबभी जमाते हे,
सीधे सीधे कोई बात वो बताते नहीं
फ़िक्र हमारी सबसे ज़्यादा करते हे,
पर प्यारसे कभी जताते नहीं...
दरफ्तर और घरको
लंबी उम्र तक बेलेंस करते हे...
हलातोंसे येभी लड़ते हे,
कभी माँ को कहे नहीं पाते,
कभी बीवीको कहना नहीं चाहते,
और बिना कोई कसूर,
ताने दोनोसे ही सुनते हे...
वैसेतो ये निडर हे,
पर रिश्तोंको खोने के डरसे,
अक्सर ये डरते हे...
बातोंमे सख्ती,
कांधोंमे मजबुती,
सीना फौलादी रखते हे,
पर आंगन से जब उठती है डॉली,
सबसे ज़्यादा यही रोते हे...
हाँ ये पुरुष हे...
बच्चो से लेके बुज़ुर्ग तक की,
ज़िम्मेदारियाँ ये उठाते हे,
ख्वाईशोको खुदकी कफ़न चढ़ाके,
अपनी पूरी जवानी जलाते हे...
जबभी कोई मुसीबत आती हे,
परिवारसे पहले इनसे टकराती हे...
"अरे कुछ नहीं होगा,
चिंता छोडो और सो जाओ,
में हु ना " कहेके सबको सुलाते हे,
फिर वही चिंतामे खुदको पूरी रात जगाते हे...
ज़िंदगीभर परिवार के लिए जीते हे,
आधी से ज़्यादा ज़िंदगी,
घरके बहार ये जीते हे,
लोनके कर्ज और सामाजिक फर्ज में,
एक उम्र गुजरजाती है,
खुदके लिए ये भी कहाँ लगातार जीते हे?"
हाँ ये पुरुष हे...
पिता, पति, भाई या दोस्त,
उसका हर रूप निराला हे,
कभीना कभी, किसीना किसीने,
हमे हरवक्त हरदम संभाला हे...
हा ये सच हे,
इन्सानको जनम देती हे औरत,
पर, इनके बिना क्या वज़ूद हमारा हे?...
हाँ ये पुरुष हे...
સ્વાતિ બારોટ સિલ્હરની આ વાઈરલ થયેલી કવિતા અતુલ સુભાષની આત્મહત્યા ટ્રેન્ડિંગ ન્યુઝ બનવા સાથે યાદ આવી ગઈ. અતુલ સુભાષ નામનો એક સંવેદનશીલ એન્જીનિયર યુવક કોર્ટમાં પત્નીએ એના પર કરેલા કેસથી ત્રાસીને આત્મહત્યા કરીને ગુજરી ગયો. આત્મહત્યામાં તો ભારત આખા જગતમાં કમનસીબે નંબર વન છે, પણ કોઈના પેટમાં એનાથી આલ્કોહોલ હલતો નથી. પણ અતુલ સુભાષે ફિલ્મો જોઈ નાખી હશે થોડી તો ૨૪ પેજનો લેટર અને એક કલાક વીસ મિનીટનો વિડીયો બનાવી એક પત્નીપીડિત પતિ તરીકે આ દુનિયા છોડી ગયો. પછી એના ધાર્યા મુજબ ખાસ્સા પડઘા પડયા એ વાતના. એની વાતમાં વિગતે ઉતરવું નથી એના બે કારણો છે : એક તો મીડિયામાં ઓલરેડી અથથી ઇતિ એ બાબતે આવી ગયું છે, એટલે પુનરાવર્તન કરતા એને લીધે થયેલા વિચારોનું આવર્તન યોગ્ય ગણાય. બીજું, ઓળખાણ વિના, પૂરી સાચી સાબિતી સહિતની જાણકારી વિના બે મિત્રો કે બે સ્ત્રી પુરુષ કે કોઈ પણ બે માણસના ઝગડાના સીઘા જજ થઇ ના જવાય. કોનો કેટલો શું વાંક એ નક્કી કરવા જેટલી બેઉ પક્ષની ન્યુટ્રલ ડિટેઈલ આપણે ત્યાં વન વે ઉભરામાં ચાલતા મીડિયા કવરેજ ને એનાથી દોરવાતા મગજમાં આવતી નથી.
પણ મુદ્દો સૌથી પહેલો તો એ છે કે આપણે ત્યાં ડિવોર્સની પ્રક્રિયા માણસો મરી જાય કે મારી નાખે એટલી હદે ત્રાસદાયક હોય છે. પરસ્પર સહમતીથી અલગ થવા માંગતા બે સમજદાર લોકો પણ કાયદા પાસે જાય તો ફાયદાને બદલે નુકસાનમાં રહે છે. આ બાબતે આપણી સંસદ પણ જરૂરી સુધારા નથી કરી શકી એ હકીકત છે. ધર્મ કે જનજાતિના અપવાદો વિના ભારતમાં મોટે ભાગે લગ્ન કરતા છૂટાછેડા મુશ્કેલ છે. સાહિર તો લખી ગયા કે જે અફસાનાને અંજામ સુધી પહોંચાડી ના શકો એને ખૂબસુરત મોડ આપી છોડતા શીખો. પણ એમ કરવા જતા રહ્યોસહ્યો રિશ્તો પણ મોટે ભાગે બદસૂરત થતો હોય છે. એક તો સમાજની બદનામી ને લોકો શું કહેશેની બીમારીને લીધે મનમેળ વિના એકબીજા સાથે કોમ્પિટિબલ ના હોય એવા કપલ પરાણે દુનિયાને દેખાડવા સાથે રહે છે. બાકી તો એમને માનસિક અસુખથી એક પ્રકારે અબોલા જ થઇ ગયા હોય છે.
ઘણા વખત પહેલાની વાતનું પુનરાવર્તન કરીએ તો દુનિયામાં દરેક બાબતમાં એન્ટ્રીમાં થોડી તકલીફ હોય કે પ્રક્રિયા હોય. એક્ઝીટમાં ના હોય. તમે કોલ્ડપ્લેની કોન્સર્ટમાં જાવ તો તમારી ટિકિટ બે ત્રણ અલગ અલગ દરવાજે સ્કેન થાય. મેટલ ડિટેકટર હોય. બેગ ચેક થાય. સુરક્ષાકર્મી તમને ચેક કરે. વિધિઓ આ બધી લાંબી ચાલે પછી અંદર જવા મળે. પણ ઉભા થઇ બહાર નીકળવામાં આ કશું કરવાનું ના હોય. તમારી મરજી પુરતી છે. એક્ઝીટ ડોર શોધો ને નીકળી જાવ ત્યારે સિક્યોરીટી નથી હોતી. બેગ ખોલવાની નથી હોતી. આ જ વાત એરપોર્ટથી દાંડિયારાસના ગ્રાઉન્ડ સુધી તમામ કિસ્સામાં લાગુ પડે. અરે, પ્રકૃતિમાં પણ. માટલું ઘડવામાં દિવસો જાય. તોડવામાં ચંદ સેકન્ડ થાય. આઠ નવ દાયકાથી જાળવેલું શરીર મોત વખતે એક પળમાં થંભી નથી જતું ? તો પછી એક લગ્નમાં એવું કેમ કે બે વ્યક્તિ કે બે પરિવાર નક્કી કરે ત્યારે એન્ટ્રી એકદમ આસાન, ત્યાં સરકાર કે કોર્ટ ક્યાય નહિ, સિવાય કે એમની મરજી અને ઉંમરની ખરાઈ કરે. પણ ડિવોર્સમાં તરત કાનૂની મંજુરીના નામે ભારે લાંબી અસહ્ય પ્રક્રિયા શરુ થઇ જાય ! કદાચ ઇસ્લામમાં તલાકની ઇઝી સીસ્ટમ આવા કોઈ નિરીક્ષણને લીધે હશે. એ સ્ત્રીઓને અન્યાયકારી નીવડી ને એમાં બીજા ઘણા જોલજાલ છે એ અલગ વાત થઇ ગઈ.
અતુલ સુભાષ જેવા અનેક કેસીઝમાં અન્યાય કરતા પણ ધીમો ન્યાય મેન્ટલ ટોર્ચરનું મુખ્ય કારણ છે. છૂટા થવા જતાં બીજા કોઈને સાથે ભેગા ના થઇ શકે ને એક હેરાન કરીને બીજાની લગ્નલાયક ઉંમર વેડફી નાખે ને વકીલો એમાંથી કમાયા કરે ને સંતાનો હોય તો હિજરાયા કરે એ કરુણ વાસ્તવિકતા છે. દહેજ ઉત્પીડક ધારા (૪૯૮એ) ઉપર હમણાં સુપ્રીમ કોર્ટે પણ ખોટા કેસ બાબતે લાલબત્તી ધરેલી. પણ સડકના ખાડાથી દિવાળીના ફટાકડા સુધી એવી સર્વોચ્ચ ચેતવણીઓને કોઈ ગંભીરતાથી લેતું નથી, કારણ કે એમાં સેટિંગનો પૂરો મોકો નીચલા સ્તરે બધાને મળતો હોય છે. આ એક આવકનું સાધન થઇ ગયું છે ભરણપોષણના અન્યાયી કાયદાને લીધે !
ડુ યુ નો? આપણે ત્યાં એ પ્રકારના કાયદા છે કે પુરુષ કમાતો ના હોય ને સ્ત્રી કમાતી હોય તો પણ પુરુષ પર જ ભરણપોષણની જવાબદારી આવી જાય ! સ્ત્રીને બેઠેબેઠે એના સ્ત્રીધન ઉપરાંત પૂર્વ પતિની આવકનો હિસ્સો મળ્યા કરે. સિવાય કે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સના એગ્રીમેન્ટમાં રાજીખુશીથી છૂટા થવાનું અને કોઈ ભવિષ્યમાં આવા એલીમની બાબતે ડિમાન્ડ ના કરવાનું લેખિતમાં વિધિસર બેઉ પક્ષનું લખાણ હોય. પુરુષ દિવ્યાંગ હોય કે અન્ય લોન કે ઘરના સ્વજનોની આર્થિક જવાબદારી ઉઠાવતો હોય ત્યારે એને થોડીઘણી રાહત મળે, બાકી ડિવોર્સના દાયકાઓ બાદ પણ સ્ત્રી એને ભરણપોષણ માટે કોર્ટના પગથિયાં ચડાવી શકે. સિવાય કે એ પોતે બીજે સેટ થઇ ચૂકી હોય ( અમુક કિસ્સામાં તો એમ છતાં પણ આગલા પતિની એલીમની તણી એ તેણી હકદાર રહે!)
બરાબર છે, પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીઓને ભરપૂર અન્યાય થયો છે ને હજુ થતો રહે છે, શોષણ કે બળાત્કાર છેતરપિંડી કરનારા પુરુષો ઘણા બધા છે ને હેડલાઈનમાં ચમકે છે, એટલે એમાં અપરાધોનું ઠીકરું વગર વાંકે જે શાંત અને સહનશીલ કે લાગણીભર્યા છે એવા પુરુષો પર ફોડી દેવું એ ક્યાંનો ન્યાય ? ઇવન સાયકોલોજીકલી સ્ત્રીઓ પણ પ્રેમ કે પાત્રપસંદગીમાં આવા સીધાસાદા કે ગુડ ગુડ મેનને ભાવ આપ્યા વગર એને તરછોડે, એની વાત પૂરી ના સાંભળે, એને ઢીબી નાખે કે બહુ ધ્યાન એના પર ના આપે એવ રફ બેડમેન પ્રત્યે આકર્ષાઈ એ ના જતા રહે એ લાલચે એમનો પડયો બોલ ઝીલી પ્રેમમાં ખુવાર થવા તૈયાર હોય છે. બિચાકડા ભલા પુરુષોનો તો કોઈ ભાવ જ નથી પૂછતું ! ના સત્તા, ના સ્ત્રી, ના સમાજ !
ધરતી પર નર્ક ભોગવીને સ્વર્ગે ગયેલા અતુલ સુભાષે એના આખરી વીતકમાં એની પત્નીના બેડરૂમમાં ફેટીશ ( સેક્સમાં કોઈ પાર્ટનર અલાયદી અને સામાન્ય રીતે અસહજ કરે એવી ક્રિયાઓથી આનંદ અનુભવે કે ઉત્તેજિત થાય એવું વળગણ અનુભવે તે )ની વાત કરી છે. આપણે ત્યાં અગાઉ લખેલું એમ મહર્ષિ વાત્સ્યાયને આપેલા 'યૌનમેળ' બાબતે કોઈ જાગૃત થતું ને ખાલી મનમેળની સુફિયાણી સલાહો ઠોક્યા કરે છે. સેક્સ્યુઅલ મેચિંગ એન્ડ પ્લેઝર દામ્પત્યનો અગત્યનો હિસ્સો છે, ને લગ્ન કોઈ કેવળ આધ્યાત્મિક ઘટના નથી. એકબીજા કરતા અલગ રસિક સાથે નીરસના જોડા બની જાય પછી સ્ત્રી કે પુરુષ બંને અતૃપ્તિના અનુભવે ફ્રસ્ટ્રેટ થઇ પરસ્પર ચીડાયા કરે. આમાં પણ મીટુડા મીઠુડા બાબતે આગોતરી ચેતવણી આપેલી. કે આવી બોગસ હેશટેગ ચળવળનું હૈસો હૈસો બ્લેકમેઈલિંગ અને હની ટ્રેપથી રેપની ફરિયાદોને પ્રોત્સાહન આપશે. જરાક નજર કરો આસપાસ ખબરોમાં આજે !
ખુદ અદાલતોના ન્યાયાધીશો કહે છે કે ઘણીં બળાત્કારની ફરિયાદો માત્ર પરેશાન કરી પૈસા પડાવવા કે વેર વાળીને ઈમેજ ઈજ્જત ધૂળધાણી કરવા માટે જ હોય છે ! અચાનક બળજબરી કે ગેરસમજ એકાદ બે વાર થઇ શકે. પણ એ દિવસો, મહિનાઓ, વર્ષો સુધી ચાલુ રહે ને છતાં સ્ત્રી સામે ચાલીને મળવા કે ફરવા પણ જાય ને માફક ના આવે ત્યારે સોદાબાજીની તકરાર કે સહમતીમાં સડાની ચોખ્ખી હકીકત હોય છે, પણ જેલભેગા પુરુષે થવું પડે. ફરિયાદીની ઓળખ છુપી રહે પણ નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી કાનૂની ગૂંચવણમાં બદનામી એકલા પુરુષના પક્ષે આવે અને ખર્ચ પણ ! બંધારણના જૂની પેઢીના ઘડવૈયાઓએ એટલી મેચ્યોરિટી રાખી કે સોળ વર્ષની ઉંમરે પ્રેમમાં કન્સેન્ટ ( યાને સહમતી, આ અગત્યની શરત છે ) થાકી છોકરા છોકરીના શરીરસંબંધ બંધાય એને ગુનો નહોતો ગણ્યો. પણ હવે તો જો ૧૮થી નીચેની છોકરી ફરિયાદ કરે તો મજામાં એ પણ અડધી ભાગીદાર હોવા છતાં સીધો રેપ ગણાય ને સજા એકલા પુરુષને જ મળે !
ભારતીય ન્યાય સંહિતાના હમણાં નવા કાયદા આવ્યા એમાં પણ જાણકારોએ ચેતવણી આપેલી. યાદ રાખજો, એની ધારા ૬૯ ( અંક પણ સૂચક પાછો !) ભવિષ્યમાં દહેજ ઉત્પીડન ધારા જેટલા જ ખોટી ફરિયાદોના ગોટાળા કરી શકે એમ છે! એ મુજબ કોઈ રોજગાર, પ્રમોશન કે લગ્નની લાલચ આપી દેહસંબંધ બાંધે ને સ્ત્રી ફરિયાદ કરે તો પુરુષને (રિપીટ, આવું બેઉ પક્ષે હોય ને કોઈ પુરુષ સાથે સ્ત્રી પણ છળ કરે તો પણ ફક્ત પુરુષને) ૧૦ વર્ષ સુધીની જેલ થાય ને આખી જુવાની વીંખાઈ જાય. મોટે ભાગે ફેમિનિસ્ટો તો પુરુષ જ વધુ હોય છે, એટલે ત્રિયાચરિત્રનું સંસ્કૃત સાહિત્ય વાંચ્યા વિના કથિત લવ જેહાદથી સંસ્કૃતિ બચાવવા નીકળી પડેલા કોઈ હરખપદુડા પુરુષે જ આ ગાળિયો કસ્યો હશે. હવે ઓળખ છુપાવી હોય કે લગ્નનો વાયદો કર્યો હોય એ સાબિત કરવું બહુ અઘરું છે. આમ પણ મેરેજ એક ઈમોશનલ ડિસિશન છે. ઘણા કારણોથી છેક છેલ્લી ઘડીએ સગાઇ બાદ, અરે માંડવામાં પણ ફરી જાય. એટલે ફક્ત પુરુષને ૧૦ વર્ષ એના નામે જેલમાં નાખી દેવાનો ? કેટલી તોડબાજી આવા અસંદિગ્ધ કાયદાને લીધે થશે એનો અંદાજ છે ? પાડ પ્રભુનો કે હમણાં સરકારે મેરિટલ રેપ બાબતે કોઈ કાયદો નથી બનાવવો એવી રજૂઆત કરી. નહિ તો પોતાની જ પત્ની પાસેથી સેક્સની આશા રાખવા બાબતે પણ ફક્ત પુરુષ જ બળાત્કારી ગુનેગાર ગણાઈ જાત !
ગુનેગાર એક્ચ્યુઅલી, સ્ત્રી કે પુરુષ ના હોય. હિદુ-મુસ્લિમ કે ઇન્ડિયન અમેરિકન પણ ના હોય.
ખાસ કિસ્સામાં વાત અલગ છે. અને ખરા દાધારંગા ઉસ્તાદો તો ઝટ પકડાતા જ નથી. છટકી જાય છે. પેલી ઉત્તરાખંડની રિસેપ્શનિસ્ટ પર ગેંગરેપ મર્ડરના રાજકીય રીતે વગદાર આરોપીઓને સજા થઇ હોવાનું વાંચ્યું ? ફસાય જાય સીધી લીટીના ભરોસો મુકતા નર નારીઓ. યાદ છે ને માંડ જહોની ડેપ જેવો ગ્લોબલ સ્ટાર પણ પત્ની એમ્બરના જૂઠા આરોપો સામે લડીને જીત્યો. એમાં એની ફિલ્મો ખુવાર થઇ એ તો ગઈ જ. સમય આવી ગયો છે કે હોલીવુડ સેલિબ્રિટીઝની જેમ લગ્ન પહેલા જ છૂટાછેડા સમયે એકબીજાની મિલકતો પર અધિકાર સ્પષ્ટ કરતા ન્યુપિટલ કહેવાતા કરારનું ચલણ સામાજિક શરમ વિના સુખી ઘરના પુરુષો માટે ભારતમાં પ્રચલિત કરવાનો !
બિચારો પુરુષ ! રીડરબિરાદર મયુર સોલંકીએ હમણાં લખેલું એમ જીવનભર સાબિત કરવા કરવામાં પુરુષ પર એક પ્રેશર બનતું જાય છે. એ સતત આ પ્રેશર વચ્ચે જીવે છે. એના પર પરિવાર માટે ભોજન લાવવાનું પ્રેશર હોય છે. પરિવારને ખુશ રાખવાનું પ્રેશર હોય છે. એના પર માછલી વીંધવાનું પ્રેશર હોય છે. એ રાજા હોય તો પ્રજાને ખુશ રાખવાનું પ્રેશર. અરે ભગવાને શારીરિક સંરચના પણ એવી બનાવી છે કે બેડમાં પણ એણે સાબિત કરવાનું હોય છે. એના પર પરફોર્મન્સ પ્રેશર હોય છે.
ઘરમાં દીકરો અને દીકરી હોય તો બધા આવીને દીકરાના પરસેન્ટેજ સિરિયસનેસ સાથે પૂછે છે. કંઈક બનવાનું પ્રેશર હોય છે. જેણે આ બધુ જોઈ લીધું એ બાપની આંખમાં આંખ નાખીને જોવા જેટલી રિસ્પેક્ટ કમાવાનું પ્રેશર. પુરુષ પર પુસ્તક લખવાથી કોઈ એવોર્ડ નથી મળતો એના પર ફિલ્મ બનવવાથી કોઈ નેશનલ એવોર્ડ કે વિદેશી એવોર્ડ નથી મળતો. પણ ગાડી એટલી રિવર્સ ગિયરમાં જઈ રહી છે કે હવે બધા જ પુરુષને પથ્થરદિલ સમજવામાં આવી રહ્યા છે. પણ દુનિયાભરના કાર્ડિયોલોજીસ્ટ મળીને કહેશે કે પુરુષોને હૃદય હોય છે, અને આ પ્રેશર ઝીલી ઝીલીને નબળું થઈ જાય છે એના સૌથી વધુ પુરાવા એમણે જોયા છે.
સહી બાત ! મોટે ભાગે તો એક ઘરમાં મા અને પત્ની એવા બે ચીઅરલીડર વચ્ચે ગમગીન થઈને પીસાતા મર્દની વેદનાની કોઈ વાર્તા પણ નથી લખતું ! પુરુષને બહુ રડવું ફાવતું નથી એ સારું છે, નહિ તો વહુની જેમ ધણીના દુ:ખને એનકેશ કરતી ટીઅરજર્કર ફિલ્મો બનત. બધાની અપેક્ષા પૂરી કરવાની દોડધામમાં મર્દને દર્દ થતું એટલે દેખાતું કે એના આંસુ આંખને બદલે દિલમાં છૂપાઈ જાય છે. જે દેખાય નહિ, એ પણ હોઈ શકે છે. ભલે, પુરુષ વિકૃત, બળાત્કારી, હિંસક, લંપટ, દુરાચારી,અહંકારી, છેતરપિંડી કરનારો, ઘરમાં મારામારી કરનારો, છેડતી કરનારો, વ્યસન રાખનારો, સ્ત્રીને ગુલામ બનાવી અત્યાચાર કરનારો બધું જ હશે, પણ બધા પુરુષો આવા નથી હોતા. બધા નથી હોતા, સાહેબ ! અને સૌથી વધુ એ સચ્ચાઈ નજર સામે સ્ત્રીઓએ જ અનુભવેલી હોય છે. સાચું કબૂલે ત્યાં પૂછી જોજો !
ઝિંગ થિંગ
''પુરુષે જ ડીજીટલ આસિસ્ટન્ટ તરીકે સિરી કે એલેક્સા બનાવી હશે. કારણ કે કોઈ ફેમિનાઇન વોઈસ સમી દલીલ કર્યા વિના પુરુષ કહે એ ચૂપચાપ સાંભળીને એને રાહત આપતો અમલ કરે એ ઘણું બધું મૌન રહી ગળી જતા બાપડા પુરુષની જ ફેન્ટેસી હોઈ શકે !'' ( નેહલ ગઢવી)