કાટ ના લાગે એવા લોખંડી મનોબળ અને સોનેરી હૃદયના માનવી ઃ રતન તાતા!
- અનાવૃત-જય વસાવડા
- સંપત્તિથી તમારો પ્રભાવ પડે લોકોમાં. પણ લોકોનો પ્રેમ મેળવવા માટે સરળતા અને સંવેદના જોઈએ.
વ ર્ષો પહેલા દૂરદર્શન પર ભાસ્કર ઘોષ રતિકાંત બાસુના સુવર્ણયુગમાં જે અદ્ભુત સિરિયલ્સ આવતી, એમાં એક હતી શ્યામ બેનેગલની ઋગ્વેદની ઋચાઓથી શરુ થતી 'ભારત એક ખોજ'. એના સ્પોન્સર હતા ઃ ટાટા સ્ટીલ. એ વખતની એમની જાહેરાત ટીવીમાં આવતી જેમાં દેશના મિડલ ક્લાસની લાઈફને એના નાના નાના સુખ બતાવવામાં આવતા. એ એડ એચટીએ નામની એજન્સીએ તાતા વિરાસતને ધ્યાનમાં લઈને બનાવેલી. હજુ યુટયુબ પર મળી જશે એના વર્ઝન્સ. એના અંતે સ્લોગન આવતું ઃ વી ઓલ્સો મેઇક સ્ટીલ. ઇસ્પાત ભી હમ બનાતે હૈ !
નાની ઉંમરે એ સાંભળી અચરજ થતું. કે આ તે કેવી જાહેરાત. કંપનીનું નામ જ ટાટા (પારસી સરનેમના શુદ્ધ ઉચ્ચાર મુજબ મુજબ તાતા. આગળ એ જ લખીશું) સ્ટીલ હોય તો તો 'અમે સ્ટીલ પણ બનાવીએ છીએ' એ કેવું વિચિત્ર લાગે ? તો બીજું શું બનાવો છો ? ને બીજી બધી પ્રોડક્ટ્સ હોય તો એને ટાટા સ્ટીલ જોડે શું લાગેવળગે ?
વર્ષો પછી તાતા લેગસી વિષે એક પુસ્તક વાંચ્યું ને સમજાયું કે એમાં કંપની એમ કહેવા માંગતી હતી કે સ્ટીલ બનાવવાનું કામ તો ઠીક છે અમે કરીએ જ છીએ. પણ એ જ કામ હોવા છતાં એ અમારું મુખ્ય ધ્યેય નથી. અમારું મૂળ કામ તો છે ભારત રાષ્ટ્રના નિર્માણનું ! વી મેઇક નેશન ફર્સ્ટ. ધેન અધર પ્રોડક્ટ્સ ! રતન તાતામાં ભરોસો મૂકીને દૂરના સંબંધી હોવા છતાં એમને પોતાના વારસદાર બનાવનાર સદગત જે.આર.ડી. તાતાએ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે અમને એ જ વારસો મળ્યો છે કે બે વિકલ્પ હોય જેમાં એકમાં તાતા ફેમિલીનું હિત સચવાતું હોય અને બીજામાં દેશનું હિત સચવાતું હોય, તો હંમેશા બીજો પસંદ કરવો !
ગ્રેટ ગ્રાન્ડ ઓલ્ડ જમશેદજી તાતાએ આ વિઝનનો આઝાદી અગાઉ પાયો નાખેલો. મૂળ પારસીઓ ઈરાનથી ગુજરાત આવી વસ્યા ત્યારથી હજુ પાળે છે, એ જરથોસ્તી ધર્મમાં આવતા ત્રણ શબ્દો હુમ્તા, હુખ્તા, હવર્ષતા ( ઉચ્ચારની ભૂલચૂક લેવીદેવી ) ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડસ યાને સારા વિચારો, સારી વાણી (વ્યવહાર) અને સારા (બીજાની ભલાઈના) કર્મો - એના પરથી સર તાતાએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયાનું સપનું જોયેલું. જમશેદપુર શહેરના પ્લાનમાં એમણે લખેલું કે બંધિયાર કારખાના જેવા માહોલને બદલે ચોખ્ખા આવાસ, પહોળા રસ્તા, ઘટાદાર વૃક્ષો, રમવાના બગીચા અને શાળા, લોન, મેદાન, દરેક ધર્મના પૂજાસ્થળ બધું જ હોવું જોઈએ. ફક્ત નફો કમાવાનો એમ નહિ. એ કમાણીમાં મદદગાર કર્મચારીઓ અને એમના પરિવારને સારું વાતાવરણ આપવું. આજે પણ ગુજરાતમાં મીઠાપુર જઈને જુઓ કોલોનીનું એમનું હજુ અડીખમ વિઝન ! તાતા આજે પણ દારુ કે તમાકુ જેવા ધંધામાંથી કમાણી નથી કરતી. એક વાર અમિતાભની એતબાર ફિલ્મ બનાવેલી , બાકી ટાટા સ્કાય સિવાય એન્ટરટેઇનમેન્ટ કરતા એજ્યુકેશન પહેલા. નમકથી ફ્રિજ ને ટ્રકથી સુપર માર્કેટ સુધી દરેક ભારતીય કદાચ એક દિવસમાં તાતાની એક વસ્તુને તો સ્પર્શે જ છે.
જમશેદજી તાતાએ ટેક્સટાઈલથી શરુ કર્યા બાદ સ્વદેશી સ્ટીલ પ્રોડક્શનથી શરુ કરી ફાઈવસ્ટાર હોટલ (તાજ, મુંબઈ) સુધીની અનેક બાબતોમાં આધુનિક ઉદ્યોગ માટેના ઉદ્યમનો પાયો નાખ્યો. ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિધ્ધાંતને આ બિઝનેસ એન્ટરપ્રાઈઝે એવો જીવનમાં ઉતાર્યો કે આજે પણ ટાટા એમ્પાયરની માલિકીમાં તગડા શેરહોલ્ડર ટાટા ટ્રસ્ટ છે ! ઇન ફેક્ટ, ટાટા ઈઝ ટ્રસ્ટ. એ નામમાં લોકો ભરોસો મુકે છે ! તાતા પરિવારના પારસી ડીએનએમાં જ સમાજ માટે ભલું કરી છૂટવાની ભાવના વણાઈ ગઈ છે. એ એથિક્સ સાથે જ કામ કરનારી ટીમ એમને પસંદ પડે છે. સ્વયં મહાત્મા ગાંધીએ કહેલું કે હું આઝાદી માટે લડતો હોઉં તો આ તાતા પરિવાર દેશની આર્થિક આઝાદી માટે લડે છે!
મૂલ્યોને જાળવવાથી શું મળે ? એવો સવાલ જેમને થતો હોય એમણે જીવતેજીવ જે અપ્રતીમ લોકચાહના ગાંધીજીને મળી હતી. એના પછી આ સદીમાં જોઈએ તો પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે અબ્દુલ કલામને મળી હતી કે પેલા મોરારિબાપુથી અબ્દુલ કલામ અને નરન્દ્ર મોદીથી મોહમ્મદ પયગંબર સ.વ. તમામ માટે એલફેલ બકવાસ કરતા ગાંડિયા ભગવાધારી યતિ નરસિંહાનંદ જેવા રડયાખડયા ( ખરેખર તો રખડેલ!) અપવાદ સિવાય કોઈ એક શબ્દ એમના માટે ઘસાતો ના બોલે. અને લેટેસ્ટ દ્રષ્ટાંત બની ગયા રતન તાતા. આખા દેશે કદી મળ્યા કે રૂબરૂ જોયા પણ ના હોય તો પણ જાણે એક પારિવારિક મોભી ગુમાવ્યાનો શોક સ્વયંભૂ અનુભવ્યો. ગરબાનું જોશ રોકીને યુવા વર્ગે મૌન પાળ્યું. વડોદરામાં તો નિઃશુલ્ક ગરબા આયોજક જયેશ ઠક્કરે આખો કાર્યક્રમ રાખ્યો. નેતા અભિનેતાથી લઇ ગૃહિણી કે ઘરનોકર સુધીના લોકોએ સ્ટેટ્સ કે ડીપી થકી તાતાની વિદાયવેળાને ભાવથી સલામી આપી.
દેશમાં જાણે રીતસર એક લહર ઉઠી રતન તાતાના નામની. જીવતા હતા ત્યાર કરતા પણ વધુ સન્માન સહુએ દુઃખ અનુભવીને ભારત રત્ન આજીવન ઘોષિત ના થયા છતાં કેટલાય રાજકીય ભારત રત્નો કરતા વધુ ઝળહળ થઇ પ્રજાના દિલમાં અજવાળું કરી ગયેલા રતન તાતાને આપ્યું. રોયલ પેલેસ વેંચતા મળે અને રંગીન ઠાઠમાઠ ખરીદી શકાય પણ આ રિસ્પેકટ એમ ઝટ મળતું નથી. ૧૫૫ વર્ષથી એકધારું જે લોકકલ્યાણનું યજ્ઞાકાર્ય થયું તાતા સામ્રાજ્ય દ્વારા સાદગી અને સદાચાર સાથે, એનું એકસાથે ચક્રવૃદ્ધિ વ્યાજ જાણે રતન તાતાને એકસાથે મળ્યું ! લાયક પૂર્વજોના ખભા પર લાયક વારસે ઊભીને ઊંચાઈ મેળવી બતાવી. પબ્લિકે આ ભાવ બતાવ્યો એનું કારણ આસપાસ રોલ મોડલ ક્ષેત્રે ખખડતો ખાલીપો છે. બધે જ કોર્પોરેટ એટલે કાપી નાખતા ઘૂસણખોર રેટ (ઉંદર) એવી વ્યાખ્યા સ્વીકારાઈ ગઈ છે, અને રૂપિયા પાછળ પાગલ દોટ ચાલે છે, ત્યારે દેખાડાથી દૂર રહી સતત લક્ષ્મી કમાઈને સરસ્વતીની સેવા કરતા રહેલા તાતાને મળેલું માન એ લોકોની હતાશા વચ્ચે ચમકેલી આશાનો દીવડો છે, કે આ એ કંપની છે જેને પ્રોફિટ મળશે તો પણ એમાંથી આખરે તો સમાજનું કૈંક ભલું થશે ! જે રાજકારણમાં નહિ પડે, બહુ પાર્ટીઓ નહિ કરે, બિઝનેસ કરશે તો પણ દેશને ગૌરવ અપાવશે અને ખોટું કરવાને બદલે સામાન્ય માણસ સાથે ન્યાયપૂર્વક વર્તન કરશે. જે રિસર્ચ કરશે, ભૂલ થશે તો સુધારશે. પણ જાણીજોઈને છેતરશે નહિ.
રતન તાતાને રિસ્પેક્ટ મળ્યું છે, એ વાસ્તવમાં તળિયે ગયેલા આ આદર્શોને મળેલી સલામી છે ! સંપત્તિથી તમારો પ્રભાવ પડે લોકોમાં. પણ લોકોનો પ્રેમ મેળવવા માટે સરળતા અને સંવેદના જોઈએ. સાથે કે નીચે કામ કરનારા માણસો સાથે માણસાઈ રાખવી એમાં મહાનતા નથી, સંસ્કારિતા છે. પૈસો ભરપૂર કમાવો જોઈએ, પણ સાથે એના થકી કોઈની મદદ કરીને કે કશુંક શ્રેષ્ઠ કામ કરીને ભરોસો પણ કમાવો જોઈએ. નીતિ કોઈ નકામી બાબત નથી. આયખાના અંતે એના થકી જ અજાણ્યા પણ યાદ કરતા હોય છે !
***
સુરતમાં નૈતિકતાને જાળવીને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સનું સામ્રાજ્ય ઉભું કરનાર સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા (ગોવિંદકાકા) કાયમ એક મૂલ્યવાન ગીતાબોધ કહેતા હોય કે 'સંપત્તિ અને સંતતિ (સંતાનો) માટે પ્રયત્ન કરવો પણ પાપ ના કરવું !' એવી રીતે મૂલ્યો જાળવીને એમણે એમના સદગત માતા સંતોકબાના નામનો એવોર્ડ હવે સ્વર્ગસ્થ નહિ પણ હૃદયસ્થ એવા રતન તાતાને આપેલો. એરપોર્ટ સિવાય કદી સુરત ના આવેલા રતન તાતા એમના સંયુક્ત પરિવારને મળવા ને જમવા ખાસ સુરતના મહેમાન બન્યા. ત્યારે એમના સ્ટેટ્સ અને સુરક્ષાને ધ્યાનમાં લઇ એરપોર્ટમાં ચાર્ટડ પ્લેનમાં આવેલા રતન તાતાને લેવા ખાસ પરમિશન લઈને ફ્લાઈટ સુધી કાર મોકલવામાં આવી. હૂંફાળો સમય ગાળીને રતન તાતા પાછા ફર્યા ત્યારે એ જ વ્યવસ્થા હતી, પણ આ વખતે એમણે કારમાં સીધા પ્લેન સુધી જવાની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ લેવાનો ઇનકાર કરીને કહ્યું કે 'હું એક સામાન્ય નાગરિકની જેમ સિક્યોરિટી ચેક કરાવીને જવા માંગું છું. જેથી બીજાઓ પણ દેશના કાયદાનું પાલન કરવાની બાબતમાં વીઆઈપી હોવાનો રોફ ના રાખે !'
ધેટ્સ રતન તાતા. ઇનફેક્ટ, તાતા ફેમિલી કલ્ચર. એમની જોડે ગાઢ આત્મીયતા ધરાવતા અને સાથે કામ કરી ચૂકેલા સોશ્યલાઈટ સુહેલ શેઠે પણ એ જ લખ્યું છે એમની અંજલિમાં કે, તાતાની ડિગ્નિટી અને ખાનદાની ગર્ભશ્રીમંત હોવા છતાં શરમાળ સરળ વિનમ્રતા એ બાબતો છે કે જે એમના પૈસા કરતા એમને વધુ પ્રતિષ્ઠા અપાવે છે.
ફાઈટર જેટ પણ ઉડાડી શકતા રતન તાતાને ધરતી સાથે જોડાયેલા રહેવાની તાલીમ નાની વયે માતાપિતાના છૂટાછેડા અને બેઉના અન્યો સાથેના લગ્ન અને સંતાનો બાદ એમને ઉછેરેલા એ જાજરમાન દાદીએ આપેલી. એમના પિતા નવલ તાતા આમે દત્તક લેવાયા હતા. એટલે વાત લોહીના કે કૂળના સંસ્કાર કરતા સંસ્કારઘડતરના શિક્ષણની અહીં વધુ છે. દાદીએ જ સમજાવ્યું કે ઉગ્ર ના થવું પણ યુવાન ઉંમરે પોતાના બધા જ સપના સમર્પિત કરી દેવા એટલા ઢીલા પણ ના થવું મક્કમ થઈને સાચું લાગે એ માટે બાપને પણ કહેવું. એમ જ એ અમેરિકામાં ભણીને આર્કિટેક્ટ થયા ને ત્યાં જ સ્થાયી થવા માંગતા હતા, પણ દાદીની તબિયત બગડતા પરત આવ્યા.
એ સમયે એમની ચાઈનીઝ ગર્લફ્રેન્ડ હતી. લગ્ન ઓલમોસ્ટ નક્કી હતા. પણ ત્યારે ભારત ચીન યુદ્ધનો માહોલ હતો ૧૯૬૨માં ને એ છોકરીના માતાપિતાએ એને ભારત મોકલવાની મંજુરી ના આપી. એક લવસ્ટોરીનો ફિલ્મી ઢબે અન્ય કાબૂ બહારની સ્થિતિને લીધે અકાળે અંત આવ્યો. સિમી ગરેવાલ સાથેના પ્રેમને પણ લગ્નની પાંખો ના ફૂટી. ચારેક વખત એવું બન્યું કે પ્રેમ થયો પણ અંતે રતન તાતા સિંગલ રહ્યા. મોટી ઉંમરે એક સારા મિત્ર તરીકે પરણીને ઠરીઠામ થયેલી ચાઈનીઝ પ્રેયસીના સંપર્કમાં પણ રહ્યા અને સિમીએ તો ઇન્ટરવ્યુ લીધો એમ અંજલિ પણ આપી છે. કદાચ એકલા રહ્યા એમાં સાંસારિક જવાબદારીઓથી મુક્ત હોઈને વધુ સમય કામકાજ અને કલ્યાણકાર્યોમાં ફાળવી શક્યા.
રતન તાતા પારસીઓના પ્રમાણમાં નાની ઉંમરે તાતા સામ્રાજ્યના સર્વેસર્વા થયા પછી ઘણા પડકારો હતા. તાતાની વિવિધ કંપનીઓના જામી ગયેલા સફળ સંચાલકો કોઈને ગાંઠતા નહોતા. આવા ક્ષત્રપ કહેવાતા સિનિયર માંધાતાઓ રૂસી મોદી, દરબારી શેઠ, અજીત કેલકર વગેરેને હટાવીને એમણે પોતાની પક્કડ જમાવી. તાતા ગુ્રપને એક બ્લુ લોગો નીચે એક કર્યું. જે.આર.ડી. તાતાના હાથ નેહરૂવિયન સમાજવાદી અર્થતંત્રમાં કાયમ બંધાયેલા રહ્યા. સરકારને ખુદ જ ઇન્ડસ્ટ્રીઝ ચલાવવી હતી, એમાં ઉદ્યોગપતિઓની પાંખો કપાઈ ગઈ. ટેક્સના ચક્કર અને લાયસન્સ પરમિટ રાજની કરપ્ટ બ્યુરોક્રસી ! સદનસીબે રતન તાતાની એન્ટ્રી સમયે ૧૯૯૧માં જ નરસિંહરાવે ભારતમાં ઇકોનોમિક લિબરાઈઝેશન શરુ કર્યું. રતન તાતાએ એનો એવો લાભ લીધો કે તાતાની અબજો અબજો કૂદાવતી આવક ૪૧ ગણી વધી ગઈ. જેમાં હાથીફાળો આજે પણ કમાઉ દીકરા જેવી સોફ્ટવેરની ટીસીએસ
કંપનીનો છે. આજે વિદેશથી બે તૃતિયાંશ આવક આવે છે તાતા થકી.
એટલી જ ચેરિટી ચાલે છે. તાતાની કેન્સર રિસર્ચ જેવી હોસ્પિટલ તો સુખ્યાત છે જ, પણ રતન તાતાએ ઢળતી જિંદગીએ મુંબઈના મહાલક્ષ્મી જેવા એરિયામાં સ્મોલ એનિમલ હોસ્પિટલ કૂતરાં માટેના પ્રેમવશ મળેલા યુવા મિત્ર શાંતનુની સાથે રહીં ૧૬૫ કરોડના ખર્ચે ખોલી. તાતા કરે છે એટલી ચેરિટી ના કરતા હોત તો ભારતમાં નંબર વન અબજપતિ એ લોકો હોત. પણ કમાવા સાથે દાન આપવામાં પણ એ આગળ રહ્યા. નવા નવા સ્ટાર્ટ અપ્સમાં પણ રસ. ગુડફેલોઝમાં વડીલોનું ધ્યાન રાખતા યુવાઓની રોજગારી શરુ કરાવી.
ભલે તાતા નેનો ફ્લોપ શો થઇ પણ એ કેચ બંગાળથી ઝડપીને નરેન્દ્ર મોદીને વાયબ્રન્ટ ગુજરાત હિટ કર્યું. એક કુબેરપતિને એવી ચિંતા થાય વરસાદમાં સ્કૂટર પર ભીંજાતા સામાન્ય માણસો જોઇને કે એમને પોતાની કારમાં ક્યારે બેસવા મળશે ? આ કોઈ નેનો વાત નથી. મેગા ડ્રીમ હતું એ. અને એમણે સોશ્યલ નેટવર્ક પોસ્ટ ના લખી, સાચે જ કાર બનાવીને મૂકી. હા બિલ્ડ ક્વોલિટી ને રોંગ માર્કેટિંગ ગરીબોની કાર જેવું થયું ને પ્રોજેક્ટ ઠપ્પ થયો. ડોકોમોથી મોબાઈલમાં મળી એમ હાર હતી, પણ એ ભૂલી જાય છે ઘણા કે ભારતની પહેલી સંપૂર્ણ સ્વદેશી કાર પણ રતન તાતાનું સાકાર થયેલું સપનું હતી ઃ તાતા ઇન્ડિકા !
રતન તાતા માટે અદ્ભુત અંજલિ આમ તો અમુક અંશે હરીફ કહેવાય એવા મુકેશ અંબાણીએ આપી છે. એમણે સુંદર ભાવસભર અંજલિમાં એક વાક્ય લખ્યું કે 'તમે દુનિયાનું શ્રેષ્ઠ ભારતમાં લઇ આવ્યા અને ભારતનું બેસ્ટ દુનિયામાં લઇ ગયા !' વાહ, પરફેક્ટ. ભલે થોડી ખોટ ગઈ પણ બિલ ફોર્ડે ૧૯૯૯માં કરેલા અપમાનનો બદલો લેન્ડ રોવર ને જેગુઆર જેવી પ્રિમીયમ બ્રાંડ લઈને રતન તાતાએ ચૂપચાપ લીધો. દેવુ જેવી સાઉથ કોરિયાની કંપની અને કોરસ ટેટલી ટી જેવી બ્રિટીશ કંપની હસ્તગત કરી. આવી તો કુલ સાઠ જેટલી વિદેશી કંપની તાતા પાસે આજે છે. જેને લીધે ઇન્ટરનેશનલી ભારતનું નામ તો થયું જ છે. હાર્વડ જેવી યુનિવર્સીટીમાં તાતા હોલ બનાવ્યો એમણે.
એક જાણીતી થયેલી દંતકથા છે કે પોતાના એક પ્લાન્ટમાં રતન તાતા ગયા અને ત્યાં સામાન્ય કર્મચારીઓના ટોયલેટસ સરખા સાફ થતા ના હોવાનું ફરિયાદો બાદ નિરીક્ષણ કરીને એમણે એક પ્રયોગ કર્યો. એકઝીકયુટીવના ટોયલેટનું બોર્ડ ત્યાં લગાવી દીધું. આપોઆપ સુધારો થઇ ગયો ! તાજ હોટલ પરના જેહાદી ત્રાસવાદી હુમલામાં તાતાએ કેળવેલા કર્મચારીઓની ગુણવત્તા લોકોએ જોઈ, જેમણે જીવ આપી દીધો. અને પછી માલિક તરીકે તાતાની કવોલિટી જોઈ જેમાં એમણે હોટલ રિનોવેટ કરી એટલું જ નહિ, દરેક કર્મચારીના પરિવારના વળતર અને એમના સંતાનોને શિક્ષણ એ બધું ધ્યાન રાખ્યું. પ્રીતિશ નાંદીને આપેલી મુલાકાતમાં રતન તાતાએ કહેલું કે ભારતમાં નાની નાની ધંધાકીય બાબતોમાં સરકારી દખલગીરી દૂર થાય તો ભારત જગતમાં નામ કાઢી શકે એમ છે બિઝનેસમાં. એમાં એમણે એ પણ કહ્યું કે એ ફિલ્મો જુએ છે પણ ઘેર બેઠા. સ્પોર્ટ્સ જોવું એમને ગમે, પણ કોણ રમે છે એ જાણવાની ફિકર ના કરે રમતનો આનંદ લે.
રતન તાતાના ઘણા ક્વોટસ એવા પોપ્યુલર થયા કે એ બોલ્યા ના હોય એવી વાતો પણ વોટ્સએપમાં એમના નામે ફરતી થઇ. એ ઘણી વાર ખુલાસા મુકતા. સોશ્યલ નેટવર્ક પર એમનું તગડું ફોલોઈંગ હતું. બસ, એક સાયરસ મિસ્ત્રી જેવા પોતે જ પસંદ કરેલા વારસદાર સાથે એવી ખટાશ આવી કે એના અકાળ મૃત્યુમાં પણ એમણે મૌન રાખેલું. પણ પછી એન. ચંદ્રશેખર જેવા બિનપારસીના હાથમાં મેનેજમેન્ટનો કમાંડ આપવાની પહેલ પણ કરી. વર્ક લાઈફ બેલેન્સ ને બદલે વર્ક લાઈફ ઇન્ટીગ્રેેશન જેવી વાત એમણે જીવી બતાવી ને અંતે પહેલા ચાલ લથડી અને પછી પ્રાણ !
તાતા કંપનીઓમાં હવે નવો અધ્યાય શરુ થશે. આપણે તો ઉભરામાં જીવતી પ્રજા. તાતાએ પોતાની જ ગણાય એવી એર ઇન્ડિયા લઇ એમાં તુર્કીશ મુસ્લિમ સીઈઓ રાખ્યા કે તનિષ્કની એડમાં હિદુ મુસ્લિમ પ્રેમ લગ્ન બતાવ્યા એમાં તો તોફાને ચડી ગયેલા સંકુચિત રૂઢિચુસ્ત ટોળા હમણાં ! સારું છે તાજ નામ રાખવા માટે કે એમાં હુસેનના ચિત્રો રાખવા માટે હોહા નથી કરતા. રતન તાતા મોડર્ન માઈન્ડસેટના માણસ હતા. ડિવોર્સ કે ફેશન બાબતે એમના વિચારો ખુલ્લા હતા. અનુસરણ તો આ બાબતોમાં પણ થવું જોઈએ. પણ ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ થયા ત્યારે રમૂજમાં રિયા જૈન નામની છોકરીએ એમને 'કોન્ગ્રેચ્યુલેશન્સ છોટુ' એમ લખ્યું ! બધા એને ટ્રોલ કરતા હતા ત્યારે રતન તાતાએ હસીને લખ્યું ઃ આપણા બધાના દિલમાં એક બાળક જીવે છે. મને તો ગમ્યું.
આટલું શીખીએ તો ય ઘણું !
ઝિંગ થિંગ
'તમે એકલા ચાલશો તો ઝડપથી ચાલી શકશો, પણ બધાની ભેગા ચાલશો તો દૂર સુધી ચાલી શકશો.' (રતન તાતા)