ઓલિમ્પિક 2024 ખેલ 'ચેમ્પિયન' જ નહિ, હ્યુમન બનાવે છે!
- અનાવૃત-જય વસાવડા
- ઈઝી નથી વર્લ્ડ લેવલે રમીને જીતી બતાવવું એ ! એટલે જ એનું અદકેરું મૂલ્ય છે. પણ એ માટે મહેનત કરવી પડે છે, કશુંક છોડવું પડે છે. લડવું પડે છે. જાત સાથે, જગત સાથે
ફ્રા ન્સમાં પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની દરમિયાન ઇટાલીના ખેલાડી જીઆનમાર્કો તમ્બેરીની વેડિંગ રિંગ ગંદકી માટે સફાઈ છતાં બદનામ એવી સીન નદીમાં પડી ગઈ. નદીના તળિયેથી વીંટી શોધવાના અસંભવ કામને બદલે ફૂટડા યુવાન તમ્બેરીએ પોતાની સોહામણી પત્નીને એક રોમેન્ટિક મેસેજ જાહેરમાં લખ્યો. 'મારી લગ્નની વીંટી પ્રેમનગરિયા પેરિસની સરિતાપથારી પર સૂતી છે ! જો તારી મરજી હોય તો તારી વીંટી પણ એમાં ઘા કરીને ફેંકી દઉં, ભલે એ બંને વીંટીઓ ત્યાં સજોડે પડી રહેતી. ને આપણે તું કહે છે એમ ફરીને એકમેકના બનવાના કોલ આપીને કસમો ખાઈએ, ફરી ફરીને એકબીજાને પરણીએ (જેથી નવી વીંટીઓનું આદાનપ્રદાન થાય !)'
હાઉ સ્વીટ ! સતત સ્પર્ધાના વાતાવરણમાં, વહેતા પસીના, તંગ થતી નસો અને કઠોર પરિશ્રમના મજબૂત માહોલ વચ્ચે કેવી કોમળ કોમળ વાત છે આ ! જાણે ભરતીના ઉછળતા દરિયાઈ મોજાં પર ફરતું કોઈ નાજૂકનમણું મોરપીંછ !
ક્યાં એકબાજુ અલ્જીરિયાનો પેલો બાઘડો ભાયડો ઇમાન ખલીફ, જે સાવ ખોટા દાવા કરીને મહિલાઓના વિભાગમાં બોક્સિંગ જીતી ગયો ! ઇન્ટરનેશનલ લેવલના લલ્લુ લલવાઓ એના સ્ત્રી તરીકેના ઉછેરની વાતો કરીને એ હડફાનો બચાવ કરતા હતા, પણ વાસ્તવ એ છે કે બીજી બધી દલીલો તો બાલ કી ખાલ ખેંચવા જેવી છે. પણ પાઘડીનો વળ છેડે એ કે એ 'ધરાર મહિલા'ને ગર્ભાશય જ નથી ! સ્ત્રી હોવાની મૂળભૂત ઓળખનો જ આ વૈજ્ઞાાનિક ભંગ છે, જેમાં માત્ર અલગ દેખાવનો અન્યાય એવો પોઇન્ટ નથી. સ્ત્રીત્વની સાહજીક પ્રાકૃતિક રચનાનો જ રોકડો અભાવ છે ! છતાં એને વળી રમવાને જીતવા દેવાઈ, પણ વેઇટ કેટેગરીમાં માત્ર ૧૦૦ ગ્રામ ખાતર (માથે ટકો કરાવે તો પણ મેનેજ થાય એવા વજનવધારાને લીધે) આપણી વીનેશ ફોગાટ આ લખાય છે ત્યારે હકનો સિલ્વર મેડલ મેળવવા કોર્ટે ચડી છે ! આંધળા જડસુ નિયમો તે આનું નામ ! ચાલો, માન્યું વેઇટ કેટેગરી મુજબ ડિસ્ક્વોલીફાય થાય એ રૂલ બધાને લાગુ પડે. પણ એટલે આગલા ધમાકેદાર પરફોર્મન્સના બદલામાં સમૂળગો કોઈ મેડલ જ ના મળે એ કેવું !
વીનેશ માત્ર મેડલની જ હકદાર નથી. પેલા બાહુબલી 'બ્રિજ દૂખણ' જેને નફ્ફટાઇથી છાવરવામાં આવે છે, પોલીસની બાકાયદા ચાર્જશીટ છતાં એના મિત્રને કુસ્તીઅંધ અને પુત્રને સાંસદપદ આપવામાં આવે છે, એના ગોબરા ગુમાનને પણ એણે ધૂળચાટતું કર્યું છે. નેતાઓ અને એના દેશ માટે કોમેન્ટકકળાટ સિવાય કશું ન કરી શક્તા ફોલ્ડરોને એવું હોય છે કે જે થાય એ આપણી 'મહેરબાની'થી છે, 'મહેનત'થી નહિ ? ખેલાડીઓ પાછળ ભારતે કરેલા ખર્ચના દાખલા ગાઈવગાડીને અપાય છે, પણ મેડલ તો ઓલમોસ્ટ એટલા ગાજાવાજા વિના પણ ૨૦૧૨માં આવ્યા એની આસપાસ જ આવ્યા છે. કોઈ ખર્ચ વિના, ભાલો પણ લેવાના પૈસા નહોતા એવો નદીમ ગોલ્ડ જીતી ગયો પાકિસ્તાન માટે અને આપણે માત્ર લગ્નસરાને ધર્મસ્થાનકોનાં સોનાનો ઢગલો કરતા ગોલ્ડ મેડલ તરસતા રહી ગયા ! ટ્રેક એન્ડ ફિલ્ડના સરટોચના ધુરંધરો પેદા કરવાને હજુ વાર છે આપણે ત્યાં !
કારણ કે, વીનેશને હજુ કંગના જેવા સાંસદો એવું કહી જાય છે કે એનો રમવા (આટલી ડિઝર્વિંગ ટેલન્ટ અને પ્રચંડ પરફોર્મન્સ છતાં) મોકલી એ જ ઉપકાર હતો ! આપણે ઉઠેલપાતિયા ઉઠિયાણ ઉલ્લુના પઠ્ઠા પક્ષભગત ટ્રોલિયાને દેશપ્રેમી માનીએ અને દેશ માટે પરસેવો પાડી તિરંગાની શાન ઉંચી રાખતા ખેલાડીઓ માત્ર આપણને ગમતું ના બોલે, અને અન્યાય સામે અવાજ ઉઠાવે એટલે દેશદ્રોહી માનીએ તો મેડલ ટેલીમાં ચીન-અમેરિકા જેવી મહાસત્તા બનાવે હજુ વાર છે ! જે મનુ ભાકર આ વખતે બે મેડલ જીતનારી આજદિન સુધીની એકમાત્ર ભારતીય મહિલા તરીકે ઓલમ્પિકમાં ઈતિહાસ સર્જી ગઈ, એણે હરિયાણા સરકારે જાહેર કરેલું ઈનામ મળ્યું નહોતું ત્યારે એને 'જુમલા' કહીને સાચો સવાલ ઉઠાવેલો ત્યારે બટકબોલા ને ઘડીઘડી ભારતીય સંસ્કૃતિની દૂહાઈ દેતા પેલા મંત્રી અનિલ વિજે એનું અપમાન કરી નાખેલું. મનુ તો એની પ્રતિભાના જોરે તમાચો લાગે અવાજ વગર એમ આગળ નીકળી ને ગયે વખતે ના ફૂટેલી પિસ્તોલનું એણે વટક વાળ્યું. પણ સત્તાધીશોની તમારી તૈયારીઓ કચડી નાખે એનું શું ?
એટલે જ એક તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર લઘુમતી તરીકે ટોળાઓ ઝનૂની બનીને અત્યાચાર કરે એ સમાચાર આવતા હોય તે બીજી તરફ કોર્ટ લાલ આંખ કરે ત્યાં સુધી નફરતના હાડોહાડ મેસેજીસનું ઝેર ફોરવર્ડ થતું હોય ત્યારે નીરજ ચોપરા અને નદીમ અશરફની ભારતીય અને પાકિસ્તાની બે માવડીઓએ માણસાઈથી દિલ જીતી લીધું ! બેઉએ જીતેલા પ્રતિસ્પર્ધી દેશના હરીફને પણ પોતાનો દીકરો ગણાવ્યો, એની સફળતા માટે દુઆ કરી, આશીર્વાદ આપ્યા !
બસ, રમત આપણને આવી ખેલદિલ, ખાનદાન અને ખુશમિજાજ મનુષ્ય બનાવે એના માટે છે ! આવા માતા-પિતા જ ચેમ્પિયન સંતાનો ઘડી શકે ! અમન સહરાવત જેવા આપણા કુસ્તીબાજના તો મા-બાપ જ રમતવીર એ બંને એ અગાઉ જ એ દસ-અગિયાર વર્ષનો હતો ત્યારે ગુજરી ગયા. પણ એમણે ચીંધેલા રસ્તે આગળ વધી નાની ઉંમરે દીકરાએ દેશની સાથે એમનું નામ રોશન કરી એમને અમર જ નહિ, જાણીતા બનાવી દીધા ! અમને રૂમમાં એક ગોલ્ડ મેડલની તસવીર ટાંગીને સેલ્ફ મોટીવેશન માટે એટલું જ લખેલું કે, ''આસાન હોત તો કોઈ પણ કરી લેત !'' જેબ્બાત ! ઈઝી નથી વર્લ્ડ લેવલે રમીને જીતી બતાવવું એ ! એટલે જ એનું અદકેરું મૂલ્ય છે. પણ એ માટે મહેનત કરવી પડે છે, કશુંક છોડવું પડે છે. લડવું પડે છે. જાત સાથે, જગત સાથે. નીરજને સાથળના મૂળ પાસે સ્નાયુની સમસ્યા હતી, એનો ૯૦ મીટરનો રેકોર્ડ કદી નહોતો. પણ ઓવરઓલ એનો ટ્રેક રેકોર્ડ એટલો ઉજ્જ્વળ છે કે એનો સિલ્વર પણ આપણને ફિક્કો લાગે છે ! આને કહેવાય દુનિયા દંગ થાય એમ જીવી બતાવ્યું ! અડધી સદી બાદ આપણી હોકી ટીમ નવા કોચ તળે જેમ ઝળકી છે, ને જરાકમાં ફાઇનલ ગુમાવ્યો તો પણ નિવૃત્ત થતા શ્રીજેશ અને હરમતપ્રીતે બ્રોન્ઝ વધુ એકવાર અપાવી એક સમયે આપણી સામે કોઈ ગોલ ના કરતા, ને અંગ્રેજો પોતાના ગુલામ દેશથી હારવું ન પડે એ માટે રમવા ના ઉતરતા એ ઈતિહાસની યાદ દેવડાવી ! મોટાભાગના ખેલાડીઓ શીખ છે. વડાપ્રધાને વીનેશને સંદેશ પાઠવ્યો. નીરજની માતાના ભાર દઈને વખાણ કર્યા, મનુ કે શ્રીજેશ કે અમન વગેરેને પોખ્યા, મીરાંબાઈ જેવાઓને આશ્વાસન આપ્યું, પણ એમાંથી ધડો લેવાને બદલે જેમની રમત જ ટાંટિયાખેંચ છે, એવા નવરીબજાર નમૂનાઓ તો રાજકારણની રમત જ રમ્યા કરશે !
પણ આ ઓલિમ્પિકમાં સિમોન બાઈલ્સ ને જોર્ડન ચાઈલ્સ જેવી ધરખમ એથ્લીટસ જીમ્નાસ્ટિક ફાઇનલ બાદ બ્રાઝિલની રેબેકા આન્ટ્રેદ સામે ઝૂકીને એના વિજયને કોઈ ખટરાગ કે જલન વિના વધાવ્યો. એથ્લેટ મહાન છે, પણ માણસ તરીકે મહાન નીવડયા. બિચારી પેલી પેરાગ્વેની લુઆના અલાંસો જેવી રૂપકડી જળપરી હુસ્નને લીધે બીજાનું ધ્યાનભંગ કરે છે, કહીને આઝાદમિજાજ બદલ એના ફેડરેશને કાઢી મૂકી અને જર્મનીની એલિસિયા રિમડટ સુપરહોટ ફિમેલ ગણાઈ હોવા છતાં જીતી ના શકી રમત પણ દિલ વિશ્વભરના પોતાના ટનબંધ કામણથી જીતી લીધા. એવી જ જોબનવંતી કેનેડાની એલિશા ન્યુમેન અને બ્રિટનની મૌલી કોડ્રી પણ હતી. હોવી જ જોઈએ. સર્જનહારે સૃષ્ટિ ચલાવવા સ્ત્રી અને પુરૂષ બનાવ્યા છે. ને રમતગમતથી સુદ્રઢ સુડોળ શરીરો આકર્ષણ જન્માવવા માટે છે. વચ્ચેના નવી નવાઈના નાન્યતરો જે ફૂટી નીકળ્યા છે આજકાલ એમનો હક માંગવા હુક્કા ગગડાવતા એ તો ચાંપલાચિબાવલા આજના જમાનાની નવરાશની પેદાશ છે. ગ્લેમર નથી, તો ગેલ નથી ખેલમાં ! તારા ડેવિસ વુડહોલ ને હન્ટર વુડહોલ જેવા ઓલિમ્પિયન કપલે એકમેકને જે રીતે વળગીને ચૂમી લીધા - એ જાહેર પ્રેમ પ્રદર્શન પણ માણસાઈના દીવા પ્રગટાવતું હતું. પેલી સ્પેન સામે આખું શરીર ઢાંકી હિજાબમાં બીચ વોલિબોલ રમતી ઈજીપ્તની કન્યાઓની સંકુચિતતા સામેનો જવાબ જ આ ઉન્માદી મુક્તતા છે ! બીચ વોલીબોલ કંઈ દેહ ઢાંકીને રમવાની રમત નથી. આધુનિક સ્વતંત્રતાની ચોઈસના નામે આવી દકિયાનૂસી જૂનવાણી જડતાની રૂઢિચુસ્તતાના પોલાપોપટા બચાવ ના હોય. ધરમનું કામ શું શરમ લાવવા સિવાય બીજા મૂલ્યો શીખવાડવાનું છે જ નહિ ? પોતાની પસંદ એક વાત છે, ને રમતના ધારાધોરણ બીજી. ધાર્મિક માન્યતાથી કન્ડિશન્ડ ચિત્ત ચોઈસની વાત કરે એ પણ જોક લાગે છે !
ખેર, જમાનો ક્યારેક ઓછો કોમ્પિલકેટેડ હતો, એ વધુ ચાર્મિંગ હતો એવું લાગે. આ વખતે જે દિલધડક રહી એ ગ્રેટેસ્ટ ગણાતી ૧૦૦ મીટરની દોડમાં વિજેતા નોઆહ લાઈલ્સ અને બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૨૪માં એમાં જ ગોલ્ડ જીતનારા હેરોલ્ડ અબ્રાહમ્સ વચ્ચે તફાવત કેટલો હતો ? ૦.૮૧ સેકન્ડસ ફક્ત ! એટલે પૂરી એક સેકન્ડ પણ નહિ ! બોલો, આટલું મેડિકલ સાયન્સ, કોમ્પ્યુટરાઈઝ્ડ ગણતરી, પ્રોફેશનલ કોચિંગ, અવનવા શૂઝ ને આઉટફિટસ ને વેઈટ મેનેજમેન્ટ ને ટ્રેનિંગ બધા પછી ક્ષમતામાં પૂરી એક સેકન્ડનો ફરક ના પડયો, જે આ બધા વિના પણ મેળવી શકાતી હતી !
એટલે જ પેરિસ ઓલિમ્પિકનો ફોરએવર હીરો તો કોઈ ગીઅર વિના, ચશ્મા ચડાવી, ચડ્ડીમાં એક હાથ નાખી ઠંડા કલેજે શૂટિંગમાં સિલ્વર લઈ જનાર યુસુફ દિક્કે છે. નેચરલ, કલીઅર, સ્ટ્રેઈટ એન્ડ કોન્ફિડન્ટ. ધેટસ પાવર ઓફ ચેમ્પિયન હયુમન !
ઝિંગ થિંગ
''જે લડે છે, એ હારી શકે છે, જે લડતો નથી, એ તો ઓલરેડી હારેલો જ હોય છે !'' (બર્તોલ્ત બ્રેખ્ત)