ટ્રમ્પવિજયમાં મોટો પરાજય તો પાપપુણ્યના નામે માણસને બીવડાવતા ધાર્મિક ધંધાદારીઓનો છે!
- અનાવૃત-જય વસાવડા
- ટ્રમ્પના 18 વર્ષના દીકરા બેરને પપ્પાને ઇલેક્શન માટે પોડકાસ્ટ મેનેજ કરી આપેલા ને એટલું જ કહેલું કે 'જેવા છો એવા દેખાવ, દિલમાં હોય એ બોલો. નવી પેઢીને એ જ ગમશે.'
બુ ધો બારકસ ભારે તોફાની ભટુરિયો હતો. એના ઘરના કે શેરીના જ લોકો નહિ, ગામ આખું એના તોફાનોથી ત્રાસી ગયું હતું. એ ભણવા જાય ત્યાં પણ પગ વાળીને બેસતો નહિ. એને વળી શાળાએ જવાની બહુ મજા આવતી, કારણ કે પોતાની ધમાલ માટે એને ત્યાં નવા-નવા પાત્રો અને અવનવા મોરચાઓ મળતા.
ગામની નજીક બાબા ખખડધજાનંદજીનો આશ્રમ હતો. બાબા પૃથ્વી પરના દરેક પરોપજીવી ધઘૂપપૂ (ધર્મઘુરંધર પરમપૂજ્યશ્રી યુ નો !)ની માફક ભક્તાણી 'બૈરાં' (એમ જ)ઓમાં ખાસ્સા લોકપ્રિય હતા. બુધા બારકસની મા કાળી મજૂરીના પૈસા આરતીમાં ચડાવી દેતી વખતે વિચારતી, અકોણાઈ અને આડોડાઇથી ભરેલા બુધાને થોડા સંસ્કાર આપવા માટે ખખડધજાનંદજીની મદદ લઇએ તો કેવું ? બાપજી તો જ્ઞાનનો ભંડાર છે, પ્રકાશનું પડીકું છે. આવા ચમત્કારિક મહાપુરુષ તો બુધાની સામે નજર કરે ત્યાં બુધો સંસ્કારસાગરમાં હિલોળા લેવા લાગે !
એક સવારે બુધાની માએ નક્કી કર્યું કે આજે તો બુધાને બાબા પાસે એમનું પ્રવચન પુરૃં થયા પછી એકાંતમાં મોકલવો. જેમ તેમ કરીને ધોલ-ધપાટની બીકે બુધાને તૈયાર કર્યો. મોટા સંતપુરૂષ નાના બાળકને તો શું ખીજાશે, એમ માનીને બુધાને આશ્રમમાં બાબાના ભવ્ય નિવાસના દરવાજે મૂકી. ઢગલો એક વિનયવિવેકની શિખામણ આપીને વિદાય થઇ ગઈ.
બુધો આ નવતર વાતાવરણમાં મૂંઝાઈને ઊભો રહ્યો. એના સંસારી ઘર કરતા આ સંસારત્યાગીની કુટિર વઘુ વૈભવી હતી. થોડી વાર ડાહ્યાડમરા બનીને ઉભા રહ્યા પછી બુધાના મનમાં સળવળાટ થયો. એણે જોયું તો બધા દરવાજા બંધ હતા. એટલે બુધો ઠેકડો મારીને સીડીના પગથિયે પહોંચ્યો. વાનરની જેમ ચપળતાથી દીવાલની ધાર પર ચડી ગયો અને ખિસકોલીની અદામાં બારીના સળિયા નીચેથી અંદર પેઠો !
ઉપરના માળેથી અંદર પ્રવેશીને બુધાએ આંખો નચાવી સફેદનારંગી રંગની દીવાલો સામે જોયું, શ્વેતગુલાબી પડદાઓને લહેરાતા જોયા. એ આગળ વઘ્યો. નીચે કશોક અવાજ આવતો હતો. ત્યાં અંધારું હતું. શું થઇ રહ્યું છે એ જોવા માટે બુધાએ ઉપરના લાકડાના મોભ પર ઉંધી આંટી મારીને ચામાચિડિયાની જેમ ડોકિયું કર્યું.
જોયું તો બાબા ખખડધજાનંદ એમની નવી એનઆરઆઈ સેવિકા રૂપારાની સાથે જીવનના તત્વચિંતનને બદલે નવા જીવનના સર્જનની કોઈ દિવ્ય પ્રક્રિયાની પૂર્વતૈયારીમાં હતા. બુધાને કશું સમજાયું નહિ. એણે તો બૂમ પાડી : 'બાબાજી, મને મારી માએ મારા પાપોની માફી માંગવા તમારી પાસે મોકલ્યો છે. કહ્યું છે કે બાપજીના પગ પકડ. એ તને સજા કરશે, પણ આશીર્વાદ આપી તારો ઉઘ્ધાર કરશે.'
ખખડધજાનંદ ચોંક્યા. માનસરોવરમાં ડૂબકી મારવાની હોય એટલી સ્ફૂર્તિથી ધોતી સંકેલતા એમણે ઠેકડો માર્યો. મોક્ષમાર્ગની ફ્લાઇટનો લાસ્ટ બોર્ડિંગ કોલ હોય, એટલી ઉતાવળથી રૂપારાની દોડતી ક્યાંક ગાયબ થઇ ગઇ. ગુસ્સા કરતાં મૂંઝવણ વઘુ એવી હાલતમાં બાબાએ બુધાને છણકો કરી પૂછ્યું 'શું છે તારે?'
થોડા કલાકો પછી ગામલોકોની આંખો અચરજથી પહોળી થઇ ગઈ. બાબા ખખડધજાનંદ સ્વયમ્ બુધાને ખભે બેસાડીને રસાલા સાથે નીકળ્યા હતા ! બુધાના હાથમાં વિદેશી ચોકલેટો હતી. બુધો પોતાની 'પરાક્રમો'ની વાતો કરતો હતો અને બાબા જાણે ખુદ ત્રિલોકેશ્વર કુંડલિની જાગૃતિનું જ્ઞાન આપતા હોય એવા રસથી એ હસી હસીને સાંભળતા હતા!
આ દ્રશ્ય નિહાળીને બુધા બારકસની મા બેભાન થઇ ગઈ !
***
એક મસ્ત અંગ્રેજી કટાક્ષકથામાં થોડો ફેરફાર કરીને આ લખ્યું છે. લોકોને આમ પણ ભજનના નામે ય ફિલ્મી ધુનોનું મનોરંજન જ જોઇએ છે ને ! મૂળ વાર્તામાં નટખટ સેતાન બાળક અને પાદરીની વાત હતી. પણ મુલ્લા હોય કે મહંત, સત્ય એનું યુનિવર્સલ છે. મસ્તી માટે કાઠિયાવાડી રૂપાંતર કરો તો પણ જે લોકો સમાચારો નિયમિત વાંચે એને તો આ કબૂલાત વિના તો તાજી મૌલિક લાગે એટલી સાચી ને સાંપ્રત છે.
પણ ફરીથી આની યાદ આવી કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ધાર્યા મુજબ જ થ્રી નોટ થ્રી બેઠકોની જંગી બહુમતી સાથે વિજય થયો. મતલબ કે બોલ બચ્ચન બનીને ઢીલાઢસ નીવડી મોંઘવારી અને રેફ્યુજી તથા ક્રાઈમનો કાળો કેર વર્તાવી ચુકેલા અને વાયડા વોકડા કલ્ચરવલ્ચરના ડાબેરીડોબાડબલા આગેવાનો સામે અમેરિકાએ દાંત કચકચાવીને ઝાટકણી કાઢી. પોતાની જાતને મોટા સત્યનિષ્ઠ ને તટસ્થ કહેવડાવતા લેફ્ટુડા લિબરલિયા મીડિયાએ જનમાનસને સમજવાનું તો દૂર પણ સ્વીકારવાનો ય ઇનકાર કરી તાબડતોબ કાણ માંડીને છાજિયાં લેવાના શરુ કર્યા. રાક્ષસ ને જોકર એમની માથે ધરાર ગોઠવાઈ ગયો હોય પાતાળમાંથી, એવો તકલાદી તાશીરો કર્યો. કહેવાતા મોટા ને ખોટા દંભીડાઓની આવી છે ડેમોક્રસીની લુચ્ચી વ્યાખ્યા. એમને ન્યાય અને અભિવ્યક્તિના ઓઠાં હેઠળ ધરાર કાજી થઇ જવું છે, પણ એમને માફક ના આવે એવી વાતો થાય કે તરત એમની ભિન્ન મતને સ્વીકારવાની લોકશાહીને પડીકું વાળી અભેરાઈએ ચડાવી દેતા હોય છે. જો કે ભારત હોય કે અમેરિકા હવે આવા સડેલ સેક્યુલરિયાવની નાગાઈ (એમ જ! ) ઉઘાડી પડી ગઈ છે એટલે જનતાનો મોટો વર્ગ એમને ભાવ નાખતો નથી.
પણ ટ્રમ્પના આવવાની જાગતિક (ગ્લોબલ યુ કનો?) રાજકારણ પર અસર પર તો બહુ બધું લખાઈ ગયું છે. લોકોએ ખૂણેખાંચરેથી અનુમાનો અને આંકડાઓ પ્રસિદ્ધ કરી લીધા છે. ટ્રમ્પના પહેલા શાસનકાળમાં અમેરિકન પ્રજા સુખી થયેલી. બેરોજગારી ઓછી હતી. ત્રાસવાદનો કડક સફાયો થયેલો. વિશ્વમાં ડર એવો હતો આ બ્રેક વગરના તોફાનનો કે એ ચાર વરસ દરમ્યાન ક્યાંય યુધ્ધો નહોતા. એને બોલવા લખવાના આધારે મૂલવતા લોકોને એણે ચીન અને જેહાદી ઇસ્લામિક ત્રાસવાદને અંકુશમાં લઈને આર્થિક બાબતે કરેલા વાસ્તવવાદી નિર્ણયોની કદર નહોતી.
એ સિવાય પણ ટ્રમ્પ જેવો ભારાડી બેઠો ના હોત તો મીટુ અને એલજીબીટીકયુના નામે રીડિયારમણ કરનારા ફાટીને ધુમાડે જાત અને આખી દુનિયાનું ખસીકરણ કરવાના જેન્ડર ન્યુટ્રલ તબલા આપણી માથે વગાડતા હોત. હમણાં ઓલો ભાયડાછાપ અલ્જીરીયન પુરુષ હોવા છતાં ચાંપલાચિબાવલાઓને જોરે ઓલિમ્પિકમાં મુક્કા મારી ગયો ને પછી કાયદેસર પુરવાર થયું કે એ ઔરતના સ્વાંગમાં ઘુસી ગયેલો મરદ છે, એવા ખપાટિયાઓના ખડધૂસ વાનરવકીલો કાળો કેર વર્તાવી ચૂક્યા હોત. સારું છે હજુ વિશ્વ પાસે ડોનાલ્ટ ટ્રમ્પ અને ઈલોન મસ્ક જેવા ધીંગા મરદો પાવરફૂલ પોઝિશનમાં છે. બાકી બજરડોશીઓ જેવા ફેમિનિસ્ટ ફોતરાં ઉડાઉડ કરતા હોત મગજની મેથી મારવા નવરા બેઠા !
એની વે, ધ્યાન તો આપણે એ ખેંચવું છે કે રિપ્બલિકન પાર્ટી ભલે રોમન કેથોલિક સમર્થક ઓર્થોડોક્સ ગણાય પણ એના ઉધ્ધારક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એના વિજયમાં હાથીફાળો આપનાર આપણા અંબાણી અદાણી બધાના રૂપિયા ભેગા કરો તો પણ એનાથ્યી ક્યાંય વધુ અમીર ઈલોન મસ્ક તો પોપની નજરમાં પાપી ઠરે એટલા બેફામ બિન્દાસ છે. જેમ ધર્મસ્થાનકોને કાળા નાણા સ્વીકારવાનો કોઈ છોછ આદર્શોના ડાયનોસોર સાઈઝના ઉપદેશો ઠોક્યા પછી હોતો નથી, એવું જ આ કિસ્સામાં છે. ધાર્મિકતાનો ઓટોગોટો વાળીને જીવનારાઓને આસ્થાવાનો સમર્થન આપે છે, રેશનલોના મુકાબલા માટે !
આ બહુ ઈન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, ધરમના ધંધા માટે મર્યાદાના પ્યાદાં બનાવી ડરનો વેપાર કરનારાઓને એક્સપોઝ કરતો !
***
'યે પાપ હૈ ક્યા, યે પુણ્ય હૈ ક્યા ? રીતો પે ધર્મ કી મહોરેં હૈ... હર યુગમેં બદલતે ધર્મો કો કૈસે આદર્શ બનાઓગે?... ઇસ લોક કો ભી અપના ના સકે, ઉસ લોકમેં ભી પછતાઓગે..' ભગવતીચરણ વર્માની યોગી કરતા ગણિકા પાસેથી વધુ સાચી સમજની વાત કરતી કૃતિ 'ચિત્રલેખા' પરની ફિલ્મમાં દાયકાઓ પહેલા સાહિર લુધિયાનવીએ આ અદ્ભુત સત્ય લખેલું ત્યારે ટ્રમ્પનો ભાગ્યોદય નહોતો થયો.
પણ ડોનાલ્ડ ટ્રમ્પની આખી લાઈફ જુઓ. આમ તો એના મમ્મી પણ ઇમિગ્રન્ટ હતા. યુએસએમાં રેડ ઇન્ડિયન આદિવાસી નેટીવ કહેવાય. બાકી બધા તો બીજેથી આવીને જ વસેલા છે. કોઈ વહેલા તો કોઈ મોડા. સર્વન્ટમાંથી એ જેને પરણ્યા એ ડોનાલ્ડના પિતા ધનકુબેર અને જમીનમકાનના શાહસોદાગર એટલે ડોનાલ્ડનો જન્મ ચાંદીના નહિ, હીરાના ચમચા સાથે દોમદોમ સાહ્યબીમાં થયો. એમાં પણ એણે ગ્રેજ્યુએશન કર્યું. ફિલ્મોમાં એક્ટિંગ કરી અને પુસ્તકો ય લખ્યા કે બીજા પાસે લખાવ્યા ! જવાનીની વડીલો જેને જોઈ નાકનું ટીચકું ચડાવી હાયહાય છી છી કરે એ તમામ રંગરેલિયા ટ્રમ્પે ચડતી જવાનીમાં કોઈ સંઘર્ષ વિના ભોગવી છે.
નિર્દોષ ઇવે ખાધેલા સફરજનથી મળેલા સહજ આનંદજ્ઞાનના સ્વીકારને બદલે વાસના વાસના કરીને જે સેક્સને ધર્મના ઠેકેદારોએ પાપ ઠસાવી દીધું ને અમુક રૂઢિચુસ્ત વડીલો ઉપકાર કરતા હોય એમ માત્ર સંતાન પેદા કરવા પુરતા જ સંબંધની છૂટ આપે બાકી બ્રહ્મચર્યના ગુણગાન ગાયા કરે, એવા તમામ અરસિક ડરપોક અને જૂઠાડા જડસુઓ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જીત કાનની બુટ લાલ થાય એવો રમકાવીને મારેલો તમાચો છે.
ટ્રમ્પે તો કેસ થયા, પુસ્તકો લખાયાં એવી વિલાસી જિંદગી જીવી છે. સેંકડો ગર્લફ્રેન્ડ્સ, પાર્ટીઓ, ત્રણ વખત લગ્નો પણ ફિલ્મની હીરોઈનને ટક્કર મારે એવી પોતાનાથી નાની ઉંમરની સુંદરીઓ સાથે. છતાં બાઇડન કરતા મોટી ઉમ્મરે તબિયત પણ લાલ ગલોલા જેવી છે, એવું મેડિકલ રિપોર્ટસ સરાજાહેર કહે છે. શરીરસંબંધોથી સ્વાસ્થ્ય બગડે એવી ભ્રામક માન્યતાઓનો આ છૂંદો છે. હા, એ કોઈ બળાત્કારી નથી. મોટે ભાગે યુવતીઓ સફળ અને વૈભવી જીવન જીવતા પુરુષો તરફ આકર્ષાય છે. ક્લિન્ટન સાથે પણ મોનિકાનું ચક્કર એમ જ ચાલેલું ને ! પછી પુરુષ પતંગિયું બનીને બાગમાં બીજે ઉડાઉડ કરે ત્યારે ફન ને બદલે ફરિયાદો અને આનંદ ને બદલે આક્ષેપો શરૂ થાય. સેલિબ્રિટી પૈસાદાર હોય તો આ એક ઇન્ડસ્ટ્રી છે. આવા આરોપમાં પાંચમાંથી ચાર ખોટા હોય છે એવું તો હમણાં એક પ્રતિષ્ઠિત ભારતીય ન્યાયાધીશે આંકડાઓ ટાંકીને કહેલું ! લાલચ ને જોરજબરદસ્તી કરતા આ અલગ ખેલ છે. એની વે, એના ચૂકાદા અદાલત પર છોડીએ. ટ્રમ્પ તો પોતાના નામનો કસિનો ચલાવતો અને પોતાના નામનો વોડકા લોન્ચ કરેલો એવો વ્યસનમાં પણ સોળ સોપારા ભણેલો પૂરો છે. ટેકસ ચોરીના આક્ષેપો ને નાદારીના કૌભાંડો કરેલા છે. પણ એ કહે છે કે આ તો બિઝનેસ છે, મે તો સિસ્ટમ
મુજબ બુદ્ધિ વાપરીને કાયદાનું રક્ષણ લીધું હતું. એ કોઈ ગુનો નથી.
હા, ટ્રમ્પના સંતાનો અલગ છે. વધુ મેચ્યોર્ડ લાગે. તોફાની બારકસની ઈમેજ ંટ્રમ્પને ફળી છે. એના હવે દુનિયા સામે આવેલા ને હજુ ન્યુયોર્કમાં ભણતા એવા ૬ ફિટ ૯ ઇંચ ઊંચા ૧૮ વર્ષના દીકરા બેરનની અમેરિકા ચર્ચા છે. જેને પપ્પાને ઇલેક્શન માટે પોડકાસ્ટ મેનેજ કરી આપેલા ને એટલું જ કહેલું કે 'જેવા છો એવા દેખાવ, દિલમાં હોય એ બોલો. નવી પેઢીને એ જ ગમશે.'
અને ધર્મ જેને વાઇસિઝ કહે એવા તમામ. ટિક બોક્સ ચેક કરેલા ટ્રમ્પને ઈશ્વર સજા કરવાને બદલે ઘડીના છઠ્ઠા ભાગમાં માથું ઘુમાવી સનનન છૂટેલી ગોળીમાંથી પણ આબાદ બચાવે છે ! ખુદ એ પોતે કહે છે ભગવાને મને મહાન કામ કરવા જીવતો રાખ્યો છે. કોઈની દૂઆ ગણો કે મા બાપના આશીર્વાદ પણ કડેધડે થઈ સોનાના બાથટબ ને પ્રાઇવેટ જેટ સુધીની સામાન્ય માણસ માટે આસમાની ગણાતી લક્ઝરી રમતા રમતા ભોગવી ચૂકેલો જીવ વિશ્વના સૌથી મોટા સુપરપાવરનો બબ્બે વાર પ્રેસિડેન્ટ બની પોપ્યુલર ફિગર તરીકે ઇતિહાસમાં નામ પણ નોંધાવી દે છે ! સમૃદ્ધિ, સૌંદર્ય, સત્તા, સ્વાસ્થ્ય, શાખ બધા સુખના પંચામૃત એના પર અભિષેક કરે છે ! અરે, આ બધાના ત્યાગના ભાષણો આપતા ભારતીય સાધુબાવા હોય કે પશ્ચિમી પાદરીઓ - બધા ટ્રમ્પની આગળ પાછળ ફરી એને મહેમાન તરીકે બોલાવે છે ! બુધા બારકસો હંમેશા ખખડધજાનંદોએ પોતાના પાપ છુપાવવા ઝૂકવું પડે છે !
અને ડફોળ ડરપોક લોકો ધર્મના નામે બીવડાવતા દુકાનદારોની વાતોમાં આવીને તદ્દન નીરસ જિંદગી જીવી રવાના થઈ જાય છે ! જાત્રા કરવા જતાં અકસ્માતમાં સ્વધામ પહોંચે છે. એકદમ આદર્શ જીવન જીવતા અચાનક બીમાર પડે છે કે બેકાર થઈ જાય છે ! ટ્રમ્પ જેવા જ રંગેલા ઇટાલીના સિલ્વિયો બર્લુસ્કોની પણ આજીવ આમ જ જલસાથી જીવ્યા ને ૮૬ વર્ષે ગયા, પ્લેબોય ના હ્યુ હેફનર પાર્ટીઓ ને પ્રેમિકાઓના ઢગલા ભોગવી ૯૧ વર્ષે ગયા ! એમ તો પુતિન ને મસ્ક પણ રંગીલા છે, છતાં કુશળ છે તો સફળ જ છે, ઉપરવાળા એમને છપ્પર ફાડીને આપે છે !
કદાચ, ઈશ્વર એના પર પ્રસન્ન વધુ થાય છે, જે એને ધરતી પર ભેટમાં મળેલા જીવનને માણી શકે છે ! જે ભોગવટો કરે છે સમયનો, કારણ વગરના ધરમ ધ્યાનના ફિતુરમાં સુખને ફેંકીને શરીર અને મનને કષ્ટ નથી આપતા. પણ દેહ મળ્યો છે તો મોજની મહેફીલ માણીને લાઇફનું સેલિબ્રેશન બેઝિઝક શરમાયા વિના કરે છે. જલનેવાલે જલા કરે, જલસા કરે એ બોરિંગ ભક્તિ કરીને જીવનારા કરતા પ્રભુને વધુ પ્યારા લાગે છે. કમ સે કમ એ યુટયુબના આવીને સંયમ ને ત્યાગના ભાષણો કરતા કે જન્નતના નામે પૃથ્વીને દોઝખ બનાવતા કે પરાણે મર્યાદાના પાલન કરાવતા ને ખુદ પ્રસિદ્ધિ ને પ્રભાવના ભૂખ્યા થઈ ફરતા બાબામુલ્લાપાદરીસ્વામીગુરુ વગેરે જેવા દંભી તો નથી ! ભારતે એક સમયે આવા જ શૃંગારિક અને શક્તિશાળી પૂર્ણ પુરુષોત્તમની કલ્પના કરેલી જગતની પહેલા પણ ભગવાનથી ભયભીત થઈ જીવતો બીકણ અભણ સમાજ એ મુક્તિમસ્તી જીરવી ના શક્યો !'
ઝિંગ થિંગ
'જે કોઈ બચપણથી ( સેકસવિરોધી) બ્રહ્મચર્યની આંધળી વકીલાત કરતા હોય એમની સામે એક જ સાદી દલીલ છે : એમના માતા પિતાએ એ પાળ્યું હોત તો એ પેદા જ ના થયા હોત !'
( સ્વ. તારક મહેતા )