સતત દુખી કરતી દુર્ઘટનાઓ સર્જતા ભ્રષ્ટ તંત્રથી છૂટકારો મેળવવો છે? તો છેક સુધી વાંચીને સમજો !

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સતત દુખી કરતી દુર્ઘટનાઓ સર્જતા ભ્રષ્ટ તંત્રથી છૂટકારો મેળવવો છે? તો છેક સુધી વાંચીને સમજો ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- કોમ્યુનિટીને આપણે સંકુચિત અર્થમાં લીધી. એટલે આપણે કલેક્ટીવ નેશનલ કેરેક્ટર બનાવી નથી શક્યા. ચારિત્ર્ય શબ્દને ખોટી રીતે આપણે માત્ર સેક્સ સમ્બન્ધો સાથે જોડી દીધો. ઓનેસ્ટી સાથે નહિ. 

સ્પે નથી આવી સવાયા ગુજરાતી બની ગયેલા ફાધર વાલેસે ગુજરાતી ભાષાના વ્યાકરણ પર પણ પુસ્તક લખેલું. બહુ મીઠું ગુજરાતી બોલતા. શુદ્ધ લખતા. એમને ગુજરાતી બહુ ગમતી. પણ એ કહેતા, મને એક શબ્દ અહીંનો ગમતો નથી. એ અમારી આદતમાં નથી. અને એ શબ્દ છે : ચાલશે ! 

;;;

રાજકોટના ગોઝારા અગ્નિકાંડને બે સપ્તાહ વીતી ગયા. 

એવું જ હમણાં ચર્ચાએ ચડયું એ ભૂલકાં ભરી જતી વાન કે રીક્ષાનું. કોસ્ટ ઇફેક્ટિવનેસ માટે લોકો સારું નહી, સસ્તું પસંદ કરે. અને ખાયકી કરવા નેતાઓ કે અધિકારીઓ પણ બિલ સારી વસ્તુના મોટા બનાવી હલકો માલ ઠઠાડી દે. રાજકારણ કે સરકારી નોકરીનું આકર્ષણ મુખ્યત્વે સેવા કે ઈવન પાવર નથી. પાવર એ જ મફત કા ચંદન ઘસ બે લાલિયા કરી જે ઘરભેગું થાય એ કરી લેવાનો પાવર. કોન્ટ્રાક્ટ ને પેટા કોન્ટ્રાક્ટમાં તપાસના નામે ઊભા થતા દબાણમાં બેઠાબેઠા કરોડો ખંખેરવાનો પાવર.

વળી, નિયમોનું પાલન ન કરવા બદલ સીલ લાગ્યા છે, એવા ઘણા એ ખોલાવવા રજૂઆત કરે છે. એમાં શાળા સંચાલકો પણ છે ને ડોકટરો પણ. પહેલેથી જ લાલિયાવાડી હોય ત્યાં રાતોરાત સુધારા કરવા જાવ તો આખા શહેરનું નવનિર્માણ કરવું પડે. જનતા ય થોડીક ભૂલકણી, થોડીક ભોળી છે. ઘણા તો એમની રોજિંદી ઘટમાળમાંથી નવરા થાય એમ નથી. ઘણા એવા ધાર્મિક છે કે કર્મના ફળ ને એવું કહીને મન મનાવી લે છે. ક્યાં જાય નહી તો ? સાઈકિયાટ્રીસ્ટના સીટિંગ કરવા ? ગુંડાઓ, નેતાઓ, ભ્રષ્ટ અધિકારી તંત્ર વગેરેના સેટિંગ સામે ? 

મૂળ વાત છે ત્વરિત કડક નિષ્પક્ષ ન્યાય. અને કાગળ પરના કહેવાતા અસરકારક નિયમોનો કોઈ ખાયકી વિના કાયમી ધોરણે કડક અમલ. પણ એવું કરવામાં સરકારને જ નડતર થાય બીજે બધે, એટલે એમાં વર્ષો વીતવાના એ નક્કી છે. દુનિયા ફરીને એટલી ખબર પડી છે, બધે નાગરિકો ગુણીજન હોય એવું નથી. પણ પોલીસ હાજર  ન હોય તો પણ કાયદાનો ડર છે અને શિક્ષણથી જ જાહેર શિસ્તની આદત છે. માટે ત્યાં સેફ્ટીનો ભરોસો છે, જાહેર સ્થળે. અધટિત બને તો ન્યાયનો પણ ભરોસો છે. ભૂલ કબૂલ કરીને શીખવાની સંસ્કૃતિ આવી બાબતોમાં પશ્ચિમની છે. આપણે સંસ્કૃતિની શેખી મારતા ભૂલોને ઢાંકપિછોડો કરીએ છીએ.

ઉકેલ શું? એ કોઈ સવાલ નથી. કારણ કે ઉકેલો તો વર્ષોથી તપાસના તારણોમાં ધૂળ ખાય છે. એનો સરખો અમલ ભાગ્યે જ થાય છે. મુખ્ય કારણ કે બહુ નજરમાં નથી આવતું કોઈના, એ છે આપણામાં પ્રમાણિકતા અને અનુશાસનનો મૂળભૂત અભાવ. ગમે એટલી સંસ્કાર ને પરિવારની વાતો કરીએ, આ જૂઠ ને લુચ્ચાઈ ઢંકાતી નથી. વસતિ વધુ ને વ્યક્તિની કિંમત ઓછી છે. ભારતની ઉંચી ઉંચી વાતો કરનારાના સંતાનો અમસ્તાં જ વિદેશ નથી સેટ કરવામાં આવતા. આ નગરપાલિકા, વિધાનસભા, સંસદ બધામાં ચૂંટણી શું કામ છે ? કે પ્રજા પોતાના પ્રતિનિધિ બેસાડે. જે સમય મુજબ જરૂરી સુધારા શાસન માટેના માળખા કે કાયદામાં કરે અને પ્રજા વતી વહીવટીતંત્ર કે જે કાયમી છે, એને સવાલો પૂછે. એની કામગીરી પર નીતિ અને ઈમાનથી દેખરેખ રાખે. આપણે તો પ્રતિનિધિ રાખીએ એ  તંત્રના માલિક બની જાય છે, ને કોઈ જાતનું વિઝન તો એમની જવાબદારીનું ભાગ્યે જ હોય છે. સત્તા મળી એ ઘર ભરવા માટે !

માનવતાના ધોરણે, એ અભિગમ આપણે ત્યાં કાયદાના ધોરણે વાળા એપ્રોચને પાછળ રાખી દે છે. રુલ્સ કરતા રિલેશન મોટા છે. કાયદાના પાલનમાં મોટે પાયે છટકબારી એટલે છે કે આપણે શિસ્ત અને નિયમ કરતા ઓળખાણ અને લાગણીને વધુ મહત્વ આપીએ છીએ. ભ્રષ્ટાચારની શરૂઆત મોટે ભાગે આમ થાય છે. આચરણમાં શિથિલતા અહીંથી આવે છે જે ધીરે ધીરે હશે હવે વાળી આદત બની જાય છે. આવા બની ગયેલા દરેક બનાવ અને બનશે એવા પણ દરેક બનાવના મૂળ કારણ જાણવામાં રસ છે ? પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, સરકારો બદલાવો કે એની એ રાખો સીસ્ટમ કેમ આમ સડેલી રહે છે કાયમ ? તંત્રની કામચોરી કે ભ્રષ્ટતા કેમ ઘટતી નથી ? ગુંડાઓ કે ગુનેગારોની સાંઠગાંઠ કેમ વધતી જાય છે ?

ચાલો, થોડીક કડવી સચ્ચાઈ સમજીએ આપણી પાયાની નબળાઈની.

;;;

એક્ચ્યુઅલી, આપણે 'પાપી પશ્ચિમ' સામે ઊંચા હોવાનો દાવો કરવા માટે જે બે બાબતોને આગળ કરીએ છીએ, એના અતિરેકે જ આપણને આ કરપ્ટ રોટન સિસ્ટમમાં ઝીંક્યા છે. એ છે પરિવાર અને ધર્મ ! ના પચ્યું ? અજુગતું લાગ્યું ? પણ વાસ્તવિકતા આ છે ને એટલે જ પરિવર્તનો બધા ઉપરછલ્લા રહે છે ને શિક્ષિત, આધુનિક, પ્રગતિશીલ હોવાના નામે દંભ જ દેખાયા કરે છે આસપાસ. 

આપણે અંગ્રેેજી શબ્દ કોમ્યુનિટીનો અર્થ જ્ઞાાતિ કર્યો છે. જે વિકસીત, સ્વચ્છ, એજ્યુકેટેડ અને પબ્લિક ડિસિપ્લીનમાં ઉજળો હિસાબ આપનારા દેશો છે એવા વેસ્ટર્ન કહેવાતા વર્લ્ડમાં લેટીન શબ્દ કોમ એટલે સાથે અને યુનસ એટલે એક. કોમ્યુનિટીનો અર્થ પોતાના સિવાયનો બૃહદ યાને લાર્જ સમાજ. સિવિલ સોસાયટી. આપણે તો હવે સમાજનો અર્થ પણ જ્ઞાાતિ જ કરી નાખ્યો છે, ભાષાને પેલે પાર વહેવારમાં. વિકસીત કે જાહેર ઈમાનદારી અને શિસ્ત બાબતે ઉજળો હિસાબ આપતા રાષ્ટ્રોમાં ભણતરમાં જ ઘડતર એ કરવામાં આવે છે કે તમારી વફાદારી તમારા પરિવાર સાથે હોય એમ તમારી કોમ્યુનિટી એટલે ફેલો સિટીઝન્સ, અન્ય નાગરિકો પ્રત્યે પણ છે. એમનું ધ્યાન રાખીને , એમની કાળજી રાખીને પરસ્પર સહજીવનનું અનુશાસન પાળીને જીવવાનું છે. ત્યાં તમારા ફેમિલી કનેક્શન્સ કે જાતિ, જ્ઞાાતિના ભેદ સાઈડમાં રાખવાના છે. ને જે નિયમો બનાવાયા છે, એને અનુસરવાનું છે. 

કોમ્યુનિટીને આપણે સંકુચિત અર્થમાં લીધી. એટલે આપણે કલેક્ટીવ નેશનલ કેરેક્ટર બનાવી નથી શક્યા. ચારિત્ર્ય શબ્દને ખોટી રીતે આપણે માત્ર સેક્સ સમ્બન્ધો સાથે જોડી દીધો. ઓનેસ્ટી સાથે નહિ. અનેક વાર લખ્યું છે એમ ઇન્ટેગ્રીટી અને એકાઉન્ટેબિલિટી એ બે અંગ્રેજી શબ્દોના પર્યાય કહી શકાય એવા એકઝેટ શબ્દો ભારતીય ભાષાઓમાં છે જ નહીં. કારણ કે આપણા વહેવારમાં જ એ નથી કે પોતાની ફરજ જાતે સમજી એમાં ચૂક થાય તો જવાબદારી તરત સ્વીકારવી, ભૂલ કબૂલ કરવી ને ઢાંકવા જૂઠ ના બોલવું અને નવું શીખી કોઈ જોતું ના હોય તો પણ આપણા સિધ્ધાંત અને માનવતાના કલ્યાણ કે જનહિતને ચુસ્તપણે સત્ય તથા ન્યાયને આદર આપીને વળગી રહેવું. ભલે વળતર ના મળે. આ નાગરિક તરીકેનો ધર્મ અને સારા ઇન્સાન તરીકેનું કર્મ છે એમ માનીને. 

આવું નથી એટલે આપણે ત્યાં 'છેડા' ચાલે છે. ઓળખાણ, કનેક્શન્સ, નેટવર્ક. લોકો પોતાને અને પરિવારને મહત્વ આપે છે. એમનું ભલું થાય ને ફેમિલી સુખી થાય માટે ભ્રષ્ટાચાર કરીને બધા સુખો ખરીદે છે, દોલત ભેગી કરે છે. બાકીનાનું જે થાય તે. કોન્ટ્રાકટર ઘાલમેલ કરીને બાંધકામ કરે છે કે અધિકારી પોતાના વિભાગની જવાબદારી તરફ આંખ આડા કાન કરીને ગોબાચારી ચાલવા દે છે. કારણ કે પોતે અને પોતાનું કુટુંબ સુખી થાય એ જ એનો મુખ્ય રસ છે, હેતુ છે. બાકીના ભલે બરબાદ થઇ જતા. નબળા કામને લીધે મરી જતા. ભલે તપાસ આવતી. એમાં પણ આપણા જેવા જ હશે. રિશ્વતથી ભેગા કરેલ પૈસાથી એમાં પણ છટકી શકાશે. અથવા પારિવારિક એવી જ્ઞાાતિની ઓળખ આગળ કરીશું. 

આપણા ફેમિલીમાં સેંકડો માથાકૂટ હોય છે. બડજાત્યાના પરિવાર જેવું સુખ પણ દુનિયાને દેખાડવા પુરતું હોય છે. બાકી કૈંક પ્રોબ્લેમ્સ મોટા મોટા પરિવારોમાં મા બાપને સંતાનો વચ્ચે હોય છે, પતિ પત્ની વચ્ચે હોય છે. ભાઈ ભાઈ કે બહેન બહેન અકે ભાઈ બહેન વચ્ચે હોય છે. સાસુ વહુ કે દેરાણી જેઠાણી તમામ પ્રકારના ઘર્ષણ મોટે ભાગે અંદરખાને ચાલે છે. પણ આપણે છતાં કાયમ પરિવારની તરફદારી કરીને ઉંચી ઇન્ચી વાતો કરતા હોઈએ છીએ. સંયુક્ત પરિવારના નામે વ્યક્તિને ગૂંગળાવીને પછી આદર્શોના ભાષણો આપીએ છીએ. ફેમિલીને સતત આગળ કરતા રહેતા લોકો પ્રેમવશ આ નથી કરતા, સપોર્ટ સીસ્ટમ તરીકે એમને જરીર હોય છે પારિવારિક ટેકાની. એટલે તો દીકરા દીકરી માટે પ્રેમ કરતા ખાનદાન કી ઈજ્જતને વધુ મહત્વ આપીને, બંધારણ બાજુએ મૂકી મર્યાદાને આગળ કરી પ્રેમ કે આધુનિક સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે. 

પશ્ચિમમાં સીસ્ટમ દેખરેખ રાખશે, એ ભરોસો હોઈને કાયમ ફેમિલી બેઝ્ડ રેહવું નથી પડતું. ઈન્ડીવિજ્યુઅલ તરીકે આત્મનિર્ભર થઇ શકાય છે. એ જ તાલીમ ને માહોલ છે. એટલે આપણે ઘર ચોખ્ખું પણ શેરી ગંદી એવો ઘાટ છે, ને ત્યાં એથી ઉલટું છે. ઘરમાં ભલે મનફાવે એમ જીવો. જાહેર શિસ્તમાં સમાધાન નહિ ચાલે. આપણે બીજાઓની વેલ્યુ નથી કરતા, ઈગોથી જીવીએ છીએ. એટલે સમયપાલનમાં આપણે બિલકુલ નિયમિત નથી. વેસ્ટર્ન વર્લ્ડ કે એનું જોઇને સાચું શીખેલા અન્ય દેશોમાં આમ નથી ચાલતું. ત્યાં તમારા અંગત પ્રશ્ન જે હોય તે, બહાર તમારે રૂલ્સ ને ટાઈમ ને જડબેસલાક ફોલો કરવા પડે. બધા કલેક્ટીવલી એ જ કરતા હોય. એટલે આપણે ભાગ્યે જ કોઈ મોટો પ્રોજેક્ટ (સિવાય કે ખાનગી કંપનીનો હોય) નિયત સમયે પૂરો થાય છે. સરકારી એટલે બધું મફતનું ને આપણું કંઈ નહિ એ માનસિકતા ગુલામીથી ઘર કરી ગઈ છે. જે સરકારી છે, એ આપણા જ ટેક્સનું છે એ ભાવના અંદરથી આવતી જ નથી. ચીટિંગ ને ટેક્સ ચોરી ચાલ્યા કરે છે. જે સાચું કહે એને જ પાડી દેવાના રાજકારણ ચાલે છે. ટાંટિયાખેંચ ને ઈર્ષા, જલન પૂજાપાઠ કે ઈબાદતપ્રેયર કર્યે જતી નથી. 

કારણ કે આપણા ધર્મે આપણને કાયમ પરલોકમાં જ સુખ દેખાડયું છે. સંસાર તો માયામિથ્યા કહી દીધો. ભૌતિક સુવિધાને તો મટીરીયલ પ્લેઝર કહીને ગાળો આપી. હજુ આ જ ખોટું બ્રેઈનવોશિંગ ચાલ્યા કરે છે. એટલે જ સાયન્સ તરફ અંદરથી બહુ ઓછાને નાદર હોય છે ને વિજ્ઞાાનને વિલન સમજીને વર્તનારા સમાજને 

આગ કે પૂર કે તોફાન વખતે એની શિખામણો પચતી નથી. ધર્મ આપણા વિચાર કે વર્તનનો ભાગ નથી. એક અલાયદું ખાનું છે મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્ત કરવાનું. એટલે એનું નામ લઈને કે એનમાં આગળ વધીને તમામ પ્રકારના ્રભ્રષ્ટ આચરણ કરતા શરમ નથી આવતી. ઉલટું કર્મફળનું જસ્ટીફિકેશન આવે છે, પ્રારબ્ધવાદી પ્રજા બધું સ્વીકારી લે. બદલવા માટે પડકાર ના કરે, નવી શોધ માટે સ્થાપિત માન્યતા પર પડકાર ના કરે. 

અડધું જગત ફરવા મળ્યું પણ ભારત સિવાય એવો કોઈ બીજો દેશ હજુ જોયો નથી જ્યાં રોજ ઉઠીને નાનાથી મોટા બધા કોઈ કેફી ઘેનમાં હોય એમ અમે જ મહાન, અમે જ શ્રષ્ઠ, અમે બધાયથી ઊંચા, અમારી જેવું પહેલેથી કોઈ નહિ જેવા અહંકારી ગુણગાન જ ગાયા કરે સંસ્કૃતિના નામે ! માત્ર ભૂતકાળની વાતો ને શાસ્ત્રોમાં પડયા રહે ને ઘડીઘડી કોઈ તર્ક કે તથ્ય વિના જગત કેટલું નાલાયક છે, આપણે કેવા સંસ્કારી ને લાયક છીએ એની સરખામણી જ કર્યા કરે ! પહેલા રોડ પરના ટ્રાફિકમાં તો સંસ્કાર બતાવો, પહેલા લાગવગ કે કોપી વિના, પેપર ફોડયા વિના ને નોકરીમાં મેરિટ રાખીને સંસ્કૃતિ દેખાડો. માણસને જન્મને બદલે કર્ર્મથી ઓળખી માણસ તરીકે જોતા તો શીખો. ત્યાં તરત જ્ઞાાતિ ને કોમ આવી જાય તો શું રાષ્ટ્ર ને શું ધર્ર્મ !

હેનરી બ્રીચરે કહેલું કે કલ્ચર એ જ ગ્રેટ જે બધાની સુખાકારી માટે પ્રયાસ કરે. આપણે ત્યાં જેમ મોટો વીઆઈપી એમ એન્સરેબલ ઓછો. ને ખરેખર મહાન દેશોમાં આનથી ઉલટું. પદ મોટું કે કદ મોટું તો તમારી સ્ક્ટિની વધુ ખબરદારીથી થાય. તમારો ન્યાય વધુ આકરો તોળાય. અહીં તો બદનામીને ઘોળીને પી ને લોકો જેલમાં બેસીને પણ જનતાના હીરો થઇ જતા હોય, ત્યાં કયા મોઢે સંસ્કૃતિના બણગા શોભે ! કચરો પણ આપણે મેનેજ નથી કરતા ને સરખો ને કઈ રીતે વહીવટનો મેલ ધોઈશું ? 

સમાચારોથી આગળ વિચારવાની ટેવ હોય તો આ નિદાન છે, ને આ જ સારવાર છે. 

ઝિંગ થિંગ 

આંખ સામે  આગ ને સઘળે ધુમાડો

જો તમે મડદું નથી, તો ચીસ પાડો 

ક્યાં સુધી સહેવી પીડા સળગી જવાની 

જે નિમિત્ત છે એ બધાને પણ દઝાડો 

આ બધાને ક્યાં બીજું કંઈ આવડે છે?

પાડશે  તાલી અને  કરશે ભવાડો 

ડંખ ના મારો તમે તો કાંઈ  નહીં પણ, 

આમને માટે જરૂરી છે ફૂંફાડો 

જો બધી ઝીણી કીડી ભેગી થશે તો 

શું થશે કાળોતરાઓ ને બતાડો 

(ડો. ઉર્વીશ વસાવડા )


Google NewsGoogle News