પ્રેમની માસૂમ મોસમ .
- આંખો ઉઘાડું તો બધે અજવાસમાં તમે, આંખો મીંચું તો તેજના આભાસમાં તમે જો કે હરેક ફૂલની સુગંધ છે અલગ, કિન્તુ બધાયે ફૂલની સુવાસમાં તમે!
- અનાવૃત-જય વસાવડા
- 'વુમન નેક્સ્ટ ડોર'માં ફ્રાંઝવા ત્રુફોં સંવાદ મૂકે છે : 'કોઈ તમને પ્રેમ ના કરે ત્યાં સુધી તમારી કોઈ ખરી ઓળખ કે હેસિયત જ નથી!'
तुम आईं
जैसे छीमियों में धीरे-धीरे
आता है रस
जैसे चलते-चलते एड़ी में
कांटा जाए धंस
तुम दिखीं
जैसे कोई बच्चा
सुन रहा हो कहानी
तुम हंसीं
जैसे तट पर बजता हो पानी
तुम हिलीं
जैसे हिलती है पत्ती
जैसे लालटेन के शीशे में
कांपती हो बत्ती!
तुमने छुआ
जैसे धूप में धीरे-धीरे
उड़ता है भुआ
और अन्त में
जैसे हवा पकाती है गेहूं के खेतों को
तुमने मुझे पकाया
और इस तरह
जैसे दाने अलगाए जाते है भूसे से
तुमने मुझे खुद से अलगाया।
શાયરીઓના શે'રના નામે ક્યારેક રેઢિયાળ તો ક્યારેક રમતિયાળ રચનાઓ શેર કરતી આખી એઆઇ જનરેશનને કવિતા કોને કહેવાય એ કેદારનાથ સિંહની રચના સમજાવે છે. મુદ્દો છે ગમતી વ્યક્તિનું જીવનમાં આગમન. પુરુષ નામની પાનખરને અડી ગયેલી સ્ત્રી નામની વાસંતી હવા ! અહીં પણ મિન્ટી મોમેન્ટસ છે ફીલિંગ્સ સમાવતી. બસ, આવું બધું વાંચીને મનમાં ગલીગલી જેવું થાય છે. ત્યાં સુધી પ્યાર જિંદા હૈ. અરે આ જગતમાં કોમલાંગી કામિનીઓ ના હોત, એકલા લડધાઓની દુનિયા કેવી કમીની થઈ ગઈ હોત ! ઈશ્કના ઈઝહાર ને ખેંચાણના ખુમારનો વેલેન્ટાઈન્સ ડે મોટે ભાગે નારીને એટેન્શન અપાવે છે, અને નરને ટેન્શન !
પણ આમ લાઇફમાં કોઈ છોકરી સાચે જ આવે તો શું થાય ? ઓલમોસ્ટ ત્રણ હજાર વર્ષ અગાઉ ઇસ્વિસન પૂર્વે ચોથી સદીમાં એનો જવાબ છે.
***
વિશ્વવિજેતા થવાના ધુરંધર દાવેદાર એવા એલેક્ઝન્ડર યાને સિકંદરની ખિદમતમાં અનેક રમણીઓ દાસી તરીકે રહેતી. એમાં સૌથી સુંદર હતી કામ્પેસ્પી. સમ્રાટ સિકંદર જ ભોગવી શકે એવું રૂપ માનીને લોકો એની દબાતા સાદે ચર્ચા કરતા, પણ ગ્રીસનો એક ચિત્રકાર હતો : એપેલેસ. ઉત્તમ કલાકારની માફક એ રસિકતા પાછળ પાગલ હતો. એને સૌંદર્ય પ્રેરણા આપતું હતું, બળ આપતું હતું. અને એણે સિકંદરને વિનંતી કરી, કામ્પેસ્પીનું ચિત્ર દોરવાની. વ્યક્તિ પાસે ના હોય તો તસવીર એની યાદના પ્રકાશમાં તેલ પુરે છે. પોતાની ફેવરિટ સેવિકાનું ચિત્ર જોવાનું મન સમ્રાટને થયું. એલેક્ઝાન્ડરે ઓર્ડર કર્યો એટલે એણે ચિત્રકાર એપેલેસ સામે વસ્ત્રો ઉતાર્યા...
કહેવાય છે કે એપેલેસ તો ચકિત થઈ ગયો કામ્પેસ્પીને જોઇને ! કલાકારને જગત બનાવનાર કલાકારે ઘડેલી બેનમૂન કલા દેખાઈ !
અને એની પીંછીએ નૃત્ય શરૂ કર્યું જાણે અપૂર્વ લાવણ્યના લસરકે ! એણે જાણે પતંગિયાઓના કાનમાં વાતો કરીને, ચાંદનીના ઉજાસને ચુંબન કરીને, મોગરાની કળીઓને છાતીમાં ખીલવીને પરી જેવી કામ્પેસ્પીનું ચિત્ર પૂરું કર્યું. એવું અપ્રતીમ ચિત્ર બન્યું કે સમ્રાટ એ જોઈને લાજવાબ થઈ ગયો. સિકંદર કોઈ ગલીનો મવાલી નહોતો, એરિસ્ટોટલનો શિષ્ય હતો. બીજો કોઈ રેંજીપેંજી સુલતાન હોય તો ચિત્રકારને જ પોતાની પરિચારિકાના પ્રેમમાં ગળાબૂડ થઈ દોરવા માટે બંદીવાન કરી લે. પણ એલેક્ઝાન્ડરે બક્ષિશ આપી ! કહ્યું કે 'મારા કરતાં આ યૌવનને નજીકથી નિહાળવાનો તું લાયક અધિકારી વ્યક્તિ છો. જા, લઈ જા આ સુંદરીને તારી ગુલામ તરીકે !'
એ સમયની કથાઓના પ્રાચીન પુસ્તક 'નેચરાલીસ હિસ્ટોરિયા'માં ગ્રીક ઇતિહાસકાર લેખક પ્લિની ધ એલ્ડર લખે છે કે માલિકી મળવા છતાં કામ્પેસ્પીને પ્રેમ કરવા લાગેલા પેઈન્ટર એપેલેસે એને ગુલામ ના બનાવી. સહચરી બનાવી ! એણે એ સમયે વિશ્વવિખ્યાત થયેલું એવું એક ચિત્ર પોતે પ્રેમ કરવા લાગેલો એ કામ્પેસ્પીને મોડલ તરીકે રાખી ચીતર્યું. આપણા લક્ષ્મીની જેમ જ માયથોલોજી મુજબ દરિયામાંથી બહાર આવતી સૌંદર્યની દેવી એફ્રોડાઇટ યાને વીનસનું ! એ ચિત્ર અત્યંત પ્રસિદ્ધ થયું એ કાળમાં. સાક્ષાત વીનસ લાગતી સ્ત્રીને એપેલેસે પોતાની પત્ની બનાવી. પ્રેમ હક છીનવે નહિ, પણ એ આપવા માટે મથે. એ જમાના મુજબ તો એ સ્ત્રીને ગુલામ તરીકે પણ પોતાની ખિદમતમાં આજીવન રાખી શકે એમ હતો. કાયદેસર રાજાની મંજુરી હતી એની પાસે. પણ મામલો મહોબ્બતનો થઈ ગયો હતો. કામ્પેસ્પી ને જીવનસંગિની બનાવ્યા બાદ એપેલેસે બીજા કોઈ ચિત્રો ના દોર્યા ! બસ, પ્રેયસીને આજીવન આકંઠ પીધી. કેદારનાથની કવિતાની માફક ફોતરાં ખરી પડયા આસપાસના અને ને દાણો અલગ થઈ ગયો !
સમય જતાં આ ચિત્ર પણ નષ્ટ થયું. બેઉ પ્રેમીઓ સ્વધામ પહોંચી ગયા. પણ એ ચિત્રની ખ્યાતિ એવી તો ફેલાયેલી કે રોમનોએ એમનો શાસનકાળ શરૂ થયો પછી પોમ્પેઈ નગરમાં એની પ્રતિકૃતિ બનાવડાવી. કમનસીબે એ આખું શહેર જ્વાળામુખી ભરખી ગયો અને ફરી એ ચિત્ર નાશ પામ્યું. પણ પ્રેમકહાની બેઉની અમર બની ગઈ. પ્રેમીઓ ભલે મરે, પ્રેેમની દાસ્તાનો મરતી નથી. ૧૯મી સદીમાં એના વર્ણનોથી પ્રભાવિત એવા ફ્રેેન્ચ શિલ્પી ઓગસ્ટ ઓત્તાં (રોદાં ઉર્ફે રોડિન અલગ ) એ સંગેમરમરમાંથી એવી જ અપૂર્વ સુંદરી ઘડી. ચિત્રકાર પ્રેમી સામે મોં થોડું ઢાળીને અનાવૃત કામ્પેસ્પીનું એ શિલ્પ પેરિસના જગપ્રસિદ્ધ લુવ્ર મ્યુઝિયમના ઉત્તર દિશા શોભાવે છે ને નજરે નિહાળ્યું છે !
એક છોકરી પ્રવેશે તો શું નું શું થઈ જાય જીવનમાં ને કેવું નામ અંકિત થાય ઈશ્કના ઇતિહાસમાં !
***
સુગંધ સાથમાં લઈને રૂમઝુમતી આવે,
તું એટલે આમ્રમંજરી, હેં કે નહીં?
ગુલમ્હોર ઊગે તારા નાજુક ગાલમાં રે,
તું એટલે કોયલના ટહુકા, હેં કે નહીં?
ઉજ્જવલ ધોળકિયાની પંક્તિઓ યાદ આવી જાય એવી મીઠીમધુરી ઘટના બની. આ લેખ લખવાનું શરૂ કર્યું એના એક દિવસ પહેલા જ હેલસિંકીથી ભારત આવવા તુર્કીશ એરલાઇન્સની ફ્લાઇટ લીધી. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિશ્વસિનેમા જોવાનું જાણે વ્રત. જેમ તકદીરમાં લખેલું કોઈ પાત્ર ગમે તેટલા દૂરથી અનાયાસ મળી જાય એમ જ એક અફલાતૂન રોમેન્ટિક ફિલ્મ જસ્ટ એમ જ શરૂ કરી ને ગમી તો એવી ગમી કે ઊંઘનો ત્યાગ કરીને પણ બે વાર જોઈ નાખી ! ૨૦૨૪ની ફેબુ્રઆરીમાં જ રિલીઝ થયેલી. 'અસ્ક મેવસિમી' એનું નામ. અંગ્રેજી અનુવાદ થાય સીઝન ઓફ લવ. મિસ યુનિવર્સમાં ભાગ લઈ ચૂકેલી અપ્સરા જેવી ડિલન જોતાવેંત દિલ પર રાજ કરે એવી કામણગારી એ એની હીરોઈન. મુરાત સેકરની આ ફિલ્મનું પ્રેમ જેવું છે. એના રિવ્યૂ ઓનલાઇન જોશો તો એવરેજ લાગશે. પણ ફિલ્મ એને કહેવાય કે જે ફીલ કરી શકો. જેણે પ્યાર કર્યો છે એ આશિક કે માશૂકને આ મુવી કાળજા પર કનેક્ટ કરી જશે.
વાર્તા તો સાવ સીધીસાદી છે. મુગ્ધાવસ્થામાં સાગરકાંઠાને ગામડે એક તરુણ એક તરુણીને જોઈને પાણીપાણી થઈ જાય છે. એ પ્રયત્ન કરે છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો. છોકરીને કહે છે : તું શું બોલે છે, એ મને કંઈ બહુ સમજાતું નથી છતાં ય તું બોલ્યા કર એ મને ગમે છે. કારણ કે તારો અવાજ સંભળાય છે. તું શું લખે છે, એ વાંચવાની જરૂર નથી. તારા અક્ષર જોવા ગમે છે. તારી વાળની લટ, તારા હોંઠોની મુસ્કાન, તારી કોમળ આંગળીઓ... બધું જ કોપી કરવું છે મારે. કારણ કે એ તારી અદાઓ છે.
પુરુષ જેમ ફિદા થાય એમ છોકરીઓને એ અંદરખાનેથી ગમે પણ એનાથી એ જુદા થતી જાય કારણ કે એમાં ચેલેન્જનો ચાર્જ ના રહે. સિરીન નામની એ કન્યા યમન નામના યુવકને ટિપિકલ જવાબ આપે છે. સરસ કે હું તને ગમું છું. પણ આઇ ડોન્ટ નો વોટ ટુ સે. મારે તો કરિઅર બનાવવી છે, દુનિયા જોવી છે. ઇન શોર્ટ, આવું કોઈ કહે કે ત્યારે સમજી જવાનું કે આપણામાં એને જ્યુસ (રસ) ઓછો લાગે છે ને વધુ ઓપ્શન ચેક કરવા છે સોલમેટ સિલેક્શન માટે!
ફિલ્મમાં ઘણું બધું થાય છે. છોકરી યુવતી બની આર્ટિસ્ટ થઈ લિવ ઈનમાં રહે છે. છોકરો યુવક થઈ એક ગર્લફ્રેન્ડ બનાવી પરણવા નીકળે ત્યારે અહેસાસ થાય છે કે આ તો હું લાઇફ બીજાને ગમે એના માટે સેટ કરું છું આ પ્રેમ નથી. ને લગ્નની શણગારેલી કારમાંથી ઠેકડો મારી વર્ષો બાદ પોતાની ચાહતના દરવાજે ટકોરા મારે છે ..
ફિલ્મ ફ્લેશબેકથી પ્રેમ થયો હતો એને ત્યારની અવસ્થા સમજાવે છે. સર્જક કહેવા માંગે છે કે લવ ઇઝ સીઝન. જેમ વસંત આવે ને વાયરાની ઠંડક કે ફૂલોના રંગ બદલાય એમ પ્રેમની મોસમ આવે ત્યારે બધું બદલાતું હોય છે. આસમાન વધુ વાદળી લાગે છે, ઘાસ વધુ લીલું લાગે છે. પાણી પણ શરબત લાગે છે. ટકટકના ટિટીયારામાં ટહુકા સંભળાય છે. દિલ વધુ તેજ ધડકે છે. કદમ હવામાં સરકે છે. છાતીમાં બગીચો છલકે છે, નજરમાં મેઘધનુષ ચમકે છે.
પણ પ્રેમની આ મદહોશ મોસમ પણ બીજી ઋતુઓની જેમ પલટાય છે. ફૂલો કરમાય ને પાન ખરી જાય એમ. કોઈ મોસમ કાયમી નથી. એટલે ઘણી વાર લવ કે લવમેરેજમાં બ્રેક અપ આવે છે. ડિવોર્સ આવે છે. ફરી કોઈ બીજા સાથે નવી મોસમ રચાય છે. ઋતુઓની આવનજાવન મુજબ પ્રકૃતિ રંગ બદલે છે, એવું માણસમાં પણ થાય છે. ખરો પ્રેમ જ એ કે જે કોઈ પણ મોસમમાં અડગ અથાક અવિચળ અડીખમ રહે.
પણ એ માટે સામેથી પણ સરખો રિસ્પોન્સ જોઈએ ને ? સીડ એન્ડ સોઈલ તો છે, પણ પ્રકાશ પાણી ય જોઈએ ને મહોરવા. તકલીફ એ છે કે બડભાગી લોકોને બાદ કરતા બેઉ પક્ષે મોસમ એકસરખી એકસાથે નથી આવતી. જેમ અમેરિકા કરતા ઓસ્ટ્રેલિયાની ઋતુ એક જ પૃથ્વી પર અલગ અલગ ચાલે, જેમ અમદાવાદમાં ચોમાસું હોય ત્યારે એમસ્ટરડેમમાં ઉનાળો હોય એવું વ્યક્તિઓમાં થાય છે. એકને આંબે ફીલિંગના મોર બેસી જાય છે, ત્યારે બીજે હજુ કોઈ કૂંપળ પણ ફૂટતી નથી. પછી એની મોસમમાં વ્હાલનો વરસાદ શરૂ થાય ત્યાં સુધીમાં લવમાં રિજેકશનના પેઇન સહન કરીને, જખમમાંથી જોખમ લેતા શીખી કોઈ આગળ વિકસી ગયું હોય છે. બેઉ ને ત્યાં વરસાદ કે વસંત એકસાથે આવે તો લવ સ્ટોરી હેપી એન્ડ તરફ જાય. પણ એવું થાય તો પ્રેમનું મા'તમ યાને મહાત્મ્ય, ઇમ્પોર્ટન્સ જ ના રહે જગતમાં. અધૂરપ છે તો આશિકીનો દીવો જલે છે !
ફિલ્મ એના સંગીત સંવાદો (ભલે સબટાઇટલના) સહિત માણવા જેવી છે, કારણ કે દિલની વાત છેડે છે. અનહદ લાગણી હોય એને કોઈ સરહદ ના હોય. જોજો, સમજજો. આંસુ ને સ્મિતની રંગોળી રચાઈ જશે ! એ દેખાડે છે કે સતત કોઈ પ્રેમને ઝંખતું હોય ત્યારે કોઈ એને શું ગમે છે એની કાળજી લે કે એને સાંભળે તો પણ એને રાહત થાય છે. એ યાદ કરાવે છે કે લવની બેસ્ટ મોમેન્ટસ ખર્ચમાં નથી, ખુશીમાં છે. નીરવ એકાંતમાં બેસીને હૈયું ખોલતી વાત કરવી કે એકબીજા સાથે ચાલવું. એ કાળી રાતની રૂપેરી ક્ષણો પછી રંગીન ચિત્ર બની જતી હોય છે (લિટરલી મૂવીમાં ચિત્ર પણ એક પાત્ર છે). ક્યારેક સમય સચવાય નહી તો સ્નેહ સરનામું બદલી કાઢે છે. જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે...
લાઇફ ચોઈસનું ચેસબોર્ડ છે. જેનો સૌથી અગત્યનો સવાલ એ છે કે ડુ યુ વોન્ટ કમ્પેનિયન ફોર લાઇફ ઓર લવ ઓફ લાઇફ ? સમજદાર સધિયારો કે પાગલ પ્રેમ ? અને એ કશ્મકશનો જવાબ ગોતવામાં ફિલ્મમાં જ ક્વોટ છે એમ જીનિયસ રશિયન સાહિત્યકાર દોસ્તોયવસ્કી યાદ આવે : હાર્ટને સૌથી વધુ હર્ટ નિરાશા નથી કરતી, પણ જે મિલનની ખુશીઓની આશા રાખી હોય એ ગુમાવી દીધાનો અફસોસ દર્દ પેદા કરે છે !
પ્રેમમાં માસૂમિયત હોવી એ જ સચ્ચાઈની પરખ છે. મેચ્યોર પાર્ટનર શોધતી વ્યક્તિને બાળક જેવી હરકતો ગમતી નથી. પણ ફટકો પડે ત્યારે ખબર પડે છે કે મેચ્યોરિટીના
ચીટિંગ કે શોષણ કરતા ભૂલો કરીને પણ સતત ધ્યાન રાખતો અને એકાદ સ્માઇલ કે હગ કે કિસ માટે ઝૂરતી ઇનોસન્સનું ગળપણ વધુ પોષણ આપે એવું હતું. જજમેન્ટલ થયા વિના ચાહતની મોસમના બદલાતા ફોટોગ્રાફ્સ ઝીલતી આ નાજુકનમણી ફિલ્મ આખી રૃંવાડે રૃંવાડે પ્રસરી ગયા પછી એના નિતાર જેવી એની સૂફી કવિતા જીગર પર કોતરાઈ જાય છે : હું તને બધામાં જોઉં છું, પણ તારામાં બીજા કોઈને જોતો કે જોતી નથી ! આઈ સી યુ ઈન એવરીવન બટ નો વન ઈન યુ.
આહ અને આહા !
***
વ્યાસ પણ વાંચી ના શક્યા, પ્રેમ હુંદા પુરાણ
ઈ લોયુનાં લખાણ, કોક ભેદું વાંચે ભૂધરા
ભૂધરજી જોશી આ દૂહામાં કહે છે કે પ્રેમ એવું પુરાણ છે જેની હૃદય પોથી કેવળ વ્યાસપીઠવાળી કથાઓમાં વંચાતી નથી. એ શાહીના નહિ પણ લોહીના લખાણ છે. કોઈક મોરારિબાપુ જેવા જાણભેદુ એ અંતરના તાર સમજીને એનો બચાવ કરે છે. બાકી કંઇક સદગુરુઓ ને કંઇક પ્રેમાનંદો આવે છે, કંઇક આચાર્યો અને સ્વામીઓ ભીડ ભેગી કરે છે. પણ જે સહજ પ્રેમનો વિરોધ કરે ત્યાં એમનું છીછરું તળિયું મપાઈ જાય છે ! અરે, પ્રેમ કર્યો હશે એને છોડતા આવડશે. એને દુ:ખ સહન કરીને તપ કરવાની ટેવ પડી હશે, એને દર્શન મિલન માટેની પ્યાસ જાગી હશે, એને જાત ભૂલીને ખોવાઈ જવાનો અનુભવ હશે. પ્રેમની અનુભૂતિનો તિરસ્કાર કરે એ ધૂળ આધ્યાત્મિક અનુભવનો પુરસ્કાર કરી શકે ? લવ ઇઝ ગોડ્સ મિરેકલ !
પાણીમાં નમક ભેળવ્યા બાદ એ છૂટું નથી પડતું, દૂધમાં સાકર ભેળવ્યા બાદ એ અલગ નથી થતી. લોટમાં મરચાં નો ભૂકો નાખો પછી છૂટો નથી પડતો. એમ પ્રેમનો કાતિલ અનુભવ થયો હોય એને શિયાળામાં દાઝ ચડે એવી અગન લાગે છે ને જ્વાળામુખીમાં હિમશિખર દેખાય છે. પ્રેમ થયા પછી વ્યક્તિ સાવ પહેલા જેવી નથી રહેતી. આ સહજ બાબત છે ને આજકાલ સહજતા જ સુલભ નથી, દુર્લભ છે !
સંગીતનો સુરસાધક જીમ મોરિસન કહેતો 'પ્રેમમાં પીડા છે એ ડરથી પ્રેમ ના કરવો એ તો મૃત્યુ છે એ કારણથી જીવવું નહી એવી વાત છે !' હેપી વેલેન્ટાઈન્સ ડે ઈન એડવાન્સ. (શીર્ષક : પ્રફુલ્લ નાણાવટી)
ઝિંગ થિંગ
તુ લેધર જેકેટ ને હું ફાટેલું જીન્સ
તું તારા પપ્પાની પરી ને હું મારા મમ્મીનો પ્રિન્સ
કડકડતી ઠંડીમાં આમ ધુ્રજવા કરતા
ચલ જોડી દઈએ આપણા હાર્ટની સ્ટ્રિંંગ્સ
બાઇક અને ગોગલ્સનું સેટિંગ તો થઈ જશે
તું કર ખાલી તારી મમ્મીને કન્વિન્સ
પોપકોર્ન પણ ખાઈશું ને પિત્ઝાય ખાઈશું
ડીઝર્ટમાં તું ને તારા ફેવરીટ મફિન્સ
તારું અધૂરું છોડેલું પણ હું જ ખાઈ લઈશ
અને સાચવી લઈશ તારા બધા મૂડ સ્વિંગ્સ
હશે તારી આદત એમ લટો સંકેલવાની
પણ મને અહીં ધકધક થાય ને લાગે છે હિંટ્સ
કાનમાં એક વાત કહેવાના બહાને ચૂમી લઉં
પણ આડા આવે છે લટકતા ઇયરરિંગ્સ
(મયુર સોલંકી)