શેરબજારના બબ્બર શેર બનવા માટે એક ડઝન વિઝન્સ !
- અનાવૃત-જય વસાવડા
- શેરબજાર ગાજરની પિપૂડી નથી. બચતના ઘટતા વ્યાજદર વચ્ચે રોકાણ માટેનું એક સબળ માધ્યમ છે. જો બસ ઝટ પૈસા બનાવવા હોય તો થોડું કમાઇને ફટાફટ સલામ મારીને કાયમ માટે નીકળી જાવ.
- ભારતીય શેરબજારનો ટ્રેન્ડ પારખવા મેથ્સ નહિ, 'સિકસ્થ સેન્સ' જોઇએ! કૌભાંડ પણ કરામત લાગે ને રિઝલ્ટ પાછળ રિઝન જ ના હોય!
આ જકાલ શેરબજાર શેર યાને સિંહવાઘને બદલે હરણ કે સસલાંની જેમ ધડાધડ ઉછળકૂદ કરી રહ્યું છે. ઘડી તડકો, ઘડી છાંયની જેમ પલકવારમાં ગગડે છે ને પળભરમાં ચડે છે. દસકા પહેલા કલ્પના પણ ના કરી હોય એ લેવલે સેન્સેક્સ કૂદકે ને ભૂસકે પહોંચી ગયો છે. દેશ પર વિવિધ શાસકોના જેમ યુગ હતા, એમ એક હર્ષદ મહેતાનો 'હર્ષદયુગ' શેરબજારે દાયકાઓ પહેલાં જોયો હતો. બસના કન્ડક્ટર ટિકિટ કાપ્યા પછી શેરના ફોર્મ ભરતા. વિદ્યાર્થીઓ કલાસરૂમને બદલે બેન્કની કતારમાં ઉભા રહેતા. રિક્ષા ્રડ્રાઇવરો રિક્ષા વેંચીને નવા નવા ઇસ્યૂ ભરતા. બહુ તાણ્યું તૂટી જાય. શેરબજાર જ નહિ, સટ્ટાની કોઇ પણ બજાર એટલે સાપસીડીની રમત. તમારા હાથમાં ફક્ત પાસા ફેંકવાનું જ હોય છે. પાસો પોબાર પડશે કે નહિ એ ભવિષ્ય તો પાસો પોતે જ નક્કી કરે છે.
ટીવીના કાર્યક્રમો જુઓ કે બિઝનેસ આર્ટિકલ્સ વાંચો તો લાગે છે કે ઇન્વેસ્ટર સ્માર્ટ થઇ ગયો છે. મોબાઈલ થકી ઓનલાઈન સોદા પાડતો થઇ ગયો છે. સોરી ટુ સે, પણ આ બધી સ્માર્ટનેસ કપડાં કે કોમ્પ્યુટર પૂરતી જ છે. દરેક ધંધામાં કેટલાક ખેલાડીઓ મગરમચ્છ જેવા હોય છે. એ પસાર થઇ જાય પણ બાકીનું પાણી ડહોળતા જાય. સ્માર્ટ ઇન્વેસ્ટર નથી થયો, પણ સ્માર્ટ તો મોટા મોટા શેરબ્રોકર્સ થયા છે. બજાર ગમે તેટલું ઉંચુંનીચું થાય, આ બ્ર્રોકરો હંમેશા સલામત રહે છે. મોટા રોકાણકારો તો સ્ટીલનો નહિ, પ્લેટીનમનો વાંસો ધરાવે છે. બે-ચાર કરોડની ઉથલપાથલ એમના માટે માત્ર બિઝનેસ છે.
પણ એક દિવસમાં સેન્સેક્સ ટાઇટેનિકની જેમ જળસમાધિ લે, ત્યારે નાના રોકાણકારોની છાતીના પાટિયાં બેસી જતા હોય છે. મિડલ કલાસમાંથી આવતા સ્મોલ ઇન્વેસ્ટર્સના પૈસે જ આ બધા તાગડધિન્ના ચાલે છે. હવે નાના રોકાણકાર માટે શેરબજાર એક પ્રકારની લોટરી છે. એને કંઇ ઝાઝું સમજવું નથી. બસ, બને એટલી ઝડપથી રૂપિયા કમાઇ લેવા છે ! બેન્કની કે જમીન-મકાનની અવેજીમાં એ શેરમાં પૈસા રોકે છે, અને એનો હેતુ કંઈ અર્થતંત્રને મજબૂત બનાવવાનો નથી હોતો, પોતાની આવકને મજબૂત બનાવવાનો જ હોય છે ! પછી નોટોને બદલે ઘણીવાર હાથમાં કાગળિયા જ બચી જાય. જ્યારે દ્રષ્ટિ ટૂંકી થઇ જાય ત્યારે ડૉક્ટર ચશ્મા પહેરવાનું કહે છે. શેરબજારના કેટલાક ખાંટુ ઉસ્તાદોએ નાના રોકાણકારની નજર ચોખ્ખી કરવા 'ટેન કમાન્ડમેન્ટ્સ' આપ્યા છે. પલ મેં વફા, પલ મેં ખફા ના બજારૂ લોલકના માહોલમાં આમાંની ઘણીખરી સૂચનાઓ જૂની અને જાણીતી લાગશે. પણ ચશ્મા ઘરમાં હોવાથી ચોખ્ખું નથી દેખાતું. એ માટે ચશ્મા પહેરવાં પડે ! હવામાન કરતા પણ શેરની આગાહી અઘરી હોય છે ક્યારેક. સો, લેટ્સ રિવાઈઝ એન્ડ બી વાઈઝ.
(૧) બધી કેરીઓ એક કરંડિયામાં ન રાખવી : કેટલાક લોકો જો આઇ.ટી. તેજીમાં હોય તો હુહુહુ કરતાં તેની પાછળ દોડે છે. કોઇ વળી માત્ર પેટ્રોલિયમ કે સિમેન્ટના જ શેર્સ લીધા કરે છે. કોઈ ઊંધું ઘાલીને કોઈ એક બાબત ન્યુઝમાં આવે એની પાછળ પડી જાય છે. કોઇ વ્યક્તિએ રોકેલી મૂડીના બદલામાં મેળવેલા કુલ શેર્સ ને 'પોર્ટફોલિયો' કહે છે. નિષ્ણાતોના મતે ટોટલ પોર્ટફોલિયોના રપ % થી વઘુ શેર્સ એક જ કંપની કે ઇન્ડસ્ટ્રીના ન હોવા જોઇએ. વઘુ વળતરની લાલચમાં આ મર્યાદા ઘણા ભૂલી જાય છે. બધી જ કેરીઓ એક ટોપલામાં હોય ત્યારે એ સાચવવી સહેલી પડે, પણ અણધાર્યો વરસાદ આવે તો બધી જ પલળી જાય.
(ર) 'હોટ ટિપ્સ' પ્રત્યે 'કોલ્ડ એટિટયુડ' રાખવો : હિન્દુસ્તાનીઓનો ફેવરિટ પાસટાઇમ છે સલાહો દેવાનો ! એમાંય શેરબજારનું તો બીજું નામ જ અફવા બજાર છે ! તમે શેરબજાર સાથે સંકળાયેલા માણસોને કોઇ પણ માહિતી પૂછો, મોટા ભાગનાનો જવાબ 'ખરીદો' કે 'વેંચો' એવો જ આવવાનો ! શેરબજારમાં ખાનગી ટિપ આપવાવાળાઓના ઇરાદા ઘણીવાર સારા હોય, પણ એમની ટિપ સારી અને સાચી ન હોય, એવું ય બને ! જે ટિપ ચમત્કારિક રીતે લખપતિ બનાવી દેવાની હોય, એ તો કદી ન માનવી. કારણકે, તો તો પહેલાં ટિપ આપનાર જ કરોડપતિ થઇ ગયો હોય ! વળી, શેરબજારમાં ક્યારેય સતત નફો થઇ શકતો નથી. માટે આવી લલચામણી ટિપ આપનાર ટિપ નહિ પણ સપનું આપે છે, એની ખાતરી રાખવી. ટિપ આપનાર શેરબજારનો પ્રોફેશનલ અને ફુલટાઇમ ખેલાડી હોય, અભ્યાસુ અને તટસ્થ હોય તો વાત જુદી છે - પણ મોટે ભાગે ટિપ આપનારો ટિપ બનાવતો નથી... માત્ર 'પાસ' જ કરે છે!
(૩) રૂડારૂપાળા શબ્દોમાં ચળકે તેટલું સોનું નહિ ! : આપણે ત્યાં શેરબજાર પર લખવાનું આવે એટલે સામાન્ય માણસને કદી ન સમજાય એવા મણમણના શબ્દો ઝીંકવામાં આવે છે. દાખલા તરીકે કેટલા રોકાણકારોને 'પીઇજી રેશિયો' એટલે શું - એ ખબર છે ? જેમ મોટી ઇલેકટ્રોનિક કંપનીઓ ફ્રિજ કે ટીવીની જાહેરાતોમાં કોઇને ન સમજાય એવા ભપકાદાર ટેકિનકલ શબ્દો વાપરે છે, એમ ઇસ્યૂ લઇને આવતી દરેક કંપનીઓ અંગ્રેજીમાં જેને 'ફેન્સી જારગોન' કહેવાય, એવા ચળકતા શબ્દોનો ઉપયોગ કરે છે. આવા શબ્દોના સાથિયાથી ક્યારેય અંજાવું નહિ ! મિડિયા અને માર્કેટ ઘણી વાર સત્યને પ્રગટ કરવાને બદલે એ છૂપાવવા માટે શબ્દોનો ઉપયોગ કરે છે ! ખાતરી ન થાય, તો આજે ભોંભીતર થઇ ગયેલી ડોટકોમ કંપનીઓના પ્રાચીન પેમ્ફલેટસ કે ફેઈલ થયેલા સ્ટાર્ટ અપ્સના મોડર્ન ડેટા વાંચી જોજો !
(૪) પછેડી એટલી સોડ તાણવી : ધંધામાં લોન લઇને પણ સાહસ કરી શકાય પણ યાદ રાખો, નાના રોકાણકાર માટે શેરબજાર ધંધો નથી, જુગાર છે, સાહસ છે. લોકો વ્યાજે પૈસા લઇને બજારમાં રોકે છે. તેજીમાં ફુલાઇને ફાળકો થઇ જાય છે. શેખચલ્લીના સપના જુએ છે. વેંચવાને બદલે વઘુ ને વઘુ ખરીદી કરે છે. પછી શેરબજારના ઇન્ડેકસને આઘાત-પ્રત્યાઘાતનો નિયમ લાગુ પડતો હોઇને 'જે જેટલી ઝડપે ઉપર જતું, એ એટલી જ ઝડપે નીચે આવતું'નો બ્રહ્માંડવ્યાપી સાક્ષાત્કાર થાય છે. મનોમન કમાયેલા પૈસા મનમાં જ રહી જાય અને ઉધાર લીધેલા પૈસા ચૂકવવા તનમનધનથી તૂટી જવું પડે ! સાહસ કદી પારકી તલવારે અને પારકા ઘોડે ન થાય. કાં તો એ સાધનો દગો દે, કાં તો તમારા વિજય પર એનો માલિક કબજો જમાવી દે ! આદર્શ રીતે, તમારી બીજી આર્થિક જવાબદારીઓ ઉપરાંત બે-ત્રણ વર્ષ માટે જે રકમ તમે જુદી રાખી શકતા હો, એને જ બજારમાં રોકવી. ધીરજ હશે, તો એ રકમ બેવડાશે - ત્યારે એ નફો પણ રોકવો. પણ પારકે પૈસે કરોડપતિ થવા જનારા રોડપતિ થાય ત્યારે પોતાના પૈસા પણ ગુમાવે !
(પ) શેરબજાર દાળ છે, કોલ્ડડ્રિંંક નહિં : ક્યારેક જીભ પર તમતમાટ અને પેટમાં ટાઢક લાવવા ઠંડું પીણું પીવાય, પણ રોજેરોજ કંઈ એમાં રોટલી બોળાય છે ? મોટા ભાગના ઇન્વેસ્ટર્સ શેરબજાર તેજીમાં હોય ત્યારે શમા પાછળ ફના થવા માંગતા પરવનાઓની જેમ પહોંચી જાય છે. એમને ઝટઝટ પૈસા 'એક કા ડબલ' થવાની સનસનાટીની ચળ આવે છે ! શેરમાર્કેટ કદી કાયમી તેજી કે કાયમી મંદીમાં રહેતું નથી. સોનાની ખાણની જેમ શેરબજારમાં ય કોથળાં ભરીને ઘૂળ ફેંકે ત્યારે ખોબો ભરીને સોનું મળે ! લોકો ભાગ્યે જ શેરબજારને સિરિયસલી લઇ, એને માટે તેજી હોય કે મંદી-નિયમિત એક-બે કલાક અભ્યાસ કરવામાં જાતે ફાળવે છે. આવા સીઝનલ રોકાણકારોને બજાર પણ સિરિયસલી લેતું નથી. ગમે ત્યારે એમનો ખુરદો નીકળે છે. તમારી પાસે બજારને ઓળખવાનો અને સમજવાનો પૂરતો સમય ન હોય, તો પ્લીઝ એનાથી દૂર રહો. આમાં ૧૦% લોકો જાણે છે, ૧૦% નથી જાણતા ને ૮૦% એવા વહેમમાં છે કે બહુ જાણી ગયા છે !
(૬) શેરબજારમાં બુદ્ધિ પર ચાલો, ઓળખાણ ઉપર નહિ : ભારતમાં થતાં કેટલાક તટસ્થ સર્વેક્ષણો કહે છે કે વારંવાર માર ખાતાં નાના રોકાણકારો ક્યારેય પોતાની જાતે રસ લઇને બજારમાં ઝૂકાવતા નથી. કાકા-મામાના દીકરાઓ કે પાડોશીના સાળા કે ઓફિસવાળા ચમનલાલના સાઢુભાઇ ગમનલાલની આંગળી ઝાલીને બજારમાં કૂદે છે. ઇન શોર્ટ, કંપનીઓના નામ કરતાં પોતાના ઓળખીતા વચેટિયા પર વઘુ ભરોસો મૂકે છે. એ વચેટિયા પણ ઝાઝું જાણતા નથી હોતા. પણ એવું એ કબૂલ કરતા નથી કે પછી એમને તેની ખબર જ હોતી નથી. અંધ અંધ અંધારે મળ્યા! કાર ચલાવવી હોય તો સ્ટીયરીંગ પરનો કમાન્ડ હાથમાં જ હોવો જોઇએ. યોગ્ય, ચાલાક અને ભરોસાપાત્ર મિડલમેન શોધવામાં પણ બુદ્ધિ જ જોઇએ. લાગણીવેડાં નહી !
(૭) અનુમાનો અને હકીકતો વચ્ચેનો ફરક સમજો : ગમે તેટલો મોટો શેરદલાલ કે ટીવી એકસપર્ટ કે વેબ/પ્રિન્ટ મેગેઝિન એડિટર કહે, બજારમાં આ બઘું અનુમાન છે. ચોક્સાઇપૂર્વક દીર્ઘદ્રષ્ટિથી સાચી વિગતોના આધારે કરેલા અનુમાનો ઘણીવાર સાચા પડે છે, પણ દરેકવાર નહિ ! ભારતમાં આમ પણ બજાર અદ્રશ્ય હાથોની ચાલબાજીથી ચાલે છે. કાગળ પરની મજબૂત ગણત્રીઓ પણ એ ગુપ્ત આટાપાટાની સામે ટકતી નથી ! ભારતીય શેરબજારનો ટ્રેન્ડ પારખવા મેથ્સ નહિ, 'સિકસ્થ સેન્સ' જોઇએ ! કૌભાંડ પણ કરામત લાગે ને રિઝલ્ટ પાછળ રિઝન જ ના હોય !
(૮) ચાલુ ચીલાને ચાતરો : દુનિયા આખી જ્યાં દોડતી હોય, ત્યાં ઝડપથી ભીડ થવાની. ભીડ થાય એટલે ધક્કામુક્કી થવાની. પરાણે પણ ભીડને વિખેરવી જ પડે. બધા જ ઇન્વેસ્ટર્સ કોઇ એક જ કંપની કે લાઇનના શેર પાછળ દોડતા હોય એટલે બૂકિંગમાં લાઇન લાંબી છે માટે પિકચર સારું હશે એવી ભ્રમજાળ ન ગૂંથવી. એક જ ડાળી પર ઝાઝા પંખીડાઓ બેસે, ત્યારે વહેલીમોડી એ ડાળ નમે કે તૂટે. શેરબજારમાં લાંબી રેસના આખલા થવું હોય તો જતીઆવતી ફેશનને સાક્ષીભાવે જોઇને, થોડું પણ લાંબા વિશ્લેેષણ પછીનું રોકાણ કરવું. સુપરહિટ શેર્સમાં આમ પણ કમાવાનો માર્જીન ઓછો હોય છે. દલ્લો મેળવવા માટે ખૂણેખાંચરે છૂપાયેલા હીરા પરની ધૂળ ખંખેરવી પડે ! એમાં પણ જે અચાનક અધધધ વળતરથી છાકો પડે એમાં મોડેમોડેથી જોડાવાનો કોઈ ફાયદો નથી. એના કરતા એવી નવતર સ્ક્રિપ શોધવી.
(૯) નિયમોનો અભ્યાસ, એ જ બજારનો શ્વાસ : શેરબજારમાં પડવું જ હોય તો શેરબજારની પ્રક્રિયા બરાબર વિદ્યાર્થીની જેમ સમજો. તમામ ટેકનિકલ શબ્દો ઓળખો. વ્યાખ્યાઓ શીખો. દરેક ડોકયુમેન્ટસ જાતે ભરો કે તૈયાર કરો. બેન્કિંગના નિયમો જાણો. બિઝનેસના સરકારી નિયંત્રણો સમજો. સેબી જેવી સંસ્થાઓની નીતિઓનો અભ્યાસ કરો. તમે જેટલા સુસજ્જ રહેશો, એટલા જ સુરક્ષિત રહેશો. કોઇ અનુભવી પાસે બેસીને કે વાંચીને પહેલાં ક્ષમતા કેળવો. ઇન્ટરનેશનલ ટ્રેન્ડસ સમજો. નેશનલ પોલિસી ચેન્જીઝ પર બાજનજર રાખો. પારકી આંગળી ઝાલીને સ્ટોક માર્કેટમાં આવી જરૂર શકાય, પણ મુક્તપણે ફરી ન શકાય. આવું બઘું કરવાનો કંટાળો આવે તો બજારથી દૂર રહો નહિ તો ક્યારેક બજાર જ તમને દૂર કરી દેશે !
(૧૦) ગોડ ઇઝ ઇન ધ ડિટેઇલ્સ : જી હા, બજારમાં હરહંમેશ ઇશ્વર સમયસર મળતી સાચી માહિતીમાં છે. પણ માહિતી એટલે મોટા બ્રોકરો કે બિઝનેસમેનો કે એક્સપર્ટસના સ્પોન્સર્ડ ઇન્ટરવ્યૂ કે એનાલિસિસ નહિ. આ તો ચીકણી અને લપસણી માર્કેટ છે. અહીં માહિતી એટલે પહેલું તો 'અંદરના સંપર્કો'. બજારમાં પડો તો કોન્ટેકટસ વિસ્તારો. મોટી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીઝ કે બ્રોકર ઓફિસ કે કંપનીઓના ટોપ મેનેજમેન્ટમાંથી સીધી જ ખાનગી માહિતી મેળવો. બીજું, સમાચારો પર આને ટેવ હોય તો હિસાબી આંકડાઓ પર સતત ફરતી નજર. જેને લીધે કયા સેક્ટરમાં તેજી કે મંદી રહેશે, કઈ કંપની કમાશે ને કઈ ગુમાવશે એનો અંગત અંદાજ રહે. જેની પાસે સાચી માહિતી સહુથી પહેલા છે, એ બજારનો રાજા છે.
(૧૧) શરૂઆતમાં કાલ્પનિક, ઘડાઈને વાસ્તવિક : અર્થાત્, નવોદિત રોકાણકાર હો ને મૂડી મર્યાદિત હોય તો પહેલા સપનામાં સોદા કરો. મીન્સ રીતસર હિસાબ કે નોંધ રાખી પ્રેક્ટિસ કરો ટ્રેડિંગ કરવાની. તમે મનોમન લીધેલા કે વેંચેલા શેરમાં કેટલી વધઘટ થઇ ને તમારા નિર્ણય કેટલા સાચા કે ખોટા પડયા એ ચકાસો. ધીરેધીરે કોન્ફિડન્સ આવે કે આપણે ૧૦માંથી ૮ વાર ધાર્યું નિશાન વીંધી શકીએ છીએ, ત્યારે જ રિયલ મનીથી ગેઈમ શરુ કરો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અલગ માયા છે. પણ શોર્ટ ટર્મ ટ્રેડિંગ મોટે ભાગે એક કસિનો છે. પણ એની ચાલ સમજવી પડે રોજ થોડો સમય નિયમિત ફાળવી ના શકો તો એ આપણા માટે નથી એમ નક્કી માનવું !
(૧૨) ઈમોશનલ નહિ, એનાલિટીકલ : આપણી કોઈ પર્સનલ ફેવરીટ બ્રાંડ હોય એને લીધે જરૂરી નથી કે એના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ એ સાચો નિર્ણય હોય. કે વાઈસા વર્સા. અંગત રીતે ના ગમતી કંપની કમાણી સારી આપતી હોય. એટલે આમાં લાગણી કરતા તર્ક અને ફેન્ટેસી કરતા ફેક્ટસ અગત્યની છે. બહુ બધા એવા ચક્કરમાં પણ નહિ પડવાનું કે આ લકી છે કે અનલકી છે કે આ જ્યોતિષે આમ કહ્યું છે કે આ આપણો ખાસ કે કર્હાબ સમય છે વગેરે. સાદો ફંડા છે. દરેક વખતે કોઈ રમતમાં સ્કોર શક્ય નથી, અને આજે રોકાણ કરો તો આવતીકાલે આજથી બજાર વધવાનું તો છે જ.
ફાઈનલી, શેરબજાર ગાજરની પિપૂડી નથી. બચતના ઘટતા વ્યાજદર વચ્ચે રોકાણ માટેનું એક સબળ માધ્યમ છે. જો બસ ઝટ પૈસા બનાવવા હોય તો થોડું કમાઇને ફટાફટ સલામ મારીને કાયમ માટે નીકળી જાવ. સુખી થવાની એ ચાવી છે. ચાર્લ્સ ડાર્વિનેે કહેલું કે , જગતમાં એ પ્રજાતિ નથી બચી જતી જે સૌથી વધુ મજબૂત હોય, કે સૌથી વધુ બુદ્ધિશાળી હોય. એ બચે છે કે જે પરિવર્તન સ્વીકારીને અનુકુળ થઇ જાય સમયને !
ઝિંગ થિંગ
સ્ટોક માર્કેટ એક એવું સર્કસ છે, જ્યાં અમુક લોકો વેંચે છે, ને અમુક લોકો ખરીદે છે અને બંને એક જ સમયે પોતાના ડિસીશનને સ્માર્ટ સમજે છે !