વો દોસ્ત મેરી જિંદગી મેં બહુત માયને રખતે હૈ વક્ત આને પર જો સામને મેરે આઈને રખતે હૈ!
- અનાવૃત-જય વસાવડા
- ખોટી બાબતો સામે લડવાને બદલે કોઈ તમને તમારા હિત ખાતર સાચું કહે ત્યારે એને કરડવા જવાને બદલે આત્મખોજ કરો છો કે નહિ?
સ ચિન તેંદુલકર જયારે નિવૃત્ત થયો ત્યારે સૌરવ ગાંગુલીએ એને સલામી આપતા એક ક્વોટ ટાંકેલુ. ''ઇટ્સ નોટ એબાઉટ ટેલન્ટ યુ બોર્ન વિથ, ઇટ્સ એબાઉટ વોટ યુ એચિવ વિથ!''
સમજાયું ? સમજવા જેવું જ સત્ય છે. મતલબ એવો છે કે તમે કેવી પ્રતિભા સાથે પેદા થયા છો, એ અગત્યનું નથી. પણ ઈશ્વરે આપેલી આ ભેટ સાથે તમે ન્યાય કર્યો છે કે નહિ, એનો પૂરો કસ કાઢીને તમે કશુંક મહત્વપૂર્ણ પ્રાપ્ત કર્યું છે કે નહિ, એ અગત્યનું છે. તાજેતરમાં શાળાજીવનથી ઘડવૈયા એવા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરની પ્રતિમા લોકાર્પણ સમારંભમાંથી આવેલી સચિન તેંદુલકર અને એના શાળાજીવનના દોસ્ત વિનોદ કાંબલીની વિડિયો ક્લિપ વાઈરલ થતા પબ્લિક ઓપિનિયન સામસામેના બે ભાગમાં વહેંચાઇ ગયો. ક્લિપમાં દેખાય છે કે ( એક તો આ એડિટ કરીને સનસનાટી માટે ક્લિપ ફેલાવવાની વાત જ જીવતા બોમ્બ જેટલી ખતરનાક અને લાંબા ગાળે સ્વસ્થ સમાજ માટે વિનાશક વાત છે, અને એ જોઇને સીધા લેવાદેવા વગર કોઈના પર પર્સનલ જજમેન્ટ પબ્લિક આપવા લાગે એ એથી પણ વધુ વાહિયાત એવી સમય અને શક્તિની બરબાદી છે. ) એક ફંક્શનમાં દેખીતી રીતે બીમાર અને અશક્ત એવા સ્કૂલમેટ કાંબલીને બેઠેલો જોઈ સચિન એની પાસે જાય છે. કાંબલી ઉભા થવાનો પ્રયાસ કરે છે, સચિનને બાજુમાં બેસવા આગ્રહ કરે છે. પણ સચિન કાર્યક્રમ શરુ થતા તરત ખબરઅંતર પૂછીને નીકળી જાય છે.
હવે આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા તો આયોજકો આગોતરી ગોઠવીને રાખે. એટલે ઘણી વાર ઈચ્છા હોવા છતાં આમંત્રિત સેલિબ્રિટી મન ફાવે ત્યાં બેસી ના શકે. સુરક્ષાના પ્રશ્નો પણ હોય. અને કેટલાય ઓળખીતા મળતા હોય તો દરેકને સતત એટેન્ડ ના જ કરી શકાય. પણ મીડિયા ને અમુક ચિરકૂટ કાંબલીભગતો ( હા, એવા ય હોય છે આ જગતમાં !)ને મુદ્દો મળી ગયો દોસ્ત દોસ્ત ના રહાનું કોરસ વગાડીને પબ્લિસિટી કરવાનો !
કેટલાક સમયથી આ નવો ઉપાડો ચાલ્યો છે. કોઈકને મિસ વર્લ્ડ જેવી બ્યુટી પેજન્ટમાં ય રિઝર્વેશન જોઈએ છે. કોઈકને વળી ક્રિકેટમાં દલિતો સાથે ઘોર અન્યાયના પિપુડાં વગાડવા છે. અન્યાય ક્યારે કહેવાય ? જયારે તમારી લાયકાત હોવા છતાં તમને સમાન તક અને હક ના મળે. કે પછી તમારી સાથે તમારા વર્તનમાં કશી સમસ્યા ના હોય તો પણ ભેદભાવ કરવામાં આવે. ખરેખર તો આવું સચિન સાથે થઇ રહ્યું છે. આપણે ત્યાં અભાવગ્રસ્ત ને ડ્રામાભૂખડા લોકો વધુ હોઈને કોઈ વાંક ના હોય ને ઉંધેથી કોઈ રાહદારી કે ટુ વ્હીલરવાળો જ એની પોતાની ભૂલે અથડાય તો પણ વાંક કાયમ મોટી ગાડીનો જ નીકળે એવી માનસિકતા છે. એ રીતે વધુ અમીર, વધુ લોકપ્રિય અને વધુ સજ્જન એવા સચિનને મોકો મળે ત્યારે એમ જ જલનથી ઝૂડવાવાળા કેન્સલ કલ્ચરિયા કબાડાબાજો પેદા થયા છે. સચિનની ભરપૂર ટીકા થાય મેદાન પરના પરફોર્મન્સ બાબતે. બાકી પર્સનલ લાઈફમાં એ કોઈને ક્યાંય નડયો નથી. ગોડ ગિફ્ટેડ હોવું કોઈ ગુનો નથી.
ફરી વાંચો આરંભે લખેલું વાક્ય. ટેલન્ટ યાને પ્રતિભા સચિન અને વિનોદ બંનેને મળેલી. જ્યાંથી એવો ચમક્યા એ પેલી ૬૬૪ રનની સ્કૂલ ટુર્નામેન્ટ પાર્ટનરશિપમાં કાંબલીએ સચિનથી વધુ ૩૪૯ રન કરેલા. એને સચિનથી મોડો મોકો ટેસ્ટમાં મળ્યો પણ આસન મળ્યો કારણ કે ભારતમાં રમવાનું હતું. સચિનની જેમ નાની ઉંમરે ત્યારે ઘાતક પાકિસ્તાની બોલરોનો ત્યાં સામનો કરવાનો નહોતો. તો પણ કાંબલીએ શરૂઆતમાં ઝમકદાર દેખાવ કર્યો. પછી ટાંય ટાંય ફિસ્સ થયું. કારણ એ જ કે સચિને પુરા પરિશ્રમથી અને પ્રમાણિકતા જાળવીને પોતાની પ્રતિભા સાથે જે ન્યાય કર્યો એ પ્રલોભનોમાં ઝટ લપસી પડેલા ને કોઈ કશું સાચી બાબતે ટોકે તો રડારોળ ને ચીસાચીસ કરીને સામા જૂઠા આક્ષેપો કરીને વિકટીમ કાર્ડ રમવા લાગતાં કાંબલીએ બિલકુલ ના કર્યો. પોતાને મળેલી ભેટ વેડફી નાખવી એ પણ એક અદ્રશ્ય અપરાધ છે !
પહેલા તો ભૂલકણા લોકો માટે થોડી યાદદાશ્ત તાજી કરાવી દઈએ. નેવુંના દાયકામાં વિનોદ કાંબલીની શરૂઆત નબળી ન્હોતી. ઇંગ્લેન્ડ સામે ઝમકદાર રમત બતાવી હતી. ત્રણ અલગ દેશો સામે ત્રણ ટેસ્ટ ડબલ સેંચૂરીઝ. શેન વોર્નની એક ઓવરમાં ૨૨ રન અને ટેસ્ટમાં પચાસથી ઉપરની એવરેજ હજુ કેટલાક ક્રિકેટની ગેમ સમજ્યા વિના માત્ર રિપોર્ટસ વાંચીને ગોકીરો કરતા ગડબેશો ટાંક્યા કરે છે. પણ સાવરકરની જેમ કાંબલીના કર્તૃત્વના બે એકબીજાથી અલગ વિરોધાભાસી હિસ્સા છે. એકમાં ધ્યાન ખેંચે એવા હીરો, એકમાં સાઇડલાઈન થઈને ફરગોટન ઝીરો.
શરૂઆતમાં ૯૩ની એવરેજથી રમતા કાંબલીની છેલ્લા ૭ ટેસ્ટમાં એવરેજ હતી ૧૪.૭૦ ! ૧ જૂન ૧૯૯૬ પહેલા એની વન ડે એવરેજ ૩૫ ઉપર હતી પણ ત્યારથી છેલ્લી વન ડે ૨૦૦૦ની સાલમાં શારજાહમાં કોકોકોલા ચેમ્પિયન્સ ટ્રોફીની ભાઈ રમ્યા ( જેમાં ૧૫ બોલમાં ૩ રન બનાવેલા ! ) એમાં ૩૫ વન ડે મેચોમાં ૧૯.૩૧ની એવરેજ જ રહી. આટલા ચાન્સ એને નિષ્ફળતા છતાં મળેલા. ૧૬ મેચ તો ફેઇલ જતો હતો છતાં સચિનની કેપ્ટનશિપમાં રમેલો. મતલબ ત્યારે સચિને એને બેઠો થવા જરૂરથી વધુ મદદ કરેલી. ( કમબેક માટે આના પછી વધુ ચાન્સ માત્ર મોહમ્મદ કૈફને મળ્યા છે ૨૧ મેચ જેટલા ) પણ મુંબઈની ટીમમાં પણ અમોલ મઝુમદાર અને વાસીમ જાફર એનાથી ક્યાંય આગળ રહેતા ! અરે ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં ૬૯ થી વધુની એવરેજ બીજી ઈનિંગમાં ૯ રન પર આવી ગયેલી ! સિલેક્ટરો સામે જ્ઞાતિવાદ કે સચિને પૂરતું ન કર્યુંની વાત કરનારા આ ભૂલી ગયા છે ? સચિન શું એના વતી રમી દે ? એવું તો અર્જુન માટે પણ એ ના કરી શકે નથી કર્યું. બાકી એ ના રમતો હોત ઇન્ટરનેશનલ ક્રિકેટ અત્યારે !
એ વખતે વિનોદ કરતા ક્યાંય વધુ ટેલેંટેડ દ્રવિડ લક્ષ્મણ જેવા આવી ગયેલા દરવાજા ખખડાવતા. અને કાંબલીની નશામાંથી રિહેબ કરાવવાની હમણાં દરખાસ્ત કરનાર કપિલદેવના બધા ગુણગાન ગાય છે, એ જ કપિલદેવે ૨૦૧૬માં યુવાનોએ કાંબલીની જેમ ફોકસ ગુમાવી ગેમ સિવાયની બાબતોમાં દિશાહીન થઇ ભટકી ના જવાની શીખ આપી હતી ! ગૂગલ કરજો, વર્ડ ટુ વર્ડ મળી જશે.
શું થયું હતું એવું ?
પહેલી વાત. સચિનની જેમ કાંબલી અપગ્રેડ નહોતો થતો પોતાના કામમાં. આજની જેમ જ એને જૂની મૂડીએ જ નફો કરવો હતો. એની એ અગાઉ પોતે શું કરેલું એની વાતો. એમ તો એથી ક્યાંય વધુ તેજસ્વી યુવરાજસિંહ પણ કેન્સર બાદ એવું રમી નહોતો શક્યો ને એટલે ડ્રોપ થયો એ હકીકત છે ને છતાં હજુ એના ચાહકો એના ભેજાંગેપ બાપાની જેમ આ સત્ય સ્વીકારી નથી શકતા. સચિને સમય મુજબ ગેમ બદલાવી. ટેનિસ એલ્બો પછી નામું નખાયેલું ત્યારે ગ્વાલિયરની મેચની માફક ગ્રાન્ડ કમબેક કર્યો. બેટથી નહિ તો બોલથી પરફોર્મ કર્યું. નાં ફાવી તો લીડરશિપ છોડી કોઈ મનદુ:ખ વગર પોતાનાથી જુનિયર ધોનીની ભલામણ કરી. કાંબલીએ બીજાઓના વાંક કાઢવા સિવાય ક્રિકેટમાં કોઈ મોટો સુધારો ના કર્યો. ગલીના રાઉડી જેવો એપ્રોચ રાખ્યો.
એટલે કોર્ટની વોલ્શે ૧૯૯૪માં એની શોર્ટ બોલ રમવાની નબળાઈ પકડી અને પહેલેથી જ નબળા ફૂટવર્ક પર ધરબી દીધો પછી બધાને એનની વીકનેસ દેખાઈ ગઈ ! ઈરાદા સારા હોવાથી જીવનની ઈમારત ઘડાઈ નથી જતી. એના માટે રિઝલ્ટ રિયાલિટીમાં બતાવવું પડે. સચિન જયારે હરીફો માટે મુસીબત ઉભી કરતો ત્યારે પોતાની અશિસ્તભરી હરકતોથી કાંબલી ખુદની ટીમ માટે મુસીબત બનતો જતો હતો. ઓફ ધ ફિલ્ડ ભાઈ અચાનક કોઈએ સફળતા જોઈ લીધી હોય પછી પચાવ્યા વિના પાગલ થઇ જાય એવી હરકતો શરુ કરેલી ને તબિયત ખરાબ ના હોત તો હજુ કરત કારણ કે તુંડમિજાજી થઈને કાયદા તોડવા, મળ્યું હોય એ વેડફી નાખી મિત્રો પાસેથી મદદની કાયમ અપેક્ષા રાખવી ને ના મળે તો નાસીપાસ થઈને જાહેરમાં એ બાબતે એલફેલ બોલવું એ એનો સ્વભાવ બનેલો છે.
પ્રતિભા તો ઘણા પાસે હોય છે ને એને નીખરી ઘણા આગળ પણ ઝટ આવે છે. સવાલ છે એ પ્રતિભાનું તેજ તમે પોતે જીરવી શકો છો કે નહિ ? તમે મજબૂત રીતે પગ જમીન પર ખોડીને નવું નવું કરતા રહો છો કે નહિ ? ખોટી બાબતો સામે લડવાને બદલે કોઈ તમને તમારા હિત ખાતર સાચું કહે ત્યારે એને કરડવા જવાને બદલે આત્મખોજ કરો છો કે નહિ? તમે સતત બીજા માથે ખુદની મોજ માટે બોજ બનો તો મિત્રો શું પરિવાર પણ તમને છોડીને જતો રહે. અને કાંબલીએ થોડીક સફળતા મળી ત્યારે જ જોયું ના હોય એમ સીનસપાટા શરુ કરી દીધેલા. એકઝેટ જે આજે નેક્સ્ટ સચિન ગણાયેલા પૃથ્વી શો સાથે થયું છે.
જાતભાતની સ્ટાઈલ મારવી. ફિલ્મો ને બેફામ વ્યસનો. ઘરેણા ચડાવીને ફરવું. પાર્ટી અને છોકરીઓની કામનામાં એવા લપટાઈ જવું કે જેને લીધે એ જલસો માણવા મળે છે, એ કામમાં જ ભલીવાર ના રહે ! પૂનાની બ્લુ ડાયમંડ હોટલ રિસેપ્શનિસ્ટમાંથી પત્ની બનેલ નોએલા સાથે ડિવોર્સ થયા. ફિલ્મોમાં રોલ શરુ કર્યા. બીજી પત્ની એન્ડ્રિયા હેવિટ સુંદર છે પણ એની જોડે મારપીટ કરેલી એની ફરિયાદ એણે જ નોંધાવેલી. એને લીધે અંકિત તિવારી ફેમિલી સાથે જાહેર ઝગડા થયેલા. આડેધડ ડ્રાઈવિંગ ને ડ્રગ્સ સુધીના ચકચારી કિસ્સા હતા. એમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી ગયો ને અનેક પ્રયાસો છતાં દારુ છૂટયો નહિ. ઘરની નોકરાણીએ પણ ગુસ્સામાં એના પર હાથ ઉપાડયાની ફરિયાદ કરેલી. આ બધા પોલીસ ચોપડે નોંધાયેલા ગુના છે. માત્ર કૂથલી નથી. છેલબટાઉ ને એરોગન્ટ વિરાટ પણ છે, પણ પોતાના સ્વજનો સામે નહિ !
સચિન અને કાંબલી જોડે ભણતા હતા ને એક રમતમાં ય સાથે સરખી ઉંમરના એક ભાષા બોલનારા હતા એ વાત સાચી. પણ એને લીધે લોકો ને મિડીયાએ ધારી લીધું છે કે એ ગાઢ દોસ્તો હતા. અને વિનોદે ફેઈલ હોઈને મોકો જોઈ વારવાર એ બળતામાં કેરોસીન પૂર્યું છે. બધી સ્કૂલટાઈમ ફ્રેન્ડશિપ એમ આગળ એટલી નિકટ થતી નથી. હા, યાદ રાખે, ઔપચારિક વહેવાર હોય કે કોઈ પ્રસંગે મળે કે જોડે જમે, ક્યાંક મદદ કરે પણ એથી બધા ક્લાસમેટ્સ ફાસ્ટ ફ્રેન્ડસ ના બને. વાંચવાનું અટકાવી ખુદની લાઈફનો સ્ટડી કરો તો પણ આ સત્ય સમજાશે ! અમિતાભની જેમ એકપક્ષીય આક્ષેપબાજી સામે ભાગ્યે જ પર્સનલ થવા મોં ખોલતા ઠાવકા અને સંસ્કારી સચિને એક વાર કહેલું જ કે ''વિનોદની પ્રતિભા બાબતે વિવેચન કરવું મારું કામ નથી. પણ અમારા બેઉની લાઈફસ્ટઈલ અલગ હતી. બેઉના બેકગ્રાઉન્ડ અને ઉછેર અલગ હતા. મારી કટોકટીમાં મને સંભાળવા માટે પરિવાર અને સ્વજનો હતા. વિનોદ માટે આવું હું ના કહી શકું!''
બસ, આટલું કહીને જ ઘણું કહી દીધું ! આ સમજવાની કેપેસિટી કદાચ કાંબલીમાં છે નહિ. એટલે ધુંધવાટમાં એ કાયમ સચિન પર એણે ધારી લીધેલી અપેક્ષા પૂરી કરવાની સચિનની નોકરી હોય એમ ઠીકરું ફોડયા કરે છે. ૨૦૦૯માં જ હાઉ ટુ લૂઝ ફ્રેન્ડસ પર કિતાબ લખવી હોય એમ ટીવી શો સચ કા સામનામાં એણે પોતાની ભૂલો ને દેવાદારી માટે સચિને મદદ ના કરી હોવાના રોદણાં રોય હતા.
માણસ સતત કોઈ જૂની મિત્રતાના હવાલે આર્થિક ગરબડો પોતે કરી બધું ગુમાવી મદદ માંગ્યા કરે તો થાકે ને ! તો ય સચિને જાહેરમાં જૂની મિત્રતાની ગરિમા જાળવીને મૌન રાખેલું. કાયમ તબને પડયા કરો પોતાના પાપે તો દોસ્ત સાચી સલાહ આપે , બેઠા જાતે થતા શીખવું પડે કારણ કે અગાઉની ભૂલ તમે ફરી ફરી કરી છે. સુધાર કરવો નથી ને ઉધાર જોઈએ છે.
આ પછી પણ સચિનની નિવૃત્તિ સમયે કાંબલીએ મારું નામ ના લીધું મને પાર્ટીમાં ના બોલાવ્યો જેવી ડોશીછાપ રડારોળ ઝી ન્યુઝમાં કરેલી. હવે કોનું નામ લેવું કે કોને ઘેર બોલાવવા એ તો કોઈ પણ માણસનો અધિકાર હોય. ઠીક છે, તમને માઠું લાગ્યું તો તમે બોલ્યા ખીજાઈને કે દુભાઈ ને. પણ પછી મદદની અપેક્ષા ના હોય. વિનોદ કાંબલીએ જો કે સચિનના અંગત જીવન પર પ્રહારો નથી કર્યા. પણ આપબળે આગળ આવનાર માણસને અચાનક બધા મિત્ર માની એમનું ખોટું કામ પણ ના કરે તો છણકા કરતા હોય છે, કે પહેલા જેવા હવે નથી રહ્યા. માણસ ગ્રોથ થાય એમ બદલાતા હોય છે. પ્રાથમિકતા પણ ફરતી હોય છે. ઉષ્મા ના રહે અગાઉ જેટલી કે કોઈ વાત ના ગમે કે ભવિષ્યમાં મુશ્કેલી વધશે કોઈ અપલક્ષણને કારણે તો ખાનદાન વ્યક્તિ માથાકૂટ કરવાને બદલે અંતર કેળવી દે એમ પણ થાય.
એમ તો હમણાં જ હરભજને કારણ વગર કોઈ મુદ્દા વગર માત્ર પ્રસિદ્ધ વ્યક્તિના જોરે થોડી લાઈમલાઈટ મેળવવા કકળાટ કરેલો કે દસ વર્ષથી ધોનીએ મારી સાથે વાત નથી કરી. વાત નથી કરી તો પણ આટલો વાંધો છે, તો.એને ખેબુ જોઈએ કે ભવિષ્યમાં કરેલી વાતના ઇન્ટરવ્યૂ દેવાની કુટેવ જોઈને જ આગમચેતી વાપરીને ન્હોતી કરી ભાઈ ! એકચ્યુલી સેમ ફિલ્ડ કે ફેમિલીમાં આવા ઝેર વધુ રહે એ સનાતન ઇતિહાસ છે. કારણ કે નજર સામે તમારી નજીકનું કોઈ તમે ફાંફા કરતા હો એ બાબતમાં બેટર થતું જાય ત્યારે એ જોઈને ઈર્ષાથી તમે બિટર યાને કડવા થતા જાવ ! જો તમારામાં નિષ્ફળતા ખમી ખાઈને શીખવાની ધીરજ અને દરેક પોતાના ભાગ્યનું અને ક્ષમતા મુજબની મહેનતનું રળે એ સ્વીકારની સમતા ના હોય તો બીજાની ખોદવામાં આયખું વેડફાઈ જાય જે પોતાને તરાશવામાં કામે લાગ્યું હોય.દોસ્ત દોસ્ત ના રહા ગાવા કરતા પોતે કેવીક દોસ્તી નિભાવી છે, એ પણ સમજવું જોઈએ. બે બાજુની કોઈ હકીકત જાણ્યા વિના મફતિયા જજ બની જતા મસાલાહંગ્રી તમાશબીનોએ પણ !
ઝિંગ થિંગ
ઇસ સે પહલે કી બેવફા હો જાયે
ક્યૂં ન એ દોસ્ત હમ જુદા હો જાયે
(અહમદ ફરાઝ)