અમરત્વ : આશા, આનંદ અને અભિશ્રાપ .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
અમરત્વ : આશા, આનંદ અને અભિશ્રાપ                      . 1 - image


- અનાવૃત-જય વસાવડા

- સતત યૌવન ભોગવીને અંતે યયાતિ કંટાળી ગયો! અને આગમાં ઘી નાખવાથી આગ શમતી નથી, કામનાઓનો અંત નથી એવું કહીને પુરૂને યૌવન આપી સંન્યાસી થઈ ગયો!

બુ્રસ વિલિસ, મેરિલ સ્ટ્રિપ અને ગોલ્ડી હોન જેવા ધુરંધરોની રોબર્ટ ઝેમેક્સ દિગ્દર્શીત ( બહુ મજાના ડાયરેક્ટર, હમણાં શાશ્વતીની વાત કરતી નવી ફિલ્મ આવી રહી છે હવે ફોરેસ્ટ ગમ્પના ટોમ હેન્કસ સાથે ! હીઅર ) એક ફિલ્મ આવેલી 'ડેથ બિકમ્સ હર.

ફિલ્મના ફિકશનલ પ્લોટમાં એકબીજા પ્રત્યેની ઈર્ષાથી ખદબદતી અને સુંદરતાની ઘાતક ઘેલછા ધરાવતી બે સ્ત્રીઓની વાત છે એક અભિનેત્રી છે, બીજી લેખિકા છે. એકે પોતાના યૌવનના કામણથી બીજાનો પ્રેમી છીનવી લીધો છે, જે કોસ્મેટિક સર્જન ડોકટર છે.

અચાનક એક નારી પ્રૌઢામાંથી ચુસ્ત તંદુરસ્ત યુવાન દેખાવા લાગે છે. એ જોઈને બળીને ખાખ થઈ ગયેલી બીજી મેડિકલ સાયન્સની રીતે આ શકય નથી, એ જાણ્યા પછી માહિતી મેળવે છે કે, આ ચમત્કાર તો એક જાદૂગરણીનો છે. જેની પાસે ચિરયૌવન આપતું પીણું છે તરત પહેલીની માફક બીજી પણ એ ગટગટાવે છે.

અવનવા રમૂજી વળાંકો પછી ફિલ્મમાં બંને ઝેરીલી સ્ત્રીઓ સામસામે બાખડી પડે છે. બંને એકબીજાને મારવાના પ્રયત્નો કરે છે. વાળ ખેંચાઈ જાય છે, ચામડી ઉતરડાઈ જાય છે, ગરદન મરડાઈ જાય છે. પણ અમરત્વ મળ્યું હોઈને બંને મરતી નથી! એકબીજાના શરીરમાં કાણા પડે છે. માંસના લોચા નીકળે છે. પણ કુરૂપ થતા દેહને મૃત્યુ આવતું નથી! આવી સ્થિતિમાં બંને પેલા ડોકટર પતિ / પ્રેમી પાસે દોડે છે. પણ બંને ચિરયૌવન ઘેલીઓથી ત્રાસીને એ ડોકટર નાસી છૂટે છે !

* * *

અશ્વત્થામા ભારતના પૌરાણિક કથાનકોમાં સાત અમર ચરિત્રોમાંથી એક છે. બાકીના છ ચિરંજીવી ગણાય છે :  હનુમાન, પરશુરામ, બલિ રાજા, વેદવ્યાસ, વિભીષણ અને કૃપાચાર્ય.  એની વે, મહાભારત સાથે તાર જોડીને અને અડધો ડઝન હોલીવૂડ ફિલ્મોમાંથી ઉઠાંતરી કરીને ( શિરમોર તો સ્ટાર વોર્સ, ડયુન, મેડ મેક્સ ) આવેલી ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી'નો પહેલો ભાગ ચાલી ગયો છે. જે માત્ર ઇન્ટરવલ પછી પ્રભાસના ત્રાસમાંથી મુક્તિ અપાવતા બડે બચ્ચનના રોલાસોટાને લીધે છે. અમિતાભે અશ્વત્થામાનું પાત્ર મૂળ કથામાં નથી એટલું લાર્જર ધેન લાઈફ બનાવી જીવી બતાવ્યું છે. એને પણ ઉંમરના પડકાર નડતા નથી. ફિલ્મના આરંભના દ્રશ્યમાં કૃષ્ણ અશ્વત્થામાને એક પ્રકારનો શ્રાપ આપતા અમરત્વ આપે છે. અને કહે છે કે પોતપોતાનું કર્તવ્ય પૂરું થતા અમે બધા જતા રહીશું. પણ તું અહીં સદાકાળ રહીશ અને તને સમજાશે કે મૃત્યુ કેમ મંગલ છે. 

અમરત્વની ઝંખનામાં જ કેલીફોર્નિયાનો એક અબજપતિ બ્રાયન જોન્સન સમાચારોમાં બહુ ચમકે છે, જે ૪૫ વર્ષે વાર્ષિક ૨૦૦ કરોડ જેટલી રકમ પોતાની ઉંમર 'ઘટાડવા' પાછળ ખર્ચે છે ! ૩૦ ડોક્ટરોની ટીમ અને રોજ થતા બોડી ટેસ્ટસ, વિગન ખોરાક અને કસરત તથા ૧૧૧ જેટલી દવાઓ બધું લઈને ભાઈ પોતાના શરીરના અંગોને ફરી બેન્જામીન બટનની જેમ યુવાન કરી રહ્યા છે ને અને એના દાવા મુજબ એને આંશિક સફળતા પણ મળી છે. ( અલબત્ત, પત્ની કંટાળીને જતી રહી છે ! ) આ ઘેલછા પાછળના સાયન્સ વિષે ફરી કોઈ વાર વાત કરીશું પણ એ સાવ નવી નથી.

મરહૂમ મેગાસ્ટાર માઈકલ જેકસનના મૃત્યુ પછી જેમ ચકાચૌંધ રોશનીના સ્ટેજ શો પછી બીજા દિવસે સવારે ગ્રાઉન્ડમાં કાગળિયાની કતરણો, પ્લાસ્ટિકની કોથળીઓ, એંઠવાડ, પાણીનું કચકાણ દેખાય... એવી ટ્રેજેડી પણ બહાર આવી હતી. માઈકલ ડાન્સ અને મ્યુઝિકમાં જેટલો જીનિયસ હતો, એટલો જ જીંદગીમાં ઈમોશનલી 'ક્રેક'હતો એક તબક્કે એની પાસે કાળી ચામડી છતાં અપરંપાર લોકપ્રિયતા અને એનર્જેટિક ફિટનેસ હતી. પરંતુ, માઈકલને અપૂર્વ સોંદર્યવાન અને ચિરયુવાન રહેવાની ચાનક ઉપડી ડ્રગ્સના બંધાણી જેવું એક ઓબ્સેશન થતું ગયું. ઓલરેડી સફેદ બનતી જતી રોગગ્રસ્ત ચામડી પર એણે સર્જરી કરાવી 'મોરા શ્યામ રંગ લઈ લે, મોહે ગોરા અંગ દઈ દે' લલકાર્યું. લૂકસમાં ફેરફાર કરાવવા માટે મેકઅપ આર્ટિસ્ટને બદલે મેડિકલ સર્જનોને શરણે ગયો. વેરવિખેર બચપણને લીધે બાળક જેવી કલ્પનાસૃષ્ટિમાં જીવતો રહેતો આ કળાકાર 'મેચ્યોર થિંકિંગ'કરી શકે તેમ નહોતો. 'ઓછું ખાવાવાળા લાંબુ જીવે'એવા સંશોધને પછી આ શાકાહારી સુપરસ્ટારે જમવાને બદલે રીતસર 'ચણવા'નું ચાલુ કર્યું! (એના પંજાબી કૂકનું આ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ હતું) અને પોસ્ટમોર્ટમ વખતે પણ તેની હોજરીમાંથી અન્નનો એક દાણો નહિ, પણ કેવળ દવાઓ જ નીકળી! અઢળક દોલત - શોહરત પછી ન એ કશું ખાતો, ન ખૂબસૂરત ઔરતો સાથે રહેતો, ન ખુલ્લામાં બહાર ફરી શકતો! તો પછી નામ-દામનું શું કરવાનું? અથાણું?

ગલી ગલી ગાંવ ગાંવ નગર નગર પથરાયેલા જેકસન ફેન્સ જાણે જ છે કે, માઈકલને સદા યુવાન દેખાઈને બહુ લાંબુ જીવવું હતું. અઢી દસકા પહેલા તેણે લિકિવડ નાઈટ્રોજનમાં પોતાના વૃઘ્ધ દેહને સાચવી 'ક્રાયોનિકસ'ટેકનીક (જે હજુ સિઘ્ધિ નહિ, સપનું જ છે)થી ભવિષ્યમાં જીનેટિકસની મદદથી પુન:જીવન પામવાની વાતો કરી હતી. ઉંમર વધે નહિ માટે એ ઓકિસજન ચેમ્બરમાં સૂતો. એલર્જી ન લાગે માટે ખુલ્લા શરીરે દિવસે કયાંય બહાર ન જતો. એક તો દેણા અને આક્ષેપોને લીધે માનસિક હાલત કથળી. એમાં વળી શરીરને લગતા ફોબિયાઝ (માનસિક કાલ્પનિક ભય) ને લીધે એ પેઈનકીલર દવાઓનો 'એડિકટ' બનતો ગયો. સ્વાસ્થ્યની રક્ષાના આગોતરા આયોજન માટે એટલી દવાઓ ખાવાનું શરૂ કર્યું કે, ઉપચાર જ ઉપાધિ બની ગયો! ઓટોપ્સી સમયે શરીર ઈન્જેકશનની સોયોથી ચારણી હતું. વાળ તો ઠીક, નાક પણ ખરવા લાગ્યું હતું. અને હાર્ટ એટેક સમયે પમ્પીંગ કરવાના દાકતરી પ્રયાસમાં એની નબળી પાંસળીઓ તૂટી ગઈ હતી. એના દોસ્ત દીપક ચોપરા અને હાઉસકીપરે ઘણી વખત વારવા છતાં, એ સલાહો ગણકારવાને બદલે એ ખાવાને બદલે દવા પર જીવતો!

અમાપ ઐશ્વર્ય પછી એવરગ્રીન યુવાન બનવા ઈચ્છતો આ માણસ નોર્મલ પ્રૌઢ કરતાં પણ યુવા ઉંમરમાં જ વઘુ વૃઘ્ધ બની ગયો હતો! જે નહોતું ગમતું, એ જ એણે સામે ચાલીને નોતર્યું! નેવું કૂદાવી ગયેલા ખુશવંતસિંહો અને એમએફહુસેનો દેહ - દિમાગ સાબૂત રાખીને સર્જન કરતા કરતા ગયા. ક્લીન્ટ ઇસ્ટવૂડ હજુ ફિલ્મો બનાવે છે ને રૂપર્ટ 'મર્દોક' ઘોડે ચડે છે. અડવાણી પણ હોસ્પિટલમાંથી રજા લઈને આવી જાય છે ને રમણલાલ સોની વાર્તાઓ પણ લખતા !  જયારે માઈકલ એવો ખખડી ગયેલો કે (અમિતાભની માફક) ચાહકોની પ્રાર્થના પણ બચાવી ન શકે અમરત્વના આરાધકે સામે ચાલીને ઉલટું મોત વહેલું બોલાવી લીઘું !

* * *

ઈમ્મોર્ટાલિટી. અમરતા. ચિરયૌવન. સદૈવ સુંદરતા. માનવજાતની આ આદિમ ફેન્ટેસી છે. આ 'આદિમ' શબ્દવાળા ભાઈ આદમ અને (કોઈનીયે બહેન નહિ એવી) મેડમ ઈવ આમ તો અમર જ હતા ને, પણ પછી પરમાત્માની આસ્થાનો અને એકબીજાના શિયળનો ભંગ કર્યા પછી પૃથ્વી પર એમને મરવા ધકેલી દેવાયા! વિશ્વની સૌથી જૂની કથા (રામાયણ-મહાભારત મહાકાવ્યો છે) ગણાતી ઈ.સ. પૂર્વે ૨૨માં રચાયેલી મનાતી 'બુક ઓફ ગિલ્ગામાશ'માં રાજવી ગિલ્ગામાશ રાજપાટ છોડી અમર બનવા ભટકે છે. હોમરની 'ઓડિસી'માં ભટકતો રાજા ઓડિસિયુસ રૂપ બદલી પાછો ફરે છે. 'મહાભારત'માં અશ્વસ્થામાં કે રામાયણમાં હનુમાન (અને બંનેમાં પરશુરામ તો ખરા જ!)ના અનંત જીવનની વાતનો ઉલ્લેખ છે જ. પુરાણ કથાઓના અમૃતમંથનની કસરતને લીધે તો મહાદેવ નીલકંઠ થયા, વિષ્ણુને ગૃહમાં લક્ષ્મી મળ્યા, પૃથ્વી પર પારિજાત ખીલ્યું. કુંડળીમાં રાહુ-કેતુ મંડાયા અને દેવતાઓ માનવને દાનવ બનતો નિહાળવા અમર થઈ ગયા! (સાર: અમૃત આરોગવું હોય તો મોહિની મેળવી લેવી!)

શીખ ધર્મમાં તો 'અમૃત ચખના'ની વિધિ છે, અને 'અમૃતસર'માં સ્તો સુવર્ણ મંદિર છે. ઈસ્લામના 'આબ-એ-હયાત'ના કોન્સેપ્ટે હાતિમતાઈ જેવી અવનવી કહાનીઓને અમર બનાવી છે. સ્વર્ગમાંથી ફૂટેલું અમર પાણીનું ઝરણું એટલે આબે હયાત. ખિજર નામના પયગંબરે એ પીધું હોવાનું મનાય છે. ફારસીમાં 'મેહર'એટલે અસ્તિત્વનું પ્રતિબિંબ, પ્રકાશનો અર્ક આ 'આબે હયાત'માં પ્રગટયો, એવી માન્યતાને લીધે જ બંદગી કરવાના સ્થળને 'મેહરાબ'કહેવાયું!

'મહાભારત'ના વનપર્વમાં યુધિરિને ભક્તિ અને જ્ઞાાન કરતા પણ 'નિષ્કામ કર્મ' ઉંચુ છે, એવું સમજાવવા માટે લોમષઋષિ યવક્રીનું આખ્યાન કહે છે (જેના પરથી ગિરિશ કર્નાડે 'ફાયર એન્ડ રેઈન' જેવું અદભુત નાટક લખ્યું છે.) એમાં વક્રી અમરત્વ માટે તપ કરે છે, ત્યારે ઈન્દ્ર એના આ પ્રયાસને રેતીની ઢગલીથી નદીના વહેણને રોકવા જેવો વ્યર્થ ગણાવે છે! પણ મૃત સંજીવની વિદ્યા જેને લીધે પિતાના શિષ્યને મળી, એવી દેવયાનીનો પતિ યયાતિ ઈન્ડિયન માયથોલોજીમાં માઈકલ જેકસન જેવો જ નીકળ્યો હતો! જે યયાતિને અકાળે વૃઘ્ધત્વનો શ્રાપ મળ્યો ત્યારે યુવાન પુત્ર પુરૂનું યૌવન ઉધાર લઈને પણ એ 'એવરગ્રીન' રહેવા લાગ્યો હતો. આ કથા રસપ્રદ છે, પણ અત્યાર પૂરતી એમાં મહત્વની વાત એ છે કે સતત યૌવન ભોગવીને અંતે યયાતિ કંટાળી ગયો! અને આગમાં ઘી નાખવાથી આગ શમતી નથી, કામનાઓનો અંત નથી એવું કહીને પુરૂને યૌવન આપી સંન્યાસી થઈ ગયો!

બોરડમ. ઈમ્મોર્ટલિટીની માયા સાથે આવતી કાળી છાયા!

* * *

જ્યોર્જ લુઈ બોર્હેસની કહાની 'ઈમ્મોર્ટલિટી'માં સદીઓ સુધી અમર રહેલો નાયક સતત એ જ બધી ઘટનાઓના 'રિપિટેશન'(ફરી ફરીને એ જ વર્લ્ડ કપમાં હારવાનું, ને પછી ચેમ્પીયન બનવાનું, લગ્નો અને શોકસભાઓ, પાસ થવાની પાર્ટીઓ, દુકાળ અને પૂર, યુ નો!)ને લીધે કંટાળીને જે ઝરણાને લીધે અમર બનેલો એ શોધવા એ શોધીને 'મર્ત્ય' (જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુવાળો નાશવંત) માનવ બનવા ફરી નીકળે છે! તો હેનરી રાઈડર હેગાર્ડની 'શી'માં ૨૦૦૦ વર્ષથી અમર નાયિકા પ્રેમને ખાતર અમરત્વ ત્યાગે છે.  સેંકડો કહાનીઓ કે ફિલ્મોમાં અમૃતકુંભ કે શાંગ્રીલા જેવા અમરત્વના વ્યર્થ નીવડવાની વાત છે! 'ટોમ્બર રેઈડર: ક્રેડલ ઓફ લાઈફ'ની પેન્ડોરાની પેટી હોય કે 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની લોર્ડ સારાઓનની શેતાની વીંટી- આ બધી અમર બનવાની દોડનો અકાળ અંત જ આવતો દર્શાવાયો છે. હેરી પોટરનો વિલન લોર્ડ વોલ્ડેમોર્ટ 'હોરક્રકસ' જાદૂની મદદથી અમર બનવા પ્રયત્ન કરે છે (અને વયોવૃઘ્ધ પ્રિન્સિપાલ ડમ્બલડોર કહે છે: ડેથ ઈઝ ગ્રેટ એડવેન્ચર!) સ્ટાર વોર્સનો એનાકિન સ્કાયવોકર અમર અને મહાશક્તિમાન બનવા જતા ચહેરો પણ છૂપાવીને ફરવું પડે એવો લોખંડી લબાદામાં રહેતો 'ડાર્થ વેડર' બની જાય છે! 

યશવંત મહેતાની 'કરાલેકાટ'માં અમરત્વના અંજામની 'હોરર' કથા છે, 'ટવાઈલાઈટ' કે 'હેઈલરેઈઝર'ની માફક! કોઈક પારસમણિથી અમર બનવા જાય છે. તો ક્યાંક અવાસ્તવિક મૃત્યુ માંગીને રાવણ, મહિષાસુર, હિરણ્યકશ્યપુ, ભસ્માસુર, રક્તબીજ જેવા અસુરો અમર બનવાનો પ્રયત્ન કરે છે. સાહિત્ય અને સિનેમાની ફેન્ટેસીમાં ડ્રેક્યુલા જેવા વિલન્સ અમર હોય છે, અને બેટમેન-સ્પાઈડરમેન જેવા સુપરહીરોઝ મરી શકે તેવા હોય છે! એજ ઓફ અડાલીન કે ટાઈમ ટ્રાવેલર્સ વાઈફ જેવી ફિલ્મો હોય કે માર્વેલના કેપ્ટન અમેરિકા કે ડીસીના વન્ડર વુમન જેવા પાત્રો - એ બધા પોતાના પ્રિયજન સાથે સમય વીતાવવાને અમરત્વ કરતા મહાન ગણે છે !

વાત કંટાળાની થતી હતી. ગ્રીક ફિલોસોફર એપીકુરસ તો એવું કહેતો કે મૃત્યુ એટલે કંટાળાનો અંત! એની આગવી તાર્કિક શૈલીમાં એ માનતો કે મૃત્યુ અવદશા નથી, કારણ કે એમાં કોઈ વેદના, પીડા થતી નથી. એ તો ખરેખર સુખ-દુ:ખ તમામ અનુભૂતિનો અંત છે! માટે એ દુ:ખદ લાગણી નથી! પણ કુદરતે માણસને જીવનમાં રસ લેતો કરવા નિત્ય પરિવર્તનશીલ બનાવ્યો છે. ચેન્જ હોલ્ડસ ધ ચાર્મ! જો નવીનતા ખતમ તો આયુષ્ય વધે, પણ જીંદગી ઘટે!

૧૮૧૯માં વોશિંગ્ટન અરવિંગે આયર્લેન્ડની લોકકથા પરથી પ્રેરિત વિશ્વવિખ્યાત કથા 'રિપ વાન વિંકલ લખી હતી. આઈરિશ લોકકથામાં યોદ્ધો ઓસીન રૂપાળી દેવતાઈ નારી નિમાહના પ્રેમમાં પડી તેની સાથે 'તિર-ના-નોગ' યાને 'લેન્ડ ઓફ ફોરએવર યંગ'માં રહે છે. એને બે મહિના પછી ઘેર સ્વજનોને મળવા જવાનું મન થાય છે. નિમોહ પોતાનો 'સ્નોવ્હાઈટ' ઘોડો આપીને તેના પરથી ઉતર્યા વિના જ જવાની સૂચના આપે છે. ઓસીન પરત ફરે છે, તો ખબર પડે છે કે નિમોહ સાથેના બે માસમાં ખરેખર વાસ્તવિકતામાં ૨૦૦ વર્ષ પસાર થઈ ગયા છે! અને તેનું શહેર-સ્વજનો કશું જ રહ્યું નથી. એ ઘોડા પરથી આઘાતમાં નીચે ઉતરે છે, અને એની પણ ચામડી-વાળ બધું જ અચાનક અત્યાર સુધી રોકી રાખેલા કાળનો થાક ઉતારતી હોય એમ અચાનક જ જર્જરિત બની જાય છે! 

રિપ વાન વિંકલમાં કર્કશા પત્નીથી કંટાળી જંગલમાં જઈ દારૂ પીને સૂઈ જાય છે, અને ઉઠીને પાછો આવે છે તો ૨૦ વર્ષ વીતી ગયા હોય છે! ઘરપરિવાર તો ઠીક, રાજસત્તામાં ય પલટો આવી ગયો હોય છે. નાઉ ધેટસ ધ પોઈન્ટ. જીના ભી ક્યા હૈ જીના, તેરી આંખો કે બિના! 'ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ લાસ્ટ ક્ઝેડ'માં જીસસનો હોલી ગ્રેઈલ મળ્યા પછી તેનું પાણી પીને અમર બની ગુફાની કેદમાં રહેવાને બદલે થોડા વર્ષો માંડ પાછા મળેલા બાપ સાથે જીવવાની ઈન્ડી પસંદગી કરે છે! જીંદગી બડી હોની ચાહિયે બાબુમોશાય, લંબી નહિ!

મીર તકી મીરે એટલે જ કહ્યું હશે ને 'અપને જી હી ને ન ચાહા પીએ આબે હયાત, યૂં તો હમ મીર ઉસે ચશ્મે પે (એ જ ઝરણા કિનારે) બેજાન હુએ!' એકલા એકલા કિલ્લેબંધીમાં સાવ બદલાઈ ગયેલી દુનિયામાં જીવીને ય શું કરવું? જીંદગી કોનાથી બને છે? યુવાની કોનાથી ટકે છે? કેલેન્ડરથી? કે દોસ્તોની સાથે લિજ્જતથી ગાળેલી રંગીન શામથી? ઝિન્દાદિલીથી માંડેલી અણદીઠી ભોમ પરની આંખથી? જો ડર ગયા સમજો મર ગયા!

'ડેથ બિકમ્સ હર' ફિલ્મમાં 'અમર થવું એટલે એકલા થવું'કહી ભાગી છૂટેલો ડોકટર વર્ષો પછી મૃત્યુ પામે છે. એના અંતિમ સંસ્કારમાં પેલી બે વિચિત્ર અવસ્થામાં ગુપ્ત રીતે જીવતી બે સ્ત્રીઓ જાય છે, અને સાંભળે છે, અંજલિ કે 'ડો. અર્નેસ્ટ સદાય આપણા હૃદયમાં અમર રહેશે. કારણ કે, એ ભરપૂર જીંદગી જીવ્યા. એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમનો વારસો જાળવી એમનું નામ દીપાવી રહ્યા છે. એમના યોગદાન અને સ્વજનોથી સમાજ માટે એમણે આપેલા સમયને લીધે એમની યાદ કદી પણ ભૂલાશે નહિ!'

વેલ, વેલ. યાદ કરનારાઓ પણ જતા રહે એટલી બધી લાંબીલચ જીંદગી ખંડેરની જેબ લબડતી લાશ બની જીવીને શું કરવું? પણ જાવેદ જાફરીએ બહુ ઈઝીલી એક મુલાકાતમાં અમરત્વનું સિક્રેટ સમજાવી દીઘું હતું. જાવેદે કહ્યું 'આજે હું શેક્સપિઅરને વાંચુ છું, ત્યારે શેક્સપિઅરને એની પત્ની સાથે કેટલા ઝગડા થયા હતા, તે જાણતો નથી. એને પત્ની હતી કે નહિ એમાં ય બહુ રસ રહ્યો નથી. પણ એના સર્જન થકી મારો એની સાથે સંબંધ છે!' માઈકલ જેકસને આટલા ધમપછાડા ન કર્યા હોત, તો ય અમર હોત! એ હોમોસેકસ્યુઅલ હતો કે એના બાળકોનો બાપ નહોતો- આ બધી જ કૂથલી ભૂલાઈ ગઈ. પણ ઈન્ટરનેટ- ટીવી યુગ પહેલા આવ્યો હોઈ એનું સંગીત- નૃત્ય એક આઈકોન તરીકે તેની યાદ ટેલર સ્વિફ્ટ સફળ થાય ત્યારે પણ અપાવે છે! અને બ્રાયન જોન્સન ૧૮ વર્ષનો અંદરથી થશે તો પણ એને કદાચ એટલા લોકો યાદ નહિ કરે જેટલા અમિતાભને કરશે! આ અમરત્વનો પાસપોર્ટ છે. કર્તા મરે છે. કાર્ય નહિ!

ઝીંગ થીંગ

યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિ શ્રિતા:

અથ મર્ત્યોઅમૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્નુતે ('કઠોપનિષદ'માં યમરાજ)

ભાવાર્થ : હૃદયની તમામ કામનાઓ નષ્ટ થાય ત્યારે મરણધર્મી માનવી અમર બની બ્રહ્મને અનુભવે છે.


Google NewsGoogle News