ફન ત્યાં ધન...તહેવારો એટલે તેજીના તોખારો : કેસસ્ટડી નવરાત્રિ !
- અનાવૃત-જય વસાવડા
- નવરાત્રિનો કલરફૂલ જોયફૂલ યૂથ ફૅસ્ટિવલ કેટકેટલી પ્રોડક્ટ્સના વિક્રેતાઓને આળસ મરડીને બેઠા કરે છે, ઝાકઝમાળ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસીઝ ઍન્ડ એક્સેસરીઝની તોતિંગ માર્કેટ ખૂલી જાય છે.
અ ત્યારે આમ તો આપણું શેરબજાર ને સોનું ને ડોલર ને ક્રિપ્ટો બધું તડાકેદાર તેજીમાં છે. હા, 'લાડુ ખાય ભીમસેન ને ઝાડે જાય શકુનિ'ની માફક ઈરાન ઇઝરાએલના યુદ્ધની વાતોથી ક્યારેક આપણું માર્કેટ લુઢકી પડે છે. અતિવૃષ્ટિ નહિ, તો ઈલેકશન રિઝલ્ટ બાબતે પણ સેન્સેટિવ છે. અર્થશાસ્ત્રીઓ ચશ્માં ચઢાવીને ટીવીની ચૅનલો પર કશોક ભેદી બબડાટ કરતા જાય છે.
ઇન્વેસ્ટમેન્ટ બાબતે નિષ્ણાત ગણાતા આઇઆઇટી મદ્રાસના ઇકોનોમિસ્ટ પ્રોફેસર પટ્ટાભીરામને હમણાં એક ચેતવણી ઉચ્ચારી હતી. પણ એની બહુ હેડલાઈન્સ બની નથી. એમણે કહેલું કે ભારતનો મિડલ ક્લાસ ઇન્વેસ્ટર એવી રીતે વર્તે છે કે જાણે સદાકાળ બધી બાબતોમાં તેજી જ રહેવાની હોય. સરકારે ટેક્સ વધારી અને રાહતો તથા વ્યાજદર ઘટાડી બચતવૃત્તિની પાળ પીટી નાખી છે. એટલે બધાને હવે કમાઈ લેવું છે ટ્રેડિંગ કરીને. એક કા ડબલ. પણ કાયમ આમ રહે નહિ, એટલે નિયમિત આવકનો બીજો કોઈ મજબૂત સ્રોત પણ રાખવો જોઈએ. નહીં તો આખો દેશ અચાનક કોઈ પળે માર્કેટ ક્રેશ થતા કેશલેસને બદલે ઇન્કમલેસ થઇ જાય ! સો, માર્કેટ ઇઝ કેઓસ. પ્રોડક્ટ્સ હોવી જ પુરતું નથી, પણ પબ્લિકનો પરચેઝિંગ પાવર સતત ટકવો જોઈએ. લોન તો લેવાય, પણ વ્યાજ ને હપ્તા પોસાવા જોઈએ.
એટલે આભાસી બજારની સાથોસાથ એક નક્કર બજાર હોવું જોઈએ ધમધમતું. જેમાં ઉત્પાદન થાય, ખર્ચ થાય ને ખાસ તો નાણું સતત ફરતું રહે. આ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અગત્યની વાત છે જેની શુભકામનાઓ હમણાં અપાશે. એટલે જ દિવાળીનો ઝગમગાટ ઝાંખો ના થવો જોઈએ અને એટલે લોકમેળાઓ વરસાદમાં કે આકરા નિયમોમાં ધોવાઈ જવા ના જોઈએ. ભારતમાં સમયાંતરે અલગ અલગ પ્રકારના તહેવારો આવતા રહે છે, એમાં સતત કેટલાક બાળોતિયાના બળેલા માત્ર ને માત્ર ધર્મનો ધોકો લઈને મર્યાદાની મેથી મારવા બેસી જાય છે. પણ વારતહેવારે આ લખવૈયાએ યાદ અપાવ્યું છે એમ ફેસ્ટિવલનું બ્લડ તો ફાઈનાન્સ છે. તહેવારો તેજીનું સરનામું છે. અને માણસ સાદગીથી ઘેર બેસીને સ્તુતિભક્તિ કરવા પૈસા નથી ખર્ચતોે. એ ખર્ચેે છે એકમાત્ર કારણ માટે - ફન! સેલિબ્રેશન! એન્જોયમેન્ટ એન્ટરટેઇનમેન્ટ. ખાનાપીના, નાચનાગાના ઔર દૂસરોં કો ઈમ્પ્રેસ કરના !
સો ઇટ્સ ટાઈમ ટુ શેઇક ધ લેગ્સ એન્ડ મૂવ ધ કર્વ્ઝ! વર્લ્ડ્સ લૉંગસ્ટ રનિંગ સોંગ અન્ડ ડાન્સ ફૅસ્ટિવલ. થ્રી ચિયર્સ ટુ વાઇબ્રન્ટ નવરાત્રિ! ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જયારે મોડે સુધી ગરબા રમવાની છૂટની જાહેરાત કરી હતી, ત્યારે કેટલાક મિત્રો રમૂજ કરતા હતા કે ગાયકો ને સાઉન્ડવાળાને બીજી પાળી યાને વધારાની કલાકોનો ઓવરટાઈમ કેમ ચૂકવવો ? જો કે બાર આસપાસનું સમાપન હવે સામાજિક રીતે બધાને માફક આવી ગયું છે, જેથી સમયસર સોશ્યલ નેટવર્ક પોસ્ટ્સ પણ મુકાઈ જાય ! પણ હર્ષભાઈનો એક જવાબ તો સાચો જ હતો, રાસવિરોધી અરસિકોના કકળાટ ઘોંઘાટ સામે કે ગુજરાતમાં ગરબા ના રમે તો શું પાકિસ્તાનમાં રમે?
યસ, ગુજરાતમાં ગરબા છે, મતલબ રાસના આયોજનો છે તો દર વર્ષે અમુક ઘર સચવાઈ જાય છે એના ઇકોનોમિક રોટેશનથી. માણસ બહાર નીકળે, તો જ બજાર ચાલે. ભૂલી ગયા હજુ હમણાં કોવિડને લીધે કેવો કડાકો હતો બધે એ ? ના, ના. 'ડર લગે તો ગાના ગા' વાળી સાઈકાથેરપીની વાત નથી અને નવરાત્રિના પ્રિન્સ-પ્રિન્સેસ જેટલા પોપ્યુલર એના પર લખતા લેખકો થતા નથી કે અમારું ચસકી ગયું હોય! ઇટ્સ સિમ્પલ. નવરાત્રિ એટલે યૌવન, નવરાત્રિ એટલે : જોબન, નવરાત્રિ એટલે નર્તન, નવરાત્રિ એટલે જ તન, મન, પ્રસન્ન! અને જ્યાં આ સઘળું ફન, ત્યાં ધન!
નવરાત્રિ ઇઝ બિગ બિઝનેસ પ્લૅટફૉર્મ! આમ તો શેરીએ શેરીએ થતી રહેતી અને આજે જે લુપ્ત થતી હોવાની કાણ વસૂકી ગયેલા વડીલો કાઢયા કરે છે એવી નાની ગરબીઓમાં પણ મનીમેકિંગનો એંગલ (ભલે, અમુક જગ્યાએ એમાંથી સમાજહિતના કાર્યો કરવા માટે) હતો જ. ભૂલી ગયા ભૂતકાળ ? મોટા ભાગે સ્થાનિક મંડળો 'માતાજીના ફાળા' માટે પહોંચબૂક આપીને કાર્યકરોને છુટ્ટા મૂકી દેતા. મંડપ બાંધીને ઈનામોની કૂપનના ડ્રૉ કરવામાં આવતા. ભાગ લેનારી બાળાઓને વાસણોની લહાણી કે પ્રસાદી માટે સ્થાનિક 'દાતા'ઓની 'સ્પૉન્સરશિપ' મેળવવામાં આવતી. એ નામો વળી એનાઉન્સ થયા કરે બે રાસ-ગરબાની વચ્ચે માઇક પર! (ઍડ્વર્ટાઇઝમેન્ટ, યુ સી!) અને માઈક પર બોલનારા, ગાનારા અરે, માઈક ભાડે આપનારાને પણ કશુંક મળી રહેતું. ને વીજળીના બિલથી સરકારને પણ. લ્હાણીના વાસણોને લીધે સ્થાનિક દુકાનદારને પણ. ફૂડથી ફોટા, મેક અપથી કોસ્ચ્યુમની ખરીદી તો ત્યારે પણ હતી.
આ કૉમર્શિયલાઇઝેશનનું એક્સટેન્શન અત્યારે સ્ટિરૉઇડ ઇન્જેકશન સુધી પહોંચી ગયું છે! નવરાત્રિ આવે એટલે શક્તિની ભક્તિમાં કેટલો ઉછાળો આવે તે નક્કી નથી, પણ ઇકૉનૉમિક્સના ગિઅર્સ ફરવાની શરૂઆત થઈ જાય છે. હવે તો માત્ર નવ દિવસની મોહતાજી નથી. પરદેશની જેમ આગળ પાછળ જ્યારે રજા હોય ત્યાં પ્રિનવરાત્રિ ને પોસ્ટ નવરાત્રિના નાના મોટા વીકએન્ડ ફન જેવા આયોજનો તણો તો રાફડો ફાટયો છે! ઇકૉનૉમિક્સનું અટપટું ગણિત ચોમાસા જેવું છે, એક વખત વાદળ બંધાવાની શરૂઆત થાય એ અવનવા તબક્કામાંથી પસાર થઈને વરસે તો ખરાં જ. એમ એક નાનકડું ચક્ર ફરે તો તેજીનો મોટો વંટોળ થોડા સમય પૂરતો આવે!
દાખલા તરીકે, અર્વાચીન દાંડિયારાસના નામે ઓળખાતો નવરાત્રિનો કલરફૂલ જોયફૂલ યૂથ ફૅસ્ટિવલ કેટકેટલી પ્રોડક્ટ્સના વિક્રેતાઓને આળસ મરડીને બેઠા કરે છે, બેઠા કરીને દોડતા કરી મૂકે છે! સામાન્ય રીતે ઘરની બહાર નીકળો ત્યારે ન પહેરી શકાય, એવા ઝાકઝમાળ રંગબેરંગી ેટ્રેડિશનલ ડ્રેસીઝ ઍન્ડ અક્સેસરીઝની તોતિંગ માર્કેટ ખૂલી જાય છે. ચણિયાચોળી, કેડિયું, ધોતી, દુપટ્ટા, ખેસ, કોટી, કમખા, પતિયાલા, ઝભ્ભા, ઘરચોળાં, ખેસ કશું જ ઘરમાં બનતું નથી. વળી, એના પર ભરતકામ, જરીકામ, આભલાં બધું ખરું જ! ટીલડી, બુટ્ટી, કડાં, મોજડી, પાઘડી, ટોપી, ઈંઢોણી, બેડાં, બાજુબંધ, બ્રેસ્લેટ, નેકલેસ પણ જોઈએ જ. અને લાસ્ટ ઇયર પહેરેલું બધું આ સાલ તો ચાલે નહીં! ફ્રેન્ડ્સ લોકો ચીડવે, ઈન્સ્ટા પર આઉટડેટેડ લાગે તો ઈમ્પ્રેશન બગડી જાય, યુ સી! આમાં કોઈ મલ્ટિનૅશનલ બ્રાન્ડ્સનું કામ નહીં (માર્ક્સ એન્ડ સ્પેન્સરની ચોળી કે પીટર ઇંગ્લન્ડની ચોરણી જોઈ છે, ભલા?) અહીં તો લોકલ માર્કેટને જ વધુ તડાકો!
કચ્છી કાપડું હોય કે જરદોસી વર્ક, આ કામ કરનારા ઘણાખરા કારીગરો ગામઠી હોય છે. નવરાત્રિની ધૂમ મચે કે એમના માટે પણ રોજી-રોટીમાં તેજી આવે. તેજીનું ઘોડાપૂર જોકે ગાયકો-વાદકો અને ઓડિયો ઈન્ડસ્ટ્રીમાં ફરી વળે છે. દર વર્ષે નાનીમોટી કંપનીઓના ગુજરાતી દાંડિયા કે માતાજીની સ્તુતિ- ગરબાનાં ટાઈટલ્સ આવે, એમાં નવા સિંગર-કમ્પૉઝરને ચાન્સ મળે છે. ઘણી વખત તો નોરતાંમાં નવી રિલીઝ થનારી ફિલ્મનાં ગીતોનું ખાસ પ્રમોશન કરવામાં આવે છે. નવરા પડેલા સ્ટાર લોકોને પણ કડકીમાં એપિરિયન્સ મની મળે છે. પોતાની બ્રાન્ડ ઈમેજ જમાવવા નવરાત્રિના આયોજક ટીવીસ્ટાર કે ફિલ્મસ્ટારને બુક કરવા રેસ લગાવે છે. ઉગતા એૅક્ટરલોગનું પણ નામ થાય અને સ્ટેજ પર જઈ હાથ હલાવવાના પૈસા મળે! સેલિબ્રિટી મીટ્સ પબ્લિસિટી! એમાંય બજેટ મુજબ ટોચના કલાકારોથી ટુણિયાટ કલાકારો સુધી કંઈક ને કંઈક મળી રહે છે. કેટલાય લોકલ એન્કર્સ અને સિંગર્સને કીડીને કણ, હાથીને મણ જેવી આવક થાય છે. હવે તો યુટયુબ વિડીયોમાંથી તગડી કમાણી થાય. એના લોકેશન શૂટિંગ વગેરે ટીમના પણ રોટલા જ નહિ, પિત્ઝા ય નીકળે!
આ તો વિઝિબલ બૂમ છે. પણ કેટલાંય ક્ષેત્રોમાં નવરાત્રિને લીધે આવતો આવકનો ઉછાળો નજર સામે હોવા છતાં મગજમાં ઊતરતો નથી. મોસમી ખેડૂતની જેમ દાંડિયારાસના ખેલૈયાઓને કોચિંગ આપતા 'ક્લાસીસ'ના કસબીઓ બે-ચાર મહિનામાં જ આખા વરસની ધીંગી કમાણી કરી લે છે. એવું જ 'બ્રાન્ડેડ' થઈ ગયેલા 'અર્વાચીન રાસોત્સવ'ના આયોજકોનું છે! નવ દિવસના ઉજાગરા એમને ૩૫૬ દિવસ ચેનની નીંદર આપે છે. 'ભૂતપૂર્વ પ્રિન્સ, કિંગ, પ્રિન્સેસ વગેરેને નાના-મોટા સેલિબ્રિટી શો કે મૉડલિંગ ઍસાઈનમેન્ટ મળી રહે છે. ગુજરાતમાં જ કેટલી સ્ત્રીઓ માત્ર નવરાત્રિને લીધે સેલિબ્રિટી ઇન્ફ્લ્યુઅન્સર તરીકે પગ થિરકાવતા પગભર થઇ માહી પટેલથી પ્રાચી સોલંકી જેવી સ્ટાર બની એ કદી નોંધ્યું છે ?
ધરતીની આરતી પણ નોરતાંમાં ફરજિયાત ઉતારવી પડે. (ગ્રાઉન્ડ વિના ઠૂમકા ને ઠેકડા ક્યાં લગાવવા?) માટે મેદાનોવાળી સ્કૂલ-કૉલેજીઝથી લઈને પાર્ટીપ્લોટવાળાઓને તગડા ભાવે બુકિંગ મળે. આ ગ્રાઉન્ડ્સ પર થિરકી અને થનગનીને થાકીને લોથપોથ ખેલૈયાઓ માટે મિનરલ વૉટર, પાણીનાં પાઉચ, સૉફટ ડ્રિન્કસ, ગરમ નાસ્તો, આઈસક્રીમ બધું જ જોઈએ ને! તે એ વળી કંઈ મફત આવે છે? ઈનામોમાં અપાવાની વાત જવા દો, પણ ચસોસસ ભીંસાવાનું 'ચીપકો' આંદોલન ન થાય, ત્યાં સુધી નોરતાંમાં યંગથિંગ્સને શી લિજ્જત આવે? માટે બાઇક, સ્કૂટરેટ ટાઈપનાં ટુ વ્હીલર્સ (હમણાં એમાં ઇલેક્ટ્રિક ચાલે છે વધુ )નાં સેલિંગ અને પેટ્રોલની ખપતમાં અને ટેક્સની આવકમાં વીજળીની જેમ ઉછાળો!
ટુ વ્હિલર્સ કે ફોર વ્હીલર્સ જો ખેલૈયાઓને 'મોબાઈલ' બનાવતા હોય તો 'મોબાઈલ માર્કેટ' ક્યાંથી પાછળ રહે? સેલફોનના ભાવમાં સ્પેશિયલ સ્કીમ્સ દર નવરાત્રિએ આવે છે. ઈમ્પ્રેશન જમાવવા લેટેસ્ટ માડલના ફોન વેચાય અને સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મનલુભાવન યોજનાઓથી ગ્રાહકોને લલચાવી રોકડી કરી લે! નવરાત્રિમાં થતું ઇન્સ્ટન્ટ ડેટિંગ પરમેનન્ટ કરવા માટે પાછળથી પણ ફોન-મૅસેજીઝની ટેકણલાકડી તો જોઈએ જ ને! એ રીતે નોરતાં પછી નેટસર્ફિંગ પણ વધી જાય! મોબાઈલ, કમ્પ્યૂટર્સ કે ઇલેક્ટ્રિસિટીનો યૂઝ પણ કંઈ ફ્રી નથી!
અને દાંડિયા ગ્રાઉન્ડ્સ પર સ્પૉન્સર્સ હોય તેમ એનું લાઇવ ટેલિકાસ્ટ દર્શાવતી ટીવી ચેનલ્સ કે યુ ટયુબ ફેસબુક ચેનલ્સને પણ સ્પાન્સર્સ મળવાના જ છે! લોકલ નવરાત્રિ માટે લોકલ કનેકશન હાજર છે. નવા નવા ગીતોનું 'લોકલ' માર્કેટ પણ
ઊંચકાઈ જ જાય છે. નોરતાંનો કાયમી ક્રેઝ મૂવી 'ડીજે' ઇંગ છે. અને આ 'ડિસ્ક જોકિઝ' કંઈ યુરોપ-અમેરિકાનાં ન ચાલે માટે 'ડીજે'ની કરિયરમાં ઝુકાવનારાઓને અને સાજીંદાઓને પણ થોડા દિવસો (ઈનફેક્ટ, રાતો!) રાશન કરતાં રોશન થાય એવું વળતર મળી રહે છે. મોડે સુધી ખુલ્લા રહેતા ફાસ્ટફૂડ પાર્લર્સ ને પણ ફાયદો બ્યુટી પાર્લરની સીઝન ખુલે એમ.
એમ તો વળી આવી શાનદાર ચમકદમકવાળી ગ્લૅમરસ નવરાત્રિ કરવી હોય તો ટાઈટ પ્રાઈવેટ સિક્યારિટી જોઈએ. એમાં પણ ઘણા નવરા બેકાર અને અમુક તો પરીક્ષા પાસ ના કરી શકતા અભણ જુવાનોને કામચલાઉ રોજગારી મળે છે. જેમ હવે રમવા ઉપરાંત એની રીલ બનાવવા ખાસ પાસ ખરીદીને કેટલાક એક્સપર્ટ લોકોને હાયર કરવામાં આવે છે એમ જ ! જસ્ટ થિંક, આ સિવાય પણ કેટલી એવી ચીજો છે, જેની ડિમાન્ડ નવરાત્રિને લીધે વધી જાય! ચાલો, બાકી રહેલી બાબતોનું ક્વિકલિસ્ટ બનાવીએ: મંડપ, ડેકોરેશન, લાઇટની સિરીઝ, ફોટોલેબ, ડિજિટલ કમેરા, પફર્યુમ, પાથરણાંનાં કપડાં, સાઉન્ડ સિસ્ટમ, કૉન્ડોમ્સ, કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, જિમ્નેશિયમ્સ, ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીઝ, ડિજીટલ ૅબૅનર-હૉર્ડિંગ ક્રિએટર્સ, ફોટોગ્રાફર્સ, અન્કર-એનાઉન્સર્સ, કૉસ્મેટિક્સ, પેપર નેપકિન્સ, ગ્રિટિંગકાર્ડસ, શૂઝ, બ્યુટીપાર્લર્સ, ધૂપ-અગરબતી, સ્વીટ્સ, ચૉકલેટ્સ, નમકીન, ફરાળી વાનગીઓ, ગોલ્ડ-સિલ્વર-ડાયમંડ જવેલરી, કેટરિંગ, ગાયનેકૉલૉજિસ્ટસ, ઓર્થોપેડિક ડોક્ટર્સ કે ફીઝીયોથેરાપીસ્ટ, વાઈરલ ફિવરના મેડીસીન સ્ટોકિસ્ટસ, ડાયટિશિયન્સ, જીમ કે યોગ ટ્રેનર્સ...
અને નરી આંખે ન દેખાતી તેજી પણ જુદી! અખબારોને જાહેરાતો મળે, ખેલૈયાઓના પાસ બનાવવા માટે પ્રિન્ટિંગ ઈન્ડસ્ટ્રી જોરમાં આવી જાય, ઊભરતા નવોદિત રાજકારણીઓને જૂથ જમાવવાની તક મળે, સાઠગાંઠને લીધે સ્થાનિક વગદાર લોકોને 'ઉપર'ની આવક થાય. પાસના વેચાણનું પ્યારના ખેંચાણ સુધી પ્રતિબિંબ પડે તો ગિફટ આર્ટિકલ્સની આખી બજારમાં ભરતી આવે! એમ તો ઘણી વખત નોરતાં પછી 'બધી મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે'ના ન્યાયે ભણતરનો ભાર વધી જાય તો ટયૂશનના શિક્ષકોની ઈન્કમમાં પણ ઇન્ક્રિમેન્ટ આવે!
તો... જો મંદી છે ટૅન્શન તો નવરાત્રિ છે ટોનિક! આ તો 'ધાર્મિક' પર્વના નામે એના બિઝનેસ વોલ્યુમનો અસલી આંકડો કદી જાણવા નથી મળવાનો. પણ એક વાત ગરબામાં પ્રકાશતા ઘીના દીવા જેવી સ્પષ્ટ અને સ્વયંપ્રકાશિત છે : યંગ જનરેશનના પરચેઝિંગ પાવરથી નોરતાંમાં રોલિંગ ઑફ ફાઈનાન્સ વધી જાય છે! નવરાત્રિ વૅકેશન જાહેર થાય તો હજુય એમાં તેજીની લહેરો વધી જાય!
નવરાત્રિના નવતર સ્ટેપ્સ જેવું જ આ અવળચંડું ઇકૉનૉમિક્સ છે. પણ મૂળ વાત બહુ સિમ્પલ છે. મંદી એક માનસિક અવસ્થા છે, હતાશા અને ભીંસની. એમાં માતાજીના નામે કે મહાદેવ, કૃષ્ણ, ગણેશ કોઈના પણ નામે કોઈ પણ તહેવારમાં પણ જો પબ્લિક આનંદ શોધતી થાય, ખુલ્લા દિલે ખર્ચ કરતી થાય તો જલસા હંમેશાં તેજીના છડીદાર બનીને પ્રૉફિટની સરગમ છેડી શકે છે! અને યુવક-યુવતી સાથે મળીને ફન અન્ડ ડાન્સ કરે, એ જગતની સૌથી મોટી લ્યુક્રેટિવ માર્કેટ આપોર્ચ્યુનિટી છે. લવ એન્ડ સેક્સ્યુઆલિટીમાં કદી મંદી આવતી નથી!
કેટલી વાર આ એકનું એક જ્ઞાાન આપવું મર્યાદાના પ્યાદા એવા પોતે રમી ના શકતા હોવાથી સાદું જીવન ઉચ્ચ વિચારની વાતો કરનારા દંભીડફોળ ઉપદેશકોને ? એ પણ સૌથી મોટો તહેવાર લક્ષ્મીપૂજનનો હોય એ દેશમાં !
ઝિંગ થિંગ
ઈશ્વરે જબ્બર અંધાધૂંધી (કેઓસ) પછી સાત દિવસમાં સૃષ્ટિનું સર્જન કર્યું, એ બાઇબલકથા પરથી એક પાર્ટીમાં ચડસાચડસી થઈ. એક ડૉક્ટરે કહ્યું 'પ્રભુએ આદમની પાંસળીમાંથી ઈવ બનાવી, માટે ગૉડ ઈઝ સર્જન. એન્જિનિયર ફ્રેન્ડે કહ્યું ઈશ્વરે ફક્ત સાત દિવસમાં અંધાધૂંધીમાંથી દુનિયાની ડિઝાઈન બનાવી, ગૉડ ઈઝ એન્જિનિયર. ઇકૉનૉમિસ્ટે હસીને કહ્યું, પણ એ અંધાધૂંધી ઊભી કોણે કરી હતી? જરૂર ઈશ્વર અર્થશાસ્ત્રી હોવો જોઈએ!