2000 થી 2025 પાર્ટ ટુ : વો ગુઝરે ઝમાને યાદ આતે હૈ...!
- અનાવૃત-જય વસાવડા
- પ્રાઈવસીનો મહિમા વધ્યો ને એ સાથે પ્રાઈવેટ મોમેન્ટસનું શેરિંગ પણ. બોલ્ડ વસ્ત્રો થયા પણ દિમાગો ના થયા!
જો તમે '૭૦, '૮૦ના દાયકામાં કે આરંભના ૧૯૯૦ના દાયકામાં જન્મ્યા હો તો એક કૌતુક જરૂર અનુભવ્યું હશે. આજે વિચાર કરો કે જ્યુરાસિક પાર્ક ફિલ્મ પહેલી આવી હતી કે કે ધોનીએ વર્લ્ડ કપ અપાવ્યો હતો કે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા કે અમેરિકા પર નાઈન ઈલેવનનો હુમલો થયો કે ચંદ્રકાન્ત બક્ષીનું નિધન થયું કે રિડિફમેઈલ એકાઉન્ટ ખૂલ્યું કે મુન્નાભાઈને ગાંધીજી દેખાયા કે ઓબામા રાષ્ટ્પતિ થયા કે તાતાએ નેનો લોન્ચ કરી કે અમિતાભે ગુજરાત ટુરિઝમ માટે જાહેરાતો કરી કે બાબા રામદેવે આંદોલન કર્યું કે તાજ હોટલમાં ત્રાસવાદીઓ ઘુસ્યા વગેરે ઘટનાઓ યાદ કરો તો લાગે કે આ તો થોડા વર્ષો પહેલા જ બની છે. બહુ દૂરની ના લાગે. જુની પણ હમણાની લાગે. જ્યારે આ બધી ને એવી ઘણી ઘટનાઓને મિનિમમ એક દસકાથી વધુ સમય થઇ ગયો છે ! અમુક તો બે દસકા જૂની છે !
તો પછી આ દૂરને બદલે નજીકની કેમ લાગે છે ? વચ્ચેના વર્ષો ક્યાં ખવાઈ ગયા ? અડધો જવાબ છે, મોબાઈલમાં ! જેના કોન્સ્ટન્ટ ડેટા એટેકને લીધે આપણી મેમરી ઘણી વાર ખોરવાઈ જાય છે. બીજો અડધો જવાબ છે, જેમ ઉંમર વધે એમ તરુણાઈ કે જવાનીના સમયની ઘટના વધુ નજીક સરકે છે મનોમન. જેની થોડીક ચર્ચા ગત રવિવારના સ્પેક્ટ્રોમીટરમાં ઓલરેડી કરી. આ લેખ એની પુરવણી કે સિકવલરૂપે છે જેમાં ૨૦૦૦થી ૨૦૨૫ સુધીમાં કેટકેટલું સાવ ખોવાઈ ગયું આપણા જીવનમાંથી કે જવાની તૈયારી પર વેન્ટીલેટર પર છે એની એક યાદી મુકેલી. દરેક યાદીની જેમ એ કાયમ માટે અધૂરી જ રહેવાની પણ આ લેખ વાંચતી વખતે આ કેમ નથી એવો સવાલ કે સૂચન થાય તો પહેલા અચૂક એ પહેલો ભાગ ૫ જાન્યુઆરીની રવિપૂર્તિમાં રિફર કરી લેવો. અબ આગે.
મોટા પરિવર્તનો એકવીસમી સદીનો ચોથો ભાગ વીતી જવા આવ્યો ત્યારે જીવનમાં ક્યા આવ્યા ? ડિજીટલ લાઈફ તો ખરી જ. પણ અમુક રીતરસમ સાવ બદલાઈ ગઈ. જેમ કે ટોપ ટેનવાળા પર્સન્ટેજના રિઝલ્ટ. હવે ત્યાં પર્સન્ટાઈલ આવી ગયા. પરીક્ષાપદ્ધતિ તો બદલાઈ જ ગઈ પણ એડ્મિશન પણ હવે શેરબજારની કોઈ ફાઇનાન્સીયલ સ્ટ્રેટેજી જેવી આંકડાબાજી થઇ ગયા. સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓનું સામ્રાજ્ય વધી ગયું અને કાયમી નોકરીની નિમણૂકને બદલે એડહોક ધોરણે ભરતી પામતા શિક્ષકો વધી ગયા. એજ્યુકેશનમાં કોમ્યુટર લેબમાં થતા અલાયદા સર્ટીફિકેટ કોર્સ ગાયબ થઇ ગયા. પરિણામો મોડા આવે એ ઘટનાઓ સમાપ્ત થઇ ને નવતર કોચિંગ સેન્ટરોની બોલબાલા વધી. યુટયુબ અને ઝૂમ એજ્યુકેશન હબ બનવા લાગ્યા. નવી પેઢીના બાળકોની ગ્રહણશક્તિ અનેકગણી અપગ્રેડ થઇ. મલ્ટીટાસ્ક ઇઝીલી કરી શકે.
ફિલ્મોમાં બીજા ઉપલક ફેરફારો તો ગયે વખતે પણ નોંધ્યા, પણ મસમોટો વિયોગ થયો આ પાછળ ૨૫ વર્ષમાં એ હિન્દી ફિલ્મોનું સંગીત જ સૂકાઇ ગયું. પડદા પર કલાકારો હોંઠ ફફડાવી ગાય એવા ગીતો પણ અસ્તાચળે છે. જૂના રિમિકસ સિવાય એક જ પ્રકારના બીબાંઢાળ રોતલા ગુંગણા ગીતો આવ્યા કરે છે જે બે મહિના પણ યાદ નથી રહેતા ! બાકી સાઉથ છાપ ધમાધમ છે. ટેકનિક સુધરી પણ સ્ટોરીટેલિંગ કથળ્યું. ત્રણ દિવસના વકરા ને સો કરોડનું અર્થશાસ્ત્ર વિકસ્યું. અઢી ત્રણ મિનીટમાં આખી વાર્તા આવવા લાગી. હીરો હીરોઇનોની જૂની પેઢીની ઉંમર થઈ પણ નવીમાં કોઈનું એ લેવલનું સ્ટારડમ જ રહ્યું નહિ. ઓરકેસ્ટ્રા માત્ર લાઇવ પ્રોગ્રામમાં રહ્યું. ગીતો ડિજિટલ થવા લાગ્યા ને ટેપ રેકોર્ડર કે કેસેટ રેપર કે છપાવવામાં આવતા ગીતોની જેમ એમપીથ્રીએ મૂળ વાદ્યો ભૂંસી નાખ્યા. આડેધડ એડિટના કટસને લીધે સૌન્દર્ય માણવામાં ધીરજ રાખતો કેમેરા લાંબી સોડ તાણી પોઢી ગયો.
હા, સારો સુધારો એ થયો કે હિન્દી ફિલ્મોમાં મસાલાના નામે તદ્દન ફૂહડ રૂઢિચુસ્ત માનસિકતા આવતી એના વળતા પાણી થયા. સ્ત્રીઓને લગતા વિષયો આગળ પડતાં આવ્યા. છેડતીની વલ્ગર કોમેડી બંધ થઈ ગઈ. હોલીવુડની ફિલ્મો તો બાફેલી દૂધી જેવી સેકસલેસ થઈ ગઈ. ઇરોટિક જોનર કૃત્રિમ થતી ગઈ. ઇમરાન હાશ્મીઓ ને ગોવિંદાઓ ખોવાઈ ગયા. એ આર રહેમાન અને પ્રીતમ આથમી ગયા અનુરાગ કશ્યપ ને ઈમ્તિયાઝ અલી, રામગોપાલ વર્મા અને આશુતોષ ગોવારિકર ફરાહ ખાન અને રોહિત શેટ્ટી એવા બધાં આ વર્ષોમાં ઉપર ચડયા અને નીચે પણ ગબડયા. અમિતાભે સાવ નવી જ ઇનિંગ્સ રમી બતાવી. અક્ષયકુમારે અદભુત કમબેક કરી છેલ્લે ગો બેક જોવું પડયું. સાંઠીકડા જેવી કુપોષણથી પીડાતી ઝીરો ફિગર હીરોઇનોને લીધે ઇન્સ્ટાગ્રામ પર દેખાતી હરીભરી સુંદરીઓની બાઝાર ઊંચકાઈ ગઈ. ઓછા બજેટની આયુષ્માન બ્રાન્ડ મિડલ ક્લાસ ફિલ્મોના અર્તિરેકે બોલીવુડમાં એટલા બોર કર્યા કે સાઉથની મસાલા ફિલ્મોની બોલબાલા વધી ગઈ. કાળા બજાર ને બાલ્કની ગઈ. હાથે દોરેલા પોસ્ટર ગયા. અખબારમાં આવતી ફિલ્મો જાહેરાતો ને એમાં જોવાતા શો ટાઇમ સાવ લુપ્ત થયા. મલ્ટીપ્લેક્સમાં વીક એન્ડના અલગ ભાવ આવ્યા ને ૧૮% જીએસટી લાગે એવા નાસ્તા આવ્યા.
સામાજિક સ્તરે લગ્નોમાં પ્રિ વેડિંગ શૂટ અને સંગીતના જલસાનું મહાત્મ્ય સુહાગરાત કરતા પણ વધી ગયું. લગ્નસંસ્થા પર જ સવાલ આવી ગયો લિવ ઇનની આઝાદીમાં. પહોળા પેન્ટ ગયા. ઈન શર્ટ ગયા. કાચની બંગડીઓ ખનકતી બંધ થઈ. નાક વીંધાવામાં મંદી આવી. ઘેર સાડી પહેરાતી મધ્યમ વર્ગ ને ઉચ્ચ વર્ગમાં બંધ થઈ ગઈ. મૃત્યુની ઘટનાઓની વિધિ વહેલી આટોપાઈ જાય એમાં કોઈ નવાઈ રહી નહીં. લાલ ટપાલપેટીમાં પડતા પત્રો જ બંધ થવા લાગ્યા તો પત્રમિત્રોની વાત જ સદંતર નીકળી ગઈ. ચેટરૂમના 'એએસએલ'ની જગ્યાએ ફોટા વિડિયો મોકલ્યા પછી ડિલીટ થઈ જાય એવું સ્નેપચેટ આવી ગયું. કપલ રૂમની જગ્યાએ ઑયો રૂમ્સ ને ટિન્ડર આવી ગયા. ફ્રુટની જગ્યાએ ડ્રાયફ્રૂટ આવી ગયું. પામ ઓઇલ સર્વવ્યાપી થઈ ગયું ને ઘાણીના સિંગતેલ પણ ફિલ્ટર થવા લાગ્યા. ખાવાની પંગત જમણવારમાં ગઈ ને કેટરિંગ આવ્યું બુફેનું એમ જ ઘરમાં પણ રસોઈ બનાવવા કરતા મેગી પણ મંગાવી લેવાનો ટ્રેન્ડ શરૂ થયો. વઘારમાંથી મેથી ને હિંગ ઘણી જગ્યાએ જતી રહી. ફેમિલી સાથે બહાર નીકળી રોજ સાંજે બેસવાની ને પાટલો માંડી ન્હાવા કે જમવાની લહેજત વીતેલા વર્ષો ગડી કરીને પોતાની સાથે લઈ ગયા. બાળકોના ઘરના ફ્રુટ્સ ને શાકવાળા લંચબોક્સની જેમ. બેકરી આઇટેમ કોમન થઇ ગઈ ને કાતરા તોડવા કે વડવાઈએ ઝૂલવાની લિજ્જત ખતમ થઇ ગઈ.
ગાજર, ટમેટાં, રીંગણાં, ઘઉં, બાજરા, સફરજન, સંતરા બધા યુનિફોર્મ થવા લાગ્યા ને નેચરલ સ્વાદ જવા લાગ્યો. ચીઝ ના હોય ત્યાંથી ઘૂસી ગયું રસોડા અને પેટમાં. ડિટ્ટો મેંદો. અગાઉ કલ્પના પણ ના કરી હોય એ રીતે નકલી બટર, ઘી, પામ તેલ, ડાલડા વગેરે રોજીંદા ખોરાકમાં પ્લાસ્ટિક અને ઝેરી કેમિકલ્સ સાથે ઘુસી ગયા. ગમે તેટલી ભારતીય સંસ્કૃતિની વાતો કરો, ભોજનમાં જ એની જ ઘેર બનતી વાનગીઓ સાઈડ ટ્રેક થવા લાગી. ગરમ પાણીના બંબા જે હેન્ડ મોટર નીકળી ગઈ ને એસી રૂટિન થવા લાગી એમ જ સ્ટિયરિંગ સાથે ગિયર હોય એ કાર ગઈ. હળવા વજનની ગાડીઓમાં ફેન્સી નંબર પ્લેટ ગઈ. ડીઝલ કારની જગ્યા પેટ્રોલ એસયુવીએ લીધી. પ્રવાસો તો બે દસકામાં રીતસર ચાર ગણા વધી ગયા. હોટલ બુકિંગ ને એર ટ્રાવેલિંગ, રોડ ટ્રાવેલિંગ આસાન બન્યું. રજાઓ તહેવાર માટે ફાળવવાનો બદલે પબ્લિક ફરવા માટે વાપરતી થઈ. ધર્મ વીડિયોજીવી થઈ ગયો. વિદેશપ્રવાસો સહજ થવા લાગ્યા. લોકોની કનેક્ટીવિટી આસાન થઇ એ મોટો પ્લસ પોઈન્ટ.
બદલાવ પોતે કાયમ અચળ હોય છે. આવે જ. સિટ્રા કે ગોલ્ડ સ્પોટની જેમ સાયકલ પાછળના કેરિયર કે છોકરાં બેસાડવાના પાંજરા ગોન ! સંયુક્ત કુટુંબ ચાવીના ઝૂડાની ઝડપે ઓસરી રહ્યા છે. આજે જેને એનો વહેમ છે એ પણ ૨૫ વર્ષમાં ભાંગીને ભૂક્કો થઇ જશે. એટલાસ કે હીરો કે બીએસએ જેવી સાયકલ પણ ફિયાટ સાથે અદ્રશ્ય થઇ ગઈ. પાનેતરના ટ્રેન્ડ વાસી થઇ ગયા અને પહોળા લેંઘા તો ઠીક લુંગી દક્ષિણ ભારત સિવાય સાવ ગઈ ને શોર્ટ્સ સર્વવ્યાપી થયા કારણ કે એ વધુ કમ્ફર્ટેબલ છે, મેરેજ માટેની મીટીંગ ઓપન થઇ ને ડેટિંગ પણ. થવું પણ જોઈએ. કાજલ સાવ ખૂણે ધકેલાયું ને મસ્કરા આઇ લાઇનર આવી ગયા. રેડ લિપસ્ટિક આઉટડેટેડ થઈ. ટિસ્યુ પેપરનો વપરાશ વધી ગયો. ફોર્મ ભરવાની કડાકૂટ મોટા ભાગની જગ્યાએ ઓનલાઇન આવતા નીકળી ગઈ. મેડિકલ રિપોર્ટ પણ વોટ્સએપ પર આવવા લાગ્યા. છકડો રીક્ષાની માફક ઘેર બનતા અથાણાં ઘટયા. નેતરના મૂઢા પણ રોજ નખાતા ને ઘેર ઉકાળવામાં આવતા ઓસડિયાંવાળા હેર ઓઈલનો જેમ અલોપ થઈ ગયા. આઈસ્ક્રીમ ને કોફી રિયલ ને બદલે મશીન બેઝડ થઈ ગયા. ફ્લેવર્સ એન્ડ કેમિકલ એન્ડ મિલ્ક પાઉડર. બારીએ લટકતી ખસની શણિયા જેવી ઉનાળુ ટટ્ટી વિલુપ્ત થઈ ગઈ. ફાસ્ટફૂડ પણ વધ્યું અને ફિટનેસ અવરનેસ પણ. પર્યાવરણ જાગૃતિ વધી અને પ્રદૂષણ પણ.
ગૂગલમાં હોય એ જ જ્ઞાાન એ માનતી પેઢીએ પાનાઓમાં પથરારતું સત્ય ગુમાવી દીધું. નવલકથાઓ, વાર્તાઓ કે કવિતાઓના પુસ્તકો ગુજરાતીમાં ભાગ્યે જ મોટા પાયે છપાય છે. આખી દુનિયા મોટીવેશન અને સેલ્ફ હેલ્પના રવાડે ચડી ગઈ. મોટો ફેરફાર એ થયો કે લોકોને ફીડબેક તરત આપવાની તક અને તાકાત મળી. પણ ધાર્મિક લાગણીને ટાર્ગેટ કરતા પોલિટિકલ મેનિપ્યુલેશનને લીધે માણસો લોહીતરસ્યા પ્રોગ્રામ્ડ રોબોટ જેવા ઝોમ્બી ટ્રોલિયા બની ગયા. અભ્યાસ વગરના અભિપ્રાયો ને ગપ્પા ઠોક ફોલ્ડરોનું સુનામી આવ્યું. સહજ અભિવ્યક્તિ પર જડસુઓનો ખૌફ બેસી ગયો. એક બાજુથી આધુનિક ફેશનના વસ્ત્રો અને જાહેરમાં નાચવાની સહજતા આવી ને બીજી બાજુ જોક પણ સિરિયસલી લે એવા જોકરોની વસતિ વધી ગઈ. એક વર્ગ એકદમ લિબરલ થતો ગયો તો બીજો પૂરો અંધશ્રધ્ધાળુ. ઉત્તમ અભ્યાસુ પ્રોગ્રેસીવ જજની માફક ઉમદા તજજ્ઞા પત્રકારોની અછત થઇ ગઈ. મોશનની સાથે પ્રમોશન વધ્યું.
સ્ટેશને રંગીન લાઈટ વાળા વજન કરવાની ટિકિટ આપતા મશીનો પણ સળીના ફરફરિયાં કે કાગળના વિમાન ને હોડીની જેમ કાળની ગર્તમાં ગરક થઈ ગયા. ચિકલેટ્સ કે ફ્રાયમ્સ મ્યુઝિયમ પીસ થઈ ગયા. ચુટકી મે ચિપકાયે કે કુછ સ્વાદ હૈ જિંદગી કા જેવા એડ સ્લોગન રવિવારની દૂરદર્શનની ફિલ્મો કે એમટીવીના વીજેની ચપડ ચપડ સાથેના નવા મ્યુઝિક વિડિયો કે સ્ટાર ટીવી પરની લેટ નાઈટ ફિલ્મોની જેમ ભૂતકાળ થઈ ગયા. હોટલ રૂમમાં ચાવીઓની જગ્યા પ્લાસ્ટિક કાર્ડે લીધી. બેન્કિંગ ધરમૂળથી બદલાયું. પેન્શન અને એફડી કે નાની બચતના જમાના ગયા એસઆઈપી વધી ને સેન્સેક્સ સેન્સલેસ હદે વધ્યું. અખબારી કાર્ટૂનોની જગ્યાએ પોસ્ટ થતા મિમ્સ આવી ગયા. ન્યુઝપેપર પણ પેપેરલેસ થયા ને બેસણા ટેલિફોનિક થયા ! ફ્યુનરલના લાઈવ ટેલીકાસ્ટ સગાઓના ગ્રુપમાં થયા. સાઈન ડિજીટલ થઇ એવા યુગમાં હાથથી લખવાનું પણ આગામી ૨૫ વર્ષમાં વિશિષ્ટ હસ્તકલા ગણાશે !
સાયકલના લોક, બેગ બાંધવાની સાંકળ અને એલાર્મ ઘડીયાળના ગોળ ડબ્બા એન્ટીક થઇ ગયા. એબીસીડીવાળી ફોન બૂક ગઈ અને પીસીઓમાં પડી રહેતા યેલો પેજીઝ પણ. ડીજેએ લગ્નગીત ગાતા બહેનો રિપ્લેસ કર્યા એમ કુરિયરે રજીસ્ટર્ડ પોસ્ટ પાર્સલ રિપ્લેસ કર્યું ! પ્રાઈવસીનો મહિમા વધ્યો ને એ સાથે પ્રાઈવેટ મોમેન્ટસનું શેરિંગ પણ. બોલ્ડ વસ્ત્રો થયા પણ દિમાગો ના થયા ! રીડરબિરાદર ઝરણાં વ્યાસે સરસ નોંધ્યું કે 'આપણે ક્યાંક પાછળ ના રહી જઈએ, એટલે સુપર સ્માર્ટ બનવાના ચક્કરમાં લોકોએ પોતાની યુનિકનેસ ગુમાવી દીધી. પહેલા લોકોનું જે આગવું વ્યક્તિત્વ દેખાતું'તું એની જગ્યા એ એકસરખી ઝેરોક્સ કોપીઓ જ દેખાય છે. ઈમોશન્સ ગાયબ થઇ ગયા છે, પ્રેક્ટીકાલીટી આવી ગઈ. લોકોની નવરાશનો સમય મોબાઈલે ચોરી લીધો. પારકી પંચાત હવે ઘરના ઓટલાની જગ્યાએ સોશ્યિલ મીડિયા પર થવા લાગી એટલે જ હવે આખા ગામની પંચાતની જગ્યાએ
આખી દુનિયાની પંચાત તમે ઘરમાં બેઠા મોં ચલાવ્યા વગર કરી શકો. પહેલા તો ખાલી વાતો જ સાંભળી હોય કે આનંદ આટલા પ્રકારનો હોઈ શકે, અમેરિકામાં આમ અને લંડનમાં તેમ. એટલે માણસ પોતાની નાની નાની ખુશીઓ પણ એન્જોય કરતો તો કારણ કે સરખામણી ફક્ત ગામના લોકો સાથે જ હતી. હવે માણસની દુનિયા વધવાથી એને ખ્યાલ આવ્યો કે કઈ કઈ ખુશીઓ હું ચુકી ગયો. 'અમે રહી ગયા' વાળી ફીલિંગ. એટલે સુખ-સગવડના સાધનો વધવા છતાં દુ:ખમાં વધારો થયો.'
આ લેખ ચાલુ ગાડીએ લેપટોપ પર લખતા સારથી ગોપાલને પૂછયું કે 'બોલો તમારે મતે શું જતું કે ઓસરતું ગયું પાછલા ૨૫ વર્ષમાં?'
'માણસાઈ !' એણે હાથથી ફરતા હેન્ડલને બદલે બારીનો ઓટોમેટિક કાચ ચડાવવાની ચાંપ દબાવતા કહ્યું !
ઝિંગ થિંગ
'૨૫ વર્ષ પહેલા છોકરીઓને ડર લાગતો કે સાસુ કેવા હશે. એ આજે ૫૦ના થયા ત્યારે પણ ડરે છે કે વહુ કેવી આવશે !' ( કીર્તિ બરવાળિયા)