ઈક સાલ ગયા, ઈક સાલ નયા હૈ આને કો...પર વક્ત કા અબ ભી હોશ નહીં દીવાને કો !
- અનાવૃત-જય વસાવડા
- ચેતના માત્ર સમયને અનુલક્ષીને અસ્તિત્ત્વ ધરાવે છે. ઈન કોન્ટેકસ્ટ ઓફ ટાઈમ ઓન્લી. જન્મ-મૃત્યુ એ બે કાળચક્રના બિંદુ વચ્ચે ચેતના ફેલાય છે ને સંકોચાય છે. આ દાર્શનિક વાતને વૈજ્ઞાાનિક રૂપમાં નક્કર બનાવી મહામેધાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈને !
કોઈ પણ બાબતનું અસ્તિત્ત્વ (એક્ઝિસ્ટન્સ) ક્યારે હોય ? કાર્લ ફ્રિસ્ટન નામના ન્યુરોસાયન્ટીસ્ટે એની વ્યાખ્યા કરી છે કે અન્ય તમામ બાબતો (એવરીથિંગ એલ્સ)થી એ અલગ પડે, ત્યારે હોય. મતલબ ઘાસનું તણખલું હોય કે માણસ, ટચૂકડી કીડી હોય કે નગાધિરાજ હિમાલય, રાઈનો દાણો હોય કે અફાટ પેસિફિક મહાસાગર, વરસાદી ટીપું હોય કે આસમાની સૂર્ય સિતારો, જ્યારે એને ફરતી બોર્ડર હોય ત્યારે એનું અસ્તિત્ત્વ હોય. પદાર્થ વિજ્ઞાાન આ બાબતે સ્પષ્ટ છે.
જે બાબત / વસ્તુ / સજીવને બોર્ડર હોય, યાને જેની આકૃતિને સીમા હોય, એ તુલસીનો છોડ હોય કે મંદિરનો હાથી, એને ત્રણ પરિમાણ યાને થ્રી ડાયમેન્શન હોવાના. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. થ્રીડી ફિલ્મમાં જેમ માણસની આંખ જુએ છે, એમ ઉંડાઈનું પરિમાણ થોડુંક ઉમેરાય છે. જેથી વધુ વાસ્તવિક દ્રશ્ય રચાય. દળદાર પુસ્તક હોય કે રમતું બાળક, ફોટા કે વિડીયોમાં થર્ડ ડાયમેન્શન ડેપ્થનું ધારી લેવું પડે છે. પણ રિયાલિટીમાં જુઓ ત્યારે એ જેટલી જગ્યા ઉપર-નીચે (લંબાઈ) અને ડાબે-જમણે (પહોળાઈ) રોકે છે, એમ થોડી કે વધુ જગ્યા આગળ-પાછળ (ઉંડાઈ) પણ રોકે છે ! જેને આપણે જગત કહીએ છીએ, એ આમ જ રચાય છે. સમગ્ર બ્રહ્માંડને લાગુ પડતો આ અફર ધારો છે. એ સિવાયનું જગત હોય તો પણ આપણે અનુભવી શકતા નથી. એટલે એવી કાલ્પનિક અદ્રશ્ય બાબતને અંગ્રેજીમાં પેરાનોર્મલ કહેવાય ! નરસિંહ મહેતા ગાતા એમ સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે...
તર્કશાસ્ત્રી કહે કે આ તો સજીવ-નિર્જીવ ચીજોને લાગુ પડે. પણ વિચારનું શું ? આમ તો વિચારને પણ આરંભ ને અંત હોય છે, એટલે એની સીમારેખા (બોર્ડર) તો નક્કી થઈ ગઈ. અને સોશ્યલ મીડિયામાં ટાઇપ કરવાનું આવડે એટલે જથ્થાબંધ જે ભરડાઈ રહ્યું છે એ જોતા એની ઊંડાઈ કેટલી જરૂરી છે, એ પણ સમજાઈ જાય ! સૃષ્ટિ ત્રિપરિમાણીય છે, ને એમ જ પ્રગટ થાય છે, અનુભવાય છે એ સત્યમાં મીનમેખ નથી.
પણ તો પછી જે આમાં નથી પકડાતું એનું શું ? જેમ કે આત્મા ? સોલ છે કે નહિ એ સવાલ બાજુએ રાખો તો પણ કશુંક માપી, જોઈ ના શકાય એવું છે જે નથી હોતું ત્યારે મનુષ્ય મૃતદેહ થઈ જાય છે. આત્મામાં સીધા આધ્યાત્મિકતાના ફટાકડા ફૂટવા લાગે તો આપણે વિજ્ઞાાનમાન્ય શબ્દ પકડીએ. ચેતન અને નિશ્ચિચેતન. એલાઈવ એન્ડ ડેડ. પ્રકૃતિમાં જેનામાં ચેતના છે, એ જીવંત છે. એ હલનચલન કરી શકે છે, વિકસી શકે છે. એને સંવેદનો છે, અમુકને ભાવપ્રદર્શન કરતો ચહેરો નથી, પણ પરિવર્તન કે વિસ્તરણ (જેમ કે વૃક્ષ) એનામાં ચેતનતત્ત્વ છે, એની સાબિતી આપે છે. દિશાઓથી સીમિત બંધાયેલા જગતની પેલે પાર એ ચેતનાની ઓળખ છે - ટાઈમ. સમય.
અઘરું પડયું ? સહેલું કરવા માટે ઓશોને પકડીએ. મહાવીર પરના એક પ્રવચનમાં એમણે કહેલું કે કોન્શ્યસનેસ હંમેશાં સમયની ધારામાં જ અસ્તિત્ત્વ ધરાવે છે. ચેતના છે, તો જ સમયબોધ છે. ચેતના નથી, ત્યાં સમય નથી. જેમકે, આ નવું આવ્યું એ વિક્રમ સંવત કે પછી આવશે એ ઈસ્વીસન ૨૦૨૫. કે હિઝરી કે શક વોટએવર. સુમેર કે બેબિલોન, ઈજિપ્ત કે ગ્રીસ બધે પોતપોતાની રીતે માણસે કાળગણના કરી. ઈમેજીનેશનથી એડવાન્સ્ડ મેથેમેટિક્સ શોધ્યું. એમાં સમયને આંકડાના ખીલે બાંધ્યો. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર નક્ષત્રના પોતાની ધરી કે કોઈની આસપાસ ફરવામાં થતા કાળચક્ર (કાળ એટલે ટાઈમ !) અજવાળા-અંધારા અને બ્રહ્માંડના તારાના સ્થાનફેર વગેરે જોતા ૨૪ કલાકનો દિવસ, રાત દિવસનું સપ્તાહ, ત્રીસેક દિવસે મહિનો, બાર મહિને વરસ એવું બધું ઠરાવ્યું. એમ જ જન્મદિવસ, મૃત્યુતિથિ નક્કી કરી. એમ જ ઉંમર આવી. નજર સામે સ્પષ્ટ છે કે ઉંમર ને સમય સરખા નથી ચાલતા. ઐશ્ચર્યા રાયની ઉંમર જેટલી ઝડપે દેખાય છે, એટલી ઝડપે વર્ષો વધુ હોવા છતાં રેખાની નથી દેખાતી ! ડૉક્ટર્સ કહે છે, શરીરના અંગોની ઉંમર અલગ-અલગ હોય છે. કોઈ વહેલા જીર્ણ-વૃદ્ધ થાય છે, કોઈ મોડા.
તો ગણતરી હોય કે દિવસ-વર્ષ-મિનિટ-કલાક બધું માણસની શોધ છે. માણસ ચેતનામાં સર્વોચ્ચ સ્થાને છે. અમૃતનું સંતાન ! દિમાગ સૌથી વધુ ગડીવાળું છે એનું ! પણ આવો સમયબોધ માણસને જ છે. હ્યુમન રેસ યાને માનવજાત ધરતી પરથી બ્રહ્મચર્યના બેવકૂફ હિમાયતીઓના અપ્રાકૃતિક આદર્શને સાચા પાડી જો ગાયબ થઈ જાય તો આ તહેવારોની બજારો તો ઠીક, વેકેશનને વર્ક અવર્સના એલાર્મ તો ઠીક, સમૂળગો સમય જ નષ્ટ થઈ જાય ! કાળગણના રહે નહિ, તો કાળ ક્યાંથી રહે ? સૂર્ય ઊગે, આથમે, ચંદ્ર ઊગે, આથમે, પૂનમે પૂર્ણ દેખાય, અમાસે ગાયબ થઈ જાય, પહાડો રહે, પંખીઓ ટહૂકે. માછલીમગર તરે, સિંહવાઘ શિકાર કરે, હરણસસલાં ઠેકડા મારે, પતંગિયા મધુરસ ચૂસે, વાંદા સાપ ઘૂસણખોરી કરે બધું થાય. અન્ય તમામ સજીવો જન્મે ને મરે. પણ એને કોઈ નવા જૂના વરસનો અહેસાસ ના થાય. હા, એમનામાં ચેતનાનો અંશ છે એટલે ધારો તો કોઈ જૂદી ગણતરીથી કે એમની નેચરલ બોડી કલોકથી એ સમયનો અંદાજ મેળવી શકે. આ સૂવાનો ટાઈમ, આ જાગવાનો, આ ખાવાનો એવો.
તો ઈતિ સિદ્ધમ કે ચેતના માત્ર સમયને અનુલક્ષીને અસ્તિત્ત્વ ધરાવે છે. ઈન કોન્ટેકસ્ટ ઓફ ટાઈમ ઓન્લી. જન્મ-મૃત્યુ એ બે કાળચક્રના બિંદુ વચ્ચે ચેતના ફેલાય છે ને સંકોચાય છે. આ દાર્શનિક વાતને વૈજ્ઞાાનિક રૂપમાં નક્કર બનાવી મહામેધાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈને ! એમણે ચારે ડાયમેન્શન જોડી દીધા. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ એ સ્પેસ ! જેમાં આ ત્રણ હોય એ સૂક્ષ્મ કે વિરાટ, થોડી કે ઝાઝી 'સ્પેસ'નો રોકે જ બ્રહ્માંડમાં ! અને એની જોડે ચેતનાનો વાહક ગણો, નિવાસ ગણો, કે સંકેત ગણો એ ટાઈમ ! અને શબ્દ આપ્યો સ્પેસટાઇમ ! જેને આપણે જગત કહીએ છીએ એ સ્પેસટાઇમ છે. એમાંથી જ વેગ (સ્પીડ) મુજબ સમય ધીમે કે ઝડપી અંતર માટે હોય છે, એ નોલાનછાપ તથ્ય આપ્યું.
રાજકોટથી મુંબઈ જીપીએસ મેપમાં નાખી જુઓ. ચાલીને જવાનું, બાઈક પર જવાનું, ટ્રેનમાં જવાનું, કારમાં જવાનું બધા ઓપ્શન ચેક કરો. અંતર તો સરખું જ છે. પણ સમય અલગ-અલગ આવશે. રાઈટ ? એમાં પણ ટ્રાફિક જામ, બેલ્ટ જેવા કેટલાય બીજા ફેકટર્સ પણ કામ કરતા હોય છે. છતાં દેખીતો ફરક સમજી શકાશે. સ્પીડની વધઘટ મુજબ એક જ અંતર માટે સમયમાં વધઘટ થાય છે. રોજ દેખાતું સત્ય છે, પણ છતાં સાપેક્ષવાદ સમજવો અઘરો લાગે છે ! વિડિયોમાં મોક્ષની મારધાડ કર્યા કરતા બાબાલોગ કરતા આઈન્સ્ટાઇન કેવડા મોટા ઋષિ હતા એની સમજ આ સ્પેસટાઈમ સમજાય તો આવે !
સ્પેસટાઇમ છે, તો અસ્તિત્વ છે. ચેતના એમાં વ્યક્ત થાય છે. એટલે વરસ આવે કે જાય એ તો અમુક સમૂહે ભેગા થઈ ધારી લીધેલું એક કાલ્પનિક બિંદુ છે. ઠીક છે, ફેસ્ટિવલ ફન આવે ને એને લીધે મજા આવે, પણ ધાર્મિક આસ્થા હોય કે સરકારી આદેશ (ફાઈનાન્સ્યિલ ઈયર એ મુજબ ગણાય !) છે
તો આ નવું વરસ, જૂનું વરસ એ બધું માયા ! જન્મથી મૃત્યુ સુધી ચેતના વહે છે, ત્યાં સુધી માપવાના આંકડાની માયાજાળ છે !
એટલે સ્તો, અમુક વખતે વરસ ગમે છે, અમુક વખતે નથી ગમતું. કોરોના કે ડેન્ગ્યૂ / ઇન્ફેકશન જેવી બીમારીમાં સમય ધીરે ધીરે જાય છે. રજામાં ફરવા નીકળો કે પ્રિયજનો જોડે રોમાન્સ કરો કે દોસ્તોપરિવાર સાથે ધમાલમસ્તી કરો તો સમય સડસડાટ ભાગે છે. ને કાયમ ઓછો પડયો એવું લાગે છે. ગમતી ફિલ્મ કે રોમાંચક કિતાબ ક્યારેય પૂરી ન થાય એવી ઇચ્છા થાય કે લાંબી હોવા છતાં ટૂંકી લાગે. (અને રૂપિયા દોહ્યા પછી એની સીઝન્સ, સિકવલ્સ ઘણી વાર આવ્યા કરે !) રસપ્રદ વાતોનું પણ એવું જ. આનંદની પરાકાષ્ઠાએ સમય થંભી જાય છે જાણે ! જેમ કે, ઓર્ગેઝમ મોમેન્ટ. જો આનંદ પામવો હોય તો સમય ભૂલવો પડે. એન્ડ વાઇસા વર્સા. સમય માથે લટકતો રહે (જેમ કે એકઝામ સ્ટ્રેસ) તો આનંદ ઘટવા લાગે ! જ્યાં સમયનું અસ્તિત્વ જ નથી, એ ઘટના નિર્વાણ છે, મુક્તિ છે, ઈમોશનલેસ ફુલસ્ટોપ છે, કે પછી પરમ અવ્યાખ્યાયિત શાશ્વત આનંદ છે !
સો ઈયર્સ, નહિ પણ એન્જોયમેન્ટ ગણો !
* * *
વિચારોત્તેજક કહેવાય એવી અંગ્રેજી ફિલ્મ નામે 'વેન્જેન્સ' (૨૦૨૨)માં વેર કરતા વાર્તાલાપ વધુ છે. એના ઓપનિંગ સીનના એક ડાયલોગમાંથી બ્રેઈનમાં થોટ્સના પોપકોર્ન ફૂટવા લાગ્યા ! વાત જાણે એમ છે કે ડિજીટલયુગમાં (ના, ના ટિપિકલ મોબાઈલ, એઆઈની હાયવોય કરીને ઉપદેશના હથોડા નથી મારવા, અહીં સુધી વિચારયાત્રામાં પંહોચ્યા તો આગળ વાંચો તો ખરા !) આપણે બધા સરહદ કરતાં વધુ સમયથી વિભાજીત છીએ !
ટપ્પો ના પડયો ? માર્વેલે માથું દુખાડી દીધું એવા કોઈ ભેદી મલ્ટીવર્સની વાત નથી, પણ આપણે કાળાગોરા, નરનારીનાન્યતર (આજકાલ આ નવું ચાલ્યું છે !), ગ્રામીણશહેરી, ધર્મકોમ, ભાષાભોજન જેવા વિભાજનોમાં છીએ, એથી ક્યાંય વધુ આજે અલગ-અલગ સમયમાં એકસાથે જીવી રહ્યા છીએ ! પહેલા સમગ્ર સમાજ માટે મોટે ભાગે સમય લિનિયર યાને ક્રમબદ્ધ ચાલતો કેલેન્ડર કે ક્લોકની જેમ. હવે એમાં ગોટાળો થતો જાય છે.
સ્પેસ ને બદલે માણસ આજે ટાઈમથી વિભાજીત વધુ છે ! જુઓ, પહેલા આપણે કોઈ સાથે વાતચીત કરીએ, ભલે ટેલીફોનિક કરીએ, તો પણ એ સેમ ટાઈમમાં થતી, બરાબર ? હવે આપણે ટેક્સ્ટથી ચેટિંગ કરીએ છીએ. એમાં ટાઈમ સાથે ચીટિંગ છે ! તમે આજે મેસેજ મોકલો. એનો જવાબ બે કલાકે કે પાંચ દિવસે કે આવે, ન પણ આવે ! (તાજા અનુભવો હશે દિવાળી પર !)
બધા એક કોમન ટાઈમને બદલે પોતાના ઇન્ડિવિજયુલાઈઝડ ટાઈમમાં જીવે છે. થિયેટરમાં રિલિઝ વખતે ફિલ્મો ઓછી જોવાય છે, ઓટીટી પર, એ ય આવ્યા બાદ પોતાની ફુરસદે, એ ય વળી સળંગ નહિ તો કટકે કટકે જોવાય છે ! ડિટ્ટો, ટીવી સિરિયલો કે પ્રોગ્રામ્સ, પોડકાસ્ટ ! યુટયુબને એવી રેકોર્ડિંગની સુવિધાને લીધે કોન્સર્ટ હોય કે કથા, પોતપોતાની નિરાંતે પાછળથી આપણે સાંભળીએ છીએ. અગાઉ ઘટી ચૂકેલી ઘટના આપણા માટે ત્યારે ઘટિત થાય છે ! જેમ પરદેશ ગયેલા સ્વજનના અણધાર્યા મૃત્યુના સમાચાર એ દિવસ મોડા પંહોચે, ત્યાં સુધી આપણી મેન્ટલ સ્પેમાં તો એ ગુજરી ગયા હોવા છતાં જીવતા હોય છે, એવો આ ઇલ્યુઝન, ભ્રમ છે ! એટલે ખોરાક તાજા કરતા ફ્રોઝન કે સ્વીગીઝોમેટો પર મંગાવેલો કે પેકેજડ એવો વાસી વધુ ખાઈએ છીએ. પ્રેમ પણ સામસામે મળીને નથી કરતા ! ઓનલાઈન ચેટથી કરીએ છીએ. વી ડોન્ટ લિવ મચ ઈન પ્રેઝન્ટ મોમેન્ટ ! અને ભારતનું તત્વચિંતન કહે છે કે ભૂતકાળ તો સ્મૃતિમાં છે, ને ભવિષ્ય તો કલ્પનામાં ! અસ્તિત્વનો આનંદ સતત વર્તમાનમાં હોય છે !
વિશ યુ પ્લેઝર ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ ઇન નૂતન વર્ષ !
(શીર્ષક : ઇબ્ને ઇશા)
ઝિંગ થિંગ
ગજવામાં કાણુ પડે તો સિક્કા પહેલા સંબંધ પડી જાય !