વિડીયોદીવાની જનતા માટે 2024માં જોવા જેવા આ 25 વિડીયો!

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વિડીયોદીવાની જનતા માટે 2024માં જોવા જેવા આ 25 વિડીયો! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- એક જમાનામાં આપણા તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસેન અને પશ્ચિમના કાબેલ રીધમીસ્ટ મિકી હાર્ટે ભેગા થઈને પ્લેનેટ ડ્રમ નામનું આલ્બમ બનાવેલું ને આહા, શું કમાલ છે એમાં આ સોંગ તો. બસ આંખ બંધ કરીને તબલા ને ડ્રમનું કોમ્બિનેશન સાંભળો ઈયર પ્લગ લગાવીને! જુદી દુનિયામાં જ જતા રહેશો. 

(૧) જસ્ટ બિકોઝ : થોડા સમય પહેલા જેની કિતાબ ગ્રીનલાઈટ વેકેશન રીડિંગ લિસ્ટમાં મુકેલી એ ઓસ્કાર વિનર હેન્ડસમ એકટર મેથ્યુ મેકોનહે ભેજું છે. હમણા એણે બાળકો માટે મસ્ત બૂક બનાવી છે : જસ્ટ બિકોઝ. એ જીમી ફેલનના ટુનાઈટ શો માં ગયો ત્યારે બેઉએ જોડકણું ગાતા હોય એમ એ બૂકને જ ગઈ નાખી ! એકદમ ઇઝી ઇંગ્લિશમાં આ વિડીયોમાં એનો કન્ટેન્ટ બાળકો જ નહિ, મોટેરાંઓ માટે પણ કામનો છે. એકબીજા સાથે પ્રાસ મેળવીને ડીપ મીનિંગની એવી તો વાતો છે આમાં. એકસો મોટીવેશનલ લેકચર સાંભળ્યાનો ધરવ થાય ! જેમ કે જસ્ટ બિકોઝ ધ સન ઈઝ સેટ, ડઝન્ટ મીન ઈટ વિલ નોટ રાઈઝ, બિકોઝ એવરીડે ઈઝ ન્યુ ગિફ્ટ, ઈચ વન ન્યુ સરપ્રાઈઝ ! અથવા તો જરા એથી ઊંચું... જસ્ટ બિકોઝ આઈ ફરગિવ યુ ડઝન્ટ મીન આઈ સ્ટીલ ટ્રસ્ટ, સી ધેર ઈઝ વોટ યુ ડુ એન્ડ વોટ આઈ ડુ એન્ડ યુ આર નોટ માય મસ્ટ ! આખો લેખ લખવો છે હજુ તો આની પર. એ પહેલા સાંભળી લો. (https://youtu.be/1OTrawzC4Lk?si=XqrRrXbhFeDeUfQu)

(૨) તું મારો દરિયો  : હમણાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ સમુન્દરનું એક સોંગ 'સાવજના ઠેકાણા હોય નહિ' તો સાંભળ્યા પછી દિમાગી લૂપમાં વાગવા લાગે એવું છે. માર હલેસા પણ માર્ચ સોંગ જેવું સરસ કેદાર ભાર્ગવે બનાવ્યું છે. પણ દોસ્તી જેવા બધાને સ્પર્શી જતા વિષયો પર આપણી પાસે બહુ ઓછા ગુજરાતી ગીતો છે, ત્યારે ભાર્ગવે જ લખેલા આ ગીતના શબ્દો આસાનીથી અણમોલ મૈત્રી બાબતે અફલાતૂન વાતો કહી દે છે. વળી અવાજમાં જાન ઉમેરી આ ગુજરાતી ગીત બી. પ્રાકે ગાયું એ માટે તો બી પ્રાઉડ! (https://youtu.be/_DwKYmMhzLQ?si=mF95rkyKJ7mrG0UY)

(૩) સેલ્ફિશ : સિંગર ઉપરાંત એક્ટર તરીકે પણ કદી નિરાશ ના કરનાર જસ્ટીન ટિમ્બરલેકે આ ગીતમાં ક્લાસિકલ રોમાન્સ બેઠો કરી દીધો છે. દીવાના આશિકનો માશૂકા માટે ભાવ કહેતા કેવા  કેવા મસ્ત શબ્દો છે : બેબી હુ કુડ બ્લેઈમ યુ ? ગ્લેડ ધેટ યોર મામા મેઇડ યુ... બિકોઝ યોર લિપ્સ વેર મેઈડ ફોર માઈન, એન્ડ માય હાર્ટ કુડ ગો ફ્લેટલાઈન... ઇફ ઈટ વોઝન્ટ બીટિંગ ફોર યુ ઓલ ધ ટાઈમ... (https://youtu.be/je0roKRn3nY?si=aWE-DLGyQTe_Q25G)

(૪) બેસ્ટ ઓફ ટોમ એન્ડ જેરી : અહાહા, કેવા મસ્ત કાર્ટૂન્સ હતા એ ! એકબીજા સામે પોલીટીકલ ડિબેટની જેમ ઘૂરકિયા કરતા બે હરીફો : એક બિલાડો અને એક ઉંદરડો. અવનવા આઈડિયાઝ એમના પેંતરા રચવાના ને એમાં જેરીના હાથે મોટે ભાગે ટોમ ખત્તા ખાય કારણ કે એનામાં ઝનૂન ઝાઝું પણ ઉત્સાહ ઓછો. એની તો ઠીકઠાક કહેવાય એવી ભારતીય પાત્રો પણ ધરાવતી ફિલ્મે ય આવી ગઈ હમણાં. પણ આ આખું પ્લેલિસ્ટ રજાઓમાં મજા થાય એમ વોર્નર બ્રધર્સે ફ્રીમાં જ એમની ચેનલ પર મુક્યું છે. જોતજોતા અહેસાસ થાય કે ટોમ ને જેરી ઝગડતા ઝગડતા ભેગા થઇ શકે પણ મોદીના નામે જે સરહદો માનસિક પાડી દે એ આજકાલ જોડે ના થઇ શકે ! ખીખીખી. અને હા, થોડું આસપાસ જોશો તો આ જ ડબ્લ્યુબી કિડ્સ ચેનલ પર લૂની ટૂન્સ પણ દેખાશે. (https://www.youtube.com/ playlist?list=PLJYf0JdTApCqAbZImkQagXEuByh-b_7To )

(૫) ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ  : સૌમ્ય જોશી એટલે ગુજરાતી ભાષાના ધરખમ ધુરંધર. એ ગીતો લખે તો પણ હેલ્લારો જેવી ફિલ્મમાં જાન આવી જાય અને ગોતી લો સોંગ દરિયાપાર પહોંચી જાય. નાટકો બાબતે એમની આગવી સૂઝ. ફિલ્મો પણ મજબૂત લખે. કવિતાઓમાં ય મૌલિકતા ગજબનાક. આ એમની જાણીતી કવિતામાં જવાનીની બળવાખોરી તો છે જ, પણ સાથોસાથ ધાર્મિકતાના ઠાઠઠઠારાના પરિગ્રહ સામે, નીરસ એજ્યુકેશન સીસ્ટમ સામે અને અમીર ગરીબ, ભણેલા અભણ, શહેરી ગ્રામીણ જેવા આપણે બનાવેલા ભેદ સામે વિપ્લવી ચેતના પણ છે. પણ કટાક્ષ હોઈ કટારની જેમ વાગે નહિ. એના પઠનના આ જૂના વિડીયોમાં વળી સૌમ્ય પણ જુના એટલે કે તાજા એટલે કે જવાન દેખાય છે ! (https://youtu.be/Yfo3jhIkJdA?si=871hl2v5OaFEgGEC )

(૬) પિયુષ મિશ્રા સૌરભ દ્વિવેદી : લલ્લનટોપ પર સૌરભ દ્વિવેદીના તમામ ઈન્ટરવ્યુઝ જોવા એક લહાવો છે. સાહજિક રીતે વાત કરતા કરતા જેમની સાથે વાત ચાલે છે, એમના વિષે એટલી પાક્કી સમજ હોમવર્ક કરીને એમ્લવી હોય કે રીતસર કોઈ અંધારી ગુફાના દરવાજા ખુલે ને ખજાનો મળે એવી અનુભૂતિ થાય. અનુરાગ કશ્યપ હોય કે કુમાર વિશ્વાસ, ઝાકિર ખાન હોય કે રાજપાલ યાદવ... એમાં આ ઈન્ટરવ્યુ તો ઈન્સ્ટન્ટ હિટ છે એકાદ વરસથી. પિયુષ મિશ્રા આમે મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટી. એમાં અહીં તો એ સંપૂર્ણ બેપર્દા થઈને ખીલ્યા છે. સામ્યવાદથી સેક્સ સુધીના દંભ ચીરી નાખતી મુલાકાત છે આ. (https://youtu.be/u9gYI3MeAFc?si=huVBRSH7H4INQfPM)

(૭) બેસ્ટ ગુજરાતી સ્ટોરીઝ વાચિકમ : માં દીકરી અદિતિ દેસાઈ અને દેવકી જેવા મરમી રંગકર્મીઓ ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ ટૂંકી વાર્તાઓ પસંદ કરે અને એને વાંચી સંભળાવે મંચ પર અનેક સજ્જ કલાકારોના સથવારે, એ આવતીકાલની કાનથી જ ગુજરાતી સમજતી (વાંચવાને બદલે સાંભળતી) પેઢી માટે લ્હાવો કહેવાય. વાર્તાઓ નાટયરૂપે ભજવવામાં કડાકૂટ બહુ થાય. પણ લુપ્ત થતા એ ફોર્મને લોકો સુધી પહોંચાડવા અવાજના આરોહ અવરોહ સાથેના પઠન અને એના સુંદર ચયનનો પ્રયોગ તો આવકાર્ય જ નહિ, અનુકરણીય પણ છે. બે કલાકનો સાહિત્યજલસો. (https://youtu.be/BAAbGSFWeI8?si=eyemB-aKxNpMuKor )

(૮) શુભંકર મિશ્રા મોરારિબાપુ : પરમાત્મા પ્રેમ છે એવું જ નહિ, પ્રેમ જ પરમાત્મા છે. પ્રેમની કોઈ વ્યાખ્યા નથી એની અનુભૂતિ આંસુ છે. પ્રેમનો પાયો છે, આપવાની ઈચ્છા. ત્યાગ. ઉંમર વધાવથી ઊર્જા ઘટી શકે, ઉત્સાહ નહિ. તીર્થસ્થાનો કેવળ મજા કરાવનું ટુરીઝમ નથી, પણ નવી પેઢી એ હેતુથી પણ જાય તો એને કશુંક સ્પર્શશે ખરું. નવ દિનની રામકથા નવજીવન આપે છે. દુ:ખના કયા કારણ છે ? યુવાપેઢી માટે કામની આવી સરસ વાતો પ્રિય બાપુએ શુભંકર મિશ્રાને હિન્દીમાં કરી. એમના ઇન્ટરવ્યુઝ ઘણા થાય પણ આ પોડકાસ્ટ નાનકડું છતાં નક્કર છે.(https://youtu.be/HmzZPMd33pM?si=fFMPICt1Vfr6nB-D )

(૯) આઈ એમ ગોઇંગ ટુ વિન : ડેન્ઝલ વોશિગ્ટન એટલે અભિનયનો એમ્પરર. ગજબનાક વ્યક્તિત્વનો માલિક. પડદા પર જાદૂ કરી દે. આંખોથી જાણે બાળીને ભસ્મ કરી દે અને દર્દના દરિયા પણ છલકાવી દે. એની આ સ્પીચને સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. ૯ મિનિટમાં તો મોટીવેશનનો ખુમાર ચડી જાય એવી દમામદાર વાતો. રોજ પૂજાની જેમ સાંભળવા જેવી સ્પીચ, જ્યાં સુધી જીવનમાં ઉતરી ના જાય.(https://youtu.be/ZC4eWrzxIqw?si=1edXzu2ztrDl3d8Z )

(૧૦) સીમા આનંદ  : ૬૪ વર્ષની આ જાજરમાન મહિલા ખરા અર્થમાં ભારતના શૃંગારવારસાની રસદેવી છે ! આ વિડીયો તો અંગ્રેજીમાં છે, પણ બાકીના હિન્દીમાં પણ મળશે. સ્ત્રી તરીકે વાત કરે એટલે ફેમિનિઝમના નામે પુરુષની વાસનાને વખોડનારાને પણ મોકો મળે એમ નથી. વળી ભારતના ભવ્ય વારસાથી પરીચિત છે, વાત્સ્યાયનને ટાંકીને કહે છે કે પુરુષનો કામ આગ જેવો છે નીચેથી શરુ થાય ઉપર આવે ને ઝટ ખત્મ થાય. સ્ત્રીનો કામ જળ જેવો છે, ઉપર યાને બ્રેઈનથી શરુ થઈને ધીરે ધીરે બધે ફેલાય છે. બિંદુમાલા જેવા લવ બાઈટની વાત કરે છે. રિલેશનશિપ ટકાવવાના નામે આપણે ત્યાં માત્ર ઉપદેશો જ પાય છે. સેક્સ લાઈફ રોમાંચક કરવાની વાત કરવામાં તો સમાજ શરમાઈ જાય છે. ત્યારે સીમાની આનંદદાયક જ નહિ પણ એકદમ ઓથેન્ટિક સાયન્ટીફિક એન્ડ પોએટિક વાતો સાંભળવા જેવી છે. (https:// youtu.be/ 6Z1JKF0elYc?si=Ozw2_lYVKGRSKC32 )

(૧૧) હાઉ પિક્સાર ચેન્જડ થ્રીડી એનિમેશન : હમણાં જ ઇનસાઇડ આઉટ જેવી મેન્ટલ હેલ્થની એક ટેક્સ્ટબૂક સમાન ફિલ્મનો બીજો ભાગ આવે છે, ત્યારે આ ઇનસાઇડર વિડીયો મસ્ટ સી છે. મૂળ તો સ્ટીવ જોબ્સે ઉપરાછાપરી નિષ્ફળતા બાદ ટ્રેક ચેન્જ કરી ડિજીટલ એનિમેશનને નવિ હાઈટ પર લઇ જતી આ કંપની સ્થાપી, જેની ટોય સ્ટોરી ફિલ્મે તો નવો ચીલો ચાતરી દીધો. એવી તો એનિમેશનમાં નવી સિધ્ધિઓ મળતી ગઈ કે નજીકના પ્રતિસ્પર્ધી ડિઝનીએ એ ખરીદી લીધી. પણ એનિમેશન ફિલ્મો જે વેકેશનમાં બાળકો જ નહિ, મોટાઓએ પણ જોવી જ જોઈએ, એમાં નવી ક્રાંતિ કેવી રીતે થાય છે એનો અહેસાસ પણ નથી થતો. ત્યારે આ વિડીયો જોઈ બંધ તાળા ખોલવા જેવા. 

(https://youtu.be/n1xAYik1g-w?si=F8cUBPNfwyafoWdE )

(૧૨) દશાનન : આશુતોષ રાણા પોતે પ્રખર શિવભક્ત. સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચાર. એમણે હમણાં જ ભજવાતા શરુ થયેલા 'હમારે રામ' નાટકમાં બધાને ખાઈ જતો પ્રભાવ પાડીને અરવિંદ ત્રિવેદી પછીનો સર્વશ્રેષ્ઠ રાવણ સ્ટેજ પર રજુ કર્યો છે. ( નીતિશ તિવારી પાસે હજુ તક છે રણબીર કપૂર સામે યશને બદલે આશુતોષને લેવાની ! ) એમાં એની સિગ્નેચર ટયુન તરીકે લીધેલું આ સોંગ તો નાટક પૂરું થયા પછી દિવસો સુધી દિમાગમાં ગુંજતું રહે એ રીતે કૈલાસ ખેરે ગયું છે. આલોક શ્રીવાસ્તવના રાવણના પાત્રને ઉપસાવતા શબ્દો પણ એવા. રગરગ કડાકા થાય એવું ગીત વિડીયોમાં આખું નથી  પણ સર્ચ કરશો તો સાત મિનીટનો ઓડિયો મળી જશે. (https://youtu.be/vl49qSFz83k?si=L_DILsfNinAOgk8S ) 

(૧૩) હાઉ એપલ એન્ડ નાઈકી બ્રાન્ડેડ યોર બ્રેઈન : માત્ર સાડા પાંચ મિનિટમાં બ્રાન્ડિંગનો એક પાઠ છે અહીં, જે અમેરિકન વિડીયો બન્યાના વર્ષો પહેલા કોલમમાં તો લખેલો જ છે પણ. હવે વિડિયોનો જમાનો છે. તો આ જોઇને પણ સત્ય સમજો. થોડુંક આપણા પોતાના દિગ્વિજયી મોદીસાહેબ બાબતે પણ સમજાશે અમુક જડસુઓને. 

(https://youtu.be/4eIDBV4Mpek?si=9nzLydCxOY6en08u )

(૧૪) શશી થરૂર સ્ટેન્ડ અપ કોમેડી : ડેડલાઈનને ધ્યાનમાં રાખીને આ લેખનો ઈલેકશન રિઝલ્ટ પહેલા લખાય છે. પણ જેમ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ફરીથી જીતતા જોવા ગમશે, એમ શશી થરૂરને પણ વધુ એક વખત લેખક લોકસભામાં બેસે એ માટે જીતતા જોવા ગમશે જ. અલબત્ત, એ મજાના ભાષાવિદ તો છે જ. પણ એમના અભ્યાસની જેમ એમની સેન્સ ઓફ હ્યુમર ધારદાર અને જોરદાર છે. બ્રિટીશ લાયબ્રેેરીમાં એમણે સટાયર સાથે જે ગ્રેસફુલી આ સ્ટેન્ડ અપ કોમેડી કરી છે, એ મુનવ્વર ફારુકીઓની છુટ્ટી કરી નાખે એવી છે. જસ્ટ વોચ એન્ડ લાફ. (https:// youtu.be/ i1I3n2U1UUc?si=qY1iSGt7HYJYENSO )

(૧૫) સચ્ચિદાનંદજી : આ મહર્ષિ દયાનંદ જેવા ક્રાંતિકારી સ્વામી વિડીયો ને સોશ્યલ નેટવર્કના યુગ પહેલા સક્રિય થઇ ગયા એટલે આજે હયાત છે પણ નવી પેઢી સુધી એમની તડફડ વાતો પહોંચતી નથી. હિંદુ હોવું એટલે સતત બીજા ધર્મોના હવાલા આપી પોતાની ખામીઓ નજરઅંદાજ કરવી એવો અર્થ આપણા ઋષિઓને હરગીઝ અભિપ્રેત નહોતો. હા, પોતાનો અભ્યાસ પૂરો હોવો જોઈએ પહેલા અને વળી એમાં  ઇનકાર કરવાની ને નવું સર્જવાની ફ્રીડમ પણ હોય. અહીં સ્વામી સચ્ચિદાનંદના કેટલાક જૂના વિડીયો જોવા મળશે. ઓશોની જેટલું એમનું કામ સચવાયું ને પીરસાયું નથી. પણ જાણવા માટે ઉપયોગી.(https://www.youtube.com/@Sachchidanandji )

(૧૬) યે ધુઆં કહાં સે ઉઠ રહ હૈ : આજકાલ ક્લબમાં જઈને જે હાઈ ફિલ કરવામાં આવે છે એવું સોંગ ૧૯૭૮માં છે અહીં ! એવરગ્રીન આનંદ બક્ષીએ બ્રેક  અપ ને ડિપ્રેશન પછી લૂઝ થઇ જતી લાઈફને શબ્દોમાં સજાવી છે. ધુમાડો ઊઠવાનું કારણ ? યે તો મેરા દિલ જલ રહા હૈ ! વળી આશા ભોંસલેનો અવાજ. અને લક્ષ્મી પ્યારેનું એરેન્જમેન્ટ એટલે ઓહોહો. એમાં ય આબેહૂબ યંગ શ્રુતિ હાસન લાગતી એની માતા સારિકાનું માદક જોબન. અને બધું તેલ લેવા ગયું વાળી નફકરાઈ.(https://youtu.be/bQmQKcarKCY?si=77xvezEfdmPXdlqK )

(૧૭) નેપો : વેકેશન સાથે જોડાયેલી એક યાદ ઘણાને હોય વૃદ્ધ પણ હૂંફાળા દાદાદાદી જેવા વડીલો. ઘડપણ સાથે શારીરિક ક્ષમતા ઘટે એમ મનમાંથી પણ સ્મૃતિઓ સરકવા લાગે. આવી બધી વાતને લઈને એક હૃદયસ્પર્શી ફિલ્મ બનાવવામાં આવી છે. જોજો. ગમે એવી છે, દિલ દુખાડીને પણ હળવું લારે એવી છે. (https://youtu.be/-p1P4fdhaF8?si=EEnbfln3aNjC6Gzy )

(૧૮) દિલીપકુમારનો ઇન્દિરા ગાંધીને જવાબ : આ એક જુના જાહેર પ્રવચનનો વિડીયો છે. દિલીપકુમાર પણ બચ્ચન અને શાહરૂખની જેમ વાચન ધરાવતા પ્રબુદ્ધજન. જૈન પર્યુષણ પર પણ બોલે. પણ આમાં કિસ્સો છે એ સમજવા જેવો છે. ત્યારે નેહરુનો દૌર હતો. અને દિલીપકુમાર તો એમને ચાહતા અને પડદા પર ગાંધીમૂલ્યોને બતાડવાની સભાન કોશિશ કરતા અમુક ફિલ્મો થકી. પણ લીડર ગમે એને આદર આપો ને સ્વામીત્વ આપો એનો અર્થ એ નહિ કે નાગરિક હિતમાં કે કલાની અભિવ્યક્તિ બાબતે સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે સાવ ખામોશ થઇ જાવ. પર્સનલ થયા વિના વિવેકપૂર્વક કહો, પણ સાચું લાગે એ બોલવું પડે. જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા અને ઇન્દિરા ગાંધીએ મનોરંજક ફોર્મ્યુલા ફિલ્મોની જમતા જમતા ટીકા કરી ત્યારે દિલીપકુમારે જે જવાબ આપ્યો એ વિચાર ને એની પાછળની ગરદન ટટ્ટાર હજુ રિલેવન્ટ છે. સાંભળો એ કિસ્સો એમના જ મુખેથી. જેના પછી પણ ઇન્દિરા પીએમ થયા હોવા છતાં દિલીપકુમારે પોતાની વાત બદલી નહોતી, ને ઇન્દિરા ગાંધીએ બદલો લીધો નહોતો. (https://youtu.be/6zUTf0MsWAs?si=z0rOkfe0IMowneN- )

(૧૯) હિમાલય રખડપટ્ટી અંદરની બહારની  : હિમાલય તો વર્ષોથી જગત આખાના ચૈતન્યને આકર્ષે છે. એમાં સુભાષ ભટ્ટ જેવા મરમી ઓલિયા છેલ્લા ૩૫ વર્ષોથી નિયમિત હિમાલયને ખેડે છે, એને સેવે છે. અને વળી વિશ્વ આખાનું ચિંતન પણ ભીતર ઘૂંટે છે. સુફીનો નાદ પણ સાભળે અને સાધુતાની નાડ પણ પારખે. રવિપૂર્તિમાં મનનીય લેન્ડસ્કેપ કોલમ લખતા આ માધ્યમોથી સહજ પરહેજ રાખતા આધુનિક ગુરુએ હિમાલય પ્રવાસ અને એની અનુભૂતિઓ પર આપેલું સરસ પ્રવચન અહીં સાંભળી શકાશે. ( https://youtu.be/CrdM6h1SQDY?si=2RQZBwKHw6RoUBU5 )

(૨૦) પરણિતી : વિજયદાન દેથાની લોકકથા પરથી પ્રેરિત વાર્તા પરથી પ્રકાશ ઝાએ એમના કરિઅરના આરંભમાં જે ફિલ્મ બનાવી હતી, એ દૂરદર્શન પર દાયકાઓ પહેલા જોઈ હતી. હવે યુટયુબ પર છે. જસ્ટ જોજો. લોભે થોભ નહિના શાશ્વત ઉપદેશની કહાની તો ચોટદાર છે જ પણ ટાંચા સાધનોમાં અભિનય અને માવજતની બારિકી પણ દેખાશે.  ( https://youtu.be/yBgryRo6Deo?si=nGEQ4YVmyiTKfOr7 )

(૨૧) મેરી નાસ્તિકતા : જાવેદ અખ્તર એવા રેર મુસ્લિમ છે જે ભગવાનમાં માનતા નથી. એથિસ્ટ છે. હા, આસ્થાને સમજીને સરસ ભજન રચી શકે છે. પણ એમની બળવાખોરી જમાના જૂની છે, એટલે પાકિસ્તાનમાં જઈને ઉધડો લઇ શકે છે ધર્મગ્રંથના ઓઠા હેઠળ ફેલાતા ત્રાસવાદ બાબતે. આ લેક્ચર અને પ્રશ્નોત્તરમાં ઘણા બંધ દિમાગની ક્ષિતિજો વિસ્તારવાની સાથે હ્યુમર ને એમની લાઈફની અને ભારતના ભૂતકાળની અજાણી વાતો ય જાણવા મળશે. (https://youtu.be/1jtaAdnAZtk?si=tPCdY5zKuID_wJuX )

(૨૨) લાઈફ : રેમેડી અને મનુ એલ નો આ વિડીયો સાંભળવાની સાથે જ વેકેશનમાં એકદમ જોવા જેવો છે. પ્યોર યૂથ વેકેશન રિસોર્ટ  ફીલ. (https://youtu.be/d4M4aDJPYD8?si=FMBEMrFen_dHcrya ) 

(૨૩) વોક લાઈક એ ઇજીપ્શ્યન :  બેન્ગ્લ્સ ગુ્રપના આ સોંગ એટલે બેઝિકલી ચોરી ચોરી જબ હો આંખે ચાર ( પાપ કી દુનિયા ) કિશોરકુમારવાળું ચોરી લેવાયેલું સોંગ. જો કે ભપ્પીએ એમાં રીધમ મસ્ત વગાડેલી. એ અલગ છે. પણ આના ય શબ્દો ને પરફોર્મન્સ ગમે એવું તો છે. (https://youtu.be/Cv6tuzHUuuk?si=7JqiqeDcA51gJqFk )

(૨૪) ધ હન્ટ : એક જમાનામાં આપણા તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસેન અને પશ્ચિમના કાબેલ રીધમીસ્ટ મિકી હાર્ટે ભેગા થઈને પ્લેનેટ ડ્રમ નામનું આલ્બમ બનાવેલું ને આહા, શું કમાલ છે એમાં આ સોંગ તો. બસ આંખ બંધ કરીને તબલા ને ડ્રમનું કોમ્બિનેશન સાંભળો ઈયર પ્લગ લગાવીને ! જુદી દુનિયામાં જ જતા રહેશો.  (https://youtu.be/aGWBA-xXH_g?si=sc83u-3xx4dwOKXR )

(૨૫) ધ કોમ્પ્લેક્સ વીએફએક્સ : ધ કિંગડમ ઓફ પ્લેનેટ ઓફ ધ એપ્સ અપેક્ષાથી પણ બેહતર ફિલ્મ છે. સાવ નવી શરૂઆત, એમાં વિચારતા કરે એવી કથા, પાત્રો અને સંવાદ. વળી એપિક સ્કેલ અને સમજવા જેવી સંવેદના. મોશન કેપ્ચારથી ડાયલોગ વિના પણ અનેક ભાવ ને એક્શન પડદા પર સાકાર કર્યા  છે ને એટલે મોટા પડદે મગજ સાથે લઈને જોવા જેવી ફિલ્મ બની છે જેમાં આજની આસપાસની સમસ્યાઓ દેખાય. પણ એની સ્પેશ્યલ ઈફેક્ટ કેવી રીતે થઇ જેમાં અભિનેતા પડદા પર વાનર દેખાય ? જુઓ આ વિડીયો (https://youtu.be/fd69E3o_3eQ?si=UzEk6Y3eluSpoUKP)

 ઝિંગ થિંગ 

કામિયાબી તેરે લિયે હમને ખુદ કો યૂં તૈયાર કર લિયા

મૈને હર જઝબાત બાઝાર મેં રખ કર ઈશ્તહાર કર લિયા !

( ઉત્તમ કોમેડિયન ઝાકિર ખાન ) 


Google NewsGoogle News