Get The App

જીવનનો બાગ ખીલવવાનો જાદૂ ઓ બસંતી પવન પાગલ... મેરે ઘર આના!

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
જીવનનો બાગ ખીલવવાનો જાદૂ ઓ બસંતી પવન પાગલ... મેરે ઘર આના! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- કોયલના ટહુકા અને ઝરણાના ઠુમકા... ફુલોના રંગ અને પ્રકાશના તરંગ... મદમસ્ત પવન અને ભમરાનું ગુંજન... શ્વાસમાં સુવાસ ભરી દેતી પ્રેમપ્રચૂર વસંતઋતુનાં આ વધામણાં છે.

અંતમાં આરંભ અને 

આરંભમાં અંત.

પાનખરના હૈયામાં ટહુકે વસંત.

સોળ વરસની વય, 

ક્યાંક કોયલનો લય,

કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય?

ભલે લાગે છે રંક 

પણ ભીતર શ્રીમંત.

પાનખરના હૈયામાં ટહુકે વસંત.

કોણે લખી છે આ રસથી ભરપૂર સંવેદનમધુર પંક્તિઓ ? અનુમાન તો કરો... વેલ, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક રચનાનો આ અંશ છે ! વસંત ભારતમાં તો ફાગણમાં બેસે પણ વસંત પંચમી અને વેલેન્ટાઈન્સ ડેના ફેબુ્રઆરી મહિનામાં એની પ્રસન્નતા જરૂર આવે. આપણા ઋષીઓ કેવળ આધ્યાત્મિક નહોતા રોમેન્ટિક પણ હતા. 

અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં 'તસ્ય તે વસંતે શિર' કહીને વસંતને બધી ઋતુઓમાં શિરમોર યાને માથાની ઉપર બેસતી ટોચની કહેવામાં આવી છે. કારણ કે એમાં સુગંધનું સંગીત છે, સૌન્દર્યનો સ્વાદ છે. મિલન અને પ્રેમની આ મોસમને ભારતના ભગવાન તો કેમ વિસરે રણમેદાનની વચ્ચે પણ ? 'ઋતુનાં કુસુમાકર:' યાને 'ઋતુઓમાં હું વસંત છું.' (કુસુમનો કર એટલે ફૂલોનો હાથ એટલે વસંત) એવું ભગવદ્ગીતાના ૧૦મા અઘ્યાયના ૩૫મા શ્લોકમાં કહેવાયું છે. પરંતુ ગીતાપાઠ ગોખનારા જીવાત્માઓ ઘણી વખત એટલા આઘ્યાત્મિક સંત બની જતા હોય છે, કે વસંતની વાત કરતા નથી. વસંતની વાટ જોતા નથી! 

કવિ કાલિદાસે તો વિખ્યાત ક્વોટ આપ્યું : 'સર્વપ્રિયે ચારુતરં વસંતે' યાને વસંતમાં તો બધું જ કેવું સુંદર લાગે છે ! વસંતપંચમીનું મેરેજના મુહૂર્ત સિવાય એનું શું માહાત્મ્ય? જયદેવે 'ગીતગોવિંદ'ના આરંભે કૃષ્ણ પ્રેમમાં વનમાં ભટકતી રાધાને વાસંતી કહી છે. વાસંતી એવું તો કન્યાનું નામ (વાસંતી કુસુમ એટલે મોગરાનું ફૂલ!) પણ આજે આઉટડેટેડ લાગે છે, ત્યાં વસંતની રંગત તો ઠીક, સંગત પણ કોણ કરે? વાસંતી આરતી ઉતારવા માટે, દીવીમાં નહિ દિલમાં દીવો કરવો પડે!

કોઈની ઈચ્છા હોય કે ન હોય, જેમ બેસતું નવું વર્ષ આવી જ જાય છે, એમ પ્રત્યેક વર્ષના ફેબુ્રઆરી - માર્ચમાં માસમાં જગતભરના દેશોમાં સ્પ્રિંંગ યાને વસંત પથરાઈ જાય છે. ઋતુઓને કંઈ કંકોત્રી લખીને બોલાવવી નથી પડતી. એનો સમય થાય એટલે એ આપમેળે પ્રગટ થઈ જાય! પછી તો આપણી આસપાસનો બદલાતો માહોલ એના આગમનના 'સિગ્નલ્સ' આપે... બદલાતી હવા અને વધતા ઘટતા સૂર્યપ્રકાશથી એની છડી પોકારાય... પાનખર આવે કે આપમેળે વાતાવરણ શુષ્ક બનતું જાય, પ્રકૃતિનું સૌંદર્ય જાણે 'સૂતક' પર બેસી જાય, ફૂલો ચીમળાય જાય અને મન મૂરઝાય!

અને વસંતનાં પગલાં પડવાની સાથે પરિવર્તનનું નર્તન શરૂ થાય! ડાળે ડાળે કળી પ્રગટે અને પગની આંગળીઓને ખરી પડેલા પુષ્પોની પાંદડીઆના સ્પર્શ! ધરતી તરત જ પ્રકૃતિના એક 'કમાન્ડ' ઉપર 'ડ્રેસ ચેન્જ' કરવાનું શરૂ કરી દે, માણસ ભલે - પરમાત્મા સાથે 'એકાકાર' થવાની પ્રચંડ કોશિશો કરે, પશુ - પંખી કે માછલીઓ ખરેખર સર્જનહારની વઘુ નજીક છે! ઋતુઓની એન્ટ્રી - એક્ઝિટથી તેઓ વાકેફ રહે છે, પણ માણસ બાપડો એવો કમનસીબ છે કે 'સીઝન' બદલાયા પછી જ મોસમના મિજાજને પારખી શકે છે!

માટે ખુલ્લા ખેતરો અને મોટા મેદાનોમાં, ઘેધૂર જંગલો અને છલકતી નદીઓમાં, ઉંચા પર્વતો અને ઊંડી ખીણમાં... સઘળે વસંતરાણી સૌંદર્યના ઝાંઝર રૂમઝૂમ રણકાવતી છવાઈ વળે છે. નાના શહેરોમાં તો એ ઘરના ફળિયા સુધી પહોંચી જાય છે. ન પ્રવેશી શકે તો એ કેવળ એક જગ્યાએ... આપણા ઘરમાં!

જી હાં, તમે કદી વસંતને ઘરની અંદર આવતી જોઈ છે? વસંતનું આગમન થાય ત્યારે મકાનની અંદર કશું બદલાતું નિહાળ્યું છે? વસંત આવે એટલે સિમેન્ટની દીવાલોમાં વેલા ફૂટે છે? વસંત આવે એટલે કાચની બારીઓમાં પંખી ટહુકે છે? વસંત આવે એટલે ક્રોંકિટના છાપરામાં ફૂલો ખીલે છે? જો આવું કશું નથી થતું તો પછી ઘરમાં વસંત ક્યારે આવે? અને જો 'બહાર' ઘરમાં ન આવે અને બહાર જ આવે તો એની શું મજા? ઘરની અંદર વસંત બોલાવવા શું કરવું?

બોલો છે કોઈ જવાબ?

છે. જવાબ છુપાયેલો છે ઓસ્કાર વાઈલ્ડની એક જગમશહૂર કહાનીમાં! ચાલો, એની રિવિઝન કરીએ પરીક્ષાની તૈયારીનો ભાર ઉતારી થોડી લાગણીની બહાર ખીલવીએ. 

***

એક ગામમાં મોટો બાગ હતો. બાળકોની ધીંગામસ્તીનું જાણે મેદાન જ સમજી લો ને! બાળકો દોડમદોડ - કૂદમકૂદ કરે એટલે જાણે સ્વર્ગને પામી જાય! બાગ પણ એકદમ ફક્કડ. મેઘધનુષના બધા જ રંગો ઠલવાયા હોય તેવો! આંબાનાં વૃક્ષો કેરીઓથી લચી પડે અને વડની વડવાઈઓ હિંચકા ખાતાં બાળકોથી! પક્ષીઓનો કલરવ અને લીલુડા ગાલીચા જેવું ઘાસ!

પણ બાળકોની મજા પર જાણે વીજળી તૂટી પડી. એક દિવસ બાગનો માલિક તેની પાસેની હવેલીમાં રહેવા આવી ગયો. એ બાગ એક રાક્ષસનો હતો. હવે એ અહીં જ રહેવા માગતો હતો. આવતાંવેંત કરડાકીભર્યા અવાજે અને આગઝરતી નજરે એણે બાગમાં ખુશહાલ મોજમસ્તી કરતાં બાળકોને ડારો આપ્યો. ગુસ્સે થઈને તમામ બાળકોને એણે ધમકાવી કાઢયાં. ''આ મારો સુંદર બગીચો છે. અહીં મારા સિવાય બીજા કોઈને રમવાની તો ઠીક, પગ મૂકવાની પણ છૂટ નથી!'' એણે ખીજાઈને કહ્યું : ''મને કોલાહલ કે આનંદપ્રમોદ પસંદ નથી.'' એણે બાળકોને ભગાડી મૂકયાં. ભૂલથી પણ કોઈ અંદર ન આવી જાય એટલા માટે બગીચાને ફરતી કંટાળી વાડ કરી દીધી. કડક ચોકીપહેરો શરૂ કર્યો.

બાળકો વીલા મોંએ નિ:સાસા નાખતાં બેસી રહેતાં. હવે એમની આંખોમાં આનંદ અને ચહેરામાં સ્મિત ન રહ્યું. દૂર દુરથી બગીચા સામે તાકતી એ આંખોના ખૂણે આંસુ ટપકીને સુકાઈ જતાં.

અને વસંતઋતુ આવી. વૃક્ષોએ જાણે લગ્ન લેવાનાં હોય એવા ફળ - ફૂલનો શણગાર કર્યો. સૌંદર્યોત્સવ પંખીઓના ગાનથી સજીધજી રહ્યો, પણ રાક્ષસના બાગમાં વસંતનો વૈભવ ન પ્રવેશ્યો! એક ટચૂકડું ફૂલ - ખીલ્યું જરૂર, પણ આસપાસની નીરવ શાંતિ જોઈને તરત લપાઈ ગયું! ટાઢુંબોળ હિમ જાણે ત્યાં ધામા નાખીને રહી પડયું. લીલાં પાન ખરી પડયાં અને ઠૂંઠાં બચી ગયાં. આખો બાગ કરમાવા લાગ્યો. તોફાની પવન, સૂકાં પાંદડાં અને સ્મશાનવત હિમવર્ષા સિવાય ત્યાં હવે કંઈ બચ્યું નહિં. પક્ષીઓ ઊડી ગયાં. 

રાક્ષસને થયું કે બીજા  વર્ષે વસંત આવશે, પણ વસંત તો બીજા વર્ષે પણ ન આવી. વસંત તો શું, કોઈ ઋતુની રોનક રાક્ષસના બાગમાં ન દેકાઈ. બાગ વેરાન થયો. રાક્ષસ પરેશાન થયો.

હવે રાક્ષસને એ જગ્યા ભેંકાર લાગતી. જે ઉપવન પર પોતે મગરૂર હતો એ ઉદ્યાન ઉજ્જડ થઈ ગયેલું. વર્ષો વીતી ગયાં એક દિવસ રાક્ષસ પથારીમાં પડયો હતો, ત્યાં એને મઘુર સંગીત સંભળાયું. વાતાવરણ શાંત હતું. હવામાં કંઈક તાજગીભરી સુગંધ હતી. રાક્ષસને થયું, અંતે વસંતઋતુ આવી ગઈ! રાક્ષસ બહાર દોડયો.

બહારનું દ્રશ્ય તો ભારે આહ્લાદક હતું. દીવાલમાં બાકોરૂં પાડીને કેટલાંક કોમળ ભૂલકાંઓ અંદર આવી ગયેલાં. બાગમાંના કેટલાંય વૃક્ષ પર બાળકો કિલ્લોલ કરતાં ચડી ગયેલાં અને એ દરેક વૃક્ષને ડાળીએ નવી કૂંપળો ફૂટેલી. બાળકોના અવાજ સાથે સૂર પુરાવવા પંખીઓ ઊડયા અને એમને રમતાં જોવા ફૂલોએ ઘાસમાંથી ડોકું બહાર કાઢયું! 

આ મનોહર દ્રશ્ય વચ્ચે બાગના એક ખૂણામાં હજુ ઠંડોગાર બરફ ઢંકાયેલો હતો. રાક્ષસે જોયું કે ત્યાં એક સાવ નાનકડો છોકરો એક વૃક્ષ નીચે રડમસ ચહેરે ઊભો હતો. વૃક્ષ પણ બિચારું બરફથી ઢંકાયેલું હતું. બાળક એના પર ચડી શકતો નહોતો. રાક્ષસ દોડતો એની પાસે ગયો. બાકીનાં બાળકોએ તો ડરથી ભાગમભાગ કરી પણ પેલો નાનકડો છોકરો ત્યાં જ ઊભો રહ્યો. રાક્ષસે દોડીને તેને ઊંચકયો અને વૃક્ષ પર બેસાડી દીધો! આ જોઈને બહાર ભાગેલાં બાળકો પણ હરખાઈને અંદર આવ્યાં અને સાથે આવી વસંત!

રાક્ષસે બાળકોને આવકાર્યા. ફરતેની વાડ હટાવી લીધી. બાગને મોજમજા માટે ખુલ્લો મુકી દીધો. પછી એ બાગમાંથી વસંતે કદી વિદાય ન લીધી. પણ રાક્ષસની નજર પેલા બાળકને શોધતી રહી. એ ફરી કદી ન દેખાયો! બાકીનાં બાળકો હવે રમવા આવા લાગ્યાં. 

ફરી વર્ષો વીતી ગયાં. એક દિવસે વૃઘ્ધ થયેલાં રાક્ષસે પેલા નાનકડા છોકરાને ફરી પોતાના બાગમાં જોયો. રાક્ષસ દોડતો એની પાસે પહોંચ્યો. ''અરે, તું કયાં હતો? હું કેટલાં વર્ષોથી તને શોઘું છું.'' એ બાળક ઊભો હતો ત્યાં બાગ વાસંતી વૈભવથી જાણે સોનેરીરૂપેરી થઇ ગયેલો. બાળકે રાક્ષસને  હાથ લંબાવ્યો. રાક્ષસની જર્જર અને અશકત આંગળીઓ પકડીને કહ્યું : ''એક દિવસ તેં મને તારા બગીચામાં રમવાની છૂટ આપેલી. આજે હું તને મારા બગીચામાં રહેવાનું આમંત્રણ આપું છું. સ્વર્ગ નામના મારા બાગમાં!''

***

'સેલ્ફિશ જાયન્ટ' (સ્વાર્થી રાક્ષસ) વાર્તાનો આ ભાવાનુવાદ વાંચીને સમજાયું કે ઘરમાં વસંત ખીલવવા શું કરવું? વસંત એ મુકિત અને મસ્તીની મોસમ છે. જે ઘરમાં આ બે બાબતોને સ્થાન નથી ત્યાં વસંતને પણ સ્થાન નથી! કુદરતના ખોળે વસંત આવે છે, ત્યારે કુદરત મોકળે હાથે પરિવર્તનને સ્વીકારે છે. જૂનાં પાન ખરે છે, નવી કૂંપળો ફૂટે છે. જામેલું હિમ પીગળે છે, નવાં પુષ્પો મહેકે છે, પણ ઘણા પરિવારોમાં પરિવર્તનને સ્થાન નથી! ત્યાં ઠંડોગાર પાનખરનો જ માહોલ હોય છે! જડ, શુષ્ક અને ભયાનક!

આપણે વસંતનાં ગીતો ગાઇએ છીએ. ચિત્રો દીવાલ પર ટીંગાડીએ છીએ. વસંત પર લખીએ - બોલીએ છીએ, પણ વાસંતી પ્રસન્નતાથી ભર્યું ભર્યું જીવન જીવતા નથી! આપણે માટે વસંત શબ્દ છે, જીવનશૈલી નથી. એક વિચાર છે, પણ વ્યવહાર નથી. વસંતને આપણે પોસ્ટરો અને હિલ સ્ટેશનોની સોગાત માની છે. વસંત એટલે નવીનતા, વસંત એટલે આનંદ, વસંત એટલે તાજગી, વસંત એટલે રંગ અને સુગંધ, વસંત એટલે ચેતન, વસંત એટલે થનગનાટ, વસંત એટલે યૌવન!

આપણા જીવનમાં આ બઘું છે? નવીનતા, આનંદ, તાજગી, રંગ, સુગંધ, ચેતન, થનગનાટ અને યૌવનથી આપણે જીવીએ છીએ? આપણે વાસંતી વાયરાઓની સાથે રહી શકીએ છીએ?.

જ્યાં સુધી માણસ અક્કડ રહેશે, પેલા રાક્ષસની જેમ બીજાના સુખથી ચીડાતો હશે અને હાસ્ય, નૃત્ય, ગીત, મસ્તીથી કંટાળતો હશે... ત્યાં સુધી તેના ઘરમાં કદી વસંત નહિ આવે! આજકાલ ધુવડગંભીરોની વસતિ વધવા ચાલી છે. હાથ આવ્યું તે હથિયાર લઇને ઘણા આઘુનિક 'રાક્ષસો' નવી પેઢીના સુખચેન પર તૂટી પડયા છે. યુવાનો પેલાં બાળકોની જેમ પોતાની મોજથી ધીંગા મસ્તી કરતાં હોય, નાચતા કૂદતા હોય અને કિલ્લોલ કરતા હોય.. એ ઘણા વસંતવિરોધી વડીલોથી સહન નથી થતું. 

મર્યાદા, સંસ્કૃતિ, નિયમ વગેરે રૂપાળા નામોની નીચે તેઓ યૌવનના તરવરાટ પર પ્રતિબંધો મૂકે છે. શિસ્તના અવળા અર્થઘટનથી તેઓ દરેક પ્રકારના આનંદને વખોડી કાઢે છે. સિનેમા, ટીવી, ઇન્ટરનેટ, સ્પોર્ટસ, મ્યુઝિક, ડાન્સ... દરેક માઘ્યમની સતત ટીકા જ થયા કરે છે. કશુંક નવું અને નોખું અપનાવીએ નહિ, તો પછી વસંત - ઘરમાં કેવી રીતે આવશે?

વસંતને ઘરમાં બોલાવી જુઓ. એકવાર કુદરતની જેમ પરિવર્તન અને પ્રેમને હૃદયથી સ્વીકારો. કોઈ બે સમજુ યુવાન હૈયાઓ કુદરતી આકર્ષણથી પ્રેમમાં પડે અને 'ખાનદાન' કે સમાજ એમને વિખૂટા પાડે કે જીવતા સળગાવી મૂકે... ત્યારે વસંત ઊભી ચિરાઇ જતી હોય છે. કોઈ નાનકડાં ભૂલકાંને ધમકાવીને ચૂપ કરી દેવાય ત્યારે વસંત રિસાઇ જતી હોય છે. કોઇ ઊગતા યુવક કે યુવતીને મનગમતું કારકિર્દીનું સાહસ કરવાની ના પડાય ત્યારે વસંત મુરઝાઇ જતી હોય છે. ઘરમાં વસંત બોલાવવા માટે જરા ઘરની ચાર દીવારીની બહાર નજર નાખતાં શીખવું પડશે. અને જો ઘરમાં વસંત ન આવે, ચિત્તમાં વસંત ન આવે, જીવનમાં વસંત ન આવે... તો પછી બહાર પથરાયેલા વાસંતી વિશ્વનાં વખાણ કરવાનો આપણને કોઇ જ હક નથીં!

પ્રકૃતિમાં થનગનતા મલયાનિલ (વસંતનો દક્ષિણેથી ફૂંકાતો ખૂશ્બૂદાર પવન)ના મઘમઘતા સ્પર્શથી શૃંગારિક રસિકતા આવે છે. સમ્રાટ અશોકનું હુલામણું નામ 'પ્રિયદર્શી' હતું. ઈન્દિરા ગાંધીને લાડમાં 'પ્રિયદર્શિની' કહેતા. 

જેમની આંખોમાં પ્રેમ નથી, એમને વસંતના પુષ્પો અને પાનખરની સળીઓ વચ્ચેનો ભેદ દેખાવાનો નથી. નજર મઘુર થશે, સ્વભાવ ભાવભીનો થશે, ચહેરાને બદલે હૃદયમાં સ્મિત રમતું થશે, અને મુહોબ્બત, મોજમજા, મસ્તી, માદકતા તથા મોકળાશનો સ્વીકાર વાતને બદલે વર્તનમાં ઉતરતો થશે, તો જ વસંતની કૂંપળો ડાળીને બદલે મનમાં નવપલ્લવિત થઈને મ્હોરશે. જ્યાં જડ પરંપરાનો આદર તૂટે છે, ત્યાં વસંત ફૂટે છે.

માણસે પણ કૂણા બનવાનું છે. માણસના રૂંવાડે રૂંવાડે ફૂલો ખીલવા જોઈએ, એના શ્વાસમાં તડકા ધૂંટાવા જોઈએ.વસંતની વાંસળી સૃષ્ટિ પર સૂર રેલાવે ત્યારે આપણી દ્રષ્ટિ બદલાય છે ખરી?  આપણે વિડીયોમાં વસંત શોધીએ એ તો ડિકશનેરીમાં ડિલાઈટનો અર્થ વાંચવા જેવું છે ! દલપતરામે ઋતુરાજ વસંતના વધામણા કરતી કવિતા લખેલી. પણ અજ્ઞોયની એક કવિતામાં વસંત આવે તો તો રાજાનો ઠાઠ બધો ઠોઠો થઇ ગયો હોય એવું ઉદાસીન વર્ણન છે. મોબાઈલ વોલપેપરના ફૂલો પર ભમરો બેસતો નથી. સિમેન્ટના મકાનોના વનમાં લીલા પાન ફૂટતા નથી જ્યાં લોન પણ કૃત્રિમ હોય છે !

લેખક જેરોમ કે જેરોમ કહેતા - 'જો દરેક માણસ પોતાની આગવી મોસમ રચશે, અને ઘડયા પછી એ મોસમને પોતાના પૂરતી જ રાખશે (બીજા પર નહિ થોપે) તો જ માનવજાત ખરેખર સુખી થશે!' કોલ્ડપ્લેની કોન્સર્ટ અમદાવાદમાં પૂરી થઇ ત્યારે એમાં સ્ક્રીન પર એક જ મેસેજ હતો માનવજાતના જખમ પર માલમ કરતો : બિલીવ ઇન લવ !

વેલકમ વસંત... મેરે ઘર આના... આના રે!

ઝિંગ થિંગ

કંઈ યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો,

પાંદડીએ બોલતાં શીખવ્યું, સુરીલો થઈ ગયો.

- ઉદયન ઠક્કર


Google NewsGoogle News