Get The App

કરપ્શન, એકશન, ઈવોલ્યુશન, રિવોલ્યુશન! .

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
કરપ્શન, એકશન, ઈવોલ્યુશન, રિવોલ્યુશન!                              . 1 - image


- અનાવૃત-જય વસાવડા

- શાસકો નાગરિકોના હિતો ચાવી ગયા ને નેતાઓ, અધિકારીઓ બધા જ કીડીને કણ હાથીને મણની જેમ ઘર ભરી બેઠા છે આસપાસચોપાસ એનું શું? 

ઓ માઈની માઈ... યે દેશ કો તેરે ખા રહે કાલે કાગા, 

જીસકો દેખો નોચ કે તુજકો, અપની ગઠરી લે કે ભાગા!

ધારો કે તમે જાત નીચોવીને, પરસેવો પાડીને એકઠા કરેલા રૂપિયા એક દોસ્તને ભરોસા ઉપર ઉધાર આપ્યા. કર્ઝદાર એની દારૂ-જુગારની જયાફતો કરીને લ્હેરથી પોઢી ગયો. તમે પ્રેમથી પૈસાની ઉઘરાણી કરી. રિમાઈન્ડર આપ્યા. રિકવેસ્ટ કરી. તમારા જ પૈસા હોવા છતાં હાથ જોડીને કરગર્યા. ભલમનસાઈથી વ્યાજ પણ જતું કર્યું.

છતાં તમારું લેણું ચૂકવવાને બદલે કર્ઝદારે મુદત માંગી. તમે આપી. ફરી માંગી. ફરી આપી. હપ્તે હપ્તે દેવાનો વાયદો કર્યો, ને પંચની હાજરીમાં તમે દાવો ન કરો, એવી વિનંતી કરી સમાધાન કર્યું. પાછળથી ફરી ગયો, અને તમે સમાધાનની નકલ લઈ વસુલાતનું ફક્ત પૂછવા ગયા, ત્યાં આખું ઘર તમારા પર તૂટી પડયું. ''હાય રે અમને હેરાન કરનારા પાપી બ્લેકમેઈલર, શરમ નથી આવતી જ્યારે ને ત્યારે પૈસા પૈસા કરતો આવી જાય છે, લોભિયા... અમારે ય પાડોશમાં આબરૂ જેવું હોય કે નહિ? તને બહુ ઉતાવળ હોય તો ફરિયાદ કર જા. પઘ્ધતિસર નોટિસ મોકલાવ, જવાબ આપશે મારો વકીલ. સીસ્ટમને આદર આપ, ને બીજી વાર અહીં આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશ.''

તમારા જ પૈસા, તમારા ધીરજપૂર્વકના ધક્કા, તમારો ભરોસો, તમારી ઉદારતા છતાં જો તમારો બે કોડીનો કર્ઝદાર તમને હડધૂત કરે તો તમને કેવું લાગે? પછી ધારો કે, આટલા એ બદમાશના અનુભવો થઈ ગયા બાદ તમે ઢીલું મૂકો? નમતું જોખો? તમારું મુદ્દલે ય જે પાછું વાળવામાં જાહેરમાં નામુક્કર જાય છે, એની સામે તો આવા જૂઠ, ફરેબ, દગા અને અપમાન પછી હવે વ્યાજસહિત અને નુકસાની સહિત આટલા દે, તો જ કાંઠલો મૂકું એવી જીદ કરો કે નહિ? 

અહીં કર્ઝદાર છે મુખ્યત્વે મહાભ્રષ્ટ પરમ નફ્ફટ સરકાર, તંત્ર અને તમામ લબાડલુચ્ચા નેતાઓઅધિકારીઓ અને એમના મળતિયાઓ અને લેણદાર છીએ, આપણે બધા. ભારતના સામાન્ય કાયદાથી ડરીને જીવતા નાગરિકો! આ જે આડેધડ પુલથી પ્રતિમાઓ બધું ધબ્બાય નમઃ થઇ જાય છે ને દીવાલોથી રસ્તાઓ કરોડોના ખર્ચે બનેલા પહેલા જ ચોમાસે ધોવાઈ જાય છે ભ્રષ્ટાચાર છે, એ મારાતમારાઆપણા હકના, ટેક્સના પૈસાનો જ છે, પારકી મૂડીનો નહીં, એ યાદ રાખવું જોઈએ! અને ખબરદાર, કેટલા ઓછા લોકો ટોચમાં ઇન્કમટેક્સ ભરે છે એની દુહાઈઓ આપી તો. એકેએક ચીજોની ખરીદીમાં, ફ્યુઅલથી ફિલ્મ અને વીજળીથી વિહાર સુધી બેશુમાર બાબતો પર રોજેરોજ તગડો ઇનડાયરેકટ ટેક્સ વસૂલવામાં આવે છે. રોડ ટેક્સ તો કોઈ વાહન ખરીદો એના પર પણ હોય છે ને ટોલ ટેક્સ એની માથે પણ વસૂલાય છે, છતાં એક ઢંગની ફેન્સિંગ પણ રોડ ફરતે જોઈ કદી ? વડોદરામાં મગરોની મહેરબાની કે સપાટી પર આવીને કોઈનો કોળિયો ના કર્યો, પણ વોટર મેનેજમેન્ટ ને પ્રિ મોન્સૂનના નામે મગરમચ્છથી મોટા જડબા ફાડીને શાસકો નાગરિકોના હિતો ચાવી ગયા ને નેતાઓ, અધિકારીઓ બધા જ કીડીને કણ હાથીને મણની જેમ ઘર ભરી બેઠા છે આસપાસચોપાસ 

એનું શું ? 

આપણને જોઈએ છે શું, અને આપણને મળે છે શું? જોઈએ છે, મનોરંજક અને મજબૂત ક્રિકેટ. મળે છે ક્રિકેટ બોર્ડનો બિઝનેસ. જોઈએ છે, રોજગારની સમાન તકો. મળે છે અધકચરી અનામત, લાગવગ, લાંચ, બેકારી. જોઈએ છે ખેડૂતોની જમીન અને ઉપજના યોગ્ય ભાવ, મળે છે નારાબાજીથી યાત્રાઓ અને ઝગમગતા પોસ્ટરો. જોઈએ છે, શ્રઘ્ધા, સમર્પણ, ઉત્સવો. મળે છે ધરમના નામે ધંધો કરનારા શેતાનો. જોઈએ છે મોંઘવારીમાંથી મુક્તિ, મળે છે નવો મોબાઈલ. જોઈએ છે, સરસ ફિલ્મ, મળે છે ઉઘાડી લૂંટ જેવા ભાવવાળી પોપકોર્ન. જોઈએ છે ખાડા વગરના રસ્તા, મળે છે રખડતી ગાયો, ભસતા કૂતરા. જોઈએ છે નવી ફ્લાઈટ, મળે છે,  તોતિંગ ખર્ચે બની જતા ને ઇન્ટરનેશનલ ફલાઇટ વિના એવી ઠઠાડી દેતા તકલાદી એરપોર્ટસ. જોઈએ છે, સરસ સ્કૂલ. મળે છે કડક પરીક્ષા. જોઈએ છે પીવાનું ચોખ્ખું પાણી, મળે છે ઉભરાતી ગંધાતી ગટરો. 

જોઈએ છે રહેવાનું મકાન, મળે છે વિદેશયાત્રાએ જતા પ્રધાન. જોઈએ છે, કુટુંબની સલામતી ને કડક કાયદાપાલન, મળે છે કોમવાદ ને નફરતના ફોરવર્ડેડ મેસેજ. જોઈએ છે  ભ્રષ્ટાચારીઓ સામે સખત પગલા, મળે છે જેલમાં બેસીને પણ પેરોલના રોટલા. જોઈએ છે, આધુનિક ટેકનોલોજીનો વિકાસ, મળે છે લાયસન્સ-પરમિટ માટે કમિશનના દલાલ. જોઈએ છે ન્યાય, મળે છે વકીલ! જોઈએ છે મસ્તી, આનંદ, પ્રેમ અને મળે છે પરંપરા, રીતરિવાજો, કૂથલીખોર સંસ્કૃતિ રક્ષકો. જોઈએ છે ભારતના ભાતીગળ વારસાની પહેચાન, મળે છે અભણ ધર્માંધ ઝગડાળુ, વિલાસી ને લાલચુ ધર્મગુરુઓના ગપ્પા. જોઈએ છે નવી વૈશ્ચિક સજ્જતા-સર્જકતા, મળે છે જૂના પૂર્વગ્રહોની લોકલ આળસ. જોઈએ છે સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન, મળે છે એક્ઝામનું ટેન્શન. જોઈએ છે સુખ, સગવડ, શાંતિ, પ્રગતિ, મળે છે દંભ અને અહંકારથી ખદબદતી અશિસ્ત અને કુટિલ કોર્પોરેટનું શોષણ. જોઈએ છે સ્ત્રીઓની સ્વાધીનતા અને મળે છે બળાત્કાર, સેન્સરશિપ! જોઈએ છે નિર્દોષ હસતુંરમતું બાળપણ, મળે છે ઈન્ટરનેટનું એકાકી ગાંડપણ. જોઈએ છે સાયન્સ- ઈકોનોમિક્સ, મળે છે ટેક્સ- પોલિટિક્સ, જોઈએ છે લીડર, મળે છે ચીટર! જોઈએ છે બ્યુટી, મળે છે માર્કેટિંગ ને કોસ્મેટિક્સ. જોઈએ છે જોઈએ છે, જનજાગૃતિ, મળે છે ટોળું!

ભારતમાં માણસ માટે કાયદો નથી. કાયદા માટે માણસ છે. કરપ્શન સાવ તો કદી નહિ જાય, પણ કાયદાઓના કરપ્શન વધારતા અડાબીડ જંગલને બદલે એને સ્ટ્રીમલાઈન કરેલા અસરકારક ઝડપી ન્યાયનો બહુ ચર્ચાશૂરા થયા વિના વાસ્તવિક અમલ કરો તો કાબૂ બહાર ગયું છે, એ નિયંત્રણમાં આવશે. કેવળ ચૂંટણીના મતદાન કે ઓનલાઈન ફરિયાદોથી એ કામ થતું હોત, તો આ અળસિયું એનાકોન્ડા અજગર બન્યું જ ન હોત! ભાંગેલું હાડકું પીડા કરે, એમ હાડવૈદનો ઝાટકો ય શરૂમાં ચીસ તો પડાવે પણ પછી લાંબે ગાળે એ વેદના ઘટાડી, હાડકા મજબૂત કરે!

માણસમાત્રમાં કેટલીક કરપ્ટ વૃત્તિ હોય છે. એ સનાતન સંઘર્ષ છે. સવા અબજની વસતિનું એકિટવિઝમથી પણ હૃદય પરિવર્તન કયારે થાય? આ દેશમાં લોકશાહી શાહીમાં છે, લોહીમાં નથી. હીરો-વર્શિપના જીન્સ ડીએનએમાં ધરાવતું ભારત પશ્ચિમની જેમ 'નીચેથી ઉપર' સુધારા નહિ લઇ આવી શકે, 'ટોપ ટુ બોટમ' જ પરિવર્તન આવશે. હા, નવી પેઢીને ઘડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાવી જ જોઇએ. પણ પાકા થઇ ગયેલા ઘડાઓને વિચારોથી કાંઠા ન ચડે, ત્યાં ધોકા ફટકારી જૂના કાંઠા તોડવા પડે! કોઈ પણ ઉત્ક્રાંતિ સમયસર ના થાય તો જૂની વિકૃતિ બની જાય છે, કોઈક દિવસ જવાળામુખી જેવા વિસ્ફોટ થશે, સહનશીલ અને મૌન પ્રજામાં ઘૂંટાતી વેદનાની હૈયાવરાળનો!

ભારતીય પ્રજા અભાવો અને દંભથી પીડાતી હોઇને એનામાં કેન્દ્રસ્થાને પૈસો ઘુસી ગયો છે. પ્રજા તદ્દન બેદરકાર, બેજવાબદાર, બૂડથલ, બદમાશ છે. આ બધું સાચું (અને એ માટે સમય-સમય પર પ્રજાને ટોણા શાણા માણસો મારે જ છે!) પણ એટલે શું બધો દોષ જનતાની ખીંટીએ ટીંગાડી નેતાઓએ કાળા નાણાંની નદીઓમાં ધુબાકા મારવાના? કશો પ્રયત્ન કરવાનો જ નહિ, નવુંનક્કોર ભારત બનાવવાની દિશામાં?

ભારતમાં ભ્રષ્ટાચાર બે પ્રકારના છે, અને ભ્રષ્ટાચારી ચાર પ્રકારના છે. જગતમાં હોય એવો ભારતમાં એક ભ્રષ્ટાચાર અછતનો છે, જેના પર આ જગ્યાએ અવારનવાર લખાયું છે. એડમિશન ન મળે તો ડોનેશન. રિઝર્વેશન ના મળે તો કમિશન. થિયેટરમાં સીટ લિમિટેડ હોય અને આઠમની રજામાં જોવાવાળા અનલિમિટેડ એટલે ટિકિટોના કાળાબજાર થતા. હવે નથી થતા કારણ કે ફિલ્મો કરતા મલ્ટીપ્લેકસના સ્ક્રીન વધી ગયા. તો એનો ઉકેલ છે, સુવિધા વધારો. માંગ સામે પુરવઠો આપો. વચેટિયાઓ પર ચાંપતી બાજનજર રાખી, તરત અને નિષ્પક્ષ સજા કરાવો. બીજો ભ્રષ્ટાચાર છે- લાલચનો. કોર્પોરેટ વર્લ્ડ કે સેલિબ્રિટીઝનું ભીમસેન જેવું પેટ ઝટ ધરાતું નથી. કુબેરના ભંડારો જમી લીધા પછી એમની પેઢીઓ ખાતા ન ખૂટે એટલો ખજાનો જનતાનો ખાઇને પણ વધુ ને વધુ ભેગો કરવાની ભૂખ રહે છે. એમની સામે 'જરૂરતે કમ હૈ, ઇસલિયે જમીરમેં દમ હૈ' જેવા જવાબદાર, પ્રામાણિક અને દેશભક્ત નાગરિકોની કાઉન્ટર સીસ્ટમ ઉભી કરી એમને કંટ્રોલમાં રાખવા પડે.

પણ આપણે બધા જ ભ્રષ્ટાચારી ગણાઇ જઇએ (બધા જ અપ્રામાણિક હોય ત્યારે એકલો પ્રામાણિક માણસ ઇચ્છે તો ય ૧૦૦% શુદ્ધ, સ્વચ્છ રહી જ ન શકે. કાદવમાં ચાલે, એ થોડો તો ખરડાય જ!) પણ બધા સરખા સ્તરે નથી.

ભારતમાં એક વર્ગ એવો છે, જે સંખ્યામાં ખાસ્સો મોટો છે, પણ એ ધારે તો યે ભ્રષ્ટાચારી થઇ શકે તેમ નથી. રોજનું કમાઇને રોજનું ખાવાવાળા મજૂર, શ્રમજીવીઓનો આ વર્ગ છે. એમને ઝાઝુ ભણતર નથી મળતું. એમની આસપાસનું તંત્ર ભ્રષ્ટ છે, એનો ભોગ આ કંગાલ પ્રજા બનતી રહે છે. પણ મોટા કે છોટા અન્ય ભ્રષ્ટાચારની એમની ક્ષમતા જ નથી. એમના સુધી જે લાભ પહોંચવા જોઇએ, એ ઉપરના ભ્રષ્ટાચારીઓ જમી જતાં હોય છે. છતાં ય આ બિચારા ખામોશ છે. ગરીબ હોવા છતાં બધા ચોર નથી. આ વર્ગ જમીનના ટેન્ડરના નહિ, પાણીના ટેન્કરના સપના જૂએ છે. ઝંખના રાખવી એ ભ્રષ્ટાચાર નથી, એના માટે કોઈ પાસેથી અણહકનું છીનવી લેવું એ ભ્ર્રષ્ટાચાર છે!

બીજો વર્ગ છે જેને જાડા નરને જોઇને શૂળી ચડાવી દેવાયો છે, તેવો બે ય બાજુથી પીસાતો મિડલ કલાસ.મેરિટ છતાં નોકરી કે બદલી માટે કે માટે ધક્કાથી કંટાળીને મજબૂરીમાં 'ઉપર'ના પૈસા 'નીચે'ના માણસોને આપતી વ્યક્તિની અને હજારો કરોડ સહીઓ કરીને કાયદાની નજર નીચે સેરવી લેનારા નેતાઓ - અધિકારીઓ  સરખામણી કરવી એટલે આવેશમાં તમાચો મારનાર અને ઠંડા કલેજે સિરિયલ મર્ડર કરનારને સરખા 'હિંસક' કહી દેવા! આ બિચારો મઘ્યમવર્ગ સાવ અન્યાયી ટેકસ સ્ટ્રકચરમાં કચડાઇ જાય છે. મકાન લેવા જાય તો 'ઓન'ના પૈસા દેવા પડે છે. એને વ્હાઇટ રહેવું હોય તો ય એને બ્લેક બનાવવા કોન્સ્ટેબલથી ક્લાર્ક સુધીના રંગારાઓ ટાંપીને બેઠા હોય છે. સીસ્ટમ સખણી ચાલે, તો આ વર્ગને ભ્રષ્ટાચાર મરજીથી કરવો નથી. રિશ્વત લેતો-આપતો એ બંધ થઇ જાય તેમ છે, કારણ કે એડોપ્ટિવ અને પ્રોગ્રેસિવ છે.

ત્રીજો વર્ગ છે- બ્યુરોક્રસી. વહીવટી તંત્ર. એક સમયે જનલોકપાલનું દોરડું આ સાંઢના શિંગડામાં ભરાવવા જ જાડું બનાવાયું હતું, એને ગૃહિણીના વાળ જેવું પાતળું કરીને ભૂલાવી દેવાયું છે આજે. જીસસ, કૃષ્ણ, મોહમ્મદ, બુદ્ધ, નાનક, મહાવીર પણ સત્તાસ્થાને આવે તો વેમ્પાયરના બચકાં પછી પિશાચ બની જતો આ માણસખાઉ વર્ગ એમને ગાંઠે તેમ નથી. નવાસવા ઉત્સાહીઓ સીસ્ટમના દાંત ગળામાં ખુંપ્યા પછી લોહી તરસ્યા, કાં મડદાલ થઇ જાય છે. રાજકારણીઓ કરતાંય આ વર્ગ વધુ ભ્રષ્ટ છે. અમુક ખાલી બાહુબલી થઈને કે જ્ઞાાતિવાદી જોર પર ચૂંટાઈ ગયેલા અભણ ગમાર રાજકારણીઓને તો તરકીબો એ જ શીખવાડે છે! બચાવે છે, અંગ્રેજ રાજની વફાદાર નૈતિકતાને લીધે એના અવગુણો ઢંકાઇ ગયેલા, જે બરાબર તગડા થયા છે. આ વર્ગ માટે ભ્રષ્ટાચાર એ જ સીસ્ટમ છે. સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નથી. એમાં વીસ પચ્ચીસ ટકા નિષ્ઠાવાન શુદ્ધ લોકો છે જ. પણ આદૂના રસના ગ્લાસમાં ચમચી મધની મીઠાશ કેટલી જીભે ચડે? એટલા જ! ગુજરાતમાં એક બાહોશ પ્રમાણિક અધિકારી ચિંતન વૈષ્ણવની પેલા અશોક ખેમકાની માફક કોર્ટે નીકરી બહાલ કાર્ય પછી પણ કેટલી બદલીઓ શા માટે થઇ એ જાણજો. કારણ એક જ છે, એવા કરોડરજ્જુ ટટ્ટાર રાખીને જીવનારા બીજાના બ્લેક હોલ જેવું પોલાણ ધરાવતા ગજવાને નડે છે. પણ પબ્લિકને આવા હીરાનો સાથ આપવાની દરકાર નથી. એટલે બીજા એવા થાવનું એ જોઇને જ ટાળી દે ને રાજકોટમાં એક ગઠિયાને પકડયા ત્યાં બીજા આવનારે પણ રિશ્વતખોરી ચાલુ કરી એવો ઘાટ થાય છે. કોઈ નબળા પ્રોજેક્ટ પર એ માટે જવાબદાર સોરી, બેજવાબદાર અધિકારીઓનું નામ મોટા અક્ષરે લખાતું ભાળ્યું ? 

અને ચોથો વર્ગ છેઃ આ ત્રણેયની સ્થિતિ / મજબૂરીનો લાભ લેતાં લુચ્ચા વેપારીઓ, ગઠિયા ધર્મગુરુઓ અને નકટા રાજકારણીઓ. જેમનું નાક પ્લાસ્ટિકનું છે, અને પેટ પટારાનું છે. એમને કોઇ હાલાકી નડતી નથી, માટે હાઇસોસાયટી બનેલા આ વર્ગને મોટેભાગે સમસ્યાનો અંદાજ જ નથી. જેમને ખબર છે, એ લોકોને માંડ ધક્કામુક્કી પછી મળેલી સીટની જેમ ભ્રષ્ટાચારથી મળેલી અમીરાઇ ટકાવવા  અવાજ ઉઠાવતી પ્રજાને ઉલ્લુ બનાવવા ને એમ ના સમજે તો પરેશાન કરીને ચૂપ કરાવવા ઉધામા કરે છે! એમાં અપવાદો ચોખ્ખા દેખાય એટલા થોડા છે! આ બકાસુરોની નાણાભૂખ કદી ઓસરતી નથી. સાદગી એમનું નાટક હોય છે. એકબીજા સાથે બધા ભળેલા છે અને એમનું નેક્સસ નીતિવાન જજો કે પ્રામાણિક પોલીસવાળાઓને લકવાગ્રસ્ત કરી દે એટલી હદે ન્યાયની એ ભુજાઓ નબળી ને ખોખલી બનાવી દે છે. અપરાધ એમના માટે અધિકાર છે ને શઠ થવામાં કોઈ શરમ નથી. એમના વારસદારો પરદેશ જતા રહેતા ઘણી વાર ગાદી સંભાળવાની ના હોય તો, હવે એમના ત્રાસથી થાકીને ભારતનું યુવા બુદ્ધિધન મોકો મળે કે વિદેશ ભાગી જાય છે. પોલીટીકલ પાવર હવે ક્રાઈમને છાવરતો નથી, ખુદ જ ક્રાઈમ કરે છે પોતાને જેની રખેવાળી કરવાની છે એ સંવિધાન અને દેશ સાથે!

આ ઘાતક જંતુઓ સામે ઇવોલ્યુશન પામેલી ઇમ્યુનિટી એટલે સત્યની ઝાંખી ટમટમતી ધુ્રજતી મીણબત્તી! ભલે રૂપિયાની નોટ પર સત્યમેવ જયતે વાંચીને ગાંધીબાપુ બોખું સ્મિત કરતા. મનુભાઈ પંચોળી કહેતા એમ સત્ય સંગઠ્ઠનનો સહારો મળે તો જ જીતે છે, ને અહી તો રઘવાટમાં સ્વાર્થી બનેલો દરેક નાગરિક પોતાની ગઠરી બચાવવામાં વ્યસ્ત છે ને એને વિભાજીત કરવા ફાલતુ જેવા મુદ્દાઓ ચગાવી દેતી મીડિયાની ચીડિયા મસ્ત છે. 

વિનાશક ઘોડાપૂર તો ભ્રષ્ટાચારનું છે, જે ઓસરતું પણ નથી કદી!

ઝિંગ થિંગ

ન પ્રજા હૈ, ન તંત્ર હૈ...

એ તો આદમી કે ખિલાફ આદમી કા

ખુલા ષડયંત્ર હૈ !

(ધૂમિલ)


Google NewsGoogle News