Get The App

સંસાર છોડી દીધા પછીનો સવાયો સંસાર!

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સંસાર છોડી દીધા પછીનો સવાયો સંસાર! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- કોપથી ભયભીત કે લાભથી લાલસુ ઘેટાંઓ ધર્મનું નામ પડે એટલે ડોકું સ્વાર્થથી ધુણાવતા હોય ત્યારે એમનું વિચારદ્વાર બંધ થઇ જતું હોય છે.

બ હુ જૂની અને ખાસ્સી જાણીતી બોધકથા છે, થોડાઘણા અલગ વર્ઝન્સમાં ફરે છે પણ સાર કંઇક આવો છે. 

એક હતા સાધુ. ફક્કડ થઈને રહે. દુનિયાની વાતોમાં એમનો જીવ ચોંટે નહિ. વીણેલાં ફળ ફૂલથી ગુજરાન ચાલે, નદીએ  જઈને ધુબાકો મારી લે. રહેવાનું પણ એવા ત્યાગી ગુરુજીની ઝુંપડીમાં. બાકીનો સમય જપતપમાં જતો રહે. એમાં એક દિવસ ગુરુજી લાંબી જાત્રાએ ગયા. સાધુએ ભલું થયું ભાંગી જંજાળ સમજીને જરૂરિયાતો ઓર ઘટાડી. 

એમની સાત્વિકતા જોઈને અમુક ગામવાસીઓ એમ જ એના ભક્ત થઈ ગયા. આપણે ત્યાં સતત જેમને કોઈને કોઈનો આધાર જોઈતો હોય એવી વસતિ વધારે. ઝટ લાકડી થઈને પગમાં પડી જાય. મગજ પણ જાણે લાકડું. એની વે, આ બાવાજી તો ખરેખરા અલખ નિરંજન ખાખી બાવા હતા. એમને કશું જોઈતું નહોતું. દેહ ટકાવવા પૂરતી વ્યવસ્થા હતી. બાકી એ ભલા ને એમનું હરિનામ ભલું. તો ભક્તોને ભાવાવેશ ઉભરાઈ જાય એટલે એમણે ભેગા થઈ એક સરસ મજાનું ધોતિયું સાધુને ભેટ આપ્યું. સુંવાળું ચમકતું આરામદાયક વસ્ત્ર. સાધુએ આનાકાની કર્યા બાદ લોકોને રાજી રાખવા લઈ લીધું. 

કોઈ દિવસ આવું સરસ વસ્ત્ર પહેરેલું નહિ, તો ફાવી ગયું ને ગમવા લાગ્યું. આરામ અને આનંદ ગમે જ માણસને એ કુદરતનો કાનૂન છે. એની મનાઈ કરનારા હઠીલાઓને પણ એના વગર ચાલતું નથી. ખેર, સાધુને ધોતી ફાવી ગઈ. એમાં વળી ઉંદરડા આવી એ કાતરી ગયા ને કાણા પડી ગયા. લોકોએ બીજું ધોતિયું લઈ આપ્યું, પણ થોડા દિવસોમાં ફરી એ જ હાલત. કોઈએ ભિક્ષામાં સલાહ આપી કે 'બાપજી, એક બિલાડી પાળો તો ઉંદર ના આવે.' સાધુને વાત ગળે ઉતરી. એ એક બિલાડી લઈ આવ્યા. 

ઉંદરના ત્રાસમાંથી મુક્તિ મળી, પણ બિલાડીના પોષણ માટે દૂધ જોઈએ. એટલે એક ગાય રાખવામાં આવી. ગાય માટે છાપરું બનાવવું પડે તો ઝૂંપડીની જગ્યાએ ઓરડીમાં શું વાંધો, એમ પાકું ચણતર શરૂ થયું. દૂધ વધી પડતું તો ફેંકી થોડું દેવાય એમ માનીને પડતર ભવે વેંચીને આ ખર્ચ કાઢવાનું નક્કી કર્યું. મકાન ને વહેવાર વધતા સફાઈ ને રસોઈ માટે કોઈની મદદ જોઇએ એમ માની એક સ્ત્રીને સેવામાં રાખી. એમાં એની જોડે મન મળી ગયું અને...

વર્ષો પછી ગુરુજી લાંબા ગાળે જાત્રામાંથી પાછા આવ્યા તો જોયું કે એમની ઝૂંપડીની જગ્યાએ હવેલી બની ગયેલી, આસપાસ સેવકો અને વિવિધ સુવિધાઓ, ઘોડાના રથ અને રંગીન શણગાર...ચેલાજીએ સંન્યાસ તો છોડી દીધેલો અને એના બાળકોના શિક્ષણ તથા ભરણપોષણને માટે વેપાર શરૂ કરેલો. હવે એ જોગીમાંથી ભોગી બનેલા અને કારોબાર ધમધમાવતા શેઠ હતા સાધુની જગ્યાએ ! 

વેલ, ધીરે ધીરે કરતા કેવી રીતે ત્યાગના કિલ્લામાં મોહના ગાબડાં મસમોટા પડે છે, એ આબાદ સમજાવતી આ કથામાં તો કમ સે કમ એ બાવાજી નીતિવાન ને પારદર્શક હતા. સંસાર ફાવી ગયો તો ખોટો દંભ કર્યા વિના સ્વીકારી લીધું જાહેરમાં. પણ આજકાલ તો ખાલી વસ્ત્રોમાં વૈરાગ હોય ને બાકી તો દુનિયાભરની ખટપટ ને વૈભવ હિલોળા લેતો હોય એવા ઉદાહરણો ભરપૂર જોવા મળે છે. આખાબોલા દીર્ઘદ્રષ્ટા સરદાર પટેલ યાદ આવી જાય જેમણે એક સાંપ્રદાયિક સ્વામીના કોર્ટકેસ લડવા બાબતે આગ્રહ કરતા પિતા અને સ્વજનોને રોકડું પરખાવી દીધેલું કે 'પોતાની માલમિલકત માટે અદાલતે ચડનારા ને એકમેક સાથે ઝગડનારા આવા સાધુઓ પરલોકમાં આપણું શું ભલું કરી લેવાના !' ધાર્મિક લોકોને હજુ સરદારના નામને દોઢસો વર્ષે વટાવી ખાવા માટે જરૂર પડે છે. પણ રાષ્ટ્ર માટે સર્વસ્વ સમર્પણ કરનારા સરદારને કદી ધર્મના દેખાડાની ટેકણ લાકડીની જરૂર નહોતી પડી ! 

કારણ કે ગાંધીજી પોતે ભારે ધર્મચુસ્ત આસ્થાવાન. પણ એક બાબતે ક્લિયર હતા. સફેદ ખાદી પહેરવી પણ ભગવા વસ્ત્રો એટલે ના પહેરવા કે જાહેરજીવનમાં રાજકીય કામો કરવાના છે. લોકોને ભગવા વસ્ત્રોની સાધુતા જોઈને ત્યાગી હોવાનો અહોભાવ થાય છે, એ છેતરપિંડી કહેવાય જનમાનસ સાથે એવું બાપુ માનતા. આજે તો વળી સંન્યાસ ધારણ કરનારા ટેસથી ચુંટણીઓ લડીને મોટા હોદ્દા પર ગોઠવાઈ જાય છે ને જીવને શિવમાં ભેળવવાથી ડર લાગતો હોય એમ સુરક્ષાના કાફલા સહિત મોટો રસાલો લઈને ફરે છે, એટલે તો ગાંધીને અળખામણા રાખવા પડે છે !

***  

ખેર, આ બધું યાદ એટલે આવ્યું કે મહાકુંભ શરૂ થાય એ પહેલા કંઇક સ્ટોલની ફાળવણી બાબતે શેરીમાં ઝપાઝપી થતી હોય એમ સાધુઓ ઝગડી પડયા એવા સમાચાર આવ્યા ! વાર તહેવારે જોઈને કોઈ જગ્યાના વારસદાર કે ગાદીપતિ કે મોટા ગુરુજીની વિદાય બાદ આશ્રમો કે ફેલાયેલા પથારાની મિલકતો ને સતત કે ભોગવટા માટે જેમતેમ ઉગ્ર થઈને કજિયા કરતા, કેસ કરતા, મારામારી કે ઈવન ક્યારેક કોઈ કિસ્સામાં હત્યા કરતાં કરાવતા અને ભાગેડુ થઈ જતા સંસારત્યાગીઓના સમાચારો કંઈ ઓછા નથી. વૃંદાવનમાં હમણા એક બહુ વિખ્યાત નગરજનો કારોબાર એમના ગયા પછી સંભાળતી ત્રણ દીકરીઓમાંથી એકનો અકસ્માત થયો, એમાં પણ કોઈ અંદરના વ્યક્તિનું શાસન કે સંપત્તિ માટેનું ષડયંત્ર હોવાની વાતો બહાર આવેલી. બધું છોડીને જ્યાં જતું રહેવાનું હોય એવા ગિરનારની ગોદમાં પણ જાણે ગેંગવોર ચાલતી  હોય એવા નિવેદનો આવ્યા કરે છે. અહીંથી ફોરેનમાં પોતાની સ્પિરિચ્યુઅલ બ્રાન્ડની બ્રાન્ચ ખોલનારા આપણા અનેક છે. હવાલા સેન્ટર ચાલતા હોવાની તપાસો ધર્મસ્થાનકોમાં થાય છે. વાતો સંસ્કૃતિની અને વાસ્તવ વિકૃતિનું. યાદી તો આવી લાંબી છે. ઘટનાઓ નામજોગ લખવામાં સમય એટલે વેડફ્યો નથી કે આવું તો સતત થયા જ કરે છે, એટલે ફરી ફરી વાંચવું હોય તો વાંધો નહિ ! 

'સંયમ'નું પ્રદર્શન કરવા બેશુમાર દોલત ખર્ચી નાખવામાં આવે છે. જેમાં ટ્રાફિક જામ કરતા ટોળામાં કે ધૂમ પ્રચાર કરતા ટોપ લેવલ મહાત્માઓ સંયમ રાખતા નથી. દીક્ષા હોય કે યજ્ઞા, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી , શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી વગેરે કોઈ પણ ધર્મના કે ધર્મગુરુઓના આવા  ભપકાદાર ઉત્સવો કે આશ્રમ ટાઇપ સેટ અપમાં અધ્યાત્મ કરતા ઇવેન્ટ વધુ હોય છે ! જી હા, ચડસાચડસીની મેગા ઇવેન્ટ. જો કે પોતાના પૈસે ધામધૂમ કરવાનો હક્ક બધાને છે જ. પણ પછી એને ત્યાગ અને સંયમના રૂપાળા ઓઠાં આપો તો સમજદારોમાં હાસ્યાસ્પદ લાગે. આમાં જે તે ધર્મના અમુક ઉત્તમ સિદ્ધાંતો ય હાંસીપાત્ર ઠરી જાય. ગ્લેમરવર્લ્ડવાળા બાપડા પ્રમાણિક છે, એટલે સેલિબ્રેશન એન્ડ પાર્ટી એવું નિખાલસતાથી કહી દે છે. સનાતન ઉપદેશ મુજબ કર્તાભાવ રાખીને ત્યાગનું પણ કર્મ કરો તો જૈનમાં પુદગલ કહેવાય એવા કર્મબંધન ઉત્પન્ન થવાના જ. વિડિયો, પોસ્ટર અને જયજયકારમાં પ્રેરણા પણ પ્રચારની વધુ મળે છે. આચરણની અસલી ભાવના ભૂલાતી જાય છે.

તમાશાને તેડું ના હોય, અને ટોળું હોય જ. એવા દોઢ નવરાઓ અહીં દોઢ અબજમાં છલોછલ છે , ભીડ જમાવી કોઈ જીવનસુધાર વિના રેડીમેઈડ લાભ લેવા દર્શન માટે લોકો જીવતા ચગદાઈ જાય એવી હડી મથુરા હોય કે મક્કા, બધા ધર્મસ્થળ પર ઘેલા થઈને કાઢનારા બીજાને નડવામો અધર્મ નથી  આચરતા ?

આવા દરેક પોસ્ટર કે સિક્યુરિટી કે  કન્સ્ટ્રકશન કે કાર્ડ કે વિડીયો-ફોટો-મ્યુઝિક પાછળ એ બધા પાછળ જે ટેકનોલોજી અને ક્રીએટીવીટી વપરાઈ એ પ્રાચીન શાસ્ત્રો નહિ પણ આધુનિક પશ્ચિમી વિજ્ઞાાનની ભેટ છે. જેની પ્રોફેશનલ સેવાઓ પૈસા ખર્ચી ખરીદવામાં આવતી હોય છે. આવું વિકસિત દેશોમાં સાયન્સ પ્રોજેક્ટ માટે કે એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ કે કાર્નિવલ માટે થાય છે, એજ્યુકેશન માટે થાય છે. જેથી બાળકોમાંથી નવા નવા સ્ટીવ જોબ્સ કે સ્ટીવન સ્પીલબર્ગ મળ્યા કરે. અને ડોલર, યુરો, પાઉન્ડ વગેરે નવી નવી સિદ્ધિઓથી મજબૂત કર્યા કરે. આપણે ભૂતકાળના પલાયનવાદનું પ્રમોશન કરી, પાતળા થતા રૂપિયા સાથે તગડા થતા ત્યાગીઓ વધારવા આનો ઉપયોગ કરીએ છીએ. સાધુઓ જ વધે છે, સાધુતા તો ઘટતી જાય છે !

કોપથી ભયભીત કે લાભથી લાલસુ ઘેટાંઓ ધર્મનું નામ પડે એટલે ડોકું સ્વાર્થથી ધુણાવતા હોય ત્યારે એમનું વિચારદ્વાર બંધ થઇ જતું હોય છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે એ જગજાહેર છે, એમ બ્લેક મની ગેરકાયદેસર છે એ નરી સચ્ચાઈ છે. પણ કોઈ સંસાર ત્યાગી ડાયરેક્ટ નહિ તો ઇનડાયરેક્ટ એની હેરાફેરીનો ત્યાગ કરતા નથી ! 

નોર્મલ માણસ કંઈ એટલી જાગૃતિ કે સંયમના ઢોલ પીટતો ફરતો નથી, એનો કોઈ મહાન ધર્મપ્રેમી હોવાનો દાવો ય હોતો નથી. પણ આવા ધર્મરક્ષકો તત્વદર્શનથી વિરુદ્ધ વેપારમાંથી કરોડો કમાય એટલે એ નાણું પવિત્ર થઇ ગયું ! આખો મામલો આપણામાં હાડોહાડ પડેલી 'પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ'ની વૃત્તિનો જ છે. મોટા અબજપતિએ બધું છોડયું એને ધર્મની જીત બતાવવામાં કેન્દ્રસ્થાને દર્શન નથી - કેવા પૈસાદારે છોડયું એ આંકડામાંથી પેદા થતો અહોભાવ છે. સરવાળે આ ત્યાગ માટેનું નહિ, પણ પૈસા માટેનું આકર્ષણ જ સાબિત કરે છે. ઇવેન્ટમાં ખર્ચાયેલો પૈસો જ ન્યુઝ બને છે. એમાંથી મૂઢમતિ પ્રભાવિત થાય છે. ઈગો ઓફ વેલ્થ. રૂપિયા જ જ્યાં સિદ્ધિ અને પ્રસિદ્ધિનો કાયમી માપદંડ હોય ત્યાં કેવો ત્યાગ ને કેવો સંન્યાસ ? 

જેને ખરેખર છૂટી જાય એ થાય ચૂપચાપ ચાલતા. એને પછી બીજાને દેખાડવાનો મોહ કેવો ? અને એ મોહ હોય ત્યાં સુધી મોક્ષ કેવો ? પૂછો મહાવીરને. બુદ્ધને. ગોરખને. રામકૃષ્ણને. કબીરને. નરસિંહને. ગંગાસતીને. સૂફી રૂમીને. સેવાભાવી ઇસુને. અરે અલખનાં નાદ જગાવતા કોઈ ઓલિયા અલગારી એવા ગિરીકંદરામા રખડતા મુફલિસ જોગીને ! પણ પૈસાની ચકાચૌંધમા અંજાઈને ભપકાદાર ઠાઠમાઠને વળી સંયમમાં ઠસાવી દેતા, કોઈ ભૌતિક વળતર માટે દોટ મૂકી એને ધર્મકાર્યમાં ખપાવી દેતા મંદમતિઓ ને સત્યની શોધ સાથે શી લેવાદેવા ? અખા કે ભોજા ભગતના છપ્પા ભૂલીને વૈભવવિલાસને ગાળો દેતાદેતા અંદરથી એની જ ભક્તિ કરવી કે ટીકાના બહાને કે પણ એમાં જીવ પરોવેલો રાખવો ને જાહેરમાં વૈરાગના ગપ્પા મારવા - એ પણ છે 'મેઇક ઇન ઇન્ડિયા' ! 

કડવું ભલે લાગે. પણ અંહકારથી છલોછલ થઈને લાવલશ્કર સાથે ફરતા મહાન આત્માઓ સંસાર છોડી દેવાના મોટે ભાગે નાટક કરે છે. કાં તો લાગે જોઈ કશુંક  પોતાની સંસ્થા માટે માંગતા ભિખારીઓ વધુ જોવા મળે છે, કાં ધર્મને ધંધો બનાવી અબજોની બેઠી આવક ઊભી કરનારા વેપારીઓ વધુ જોવા મળે છે ! હિન્દુબહુલ ભારતમાં છીએ એટલે આ કિસ્સા  વધી દેખાય. બાકી બધે આ જ ગરબડગોટા ચાલે છે. અને પોતાનામાં કશો સડો હોય તો એ ક્રાંતિ કરી, સત્યની અહાલેક જગાવી પહેલા સુધારવો જોઈએ. એટલે બીજાઓની વાત કરો તો સાચા આવું કહેનારાં એ જ લોકો છે જેમને પોતાની જવાબદારી ખંખેરી નાખવું છે. પહેલા પોતાનું ઘર સરખું કરવાનું હોય, બીજાના વિવેચન કરવામાં એએમની ખોટી જડતાની નકલ ના કરાય. 

ઝાકિર નાયક નામનો એક ભારતમાંથી ભાગેડુ જૂઠાડો ઇસ્લામના નામે ઊંચી ઊંચી વાતો કરી બીજાને નીચા બતાવવા ઠેકડા મારતો હોય છે, જેના કરતૂત પર પણ અગાઉ એ અહીં હતો ત્યારે જ લખેલું. પણ હમણાં એ પાકિસ્તાનમાં જઈને વધુ પડતી વાયડાઈ કરવા ગયો, તો ત્યાંની ભણેલી આધુનિક યુવતીઓએ એને સરાજાહેર ઉંચકાવી લીધેલો. ઈરાનમાં મુલ્લાશાહી સામે લડત જાનના જોખમે લડાય છે. આપણે તો પ્રહલાદ જેવાની કથાઓ રચી કે સાચું સગા બાપને પણ બેધડક કહેવું જોઈએ. વિભીષણ અને વિદૂર ભારતમાં પૂજનીય છે. એમને રાવણ કે દુર્યોધન પણ ટ્રોલ નહોતા કરતા. 

તો વાત એ છે કે કોઈ ગુરુ હિમાલયમાં કેવા એકાંતમાં વિહરે છે એના વિડિયો બને છે, પણ એકાંત સાધના કરતા હોય તો શૂટિંગ માટે કાફલો ક્યાંથી આવ્યો ? ઈન્સ્ટાગ્રામ કે યુટયુબ જેવા વિદેશી અને વિજ્ઞાાનના માધ્યમો પર ખાસ નેટવર્ક રચીને સંસાર અસાર છે ને સબ મોહમાયા હૈ કહેતા મિથ્યાભિમાનીઓ પાછું પોતાના પુસ્તક, શિબિર કે ચેનલને સપોર્ટ કરવાનો મોહ ત્યાગતા નથી ! એસી ગાડીઓ, લકઝુરિયસ બંગલાઓ, ચેલાચેલીઓ, ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કૈસે જેવી ઈર્ષા ને ખેંચતાણથી બીજા હરીફો સાથે સરખામણીઓ ને એકબીજાને પાડી દેવાના કારસાઓ, ભવ્ય મંડપો, ચકાચક કંકોત્રીઓ, ભપકાદાર ભાષણો, હવાઈ ઉડ્ડયનો, તગડા આર્થિક વહેવારો, ઠસ્સાદાર ઉત્સવો, આરામદાયક ફેન્સી  સગવડો, પોપટ પપેટ બનાવતા આધુનિક યુવક યુવતીના બ્રેઈનવોશ, કોર્પોરેટ સ્ટ્રકચર ને એ બધા નાટકો છુપાવવા થોડીઘણી મેવાવાળી સેવા અને નિસબત વિનાની એરણની ચોરી અને સોયનું દાન જેવી ઈમેજ બિલ્ડિંગ કરતી સખાવત !

બિચારા સિમ્પલ મિડલ ક્લાસના માણસ પાસે આટલો વૈભવ નથી, વિલાસ નથી, ફેશન કે ફન નથી. અરે, આટલું ધન નથી. છતાં એ પાપી અને આ બધા ધધૂપપૂ પુણ્યશાળી ! પરમના નામે અહમના ઝંડા ફરકે છે. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે વાક્ય બનાવનાર કોઈક આર્ષદ્રષ્ટા ષિ હશે ! સંસારના ત્યાગ કરવામાં મોહ, દંભ અને અહંના બાકોરે ક્યારે નવોસવાયો સંસાર વળગી જાય છે એની ખબર પણ રહેતીનથી ! 

ઝિંગ થિંગ

વિખ્યાત ખગોળવિજ્ઞાાની કાર્લ સેગન પસાર થતા હતા ત્યાં લોકો ભેગા થઈને આકાશમાં અચરજથી જોતા હતા. એમને કોઈ દેવતાઈ ચમત્કાર લાગે એવા તેજલિસોટા આકાશમાં હતા. કાર્લ સેગાને પોતાની ગાડીમાંથી ટેલિસ્કોપ કાઢી જોઈને કહ્યું કે આ તો અવકાશયાનો છે, કોઈ વિશેષ ઘટના નથી. લોકો નિરાશ થઈ જ્ઞાાન સમજવાને બદલે વિખેરાઈ ગયા. કાર્લભાઈએ નોંધ્યું કે માણસોને સત્ય કરતા કાલ્પનિક કહાનીમાં વધુ રસ પડે છે !


Google NewsGoogle News